Team Chabuk :તો સાંભળ વિક્રમ ઉજ્જેન નગરીમાં મહાસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેના રાજ્યમાં વાસુદેવ શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. જેનો ગુણાકાર નામનો દીકરો હતો. ગુણાકાર આખો દિવસ જુગાર જ રમ્યા કરતો અને ધનનો વ્યય કર્યા કરતો. એ પોતાના પિતાનું તમામ ધન જુગારમાં હારી ગયો. બ્રાહ્મણ ગુસ્સે થયો અને ગુણાકારને ઘરમાંથી કાઢી મૂક્યો.
ગુણાકાર બીજા નગરમાં પહોંચી ગયો. જ્યાં તેની એક યોગી સાથે મુલાકાત થઈ. યોગીએ ગુણાકારની સામે જોયું, ‘કેમ બેટા હેરાન છો.’
‘હા, મારા પિતાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો છે.’
તેનો ચહેરો જોઈને જ યોગીને લાગ્યું કે તેણે ભોજન નથી કર્યું એટલે તેણે તેને ભોજન આપ્યું. ભોજનને જોતા જ ગુણાકારે કહ્યું, ‘હું તો બ્રાહ્મણ પુત્ર છું તમારી ભીક્ષાનો સ્વીકાર કેવી રીતે કરી શકું?’
આટલું સાંભળીને યોગીએ સિદ્ધિને યાદ કરી. સિદ્ધિ તુરંત પ્રગટ થઈ અને તેણે બ્રાહ્મણપુત્ર માટે સોનાનો મહેલ બનાવી દીધો. ગુણાકાર આ જોઈ અચંબિત થઈ ગયો. એ મહેલમાં સારી રીતે રહ્યો. સવારમાં જ્યારે ઉઠ્યો ત્યારે તેણે જોયું કે તે જ્યાં ઉંઘતો હતો ત્યાં મહેલ જેવું તો કશું છે જ નહીં. તેણે યોગીને કહ્યું, ‘મહારાજ હું એ સ્ત્રી વિના નહીં રહી શકીશ. મને એ વિદ્યા જોઈએ છે. આપ મને એ વિદ્યાની પ્રાપ્તિ કરાવો’ ગુણાકાર ગળગળો થઈ ગયો.
યોગીએ ગુણાકારને જવાબ આપ્યો, ‘એ સ્ત્રી તો તને એક વિદ્યા દ્વારા જ મળશે. અને એ વિદ્યા પાણીની અંદર ઊભા રહીને મંત્ર જપવાથી મળશે. પણ જ્યારે તને એ સ્ત્રી મારી સિદ્ધિથી મળી શકે છે તો તું વિદ્યા મેળવવા શું કામે અધીરો બન્યો છો?’
ગુણાકારે કહ્યું, ‘નહીં, હું પોતે જ સિદ્ધિ મેળવવા ઈચ્છું છું.’
યોગી બોલ્યા, ‘ક્યાંક એવું ન થાય કે તું વિદ્યા પણ પ્રાપ્ત ન કરી શકે અને મારી સિદ્ધિ પણ નાશ પામે.’
પણ ગુણાકાર ન માન્યો. યોગીએ તેને નદીના કિનારે લઈ જઈને મંત્ર કહ્યા અને જણાવ્યું કે, ‘જ્યારે તું જપ કરતા માયાથી મોહિત થઈશ તો હું મારી વિદ્યાનો તારા પર પ્રયોગ કરીશ. એ સમયે તું અગ્નિમાં પ્રવેશ કરી જજે. તારી મોહ-માયાનો નાશ થઈ જશે.’
ગુણાકાર યોગીની આજ્ઞા મુજબ તપ કરવા લાગ્યો. જ્યારે તે માયાથી મોહિત થઈ ગયો ત્યારે તે જુએ છે કે તે એક બ્રાહ્મણના દીકરાના રૂપમાં પેદા થયો છે. તેના વિવાહ થઈ ગયા છે. તેના બાળકો છે. તે પોતાના જન્મની વાતો ભૂલી ગયો છે. ત્યાં યોગીએ પોતાની વિદ્યાનો પ્રયોગ કર્યો. ગુણાકાર માયારહિત થઈને અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર થયો. એ સમયે જ તેણે જોયું કે તેને મરતો જોઈને તેના માતા પિતા અને બીજા લોકો રડી રહ્યા છે અને તેને આગમાં જતા રોકી રહ્યા છે. ગુણાકારે વિચાર્યું કે હું જો મરીશ તો આ બધા મારી પાછળ મરી જશે અને ખબર નહીં યોગીની વાત સાચી હોય કે નહીં.
આમ વિચારતા વિચારતા તે આગમાં ઘુસી ગયો તો આગ ઠંડી થઈ ગઈ અને માયા પણ શાંત થઈ ગઈ. ગુણાકાર ચકિત થઈને યોગી પાસે ગયો અને તેને તમામ સ્થિતિ કહી સંભળાવી.
યોગીએ કહ્યું, ‘ખબર પડે છે કે તે જે મંત્ર જપ્યો છે તેમાં ક્યાંક ચૂક રહી ગઈ છે.’ યોગીએ પોતે જ સિદ્ધિને યાદ કરી પણ એ ન આવી. આ રીતે યોગીની વિદ્યા તો નાશ જ પામી, પણ ગુણાકારને પણ કશું ન મળ્યું.
વેતાલ વાર્તા કહેતો કહેતો ચૂપ થઈ ગયો. વિક્રમે પાછળ ફરીને તેની સામે જોયું. એ ન હસતો કે બોલતો હોય ત્યારે તો વધારે જ ભયાનક લાગતો હતો. વિક્રમની ચિંતાને સમાપ્ત કરતા તે બોલ્યો, ‘તો રાજન્ એ બતાવ કે વિદ્યા નષ્ટ શા માટે થઈ ગઈ?’
રાજા વિક્રમે જવાબ આપ્યો, ‘જવાબ તો સાફ સાફ છે વેતાલ. નિર્મળ અને શુદ્ધ સંકલ્પ કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ગુણાકારના હ્રદયમાં શંકા ગઈ કે ખબર નહીં યોગીની વાત સાચી છે પણ કે નહીં. યોગીની વિદ્યા એટલા માટે નષ્ટ થઈ કે તેણે અપાત્રને વિદ્યા આપી હતી.’
વેતાલ હસીને સિદ્ધવડ પર લટકી પડ્યો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત