મયૂર ખાવડુ: જૂનાગઢનો વૈશાખ મહિનો એટલે ત્યાં રહેનારને ખબર પડે કે પર્વત ગરમ થાય ત્યારે શરીરની શું દશા થાય. બારમાં ધોરણની મારી પરીક્ષા પતી ગઈ હતી. હવે હું ગ્રંથાલયમાં ખાતું ખોલાવાનું વિચારતો હતો. ફક્ત પચાસ રૂપિયા નજીવો દર. બા બાપુજી તો કહેતાં હતાં કે એવા નાહકનાં ખર્ચા ન કરાય. નોકરી મળી જાય અને નિવૃત થઈ જા ત્યારે પુસ્તકો લઈ વાંચજે. આ ચોપડા વાંચવા એ નિવૃત માણસોનું કામ હોય છે. પણ હું ક્યાં માનવાનો હતો. મને ત્યારે લાગતું હતું કે ભવિષ્યમાં એટલો સમય મને મળશે કે નહીં. આજે પણ હું સમયને બચાવવાનો પૂરતો પ્રયાસ કરું છું. લખવાનું ને વાંચવાનું કામ છોડીને ક્યાંય બીજે જવાનું થાય તો જીવ ઊંચો નીચો થવા લાગે. હું ભલો અને મારી ચોપડી ભલી. બા બાપુજીએ પરવાનગી આપી દીધી.
મારી સાથે આ અખતરો કરવામાં મિત્ર પોપટ સાગર હતો. એણેય મારી સાથે જ પણ બારમાં ધોરણ કોમર્સમાં પરીક્ષા આપી હતી. હોશિયાર છોકરો. એના પિતા શાકભાજીની રેકડી ચલાવતા. મને પાક્કી ખાતરી હતી કે આ પોપટીયો એક દિવસ બે પાંદડે થશે. એનાં પરિવારને જરા અમથીય ખોટ નહીં હોય. અને હું સાચો પણ ઠર્યો. એને સરકારી નોકરી મળી ગઈ તેની ઈર્ષ્યા ઘણાને થઈ હશે, પણ મને તો ખુશી થઈ કે ચાલો મેં મનમાં જે વાક્યને ઉછેર્યું હતું એ ફળ રૂપે સાચું તો પૂરવાર થયું.
મારી અને પોપટની પાસે ઠોઠીયું સાઈકલ. એ ચાલવા કરતાં ઘોંઘાટ વધારે કરે. અમે બંને સાથે ચલાવતા ત્યારે પાછળથી કોઈ મોટું સાધન આવી રહ્યું છે એમ માની લોકો તુરંત રસ્તો આપી દેતાં હતાં. ગ્રંથાલયની પહેલી વખત મુલાકાત લીધી ત્યારે બે ફોર્મ ભરવા લાવેલા. એમાં મારા વકીલ ફૂવાના સહી સિક્કા કરાવી લીધા. એમણે શબ્દો ચીપી ચીપીને કહેલા, ‘પુસ્તક પરત આપવામાં જરાય આડોડાઈ ન કરતાં બાકી જામીન બનનારનું આવી રહેશે.’
નાના છોકરાને જેમ રમકડું મળી ગયું હોય એવું સ્મિત ચહેરા પર લાવી અમે ચાલ્યા ગયાં.
જૂનાગઢની આઝાદ ચોક લાઈબ્રેરી એટલે ભરચક વિસ્તાર. બપોર પછી તો ત્યાં શાકભાજીની રેકડીઓના થળાં ના થળાં જામ્યા હોય. ફળફળાદી વેચાતા હોય. અગરબત્તીઓ વેચાતી હોય. ફુલ વેચાતા હોય. એ ફૂલ કોઈની ઠાઠડી પર પણ ચડે અને વરરાજા વધુના ગળા પર પણ ચડે. વેચનારને તો એની જરા પણ ખબર ન હોય. એની ખુશી તો કોઈ ફૂલ લે એમાં જ. વર્ષો જૂના આ ગ્રંથાલયના પગથિયાં આગળ વાહનો ઊભા હોય. એ જગ્યાએ મેં અને પોપટે અમારી સાઈકલ રાખી.
અંદર ગયા અને મારી આંખો સામે એક સૂકલકડી માણસ આવી ગયો. હિતેશભાઈ એમનું નામ. પટાવાળાનું કામ કરે. એ વખતે તો મેં એમને જ લાઈબ્રેરીનાં સર્વેસર્વો માની લીધાં હતાં. પાતળું શરીર. જાણે બે દિવસથી કંઈ ખાધું જ ન હોય. માથા પર લાલ કલરનું ટીલું લગાડેલું હતું. સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત. સાદા કપડાં પહેરે. શર્ટની બાઈ ચડાવેલી જ રાખે. નખ લાંબા અને ઝાડા પણ એટલા જ. એનાં શરીરમાં કોઈ વખત ઉઝરડાના નિશાન હું ભાળી જાઉં ત્યારે રાતે મચ્છરે ઉંઘવા નહીં દીધું હોય એનું પ્રમાણ મળી આવે.
ગ્રંથાલયમાંથી મેં અને પોપટે પુસ્તકો લીધા. અમારા કાર્ડ એ હિતેશભાઈએ જ બનાવી આપ્યા. જ્યારે એ કાર્ડ બનાવતા હતાં ત્યારે મેં તેમની સામે આછેરું સ્મિત કર્યું. એ પણ હસ્યા. એ હાસ્ય રહસ્યમય હતું. જાણે આ જગતના તમામ દુ:ખો તેણે પોતાના ગૂઢ સ્મિતની પાછળ દાબી દીધા હોય. એ કોઈ વાર ખડખડાટ હસતો હતો. ગોહિલ સાહેબ આવી જાય ત્યારે તેનું હાસ્ય જૂનાગઢના નાગાસાધુની જેમ અલોપ થઈ જતું હતું. એ હાસ્યને હું ફરી તેના ચહેરા પર શોધવાનો પ્રયત્ન કરતો પણ જ્યાં સુધી ગોહિલ સાહેબ ત્યાંથી આઘાપાછા ન થાય ત્યાં સુધી એ હાસ્ય પણ તેના ચહેરા પર બિરાજમાન ન થાય. ગોહિલ સાહેબની ધાક હતી. એ તો મને પહેલા દિવસે જ ખબર પડી ગઈ.
મેં દેવેન્દ્ર પટેલનું ચાલ તને સાડી અપાવું પુસ્તક લીધું અને પોપટે કોઈ માહિતપ્રદ પુસ્તક લીધું. પુસ્તક રિન્યૂ કરાવ્યાં પછી અમે ચાલ્યા ગયાં પણ હિતેશના એ ચહેરાએ મારા મગજનો કેડો ન છોડ્યો.
ઘરે આવીને જ્યારે મેં એ પુસ્તક ખોલ્યું ત્યારે એક બે વાર્તા વાંચ્યા પછી એ ચહેરાએ મારા મગજ પર કબ્જો જમાવી લીધો. હું તેનાથી છૂટકારો મેળવવા મથતો હતો પણ જ્યારે કોઈ વ્યક્તિ મારા મગજમાં ઘુસી જાય છે ત્યારે હું તેનાથી અલિપ્ત નથી રહી શકતો. જૂનાગઢની ભૂમિની આ જ તો માયા છે. કોઈ ચહેરો આંખ અને ભેજા પર કાબુ મેળવી લે પછી તેનાથી ફારગતિ ન લઈ શકો.
પુસ્તક પૂરું કર્યા પછી હું તેને પાછું આપવા જઈ રહ્યો હતો. હવે નવું પુસ્તક લેવાનું હતું. મારી સાથે પોપટ પણ હતો. એ પેલા માહિતીપ્રદ પુસ્તકને ભાંડતો કહેતો હતો, ‘લેખકને મયલા કંઈ લખતા જ નથી આવડતું. સાવ દેઠોક જામી જ પડ્યો હતો.’
હું હસવા લાગ્યો. હું તેની પસંદગી પર હસ્યો હતો. એ કદાચ તેને પસંદ નહીં આવ્યું હોય. એણે પૂછ્યું, ‘દેવેન્દ્ર પટેલનું પુસ્તક સરસ છે?’
મેં કહ્યું, ‘પુસ્તક પણ સરસ છે અને વિનોદ ભટ્ટની પ્રસ્તાવના પણ સરસ છે.’
‘તો પછી હું તારું જ પુસ્તક ત્યાંથી રિન્યૂ કરી લઈશ. સમય બચી જશે. આમેય કેટલી મોટી લાઈબ્રેરી છે.’
મધુરમથી આઝાદ ચોક ત્રણેક કિલોમીટર જેટલો રસ્તો થતો હશે. ઘણા ચાર કિલોમીટર કહે. હું અને પોપટ ફરી ઉપડ્યા. મારી પાસે શાકભાજી ભરવાની કાપડની થેલી હોય. એ થેલીમાં મેં અમારા બંનેનાં પુસ્તકને સાચવીને રાખ્યા હોય. રસ્તામાં પોપટ ગીતો ગણગણતો હોય.
અમે પહોંચી જઈએ અને સામે હિતેશ હોય. એ ફરી હસે. એવું જ અકળ સ્મિત. એક પુષ્પ ખીલી ઉઠ્યું હોય એવું. એક બાળક પ્રથમ વખત હસે ત્યારે માતાને કેવો રાજીપો થાય, બસ એવું જ સ્મિત તેના ચહેરા પર દેખાય.
‘પુસ્તક ગમ્યું.’ આ વખતે તેમણે વાત કરવાનો દોર શરૂ કર્યો.
‘હા મને ગમ્યું.’ મેં ટૂંકાણમાં પતાવ્યું.
‘દેવેન્દ્ર પટેલ સરસ લખે છે. દર સોમવારે ગ્રંથાલયની સાફ સફાઈ થઈ જાય પછી હું કભી કભી વાંચું છું.’
મને આનંદ થયો કે એક પટાવાળાને વાંચવાનો શોખ છે. એમની પાસેથી જાણ્યું કે વખત મળે ત્યારે ચોરી છૂપે એ ગ્રંથાલયના પુસ્તકો વાંચી લે છે. કોઈ વખત ગમતું પુસ્તક હાથમાં આવી જાય તો છૂપાવી દેવાનું પણ કારસ્તાન કરતા હોય. કોઈ લેવા આવે ત્યારે કહી દે, ‘કોઈ લઈ ગયું છે.’ આ કોઈ લઈ ગયું છે એ તો એટલું સિફતથી બોલે કે પોલીસ સામે હોય તો પણ ચોરને પકડી ન શકે. ધીમે ધીમે અમારી દોસ્તી ગાઢ થતી ગઈ. મને આ માણસમાં રસ પડ્યો. મને લાગ્યું કે મારે શું શું વાંચવું જોઈએ એ મને એ જ સરસ રીતે કહી શકશે.
હું અને પોપટ અઠવાડિયે એક પુસ્તક પતાવી નાખતાં હતાં. જ્યારે પરત આવતા ત્યારે મને હિતેશની આંખમાં દેખાતું કે એ અમારી જ રાહ જોઈ રહ્યો છે. પુસ્તક પસંદ કર્યા પછી અમે ભરપેટ વાતો કરતા હતા. પોપટને ઉતાવળ થતી હતી એટલે વાતને પતાવ્યા વિના જવાનું થતું હતું. હું જતો હોઉં અને પાછો ફરું એટલે તેઓ હાથ ઊંચો કરે અને હસતાં હસતાં આવજો કરે.
એકા એક પોપટે ગ્રંથાલયે આવવાનું છોડી દીધું. હું એકલો પડ્યો. તેનું કાર્ડ પણ મેં જ લઈ લીધું અને તેમાંથી પુસ્તક રિન્યૂ કરવા લાગ્યો.
તેનું કાર્ડ લઈ હું ગ્રંથાલયમાં ગયો ત્યારે હિતેશને મેં પૂછેલું, ‘કોઈ કંઈ કહેશે તો નહીં ને?’
‘કોઈ નહીં કહે, તમ તમારે વાંચો. હા, ગોહિલ સાહેબને ખબર ન પડવી જોઈએ નહીં તો બોલી બોલીને ચામડી ઉતારી નાખશે.’
હું ગોહિલ સાહેબને પુસ્તકોના સંગ્રહખોર તરીકે સંબોધતો હતો. અલબત્ત મેં આ વાત તેમની સામે નહોતી કહી કે કોઈ દિવસ હિતેશભાઈની સામે પણ નહોતો બોલ્યો. તેમની ઓફિસને જોતો ત્યારે લાગતું કે આ માણસે ભાતભાતનાં હીરા અને માણેક તેની ઓફિસમાં સંઘરી રાખ્યા છે. એ કોઈને ન દેતા. જ્યાં સુધી પુસ્તક ફાટી ન જાય ત્યાં સુધી કોઈને નહીં.
એક વખત મેં હિતેશભાઈને પૂછ્યું, ‘તમને કયો લેખક ગમે છે?’
‘ડોક્ટર શરદ ઠાકર. કેટલું સરસ લખે.’
મેં હિતેશનાં વાંચન પરથી અનુભવ્યું કે તેને છાપામાં આવતા લેખકો ખૂબ જ ગમે છે. ડોક્ટર શરદ ઠાકરના રવાડે પણ તેણે જ મને ચડાવ્યો અને પાછો કહેતો ય ખરો કે, ‘આ તો આપણા જૂનાગઢનાં છે. શેર એક લોહી ચડી જાય.’ એ પોતાની પાતળી કાયાને શ્વાસ ભરી ઊંચી કરતો.
‘મને કોઈ પૂછે મયૂર ભાઈ કે તમારે કઈ ચોપડી ખરીદવી છે તો હું ડોક્ટર શરદ ઠાકરની રણમાં ખીલ્યું ગુલાબ જ ખરીધું.’
‘તમે લગ્ન કર્યા?’ મેં તેમના અંગત જીવન વિશે પૂછ્યું.
‘ના ભાઈ, મારા ભાંડેળા ટપોટપ મરી ગયા. હવે તો હું અને પપ્પા બે જ છીએ. એમાં લગ્નનું ક્યાંથી.’ એ પોતાની દારૂણ સ્થિતિ વિશે કહેતો. કહેતી વખતે પણ તેના ચહેરા પર લેબલની જેમ ચોંટી ગયેલું તેનું સ્મિત ખસતું નહીં. એ અનિમેષ સ્મિતની જ તો મજા હતી.
વાત આડે પાડે ચડી ગઈ. મેં વાત વાળવાનો પ્રયાસ કર્યો, ‘શરદ ઠાકરનું પુસ્તક તમે ખરીદ્યું નથી.’
‘ઘરનાં ખર્ચા જ એટલા થાય છે કે નથી ખરીદી શકતો. મહિનો થતાં થતાં તો બધુ પૂરું થઈ જાય. પાછું તમને તો ખબર છે, શોખની વસ્તુ મોંઘી બોવ હોય.’ વાત પૂરી કરી એ ફરી વાળેલા શર્ટની બાંયમાં હાથ નાખી ખંજોરતો.
‘મચ્છરનો ત્રાસ રહેતો હશે.’
‘અહીં પણ અને હું રહું છું ત્યાં પણ.’
‘ક્યાં રહો છો?’
‘સુખનાથ ચોક. તમને તો ખબર જ છે ત્યાંના મચ્છર ટબ્બા જેવડા છે. રાત આખી ઉંઘવા ન દે. શરીર તોડી નાખે. એક તો આખો દિવસ તનતોડ મહેનત કરવાની ને ઉપરથી એ તૂટેલા તન ઉપર મચ્છરો તનતોડ મહેનત કરે. આપણેય જીવવું અને એનેય જીવવું.’
હું પુસ્તક લઈ ચાલ્યો જાઉં. હિતેશનાં કારણે જ હું ઝડપથી પુસ્તકો વાંચવા લાગ્યો. હું તેના સ્વભાવ અને તેના શબ્દોથી ખાસ્સો પ્રભાવિત થયેલો. ચોમાસાના ટાણે અમારી મુલાકાત ઓછી થતી. જેટલો ઉનાળો ભયંકર તેનાથી વધારે ભયંકર જૂનાગઢનું ચોમાસુ. બહારના લોકોને લાગે કે જૂનાગઢીયાઓને તો મજા જ મજા હશે પણ એટલીય મજા હોય નહીં. અમારે તો જંગલમાં પણ નોખો વરસાદ પડે અને શહેરમાં પણ. અષાઢ અને શ્રાવણમાં તો જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં ગારો દેખાય. આંખને આનંદ આપે પગને નહીં. મારી પાસે તો સાઈકલ. ચોમાસામાં તેની ચેન વારંવાર ઉતરી જાય ત્યારે હાથ કિલ વાળા થઈ જાય. પાણીમાં ટાયર ચાલ્યું હોય ને ભૂલથી ખીલી ઘુસી જાય તો પથારી ફેરવી નાખે. મારા ખિસ્સામાં રૂપિયા ન હોય ત્યારે ત્રણેક કિલોમીટર સાઈકલ દોરીને આવવું પડે. જિંદગીમાં બધી સારી અને સાચી મજા એ સાઈકલે કરાવેલી, આજે એ પણ નથી રહી.
બાર આર્ટ્સની પરીક્ષા પાસ કરી હું કોલેજમાં આવી ગયો. હજુ પણ મારો અને હિતેશભાઈનો સંબંધ હેમખેમ હતો. દોસ્તીનાં એ માળાને કોઈએ વીખ્યો નહોતો. બહાઉદ્દીન આર્ટસ કોલેજમાં હું ભણવા માટે જાઉં ત્યારે કોલેજ પૂરી કરીને સીધો આઝાદ ચોકની લાઈબ્રેરીએ ઉપડું. હિતેશભાઈ સાથે ગપ્પા લડાવું અને નવું પુસ્તક લઈ પાછો આવી જાઉં.
એક દાડો તો મને પૂછ્યું, ‘અશ્વિની ભટ્ટને વાંચ્યા છે?’
‘ત્યાં.’ હું કબાટ બાજુ હાથથી ઈશારો કરતો કહું, ‘એમનાં પુસ્તકોનાં બીજા અને ત્રીજા ભાગ જોયા છે પણ તેનું કદ જોઈ કોઈ દિવસ ઉપાડવાની હિંમત નથી થઈ.’
‘ઊભા રહો.’ એ પોતાની જગ્યાએથી ઊભા થયા અને મારા હાથમાં એક પુસ્તક રાખ્યું. હું ચોંકી ગયો. એ પુસ્તક અશ્વિની ભટ્ટનું નહોતું.
‘આ તો…’
મારા વાક્યનો દોર એણે કાપી નાખ્યો, ‘હરકિસન મહેતા. જગ્ગા ડાકુનાં વેરનાં વળામણાં. શરૂ કરો એટલે બીજા જ દિવસે તમે અહીં પાછા હશો. જો ન હોવ તો તમે કહો એ હારી જાઉં.’
એ દિવસે હિતેશ સાથે મેં ચા પીધી. નસીબ સારા હતા કે ગોહિલ સાહેબે મને આજીજી કરી અને ચા પીવડાવી. ચા પીધા પછી હું ઉપડ્યો. હિતેશની વાત સાચી નીકળી. હું એક જ બેઠકે હરકિસન મહેતાની નવલકથા જગ્ગા ડાકુના વેરનાં વળામણાં પૂરી કરી ગયો. બીજે દિવસે બીજો ભાગ અને પછી ત્રીજો ભાગ.
તેણે મને હરકિસન મહેતાની જેમ જ અશ્વિની ભટ્ટને વંચાવ્યા અને કાજલ ઓઝા વૈદ્ય સાથે પણ મારો પનારો પાડ્યો. હું લોકપ્રિય સાહિત્ય તરફ ખેંચાતો જતો હતો. હવે મને પણ લખવાનું મન થતું હતું. હું મારા ચોપડામાં અવનવું કાંઈક લખ્યાં રાખતો હતો. લખ્યાં પછી તે કોઈને બતાવતો નહિ. મને શરમ આવતી હતી. ક્યાંક કોઈ આપણી ટીકા કરશે તો? બે જણા વચ્ચે ફજેતી થશે તો? બે ત્રણ વખત હિતેશભાઈને બતાવવાની ઈચ્છા થઈ આવી. એ ઊભરો ક્યારે થયો અને ક્યારે શમી ગયો એની ખબર પણ ન રહી.
ફરી જ્યારે લાઈબ્રેરીએ ગયો ત્યારે હિતેશભાઈનાં કાને વાત નાખી, ‘હિતેશભાઈ સારામાં સારી નવલકથા લખવી હોય તો શું કરવાનું ?’
એ હિતેશ પટાવાળો મને કહે, ‘તમે મહાભારત વાંચો, તમને તેમાંથી જ બધા પ્લોટ મળી જશે. દુનિયાની કોઈ પણ ઘટના રામાયણ અને મહાભારત જ છે. આપણી ગુજરાતી નવલકથાઓ પણ એ જ છે. તમે મહાભારતનો અભ્યાસ કરો.’
તેમની વાત મને સાચી લાગી. જોકે મેં નવલકથા પર પ્રયોગ ન કર્યો. અશ્વિની ભટ્ટ અને હરકિસન મહેતાને તો કોણ પહોંચે? એવા દોઢડાહ્યા થોડા થવાય.
કોલેજના બીજા વર્ષમાં જ્યારે હું તેની પાસે ગયો ત્યારે તે મારી સાથે વાત કરતા અચકાતો હતો. હું પણ જાણવા માગતો હતો કે તેને શું કહેવું છે ? જ્યારે હું પુસ્તક લઈ જવા નીકળ્યો ત્યારે મને કહે, ‘મકાન હશે તમારી પાસે ?’
‘વેચાતું લેવું છે કે ભાડે?’
‘ખરીદવું જ છે. હવે સુખનાથ ચોકમાંથી બહાર નીકળવું છે. જો તમારા ધ્યાનમાં હોય તો મારા કાને વાત નાખજો.’ એ વખતે અમારા મંગલધામમાં આવેલા મકાનને વેચવાની બાપુજી વાત કરતાં હતાં. બીજી વખત ગ્રંથાલયમાં ગયો ત્યારે મેં તેમને સરનામું આપ્યું અને તે રાજી થઈ ગયો. મંગળવારે ગ્રંથાલયમાં રજા હોય. મંગળવારે બપોર પછી તે મારા ઘરે ખાબક્યો. હું ઉપરનાં માળે હતો. તેને મારું ઘર શોધતા જરા પણ અગવડતા ન પડી. જૂનાગઢ તો ઠેરી જેટલું નાનું છે.
હું એમને મકાન જોવા લઈ ગયો. અમારું મંગલધામનું મકાન તેને ગમ્યું ખરું પણ ભાવ બારેક લાખ જેવો થતો હતો. તેણે સાફ કહી દીધું કે આટલા તો મારાથી નહીં થાય.
બી.એના બીજા વર્ષની પરીક્ષાઓ નજીક હતી. હવે મારે ઈત્તર વાંચન પર કાબુ રાખવાનો હતો. જો હું રાખી શકું તો. જોકે મારા બા અને બાપુજીના ધમકીભર્યા સૂરનાં કારણે એ શક્ય બન્યું.
હું બે ત્રણ મહિના સુધી ગ્રંથાલયની મુલાકાતે ન ગયો.
કોલેજ પૂરી થઈ અને થોડા દિવસમાં શરૂ પણ થઈ ગઈ. વેકેશનને પૂરું થતાં વાર ન લાગી. મેં ફરી મારી સાઈકલને સજ્જ કરી. સવારના સાત વાગ્યે હું ઉપડતો જ હતો ત્યાં મને હિતેશભાઈ દેખાઈ ગયા. એ ચાલીને જતા હતા. મેં તેમની પાસે સાઈકલ ઊભી રાખી, ‘અત્યારે આમ ક્યાં?’
‘મેં અહીં ભાડે મકાન લઈ લીધું.’
‘સારું ચાલો. એ બહાને તમે પણ નજીક આવી ગયા. રીક્ષા કરશો કે…?’ મારે આ સવાલ નહોતો કરવો જોઈતો. હિતેશ કંઈ બોલ્યો નહીં. હું તેનાં ભેદી મૌનને સમજી ગયો.
‘પાછળ બેસી જાઉં.’ મેં કેરિયર સામે માથાથી ઈશારો કરતા કહ્યું.
‘ના, ના, તમે એક તો મારાથી પણ પાતળા અને ચલાવી નહીં શકો….’ એ અચુડચુ થતાં રહ્યા પણ હું એમની વાત ક્યાં માનવાનો હતો. હું ડબલ સવારી સાઈકલ ચલાવવામાં પાવરઘો નહીં. મેં તો મારા જશવંત માસાને પણ કડિયાવાડથી સાઈકલમાં લઈ આવતી વખતે ધડામ કરતાં પછાડ્યાં હતાં. હિતેશને પાછળ બેસાડતી વખતે એકાએક મને એ ગોઝારી ઘટનાનું સ્મરણ થઈ ગયું. હું અંદરથી ડરી ગયો. મેં એ વાત હિતેશને ન કહી કે મને ડબલ સવારીનો વધારે અનુભવ નથી.
મેં પેંડલ માર્યા અને ખબર પણ ન પડી કે બહાઉદ્દીન આર્ટ્સ કોલેજ આવી ગઈ છે.
મારી કોલેજ આવતાં એ બોલ્યા, ‘એ…. એ…. તમારી કોલેજ આવી ગઈ.’
પણ હું ક્યાં રોકાવાનો હતો. ધમણની જેમ મારો શ્વાસ ચાલતો હતો. કાળવા ચોક સુધી હું હિતેશભાઈને મૂકીને જ જંપ્યો.
‘ભારે ખેંચી લીધી.’
‘લાઈબ્રેરી સુધી મૂકી જાઉં?’ હું જવાન લોહી એટલે મારામાં એટલી તાકત તો હોય જ. મેં તેમને કહ્યું પણ ત્યાં સુધીમાં તેઓ રાબેતા મુજબ હાથ ઊંચો કરી ચાલતા થઈ ગયેલા. હું એમની પીઠને તાકી રહ્યો. કાલ શું થાશે તેની ચિંતા એમના કરતા મને વધારે કોરી ખાતી હતી. આ માણસ આટલું ચાલીને આવશે? મારા બંને હાથ સાઈકલ પર જડાઈ ગયા અને હું ઊંડો નિસાસો ખાઈ કોલેજ પાછો ફર્યો.
કોલેજ પૂરી થતાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પત્રકારત્વ ભવનમાં મેં એડમિશન લીધું. મને રાજકોટની આબોહવા માફક આવી ગઈ હતી. હું ત્યાંથી આવતો જ નહીં. ઉપરથી જૂનાગઢની લાઈબ્રેરીની મને શું જરૂર જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આટલી મોટી લાઈબ્રેરી હોય. હું ઘરે પણ ખૂબ ઓછા સમય માટે આવતો હતો. બા બાપુજી ખીજાતા પણ ખરા, ‘એલા તે તો ન્યાં છાત્રાલયમાં ધામા નાખ્યા છે. મોઢુંય નથી દેખાડતો.’
હું એમની વાતનો જવાબ ન આપી શકતો. વચ્ચે જૂનાગઢ જવાનું થયેલું ત્યારે સ્વામીનારાયણ મંદિરે હિતેશ અને તેના બાપુજી મળી ગયેલા. એ ટાણે એનાં બાપુજીના પણ દર્શન થઈ ગયા. એ ભેટ ક્ષણિક હતી. પછી એક વર્ષ સડસડાટ પસાર થઈ ગયું. હું હિતેશને ન મળ્યો. લાઈબ્રેરીનાં કાર્ડનું આયુષ્ય પણ પૂર્ણ થઈ ગયું હતું.
દૂરદર્શનમાં નોકરી મળી અને એક હજાર રૂપિયા હાથમાં આવ્યા ત્યારે હું હરખઘેલો થતો પુસ્તકો ખરીદવા ગયો. પુસ્તકો ઉપર નજર નાખતો હતો એમાં વચ્ચે શરદ ઠાકરની રણમાં ખીલ્યું ગુલાબ મારા હાથમાં આવી ગઈ. મારી સ્મૃતિનો પટારો ખૂલ્યો. હિતેશની એ વાતે મને ચારેકોરથી ઘેરી લીધો. મેં એક નકલ લઈ લીધી. વિચાર્યું કે જૂનાગઢ જઈશ ત્યારે હિતેશભાઈને ભેટમાં આપીશ.
પત્રકારત્વનું ત્રીજું સેમેસ્ટર પૂરું થયું. હું જૂનાગઢ ઉનાળાની રજાઓ ગાળવા આવ્યો. થોડો વખત કાઢી સાઈકલને પોતું મારી આઝાદ ચોક લાઈબ્રેરી બાજુ ઉપડ્યો. એ જૂનો જ વેશ મેં ધરેલો હતો. મારી સાઈકલની આગળ શાકભાજી લેવાની કાપડની થેલી હતી. એમાં ડોક્ટર શરદ ઠાકરનું પુસ્તક રાખેલું હતું. હું ખુશ હતો. આઝાદ ચોક લાઈબ્રેરીની અંદર જતાં એક અજાણ્યા યુવકને પૂછ્યું, ‘હિતેશ છે?’
‘પેલા પટાવાળાભાઈ?’ મારાથી બે ચાર વર્ષ મોટા લાગતાં એ યુવાને વિચારીને કહ્યું.
‘હા.’
‘એ તો ગોહેલ સાહેબ ગયા એટલે એ પણ ગયા. અત્યારે ક્યાં છે ખબર નહીં.’ ઔપચારિક વાત કરી હું નિરાશ વદને પાછો ફર્યો. મને થઈ ગયું કે મારે મધુરમમાં જ જવું જોઈએ. એ ત્યાં જ તો રહે છે. મેં ફરી સાઈકલ મારી મૂકી. હું મધુરમમાં એ જ્યાં રહેતા ત્યાં ગયો, પણ ત્યાં કોઈ બીજું રહેવા આવી ગયું હતું. ભાડે રહેનારાઓની આવરદા કેટલી?
બીજે દિવસે બપોર પછી સુખનાથ ચોકમાં પણ એક બે જગ્યાએ પૂછી જોયું પણ મને હિતેશભાઈ ન મળ્યા. જાણે તેમને કોઈ ઓળખતું જ નહોતું. વળતા હું બહાઉદ્દીન આર્ટ્સ કોલજ પાસે સાઈકલને ટેકવી ઊભો રહી ગયો. મેં મારી કોલેજને જોઈ, ભૂતકાળના સુવર્ણ દિવસોનું એક ઝાટકે સ્મરણ કરી લીધું. ત્યાંથી નજર ફેરવી એકીટશે ગિરનાર પર્વતને જોતો હતો. સૂરજ ડૂબવાની તૈયારીમાં હતો અને ત્યાં ભૂતનાથ મંદિરમાં ઝાલરનું ટાણું થઈ ગયું.
(નરસિંહ ટેકરીમાંથી)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત