Homeગામનાં ચોરેપાકિસ્તાન દુષ્કર્મીઓને નપુંસક બનાવશે

પાકિસ્તાન દુષ્કર્મીઓને નપુંસક બનાવશે

પાકિસ્તાનમાં જો કોઈ દુષ્કર્મના આરોપમાં દોષી ઠરશે તો તેને હવે નપુંસક બનાવી દેવામાં આવશે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરીફ અલ્વીએ એન્ટી રેપ ઓર્ડિનેન્સ-2020ને મંજૂરી આપી દીધી છે. આ કાયદા અનુસાર પાકિસ્તાનમાં આવા મામલે હવે સુનાવણી અને તપાસની એક સિસ્ટમ તૈયાર કરાશે. અદાલતમાં દુષ્કર્મના મામલાની સ્પીડી ટ્રાયલ કરવાની રહેશે. આ વટહુકમમાં દોષિતોને નપુંસક બનાવવાની પણ જોગવાઈ છે.

પ્રસિડેન્ટ હાઉસ તરફથી જાહેર કરાયેલા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, વટહુકમ મુજબ સમગ્ર દેશમાં સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવશે. જેથી દુષ્કર્મના મામલાની સુનાવણી ઝડપી થઈ શકે. આ અદાલતોમાં ચાર મહિનામાં સુનાવણી પૂરી કરવાની રહેશે. આ વટહુકમ પાકિસ્તાનમાં વિદેશી મહિલા સાથે થયેલાં કથિત ગેંગરેપ બાદ લાવવામાં આવ્યો છે.

સપ્ટેમ્બર મહિનામાં કેટલાક લોકોએ બાળકો સામે જ વિદેશી મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. મહિલાની કાર હાઈવે પર ખરાબ થઈ હતી. મહિલાને એકલી જોઈ કેટલાક શખ્સોએ આ કૃત્ય આચર્યું હતું. આ ઘટના બાદ પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો જેથી સરકાર પર દુષ્કર્મની ઘટના મુદ્દે કડક કાયદો બનાવવા દબાણ વધ્યું હતું. પાકિસ્તાનમાં દુષ્કર્મની વધતી જતી ઘટનાઓને લઈને પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને નવેમ્બરમાં જાહેરાત કરી હતી કે સરકાર એન્ટી રેપ ઓર્ડિનન્સ લાવશે.

વટહુકમને સમજો

જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે જ અગત્યની બાબતો પર વટહુકમ બહાર પાડવામાં આવે છે. વટહુકમ બહાર પાડ્યા બાદ તેને છ સપ્તાહમાં સંસદમાં મંજૂર કરાવવો પડે છે અન્યથા વટ હુકમ રદ થઈ જાય છે.

વટહુકમની ખાસ વાતો

આ વટહુકમ મુજબ એન્ટી રેપ ક્રાઈસિસ સેલ બનાવવામાં આવશે. જે ઘટનાના છ કલાકમાં જ આરોપીની મેડિકલ તપાસ કરાવશે. નેશનલ ડેટાબેઝ એન્ડ રજિસ્ટ્રેશન ઓથોરિટી (NADRA) મુજબ દુષ્કર્મના આરોપીઓની દેશભરમાં યાદી બનાવાશે. વટહુમક મુજબ આરોપીઓની ઓળખ છતી નહીં કરવામાં આવે. આવું કરવું એ દંડનીય અપરાધ ગણાશે. તપાસમાં બેદરકારી દાખવનારા પોલીસ અને સરકારી અધિકારીઓને દંડ ઉપરાંત ત્રણ વર્ષની કેદ થશે. આ ઉપરાંત ખોટી જાણકારી આપનારા પોલીસ અને સરકારી અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

વારંવાર દુષ્કર્મના મામલાઓમાં જે લોકોનું નામ સામે આવશે તેમને નોટિફાઈડ બોર્ડની સલાહ પર કેમિકલથી નપુંસક બનાવી દેવામાં આવશે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી એક ફંડ બનાવશે જેનો ઉપયોગ સ્પેશિયલ કોર્ટ બનાવવામાં કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ આ ફંડમાં યોગદાન આપશે. આ કામમાં બિનસરકારી સંગઠનો, સામાન્ય નાગરિકો સાથે લોકલ, નેશનલ અને ઈન્ટરનેશનલ એજન્સીઓ પણ મદદ મળશે.

એક ખાનગી ચેનલના રિપોર્ટ મુજબ બાળકો માટે પાકિસ્તાન નર્ક બન્યું છે કેમ કે પાકિસ્તાનમાં છેલ્લા છ મહિનામાં 1489 બાળ યૌન શોષણના મામલા સામે આવી ચુક્યા છે. એટલે કે પાકિસ્તાનમાં દરરોજ 8 બાળકો યૌન શોષણનો શિકાર બની રહ્યા છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે આરોપીએ દોઢ વર્ષની બાળકી સાથે બર્બરતા આચરી. આરોપીએ પહેલાં બાળકીનું અપહણ કર્યું. બાળકી પર દુષ્કર્મ આચર્યું અને તેના શરીર સાથે બર્બરતા કરી. ત્રણ દિવસ બાદ આ બાળકીનો મૃતદેહ એક અવાવરૂ જગ્યાએથી મળ્યો હતો. આ કેસમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે, તેની ઓળખ આપવામાં નથી આવી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments