130 કરોડના ભારત દેશમાં રોજગારી મેળવવી એ સંકટ છે. ટેલેન્ટ હન્ટ શોને ક્રેક કરી વિજેતા બનવું એ પણ સંકટ છે. અરે નેતા બનવા માટે ટિકિટ મેળવવી એ પણ સંકટ છે. જોકે કેટલાક લોકો રસ્તો કરી લે છે. ભલે તે પાકિસ્તાનથી હોય!! વાત છે યોગી આદિત્યનાથના ઉત્તર પ્રદેશના એટા જિલ્લાની.
એટામાં ટેટા ફૂટ્યા
ઉત્તર પ્રદેશનો તાંતણો પાકિસ્તાન સાથે જોડાતા આખા દેશમાં એ ચર્ચાનો મુદ્દો બન્યો છે. સમાચાર એ છે કે પાકિસ્તાનની એક મહિલા અહીં ગામડાની સરપંચ બની ગઈ. તંત્રને આ વાતની ખબર પડી તો એટામાં ટેટા ફૂટી ગયા. ભૂકંપ આવી ગયો. હવે પોલીસે એફઆઈઆર દાખલ કરી છે. તપાસ ચાલી રહી છે કે કેવી રીતે એક મહિલા પાકિસ્તાનથી ઉત્તરપ્રદેશના એટા સુધી પહોંચી ગઈ અને સરપંચ બની ગઈ.
કોણ છે મહિલા ?
આ મહિલાનું નામ છે બાનો બેગમ. કરાંચીની રહેવાસી છે. આજથી 40 વર્ષ પહેલાની વાત છે જ્યારે તેમના લગ્ન એટાના જલેસરના રહેવાસી એવા અખ્તર અલીની સાથે થયા હતા. લગ્ન થયા પછી કરાંચીની આ મહિલાએ અસંખ્ય વખત ભારતની નાગરિકતા માટે આવેદન આપ્યું હતું પણ રિજેક્ટ થતા રહ્યા. એ પછી તેઓ લોંગ ટર્મ વીઝા સાથે ભારતમાં રહી રહ્યા છે.

રાજકારણમાં પ્રવેશ કેમ થયો ?
હવે એમની રાજકારણમાં એન્ટ્રી કેવી રીતે થઈ તેની વાત કરીએ. 2015ની સાલ હતી. મોદી સરકાર દેશમાં સરકાર બનાવી ચૂકી તેને એક વર્ષ થઈ ચૂક્યું હતું. એ 2015ની સાલમાં જ બાનો બેગમને ગ્રામ પંચાયતના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા. 9મી જાન્યુઆરી 2020ના રોજ ગ્રામ પ્રધાન શહનાજ બેગમનું નિધન થઈ ગયું. એ પછી સભ્યોએ ભેગા થઈને બાનો બેગમની જલેસર ગ્રામ પ્રધાન તરીકે પસંદગી કરી લીધી. 2020માં મચેલી તબાહીના કારણે 9 જાન્યુઆરી 2020ના રોજ બનેલી આ ઘટના એક વર્ષ સુધી એટા આસપાસ જ રહી. 2020 પૂર્ણ થતા થતા અને કોરોના સિવાય બીજી પણ ખબરો છે તેવું અભિન્ન જ્ઞાન થતા આ સમાચાર આગની જ્વાળાઓની જેમ ફેલાવા લાગ્યા.
આ વિશે મહિલાનું શું કહેવું છે ?
આ વિશે મહિલાનું એવું કહેવું છે કે તે અભણ છે. અને કોઈ દિવસ તેણે પંચાયતની ચૂંટણી પણ નથી લડી. એ પોતાના પિતાના પાસપોર્ટ અને વીઝા પર ભારત આવી હતી. જે પછી તે લોંગ ટર્મ વીઝા એક્સટેન્શન સાથે ભારતમાં વસવાટ કરી રહી છે. મહિલાનું કહેવું છે કે, આ સમગ્ર ઘટનામાં એ પીડિત છે. એક સ્થાનિક નાગરિકના કહેવા પર તેણે કાગળ પર અંગૂઠા લગાવી દીધા હતા. તેમણે દાવો પણ કર્યો કે આ વિશેની તેમને કોઈ પણ પ્રકારની માહિતી નથી.

આધારકાર્ડ કેમ મળી ગયું ?
આ અંગે અધિકારીઓએ કહ્યું કે, પ્રધાન પદ પર રહેલી મહિલાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જેથી પાકિસ્તાનની નાગરિક હવે પ્રધાન નથી. સાથે જ તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. આ વિશે જિલ્લા પંચાયતી રાજ અધિકારી આલોક પ્રિયદર્શીએ કહ્યું કે, ન્યાયાધીશ સુખલાલ ભારતે આ અંગેની તપાસના આદેશ આપ્યા છે. તેમણે સવાલો પૂછ્યા છે કે કેવી રીતે એક પાકિસ્તાની નાગરિકને આધારકાર્ડ મળી ગયું અને તેને કયા ધારા ધોરણ પર પંચાયતના સભ્ય તરીકે પસંદ કરવામાં આવી. એ વાતની પણ તપાસ થશે કે કેવી રીતે તેમને પ્રધાન તરીકે પસંદ કરી લેવામાં આવી. ગામડાના લોકોને એ વાતની માહિતી છે કે મહિલા પાકિસ્તાનની છે.
ઘટસ્ફોટ ક્યારે થયો ?
આ સમગ્ર વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગામડાના જ એક વ્યક્તિએ મહિલા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી. ન્યાયાધીશે બાનો વિરૂદ્ધ FIRનો આદેશ આપ્યો. અધિકારીઓએ આ વિશે એમ પણ કહ્યું કે જેણે પણ મહિલાના દસ્તાવેજ બનાવવામાં મદદ કરી તેમના વિરૂદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત