Homeવિશેષતસવીર-એ-બયાં : 90sની આ દસ જાહેરખબરો તમે ક્યાંય નહીં જોઈ હોય

તસવીર-એ-બયાં : 90sની આ દસ જાહેરખબરો તમે ક્યાંય નહીં જોઈ હોય

નેવુંના દાયકાની એક મજા હતી. કોઈ પણ કામ કરો શરીર સ્ફુર્તિલુ રહેતું હતું. કરિયાણાની દુકાને જવા માટે યા તો સાઈકલ હોય અથવા તો ચાલીને જવાનું હોય. આના સિવાયનો ત્રીજો વિકલ્પ રાજદૂત હોય તો હોય બાકી હોય જ નહીં. પાંચ ગામ છોડતા કોઈના ઘરમાં રાજદૂત ગાડીનું આગમન થાય તો બીજા બત્રીસ ગામો જોવા પંદર પંદર કિલોમીટર દૂરથી ટોળે વળે અને મહેમાનગતિ કરે એમ પણ બને. આ તમામ વસ્તુઓનો એક મોહ હતો. મોહ હોવાનું કારણ અખબાર હતું. અખબાર અને સામાયિક સિવાયનો કોઈ ત્રીજો વિકલ્પ આપની કે ચાબુકની પાસે હતો જ નહીં. એ વાંચીએ અને તેમાં લખેલું હોય તે માની લઈએ. છાપાવાળાઓને જ્ઞાની સમજતા હતા. જેમની પાસે ખબર નહીં ક્યાં ક્યાંથી ખબર આવી જાય. છાપામાં છપાય એ બધું જ સાચું. વિજ્ઞાપન પણ સાચા. એક તો એવી વાત પણ સામે આવેલી કે એશ્વર્યા અને સુષ્મિતા સેન જેવી સુંદરીઓને વિશ્વ સુંદરી બનાવવા પાછળનું કારણ ભારતમાં કોસ્મેટિક સહિતની વસ્તુઓનું બજાર ઊભું કરવાનો હતો. જો આ છોકરીઓ કહે કે ફલાણા સાબુથી અમારું સોંદર્યું પૂરબહારમાં ખીલી ઉઠ્યું તો પછી ગામ આખું ખરીદશે. હવે છાપા અને અખબારોના આખા પાના રોકતી આવતી આવી કેટલીક જાહેર ખબરો પર આજના તસવીર-એ-બયાંમાં નજર કરીએ. આજે વીસ વર્ષના થયેલા અને 2000ની સાલમાં જન્મેલાઓને ખ્યાલ આવે કે મારોય એક જમાનો હતો કોણ માનશે?

ઉપરા ઉપરી બે જાહેર ખબરો આવશે અને બંનેમાં બે વસ્તુ કોમન છે. એક બિસ્કીટ અને બીજું ગબ્બર. ગબ્બરસિંહ 80ના દાયકાથી ઉપડી ગયેલો જ્યારે શોલે ફિલ્મ આવી હતી. તસવીરમાં દેખાય છે એ છે બ્રિટાનીયાનું ગ્લુકોઝ-ડી બિસ્કીટ. ખાવું પણ ગમતું અને રિસેસમાં નાસ્તાપેટીમાં જેને ‘ભાગડબ્બો’ કહેતા તેમાં સાચવીને રાખવું પણ ગમતું હતું. કોઈ કોઈ વખત તો તેના રેપર સાચવીને રાખવા પણ ગમતા હતા. કોઈ જગ્યાએથી તૂટે નહીં એ રીતે તેની અંદરથી સાવધાનીપૂર્વક બિસ્કીટ કાઢવામાં આવતા. બિસ્કીટ નીકળી જાય પછી મિત્રને કહેતા, ‘આ જો તારા માટે બિસ્કીટનું પડિકું લાવ્યો.’ એ બિચારો ખોલવા જાય અને અંદરથી કંઈ ન નીકળે. કોઈ માની શકે આપણે આવી રમતો પણ રમતા હતા.

ઉપર જે જાહેરખબરની વાત કરી એ જ વિજ્ઞાપનનું અલગ આવરણ છે. અહીં ગબ્બર ફુલ શોલેની અદામાં છે. પહેલી જાહેરખબરમાં ટેસ્ટ અને ન્યૂટ્રીશનની વાત મેકર્સે મૂકી અને બીજીમાં એક વધારાની વસ્તુ ઉમેરી દીધી. વીટામીન. 90માં વીટામીનની ખૂબ વાતો થતી હતી. ગબ્બરની એક મિનિટ અને સાત સેકન્ડની વીડિયો જાહેરખબર પણ બનાવી હતી. જેમાં ગબ્બર પાસે કાલિયા બીજી કંપનીના બિસ્કીટ લાવે છે તો ગબ્બર તેને હવામાં ઉડાવી ગોળીઓથી વીંધી નાખે છે અને પછી ઓરિજનલ બિસ્કીટ માગે છે. ઓરિજનલ બિસ્કીટ એ અસલી સ્વાદવાળા ગ્લુકોઝ-ડી બિસ્કીટ. ખરાં અર્થમાં તો હીરો પાસે જાહેરખબરનું પ્રમોશન થતું હોય. જરા વિચારો વિલન તરીકે અમજદ ખાન ગબ્બરના રોલમાં કેટલો પોપ્યુલર થયો હશે? કે વિજ્ઞાપન તેના નામે ચાલી ગયું.

બોર્નવીટા આજની જ નહીં ત્યારની પણ પ્રાથમિકતા રહી છે. 1937ની સાલમાં માર્કેટને ઉપાડવા માટે રવીન્દ્રનાથ ટાગોરની પાસે કંપની પહોંચી ગઈ અને તેમણે એક સંદેશ લખીને પાઠવ્યો. તેમના મૃત્યુના સાડા ત્રણેક વર્ષ પહેલા આ ઐતિહાસિક ઘટના બની હતી. કંપનીએ જાહેરખબરમાં રવીન્દ્રનાથ ટાગોરનો એ રીતે ઉલ્લેખ કર્યો કે ભારતના એક ખ્યાતનામ લેખકનો આ સંદેશ છે. ટાગોર નોબલ પ્રાઈઝ વિનર હતા. એક લેખક આ રીતે પ્રોડક્ટનો પ્રચાર કરે તો વાત ક્યાં પહોંચી ગઈ ? આજે કોઈ લેખક આ રીતે પ્રોડક્ટનો પ્રચાર કરતાં આવે છે ? બિલકુલ નહીં. રવીન્દ્રનાથ ટાગોરને શું કામે વાંચવા જોઈએ તેનો તેમની એ વખતની લોકપ્રિયતાથી જ અંદાજ લગાવી શકાય. બોર્નવીટાને ઉપાડવામાં તેમની કલમનો પૂરેપૂરો હાથ છે. ભલે તમે માનો કે ન માનો.

એ જાહેર ખબર બંગાળીમાં પણ આવેલી અને અંગ્રેજીમાં પણ. અહીં બંગાળીમાં એ જાહેરખબર અમે ઈન્ટરનેટની રહસ્યમયી દુનિયામાંથી શોધીને આપના માટે લાવ્યા છીએ. 1960-1980માં બોર્નવીટા ભારતમાં ખૂબ ચાલી. તેણે વિદ્યાર્થીઓને આંટીએ લીધા અને બોર્નવીટા ક્વિઝ કોમ્પટીશન પણ ચાલું કર્યું હતું. બોર્નવીટા પીવાથી બુદ્ધિમતા વધે. શારીરિક ક્ષમતા વધે. વાત પૂરી. બધા પીવા લાગ્યા.  

ભારતમાં કોકાકોલાએ 80-90ના દાયકામાં પોતાનો જેટલો પ્રચાર કર્યો એટલો તો કોઈ પ્રોડક્ટે કર્યો નહીં હોય. જે વ્યક્તિ પોપ્યુલર થઈ જાય તેને લઈ આવે અખબારમાં અને તેના હાથે પોતાની કોકાકોલાનો પ્રચાર કરાવે. શરૂઆતમાં આવા રૂપાળા લોકો પાસે પ્રચાર કરાવતા.

90માં સચિન જેટલું કોઈ લોકપ્રિય ન હતું. કલાકારો આવતા રહ્યા જતા રહ્યા. ખેલાડીઓ પણ આવ્યા અને ગયા, પણ જે વાત સચિનમાં હતી એ કોઈનામાં નહોતી. બજાજે પણ તેને લાલ કલરની પોતાની સ્કૂટર પર બેસાડી અને તેના ઓટોગ્રાફ સાથે હસતો ચહેરો મૂકી દીધો. સચિનના ચહેરાને જોતા લાગે છે કે તમે સફળ થાવ છો તો તમે હેન્ડસમ પણ લાગો છો. બાકી સચિન હેન્ડસમ નથી. તેને તેની સફળતાએ હેન્ડસમ બનાવ્યો છે. સફળ માણસ હંમેશાં સુંદર લાગે છે. જેમ કે નવાઝુદ્દીન સિદ્દીકી.

90માં ગામડામાં દૂધ દેવામાં બે બાઈકનો ઉપયોગ થતો. રાજદૂતને તો બાઈક કેમ કહેવી પણ હીરો હોન્ડાની CD-100 બાઈક આ જમાનો લાવી. જે પાછળથી દૂધ દેવાના કામમાં જ આવી. લોકોને પોસાય તેવા ભાવ તો હતા નહીં. દરેક સમયની પોતપોતાની મોંઘવારી હોય છે. પણ સલમાન ખાન લોકપ્રિય હતો. સલમાન જે ગાડી પર બેસે તો એ ગાડી આપણી પાસે પણ હોવી જોઈએ. આ ગાડી બાદમાં હીરો હોન્ડાની જ બીજી ગાડીઓના કારણે ઠોઠીયું તરીકે ઓળખાતી થઈ ગઈ. ગામડામાં જઈ કોઈના ઘરમાં નજર કરજો. આ જૂનું મોડલ હજુ હશે. વાડીએ જવામાં કામ લાગે. આ બાઈકનું માર્કેટ ભંગાયું હીરો હોન્ડાની જ CD-DAWN દ્વારા.

પોપીન્સ ન ખાધી હોય તેને 90માં હું જન્મ્યો છું એ કહેવાનો બિલકુલ અધિકાર નથી. પારલેના પારલે બિસ્કીટ પછીની બેસ્ટ પ્રોડક્ટ. આજે 2020 ચાલે છે. કોઈ સાવ અંતરિયાળ ગામડામાં જાઓ તો પોપીન્સ હજી મળી જાય, તો એ દિવસોમાં આંખો બંધ કરી સરી પડીએ. જ્યારે મિત્ર લઈને આવતો અને બધાને એક એક પીપર આપતો. ખટમીઠી અને અલગ અલગ કલરની. એમાં પાછા ઝઘડતા કે, ‘લાલ મને દેજે અને લીલી તું રાખજે.’ તમને પણ થતું હશે કે આ ચાબુકવાળા આ જ તો રોવડાવશે હો.

આ વાત તમે નહીં માનો પણ વિનોદ ખન્ના 80-90માં સૌથી સફળ અને સૌથી હેન્ડસમ અભિનેતા હતો. તેની ઉંચાઈ. તેના શરીરનો બાંધો. તેના ચહેરાનું નક્શીકામ, આ બધું તેને હેન્ડસમ કેટેગરીમાં લાવી મૂકતું હતું. ધર્મેન્દ્ર પછીનો મોસ્ટ હેન્ડસમ અભિનેતા. નીચે જુઓ શું લખ્યું છે ? ગુજરાતીમાં ભાવાનુવાદ કરી શકાય કે વિનોદના શરીરને આત્મવિશ્વાસથી સભર બનાવતો સાબુ. વિચારો જરા. મગજને કસો. આવું હોય ? એલા આમ પણ હોય ? એલા પણ શું છે આ બધું ? સાબુથી આત્મવિશ્વાસ આવે?

ભારતમાં છોકરાઓને નહોતી ખબર કે જેમ્સ બોન્ડ કોણ છે ? જેમ્સ બોન્ડની જેમ બનવાની તેમને ઈચ્છા પણ નહોતી. 1999ની સાલ આવી ત્યારે જેમ્સ બોન્ડથી મહાનગરોના અને ધીમે ધીમે નાના શહેરોના છોકરાઓ પરિચિત થતા ગયા. આજે ઈન્ટરનેટના કારણે તો કોઈને અજ્ઞાની ન સમજી શકાય. એને ન પૂછાય કે તું જેમ્સ બોન્ડને ઓળખે છે ? જોકે આ જાહેરખબરની અંદર જે વસ્તુ છે તેનાથી તો દરેક છોકરો પરિચિત હતો. જેમ્સ. અલગ અલગ પ્રકારની ગોળીઓ જે ખાવાની અને સ્વાદ લેવાની મજા જ આવ્યા રાખે. નોન સ્ટોપ એક્સાઈટમેન્ટ. આવી તો ઘણી જાહેરખબરો અને તેની વાત કરીએ તો ખૂટે પણ નહીં. જોકે હવે અલ્પવિરામ મુકીએ. પૂર્ણવિરામ તો કોઈ વિષયમાં ચાબુકવાળા કોઈ દિવસ નથી મૂકતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments