Homeતાપણુંચાર પ્રધાનમંત્રીની સરકારમાં કામ કરનારા બુટા સિંહ હંમેશાં 1989 અને 2005ના કિસ્સા...

ચાર પ્રધાનમંત્રીની સરકારમાં કામ કરનારા બુટા સિંહ હંમેશાં 1989 અને 2005ના કિસ્સા માટે યાદ રહેશે

આજે 2021ની 2જી જાન્યુઆરીના રોજ વર્ષનું પહેલું જાણીતી વ્યક્તિનું નિધન. નિધન પામનારા રાજકારણી છે બુટા સિંહ. ચાર ચાર પ્રધાનમંત્રીઓના કાર્યકાળ દરમિયાન તેમની નજીક પણ રહ્યા અને કેબિનેટમાં મંત્રી પદ પણ શોભાવ્યું. બુટા સિંહ ઉંમરના કારણે મૃત્યુ પામ્યા. દિલ્હીમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ સિખ સમુદાયના મોટા નેતા હતા. મંત્રી હતા એ સિવાય બિહારના રાજ્યપાલ પણ રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો.

86 વર્ષીય બુટા સિંહના અંતિમ સંસ્કાર આજે જ કરવામાં આવશે. લાંબા સમયથી તેમની તબિયત નાદુરુસ્ત હતી. આઠ વખત સાંસદ રહ્યા હતા. 1934ની સાલમાં જાલંધર જિલ્લામાં જન્મેલા બુટા સિંહ રાષ્ટ્રીય રાજનીતિના મોટા ચહેરા રહ્યા. તેમણે જવાહરલાલ નહેરૂએ પ્રધાનમંત્રી બનતા કોંગ્રેસ જોઈન કરી હતી.

તેમની ઓળખ ગાંધી પરિવારના વિશ્વાસપાત્ર તરીકેની હતી. જોકે એક સમયે તેમણે કોંગ્રેસ પાર્ટીને સાયોનારા કરી દીધું. સરદાર બુટા સિંહે કેન્દ્રિય ગૃહમંત્રી, કૃષિ મંત્રી, રેલ મંત્રી, ખેલ મંત્રી, બિહારના રાજ્યપાલ અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિના કમિશનના ચેરમેન તરીકે રાષ્ટ્રીય રાજનીતિ અને રાષ્ટ્રનિર્માણમાં પોતાની ભૂમિકા ભજવી હતી.

નહેરુના પીએમ બનતા કોંગ્રેસ સાથે જોડાનારા બુટા સિંહે બાદમાં ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પી.વી નરસિમ્હારાવ અને ડો મનમોહન સિંહ આમ ચાર પ્રધાનમંત્રીની કેબિનેટમાં મહત્વના પદ પર રહ્યા હતા. રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય રહ્યા બાદ તેમણે તેમની ઓળખ એક દલિત નેતા તરીકેની પણ બનાવી હતી.

1978થી 80 સુધી કોંગ્રેસના મહાસચિવ રહ્યા હતા. એ પછી ભારતના ગૃહમંત્રી અને પછી કેન્દ્રની ડોક્ટર મનમોહન સિંહની સરકારના સમયે તેમણે બિહારના રાજ્યપાલ તરીકે 2004થી 2006 સુધી સેવા આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવાય રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું હતું અને બુટા સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

1989ની લોકસભા ચૂંટણી માટે યાદ રહેશે

બુટા સિંહ હંમેશાં રાજસ્થાનની જાલોરની સીટ માટે યાદ રહેશે. રાજીવ ગાંધીએ નક્કી કર્યું કે દેશના ગૃહમંત્રીને પંજાબની તેમની પરંપરાગત સીટની જગ્યાએ રાજસ્થાનની જોલોર સીટમાંથી લડાવવા. બુટાસિંહ પંજાબના મોટા દલિત નેતા હતા. એમને ઈચ્છા નહોતી છતાં રાજીવ ગાંધીના કહેવા પર રાજસ્થાનની એ સીટ પર ચૂંટણી લડવા ગયા. રાજીવના મતે એ સીટ સુરક્ષિત હતી અને તે સાચા અર્થમાં સુરક્ષિત જ નીકળી. બુટા સિંહ ચૂંટણી જીતી ગયા. એ પછી રાજીવ ગાંધીની કેબિનેટમાં બે વર્ષ કૃષિ મંત્રી રહ્યા અને પછી ગૃહમંત્રી રહ્યા. પાંચ વર્ષ પૂર્ણ થયા અને ફરી ચૂંટણી આવી ગઈ. ફરી ચૂંટણી જાલૌરથી જ લડવાની હતી.

કોંગ્રેસ પાર્ટીનો વિરોધ થઈ રહ્યો હતો. નાના નાના દળો જેમ 2019ની લોકસભાની ચૂંટણીમાં એક થયા હતા તેમ એક થઈ રહ્યા હતા. આવા સમયે બુટા સિંહને ફરી જાલૌરમાંથી ચૂંટણી લડવાની હતી. સામે ભાજપમાંથી કોઈ એવો નેતા નહોતો જે બુટા સિંહની સામે ચૂંટણી લડવા ઊભી શકે. ભાજપના નેતા ભૈરોસિંહ શેખાવત પણ મૂંઝવણમાં હતા.

જયપુરમાં આવનારી ચૂંટણી માટે પત્રકારો સાથે વાત કર્યા પછી ભૈરોસિંહ શોખાવતે પાર્ટીના કાર્યકર્તાઓમાંથી એકને હાકલ કરી અને ખુરશીની પાછળ રહેલા કબાટને ખોલવાનું કહી તેમાંથી છાપુ કાઢવાનું કહ્યું. છાપાની અંદર એક કવર હતું અને એ કવર લઈ તેને ઘરે ચાલતી પકડવાનું કહી દીધું. એ કાર્યકર્તાનું નામ હતું કૈલાશ મેઘવાલ. જેને બુટા સિંહની સામે ચૂંટણી લડવાની હતી.

બુટાસિંહની સામે કૈલાશ મેઘવાલ ખૂબ નાનું નામ હોવા છતાં બોફર્સના નારા જોર જોરથી બોલવાના હતા. ગલી ગલી મેં શોર હૈ, રાજીવ ગાંધી ચોર હૈ.

‘રાજીવ ગાંધીની સરકારમાં જે બે નંબરના છે એને તમારે હરાવવાનો છે.’ રાજીવ ગાંધીના મંત્રીમંડળના નંબર બે વ્યક્તિને હરાવવાની ભૈરોસિંહ શેખાવતે પૂરી તાકાત લગાવી દીધી. પરિણામ આવ્યું ત્યારે એક સમયે દેશનો ગૃહમંત્રી રહેનારા બુટા સિંહ કૈલાશ મેઘવાલ સામે પરાસ્ત થઈ ગયા હતા. આ જીત એવી જ હતી જેવી રાહુલ ગાંધી સામે સ્મૃતિ ઈરાનીએ મેળવી હતી.

કૈલાશ મેઘવાલ ધારાસભ્ય બન્યા. એ પછી મંત્રી બન્યા. વસુંધરા સરકારની ટર્મમાં વિધાનસભા અધ્યક્ષ પણ બન્યા.

બિહારમાં બઘડાટી બોલાવી

નરસિમ્હા રાવે પોતાની સરકારમાં તેમને સાઈડલાઈન કરી દીધા હતા. મનમોહન સિંહની સરકારમાં તેઓ રાજ્યપાલ બની ગયા. ફેબ્રુઆરી 2005માં બિહારમાં વિધાનસભાની ચૂંટણી થઈ. ત્રિશંકુ વિધાનસભાની રચના થઈ. થોડા મહિના પછી પાસવાનની પાર્ટીમાં કડાકો બોલ્યો. 12 ધારાસભ્ય નીતિશ કુમારની પાર્ટીમાં ચાલ્યા ગયા. પણ દિલ્હીના ઈશારે બુટાએ વિધાનસભા ભંગ કરાવી દીધી. બિહારમાં ફરી ચૂંટણી થઈ. અને નીતિશ કુમાર ચૂંટણી જીતી ગયા. જો બુટાસિંહ વિધાનસભા ભંગ ન કરેત તો આવું ન થાત.

કોંગ્રેસની સરકારમાં બુટા રાજનીતિના ચાણક્ય તરીકે લેખાતા હતા. રાજીવ ગાંધીને કોઈ પણ સરકાર પાડવી હોય તો બુટા જ કામ કરી બતાવતા હતા. તેમના વિશે રાજનીતિમાં વાતો થતી હતી… ‘‘एक और कटा, बूटा की कृपाण से.’’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments