Presentation-Team Chabuk-Creative Desk: એક ગામ હતું. જ્યાં જંગલની સીમ શરૂ થતી હતી ત્યાં નવુંનક્કોર મંદિર બનતું હતું. ત્યાંના કારીગરો બપોરના સમયે પેટપૂજા કરવા માટે મંદિર પાસે આવતા હતા. મંદિરની બાજુમાં આવેલા વૃક્ષની શીતળ છાયામાં બેસી ભરપેટ ભોજન આરોગતા અને થોડી વાર માટે ત્યાં જ વામકુક્ષી કરી લેતા હતા.
એક દિવસ તેઓ ગામમાં આવ્યા તો વાંદરાઓનું એક મોટું ઝૂંડ ગામમાં લટાર મારતું મારતું ત્યાં આવી પહોંચ્યું, જ્યાં કારીગરો કામ કરી રહ્યાં હતાં. કારીગરો એ સમયે ત્યાં હાજર નહોતા. વાંદરાઓએ અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં ઉછળવું, કૂદવું અને રમવું શરૂ કરી દીધું.
એક કારીગર લાકડાને અડધું ચીરીને એમાં ખીલી ફસાવીને ગયો હતો. એક વાંદરાએ આ ખીલીને જોઈ અને તેને કૌતુક થયું કે આખરે આ ખીલી અહીં શું કરે છે, એ પણ કામ વિનાની! એ તો મંડ્યો બે હાથે ખીલી કાઢવા. ખીલી એવી રીતે જડબેસલાક બેસાડેલી હતી કે નીકળે જ નહીં. એક બાજુ ખીલી ન નીકળે પણ બીજી બાજુ વાંદરો હઠે ચડ્યો હતો કે આજે તો કાઢીને જ રહું.
છેલ્લે એની મહેનત ફળી ખરી. જોરથી ખેંચકો મારતા ખીલી નીકળી ગઈ. જેવી ખીલી નીકળી એ સાથે લાકડાનો સીધો રહેલો ભાગ ભેગો થયો અને વાંદરો એમાં ફસાઈ ગયો. લાકડાના બંને છેડા એટલી જોરથી વાંદરાના દેહ સાથે ભીંસાયા કે વાંદરો ત્યાં ને ત્યાં મરણને શરણ થઈ ગયો.
*******
‘એટલે હું કઉં છું, કે આપણે બીજાઓના કામમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ. આપણને સિંહનું વધેલું ખાવાનું તો પેટ ભરવા મળી જ જાય છે, પછી બીજી ચિંતા ક્યાં કરવી?’
દમનકે કહ્યું, ‘કરટક! તને તો ખાલી ભાવતા ભોજનની જ ચિંતા છે. માલિકના હિતનું તો કંઈક વિચાર.’
કરટકે કહ્યું, ‘એની ચિંતા કરીને વળી શું કરવું ? એ કાંઈ આપણી ગણતરી તેના પ્રધાન સેવકોમાં તો કરતો નથી. વગર વિચાર્યે ડબકું મારવું એ નરી મૂર્ખતા છે. એમાં અપમાન સિવાય કંઈ હાથમાં આવતું નથી.’
દમનકે કહ્યું, ‘પ્રધાન છીએ કે નથી એની વાત બાજુમાં મૂકી દે. જે પણ સ્વામીની બરાબર સેવા કરશે એ પ્રધાન બની જાશે. જે સેવા નહીં કરે એ તો પ્રધાન પદ પણ ગુમાવી દેશે. રાજા, સ્ત્રી અને વેલનો આ જ નિયમ છે, એ નજીક રહેનારાઓને જ અપનાવે છે.’
કરટકે કહ્યું, ‘તો હવે શું કરવું? તારે જે કહેવું હોય એ ચોખ્ખે ચોખ્ખું કહી દે.’
દમનકે જવાબ આપ્યો, ‘આજે આપણો માલિક ખૂબ ભયભીત છે. તેની બીકનું કારણ જાણીને સંધિ, વિગ્રહ, આસન, સંશ્રય, દ્વૈધીભાવ જેવા ઉપાયો આપી આપણે તેના ભયનું નિવારણ કરીશું.’
કરટકે કહ્યું, ‘તને વળી કેવી રીતે ખબર છે કે માલિક ભયભીત છે?’
દમનકે જણાવ્યું, ‘એ જાણવું તો ક્યાં આકરું કામ છે. મનના ભાવ છુપાયેલા ન રહે. ચહેરાથી, ઈશારાઓથી, ચેષ્ટાથી, ભાષણ શૈલીથી કે આંખોની ભાવભંગિમાઓથી એ સૌની સામે આવી જ જાય છે. આજે આપણો માલિક ભયભીત છે. એની બીકને દૂર કરી આપણે તેને કાબૂમાં કરી શકીએ છીએ. જો આપણે આવું કરીશું તો એ આપણને એનો પ્રધાન સચિવ બનાવી લેશે.’
કરટકે હસતાં દમનકને કહ્યું, ‘તું રાજસેવાના નિયમોથી અજાણ લાગે છે, માલિકને કાબૂમાં કેવી રીતે કરીશ?’
દમનકે કહ્યું, ‘મેં તો નાનપણમાં જ મારા પિતા સાથે રમતા રમતા રાજસેવાના પાઠ ભણી લીધા છે. રાજસેવા એ સ્વયં એક કળા છે અને હું એ કળામાં પ્રવીણ છું.’
આટલું જણાવી દમનકે કરટકને રાજસેવાના કેટલાક નિયમો જણાવ્યા. રાજાને કેવી રીતે સંતોષ આપવો અને સન્માન આપવું તેના ઉપાયો કીધા. કરટક તો દમનકના બુદ્ધિચાતુર્યંને જોઈ દંગ રહી ગયો. એણે દમનકની વાત માની લીધી અને બંને સિંહની રાજસભા બાજુ ચાલ્યા ગયા.
દમનકને આવતો જોઈ સિંહ પિંગલકે દ્વારપાળને કહ્યું, ‘મારા ભૂતપૂર્વ મંત્રીનો પુત્ર દમનક આવી રહ્યો છે. એને રોકતો નહીં.’
દમનક રાજસભામાં આવી, પિંગલકને પ્રણામ કરી, પોતાની જગ્યા પર બેસી ગયો. પિંગલકે પોતાનો પંજો ઉઠાવી દમનક કુશળ ક્ષેમ હોવાનું જાણી પૂછ્યું, ‘કહે દમનક, બધું બરાબર તો છે ને? કેટલાય દિવસ પછી આવ્યો, શું કોઈ વિશેષ પ્રયોજન છે?’
દમનકે મહારાજા પિંગલકને કહ્યું, ‘વિશેષ પ્રયોજન તો કંઈ નથી, છતાં સેવકને સ્વામીના હિતની વાત કહેવા માટે ખૂદ લાંબું થવું પડ્યું. રાજાની પાસે તો ઉત્તમ, મધ્યમ અને અધમ તમામ પ્રકારના સેવક છે. રાજા માટે તો તમામનું પ્રયોજન છે. સમય આવે ત્યારે ઘાસનોય સહારો લેવો પડે. આ સેવકની તો વાત જ શું? તમે તો કેટલાય સમય પછી પાછા આવવાનું કારણ પૂછ્યું છે, તો એનું પણ કારણ છે. જ્યાં કાંચની જગ્યાએ મણિ અને મણિની જગ્યાએ કાચ જડી દેવામાં આવે, ત્યાં સાચા સેવકો નથી રહેતા. જ્યાં પારખું જ નથી ત્યાં હીરા માણેકની કિંમત નથી લાગતી. સ્વામી અને સેવક પરસ્પરાશ્રયી હોય છે. એમણે એક બીજાનું સન્માન કરવું જોઈએ. રાજા તો સન્તુષ્ટ થઈને સેવકને ખાલી સન્માન આપે છે, પણ સેવક સન્તુષ્ટ થઈને રાજા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દે છે.’
પિંગલક તો દમનકની આવી વાતો સાંભળી ખૂશ થતાં કહે, ‘તું તો મારા ભૂતપૂર્વ મંત્રીનો પુત્ર છે. તારે જે કહેવું હોય બિલકુલ નિશ્ચિત થઈને કહે.’
દમનકે કહ્યું, ‘માલિક હું એકાંતમાં કહેવાની ઈચ્છા રાખું છું. ચાર કાનમાં જ રહસ્યની વાતો સુરક્ષિત રહે છે. છ કાનમાં કોઈ રહસ્ય ગુપ્ત નથી રહેતું.’
પિંગલકે ઈશારો કર્યો અને વાઘ, દીપડો, ચિત્તો, રિંછ પોતાના આસન પરથી ઊભા થઈ બહાર ચાલ્યા ગયા. સભામાં એકાંત જોઈ દમનકે પિંગલકના કાન પાસે આવી પ્રશ્ન કર્યો, ‘માલિક, જ્યારે તમે યમુના નદીમાં પાણી પીવા ગયા હતા, ત્યારે પાણી પીધા વગર જ કેમ પાછા આવી ગયા? એનું કારણ શું?’
પિંગલકે આછેરું હસતા કહ્યું, ‘કંઈ નહીં.’
દમનકે ફરી કહ્યું, ‘હે મહારાજ, જો એ વાત કહેવા યોગ્ય નથી તો કંઈ વાંધો નહીં, ન કહો. બધી વાતો કહેવા જેવી નથી હોતી. કેટલીક વાતો પત્નીથી પણ છૂપાવવા યોગ્ય હોય છે. કેટલીક પુત્રોથી પણ છુપાવવા યોગ્ય હોય છે. અરે… કોઈ ખૂબ કહે, ખૂબ અનુરોધ કરે, તોપણ એ વાતો કોઈને કહેવાય નહીં.’
પિંગલકે મનમાં જ વિચાર્યું – દમનક બુદ્ધિમાન લાગે છે. મારી સાથે શું થયું એ વાત એને કહી દેવી જોઈએ, ‘દમનક, તને સંભળાય છે? દૂરથી જે ભયંકર અવાજ આવે છે?’
દમનકે જવાબ આપ્યો, ‘સાંભળું છું માલિક, રોજ સાંભળું છું. એમાં વળી શું દટાયેલું છે?’
પિંગલકે નિરાશ થઈ કહ્યું, ‘દમનક હું આ જંગલ છોડીને ભાગી જવાનું વિચારું છું.’
દમનકે આશ્ચર્ય સાથે પૂછ્યું, ‘હે મહારાજ…! પણ કેમ?’
પિંગલકે જવાબ આપ્યો, ‘એટલે કે જંગલમાં કોઈ બીજું ખમતીધર જાનવર આવી ગયું છે. જે મારાથી પણ તાકતવર છે. એની જ આ ભયંકર ગર્જના છે. એના અવાજની જેમ એ ખૂદ પણ કેટલો ભયંકર હશે. તેનું તો સાહસ પણ કેટલું મોટું હશે. એની સામે ટક્કર લેવી એટલે?’
દમનકે પિંગલકને કહ્યું, ‘માલિક ઊંચા શબ્દ માત્રથી ભયની ગર્તામાં ડૂબી જવું ઉચિત નથી. ઊંચા શબ્દો તો કંઈ કેટલાય હોય છે. ભેરી, મૃદંગ, પટહ, શંખ, કાહલ જેવા વાજિંત્રો વગેરે…. વગેરે… એનાથી કોણ બીવે? આ જંગલ તો તમારા પૂર્વજોના સમયનું છે. એ અહીં રાજ કરતાં આવ્યાં છે. એને આ રીતે છોડીને ભાગી જવું એ બરાબર નથી. ઢોલ કેટલું જોરથી વાગે! પેલા બિચારા ગોમાયુને પણ તેની અંદર જઈને ખબર પડી કે એ તો ખાલી હતું.’
‘ગોમાયુની વાત? એ કોણ?’ પિંગલકે દમનકને પૂછ્યું.
દમનકે કહ્યું, ‘ધ્યાનથી સાંભળજો મારા મહારાજ.’
(ક્રમશ:)
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત