Team Chabuk : કાશીમાં પ્રતાપમુકુટ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેના સુપુત્રનું નામ વ્રજમુકુટ હતું. એક વખત રાજકુમાર દિવાનના છોકરાને લઈને જંગલમાં શિકાર કરવા માટે ગયો. શિકારની શોધમાં અહીંથી ત્યાં ભટકી રહ્યા હતા અને વચ્ચે એક તળાવ નજરે ચડી ગયું. તળાવનું પાણી ખૂબ સુંદર હતું. તેમાં કમળ ખિલેલા હતા. હંસ તેની ચારેબાજુ ફરી રહ્યા હતા. સૂર્યના કિરણો તેના પર પ્રકાશ પાથરી તેની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા હતા. તેના કિનારા પર ઊંચા અને મનમોહક વૃક્ષ હતા. જે પ્રવાસીઓને તેની છાયામાં વિશ્રામ કરવા માટે આમંત્રિત કરી રહ્યા હતા. વૃક્ષ પર પક્ષીઓના કિલ્લોલ કરવાનો અવાજ આવી રહ્યો હતો. તેની બિલકુલ ઉપરના ભાગે ભગવાન શિવનું મંદિર હતું. જય મહાદેવ.. બંને મિત્રો થોડી ક્ષણ રોકાયા અને તળાવની સુંદરતાને માણી. તળાવના પાણીથી હાથ-મોઢું ધોયું અને મહાદેવના મંદિરે દર્શન કરવા માટે નીકળી પડ્યા.
બંને અશ્વોને એમણે મંદિરની બહાર બાંધી દીધા. એ મંદિરમાંથી દર્શન કરી બહાર આવ્યા તો જુએ છે કે તળાવના કિનારે એક સુંદર રાજકુમારી પોતાની બહેનપણીઓ સાથે સ્નાન કરી રહી છે. દિવાનનો છોકરો તો વૃક્ષની ઓથે બેસી ગયો અને આરામ કરવા લાગ્યો પણ રાજકુમારીની સુંદરતા જોઈ રાજકુમારથી ન રહેવાયું અને તે તળાવ તરફ ડગ ભરવા લાગ્યો.
રાજકુમાર રાજકુમારીની નજીક આવી ગયો. રાજકુમારીએ તેને જોયો તો તે પણ તેના પ્રત્યે આકર્ષિત થઈ ગઈ. બંને એકબીજાની સામે એકધારા જોતા હતા. રાજકુમારીએ માથા પરથી કમળનું ફૂલ કાઢ્યું અને કાન પાસે લગાવ્યું ત્યાંથી સરકાવી દાંતથી કોતર્યું પછી પગની નીચે દબાવ્યું અને બાદમાં છાતી સાથે લગાવીને સખીઓ સાથે ત્યાંથી રાજકુમારને એકલો છોડી ચાલી ગઈ.
રાજકુમારીની વિદાય પછી નિરાશ વદને રાજકુમાર પોતાના મિત્ર પાસે આવ્યો. જે હજુ વૃક્ષની ટેકે આરામ જ ફરમાવી રહ્યો હતો. તળાવના કિનારે તેની સાથે શું થયું તે બધું તેણે પેલા મિત્રને કહી સંભળાવ્યું, ‘હું એ રાજકુમારી વિના જીવન વ્યતિત નહીં કરી શકું. મને તો તેના નામની પણ ખબર નથી અને ઠામ ઠેકાણાની પણ નહીં. એ કેવી રીતે મને મળશે?’
દિવાનના છોકરાએ કહ્યું, ‘રાજકુમાર તમે આટલા ડરો નહીં. એ તો બધું કહીને જ ગઈ છે.’
‘એ કેવી રીતે?’
રાજકુમારને ખબર નહોતી કે રાજકુમારીની અંગચેષ્ટાઓ પર દિવાનના પુત્રની પણ નજર હતી. તેણે રાજકુમારીની એ ચેષ્ટાઓનો કોયડો ઉકેલતા રાજકુમારને કહ્યું, ‘તેણે કમળનું ફૂલ માથામાંથી ઉતારીને કાન પાસે લગાવ્યું તો તે કર્ણાટકની રહેવાસી થઈ. દાંતથી કમળના ફુલને કાપ્યું અર્થાત્ તે દંતાવટ રાજાની દીકરી છે. પગથી દબાવવાનો અર્થ થયો કે મારું નામ પદ્માવતી છે અને છાતી પાસે ફુલ અડકાવવાનો અર્થ થયો કે તું મારા હ્રદયમાં વસી ગયો છે.’
મિત્રના મુખમાંથી આવા શબ્દો સાંભળીને તો રાજકુમાર ધન્ય ધન્ય થઈ ગયો. ઉછળતો ઉછળતો બોલ્યો, ‘હવે મને કર્ણાટકમાં જ લઈ જા.’ બંને મિત્ર ત્યાંથી ચાલી નીકળ્યા. કેટલાય રાજ્યોની મુસાફરી કરતાં અને અટકતા અટકતા ત્યાં પહોંચ્યો ત્યારે ઘણો સમય પસાર થઈ ગયો હતો. રાજાના મહેલ તરફ જતા હતા તો અધવચ્ચે જ એક ડોશી મકાનના દ્વાર પર બેસીને ચરખો કાતી રહી હતી.
તેમની નજીક જઈને બંને ઘોડા પરથી ઉતરી પડ્યા અને બોલ્યા, ‘માતા અમે વેપારી છીએ. અમારો સામાન પાછળ જ આવી રહ્યો છે. અમને અહીં રહેવા માટેની થોડી જગ્યા આપી દો.’ તેમના ભોળા ચહેરા અને વાતોને સાંભળી વૃદ્ધાની અંદર મમતા ઉમટી આવી અને બોલી, ‘બેટા તારું જ ઘર છે. જ્યાં સુધી રહેવાની ઈચ્છા હોય ત્યાં સુધી અહીં જ રહો.’
બને ત્યાં જ ઊભા રહી ગયા. દિવાનના દીકરાએ તેને પૂછ્યું, ‘માતાજી તમે કરો છો શું ? તમારા ઘરમાં કોણ કોણ છે? તમારું જીવન કેવી રીતે ચાલે છે?’
વૃદ્ધાએ જવાબ આપ્યો, ‘દીકરા, મારો એક દીકરો છે જે રાજાની ચાકરી કરે છે. હું રાજાની દીકરી પદ્માવતીની દાયણ હતી. વૃદ્ધ થઈ ગઈ એટલે હવે હું મારા ઘરે રહું છું. રોજ આવી ખાવા પીવાનું મને આપી દે છે. દિવસમાં એક વખત રાજકુમારીને જોવા માટે મહેલમાં જાઉં છું.’
રાજકુમારે પોતાની પોટલીમાં રહેલું ધન કાઢ્યું અને પેલી વૃદ્ધ માતાની સામે રાખી દીધું, ‘માં કાલ જો તમે રાજ મહેલમાં જાઓ તો રાજકુમારીને કહી દેજો કે જેઠ સુદ પંચમીના રોજ તને તળાવ પર જે રાજકુમારનો ભેટો થયો હતો. એ આવી ગયો છે.’
બીજા દિવસે જ્યારે વૃદ્ધા રાજમહેલમાં પહોંચી ત્યારે રાજકુમારનો સંદેશો તેના કાનમાં નાખી દીધો. વૃદ્ધાની વાત સાંભળતા જ રાજકુમારી તો આગબબુલા થઈ ગઈ. પોતાની જગ્યાએથી ઊભી થઈ. નજીકમાં પડેલી વાટકીમાંથી ચંદન લઈ બંને હાથમાં ચોંપડ્યું અને વૃદ્ધાના ગાલ પર તમાચો મારતા બોલી, ‘નીકળી જા મારા ઘરેથી.’
વૃદ્ધાએ મહેલમાં બનેલી ઘટના રાજકુમાર અને તેના મિત્રને કહી સંભળાવી. રાજકુમાર તો શું બોલવું એ માટે જ શબ્દો શોધી રહ્યો હતો.
તેના મિત્રએ કહ્યું, ‘રાજકુમાર તમે ડરો નહીં. તેની વાતને સમજો. તેણે દસે આંગળીઓ સફેદ ચંદનમાં ડુબાડીને ગાલ પર મારી. તેનો અર્થ થયો કે દસ દિવસ પછી ચાંદની છે. તેના પછી અંધારી રાતમાં એ તમને મળવા આવશે.’
દસ દિવસ પછી વૃદ્ધા ફરી રાજકુમારી પાસે ગઈ અને ખબર આપી તો રાજકુમારીએ કેસરના રંગમાં ત્રણ આંગળીઓ ડુબાડીને તેના મોઢા પર મારી અને કહ્યું, ‘ભાગ અહીંથી.’
વૃદ્ધાએ ઘરે પરત ફરી આખી વાત રાજકુમાર અને તેના મિત્રને કહી દીધી. રાજકુમાર તો ચિંતામાં ગરકાવ થઈ ગયો. બીજી બાજુ નિશ્ચિત ઊભેલા રાજકુમારના મિત્રએ તેને કહ્યું, ‘આમાં ચિંતા કરવા જેવી શું વાત છે? તેણે જવાબ આપ્યો છે કે મને માસિક ધર્મ ચાલી રહ્યો છે. ત્રણ દિવસ હજુ પ્રતીક્ષા કરો.’
ત્રણ દિવસ વિત્યા પછી વૃદ્ધા ફરી રાજકુમારી પાસે મહેલમાં પહોંચી. આ વખતે રાજકુમારીએ તેને મારી અને પશ્ચિમ દિશાની બારીમાંથી બહાર કાઢી નાખી. તેણે આવી આ ઘટના રાજકુમાર અને તેના મિત્રની સામે રાખી દીધી. રાજકુમારે મિત્રની સામે જોયું અને મિત્રએ બોલવાનું શરૂ કર્યું, ‘આજે રાતના તેણે તને પશ્ચિમ દિશાની એ બારી પાસે બોલાવ્યો છે.’
રાજકુમારના તો આનંદનો પાર નહોતો. રાતનો સમય થતા જ તેણે વૃદ્ધાના વસ્ત્રો ધારણ કર્યા જેથી કોઈ ઓળખી ન જાય. અત્તર લગાવ્યું. સુરક્ષા માટે હથિયાર પણ લઈ લીધા. રાતના બે પ્રહર પસાર થતા જ તે બારીમાંથી કૂદકો મારી રાજકુમારીના કક્ષમાં પહોંચી ગયો. રાજકુમારી પણ ત્યાં ઉપસ્થિત જ હતી. તે તેને અંદર લઈ ગઈ.
અંદરની સ્થિતિ જોતા તો રાજકુમારની આંખો પહોળી થઈ ગઈ. એક જુઓ તો એક ભૂલી જાઓ તેવી વસ્તુઓ હતી. આખી રાત રાજકુમાર-રાજકુમારીની સાથે રહ્યો. દિવસ ઉગવા આવ્યો કે રાજકુમારીએ રાજકુમારને મહેલમાં જ છુપાવી દીધો અને રાત થતાં ફરી તેને પોતાના કક્ષમાં લઈ ગઈ. આ રીતે તો કેટલાય દિવસો પસાર થઈ ગયા. અચાનક એક દિવસ રાજકુમારને પોતાના મિત્રની યાદ આવી ગઈ. તેને ચિંતા થવા લાગી કે ખબર નહીં તેનું શું થયું હશે ?
રાજકુમારના ચહેરા પર ઉદાસીના ભાવ જોઈ તેણે કારણ પૂછ્યું તો તેણે કહ્યું, ‘એ મારો ખૂબ જ પ્રિય મિત્ર છે. ચતુર પણ છે. તેની હોશિયારીના કારણે જ તો તું મને મળી શકી છે.’
રાજકુમારીએ કહ્યું, ‘હું તેના માટે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરાવી તારા હાથે મોકલું છું. તું તેને ભોજન કરાવજે અને પછી પરત આવી જજે.’
સ્વાદિષ્ટ ભોજન લઈને રાજકુમાર પોતાના મિત્રની પાસે પહોંચ્યો. મહિનાઓ થઈ ગયા તેઓ મળ્યા નહોતા. મિત્ર સાથે મુલાકાત કર્યા પછી રાજકુમારે કહ્યું કે, ‘મેં તારી ચતુરાઈની તમામ વાતો રાજકુમારીને કહી દીધી છે. અને એટલે જ ખુશ થઈને રાજકુમારીએ તારા માટે સ્વાદિષ્ટ ભોજન મોકલ્યું છે.’
દિવાનનો છોકરો તો વિચારમાં પડી ગયો. એ કટાણું મોઢું કરીને બોલ્યો, ‘આ તે સારું ન કર્યું. રાજકુમારીને ખબર પડી ગઈ છે કે જ્યાર સુધી હું છું ત્યાં સુધી તે તને પોતાના વશમાં નહીં કરી શકે. એ કારણે જ તેણે આ ભોજનમાં ઝેર નાખીને મોકલ્યું છે.’
આટલું બોલ્યા પછી દિવાનના પુત્રએ ભોજનમાંથી એક લાડવો ઉઠાવ્યો અને કૂતરાની આગળ નાખ્યો. કૂતરો લાડવો ખાતાની સાથે જ મૃત્યુ પામ્યો.
રાજકુમારને ખોટું લાગી ગયું. તે ગુસ્સામાં બોલવા લાગ્યો, ‘આવી સ્ત્રીથી તો ભગવાન બચાવે. હું હવે તેની પાસે નહીં જાઉં.’
દિવાનનો છોકરો બોલ્યો, ‘ના, હવે તો એવો ઉપાય શોધી કાઢવો જોઈએ કે આપણે તેને ઘરે જ લઈ જઈએ. અહીં કેટલા દિવસો કાઢીશું ? આજે રાતે જ તું ત્યાં જા. રાજકુમારી જ્યારે ઉંઘી જાય ત્યારે તેની ડાબી જાંઘમાં ત્રિશુલનું નિશાન બનાવજે અને તેના ઘરેણા લઈ પાછો આવતો રહેજે.’
રાજકુમારે તો બસ આમ જ કર્યું. રાજકુમારીના મહેલમાંથી બધા ઘરેણા ચોરીને લાવ્યા પછી તે પાછો દીવાનના છોકરા પાસે ગયો. દિવાનનો છોકરો તૈયાર જ હતો. તેણે સાધુનો વેશ ધારણ કર્યો અને સ્મશાનમાં બેસી ગયો. રાજકુમારને આદેશ આપ્યો કે રાજકુમારીના ઘરેણા બજારમાં વેચી નાખ. કોઈ પકડે તો કહેજે કે મારા ગુરૂ પાસે ચાલો અને તેને અહીં લાવજે.
રાજકુમાર ઘરેણા લઈને શહેરમાં ગયો અને મહેલની નજીક જ આવેલી સોનીની દુકાને બતાવ્યા. જોતા જ સોની ઓળખી ગયો અને સેનાપતિ પાસે ગયો. સેનાપતિએ પૂછતાછ કરી તો રાજકુમાર પાસે જવાબ તૈયાર જ હતો, ‘મારા ગુરૂએ આપ્યા છે.’ ગુરૂ પણ પકડાઈ ગયો અને રાજાની સામે પ્રસ્તુત કરવામાં આવ્યા.
રાજાએ પૂછ્યું, ‘યોગી મહારાજ આ ઘરેણા તમારી પાસે ક્યાંથી આવ્યા?’
યોગી બનેલા દિવાનના છોકરાએ કહ્યું, ‘મહારાજ. હું સ્મશાનમાં કાળી ચૌદસની રાત્રિએ ડાકિની મંત્ર સિદ્ધ કરી રહ્યો હતો. એટલામાં ડાકિની આવી ગયો. મેં તેના ઘરેણા ઉતારી લીધા અને તેની ડાબી જાંઘમાં ત્રિશુલનું નિશાન બનાવી દીધું.’
આટલું સાંભળીને રાજા મહેલમાં ગયો અને રાણીને કહ્યું, ‘મહારાણી જુઓ તો પદ્માવતીની ડાબી જાંઘમાં ત્રિશુલનું નિશાન તો નથી ને?’
રાણીએ જોયું તો સાચેક નિશાન હતું. રાજાને ખૂબ જ દુ:ખ થયું. બહાર આવીને તે યોગીને એકબાજુ લઈ જઈ બોલ્યો, ‘મહારાજ. ધર્મશાસ્ત્રમાં આવી જુઠ્ઠી સ્ત્રીઓ માટે શું દંડ છે?’
યોગીએ જવાબ આપ્યો, ‘રાજાજી. બ્રાહ્મણ, ગાય, સ્ત્રી, છોકરો અને પોતાના આસરે રહેનારાના હાથે કોઈ ખોટું કામ થઈ જાય તો તેને દેશપાર કરી દેવામાં આવે.’
રાજાએ યોગીના મુખેથી આ શબ્દો સાંભળ્યા અને પદ્માવતીને ડોલીમાં બેસાડી જંગલમાં છોડી આવવાનો હુકમ કર્યો. જંગલમાં એકલી ડોલી છોડી રાજાના સેવકો પાછા ફરી ગયા. આ તકની તાકમાં જ રહેલા રાજકુમાર અને તેનો મિત્ર ત્યાં જ ઉપસ્થિત હતા. રાજકુમારીને જંગલમાં અધવચ્ચે રડતી જોઈ તેની નજીક આવ્યા અને તેને સાંત્વના આપી પોતાના રાજ્યમાં લઈ ગયા.
વેતાલે વિક્રમના જમણા ખભ્ભા પાસેથી માથું ફેરવી ડાબા ખભ્ભા પર નાખ્યું અને બોલ્યો, ‘હે રાજન્ તો તું મને કહે કે પાપ કોને લાગ્યું ?’
વિક્રમે વેતાલને કહ્યું, ‘પાપ તો રાજાને જ લાગશે. દિવાનના દિકરાએ પોતાના સેવક હોવાનો ધર્મ નિભાવ્યો. સેનાપતિએ તો રાજાનું કહેવાનું માન્યું અને રાજકુમારે પોતાના મનોરથને સિદ્ધ કર્યું. રાજાએ પાપ કર્યું જેણે આગળ-પાછળનું કંઈ પણ વિચાર્યા વિના પદ્માવતીને દેશ-નિકાલની સજા આપી દીધી.’
‘વાહ રાજા. શું તારી ચતુરાઈ. પણ મેં કહ્યું હતું કે તું બોલતો નહીં. તું બોલ્યો હવે હું જાઉં છું.’ રાજાના ખભ્ભા પરથી મડદું ઉડી ગયું અને સિદ્ધવડ પર આવીને લટકી ગયું. રાજાએ ભારે જહેમત બાદ તેને ફરી ઉતાર્યો અને ખભે નાખ્યો. વેતાલે તેના ખભા પર બેસતા કહ્યું, ‘રાજન્ તું ખૂબ જ જીદ્દી સ્વભાવનો છે. કંઈ વાંધો નહીં. જોઈએ કે તારું ધૈર્યં કેટલું ટકે છે.’
(ક્રમશ:)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત