ચિત્રલેખામાં લખતા રાજુ અંધારિયાની જસ્ટ એક મિનિટનું પ્રથમ પુસ્તક થયું. એ પ્રથમ પુસ્તકમાં એક વાર્તા છે. એકાવનમાં પેજ નંબર પર 49 નંબરની વાર્તા.
પીડા અથવા સંઘર્ષ વિશ્વવ્યાપી છે. એ સજા નથી, એ તો પ્રતિભા ખીલી ઊઠે છે, નવી ક્ષમતા વિકસે એ માટે કુદરતે સર્જેલી અદભૂત તક છે.
એક માણસ એક કોશેટો ઘરે લઈ આવ્યો. કોશેટામાંથી પતંગિયું કેમ બને છે એ એને જોવું હતું. એક દિવસ કોશેટોમાં નાનું છિદ્ર જોવા મળે છે. પેલો માણસ જુએ છે કે આ છિદ્રમાંથી પતંગિયું પોતાના શરીરને બહાર લાવવા આકરો સંઘર્ષ કરી રહ્યું હતું.
ઘણીવાર સુધી પતંગિયાની આ મહેનત જોઈને એ માણસને લાગે છે કે પતંગિયું કોશેટાની કેદમાંથી કદી મુક્ત થઈ શકશે નહીં. આથી એને મદદ કરવાની ભાવના સાથે એ ઊભો થાય છે. કાતર વડે કોશેટાના બાકીનાં આવરણ હળવેથી કાળજીપૂર્વક કાપી નાખે છે.
પતંગિયું તો બહાર આવી જાય છે, પણ એનું શરીર એકદમ નબળું અને ક્ષીણ હોય છે, એની પાંખો ચીમળાયેલી હોય છે. જો કે પેલા માણસને તો એમ જ થાય છે કે હમણાં પતંગિયું પાંખ ફેલાવશે અને ઉડવાનું શરૂ કરશે. પણ એવું કશું જ બનતું નથી ! ઊલટાનું એ પતંગિયું તો પોતાના નબળા, ક્ષીણ શરીર અને ચીમળાયેલી પાંખો સાથે જમીન ઉપર ફક્ત ઢસડાયા કરે છે અને ક્યારેય ઊડી શકતું નથી. જે પણ એને જીવન મળે છે એ દરમિયાન જમીન પર ઢસડાતા ઊડ્યા વિના જ એ પાંગળું રહીને જીવે છે.
પેલો માણસ દયા દાખવવાની ઉતાવળમાં સમજ્યો નહીં કે નાનકડા છિદ્ર વાટે બહાર આવવા માટે પતંગિયાએ સંઘર્ષ કરવો જરૂરી હતો. એ સંઘર્ષ દરમિયાન જરૂરી બળ વપરાતાં એના શરીરમાંથી જે પ્રવાહી ધકેલાય એનાથી એને શક્તિ મળે, જેથી કોશેટામાંથી મેળવી ઉડ્ડયન કરવા સક્ષમ બને.
યાદ રાખો કે આઝાદી અને ઉડ્ડયન ફક્ત સંઘર્ષ કર્યા પછી જ પ્રાપ્ત થાય છે. જીવનમાં અવરોધ ન હોય તો આપણે પાંગળા બની જઈએ અને જોઈએ એટલી પ્રતિભાય ન ખીલે. ઘણીવાર તકલીફદાયક લાગતી બાબત છૂપા આશીર્વાદ સમાન હોય છે, જે આપણને વધુ વ્યાપક, વધુ વિસ્તૃત બનાવે છે.
*******
ઉસૈન બોલ્ટનો એક પત્રકાર ઈન્ટરવ્યૂ લેવા આવેલો ત્યારે બોલ્ટને જોઈ તેણે કહ્યું હતું કે, ‘તમે તો મહાન દોડવીર છો. તો પછી પ્રેક્ટિસ સમયે દોડવાથી કંટાળી કેમ જાવ છો?’ બોલ્ટે કહેલું, ‘હું તમને એ જ તો બતાવવા માગતો હતો. રોજની સાત સાત કલાક પ્રેક્ટિસ કરી પરસેવો પાડીએ ત્યારે ઓલમ્પિકમાં પરિણામ મળે છે. હું દોડુ એ ઝડપથી તાત્કાલિક પરિણામ નથી મળતું. ખૂબ કંટાળો આવે અને એ કંટાળામાંથી ફરજીયાત પસાર થવું પડે.’
કળાની દુનિયા ખૂબ મુશ્કેલ છે. એમાંય લેખનની દુનિયા સૌથી આકરી છે. લખો. ચેકચાક થાય. મનમાં ભૂલ હશે તો એવી વાતોનો વંટોળ વારેઘડીએ આવ્યા કરે. કોઈ શું કહેશે ? જોડણીની ભૂલ હશે તો ? વાચકોને પસંદ આવશે કે નહીં ? જૂના લખાણો પાછા ફંફોસીએ તો છાતીમાં સૂળ ભોંકાય કે હું આવું લખતો હતો ? કાયમી લખતા હોય તેને આવા સંશયો થતા રહેતા હોય છે. પોતે જ લખેલો લેખ કેટલી વખત વાંચવો પડતો હોય છે. લેખનનું સૌથી મોટું સસ્પેન્સ એ છે કે તમારી ભૂલ તમને નથી દેખાતી બીજાને દેખાય છે.
આ વાતો નજીકથી જાણવી અને સમજવી હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનના લક્ષ્યવેધ મેગેઝિન પાસે જવું પડે. આ સામાયિકમાં કોઈ મોટા લેખકો નથી લખતા. વર્ષે એક વખત નવા લેખકો માટે તૈયાર થાય છે. તેના સર્જકો બદલાતા રહે છે. પ્રકાશિત થાય છે. એક અનુભવી પત્રકારની આંખો નીચેથી નવજાત લેખો પસાર થાય છે.

વાર્તામાં પતંગિયા સાથે જે થયું તેની વિરૂદ્ધનું થાય છે. લેખ તપાસાય છે અને ફરી એક વખત પાછા અપાય છે ત્યારે ઘણાને હતાશાનો અનુભવ થાય છે. પાછું એક વાર જોવું અને તપાસવું. 22-25 વર્ષની વયના છોકરાઓ પાસેથી બાહુબલી લેખની આશા તો ન રાખી શકાય.
આ લક્ષ્યવેધ મેગેઝિનનું કોઈ દિવસ નામ નહીં સાંભળ્યું હોય, કારણ કે પત્રકારત્વમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જ તૈયાર કરે છે. બીજી કોઈ જગ્યાએ સામાયિક નથી મળતું. કોઈ કિંમત નથી. આ સામાયિકમાં પ્રથમ વખત લેખ લખ્યો હોય અને આજે મોટા લેખક-કોલમિસ્ટ-પત્રકાર બની ગયા હોય તેની પણ લાંબી સૂચિ છે. તમે સંશોધન કરશો તો ખ્યાલ આવશે કે તમારા ગમતા આજના લેખકે અહીંથી શરૂઆત કરી હોય.

2013થી મેગિઝિનનું સંપાદન કરતાં અને નવા વિદ્યાર્થીઓને લેખ માટે પ્રોત્સાહિત કરતા નીલેશભાઈ પંડ્યાએ કોલમ રાઈટિંગના પોતાના લેક્ચરમાં ખાસ્સા વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે.
2013-14માં એમણે પ્રથમ વખત જ્યારે મેગેઝિનના સંપાદનનો વિષય સંભાળેલો ત્યારે લખેલું, ‘‘સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનના વિદ્યાર્થીઓના લેખો, વાર્તા, કવિતા જેવી રસપ્રચૂર વાનગીવાળો લક્ષ્યવેધનો અંક આપ સૌના હાથમાં મૂકતાં આનંદ અનુભવું છું. આમ તો આ દર વર્ષનો ઘટનાક્રમ છે પણ એના સર્જકો બદલતા રહે છે એટલે દર વર્ષે તે નાવિન્યસભર લાગે છે. સૌથી પ્રથમ એ ખુલાસો કરી દેવા માગું છું કે લક્ષ્યવેધની સામગ્રી કસાયેલી કલમે રચાઈ નથી પણ ભવિષ્યના કલમનવેશોનું આ પ્રારંભિક સર્જન છે એટલે ‘વિદ્વતા’ કરતાં પ્રોત્સાહનનાં ચશ્માં પહેરીને આ વાનગી માણીશું તો બહુ મજા આવશે. આ એવા હીરલાઓનો ઝગમગાટ છે જે હવે સાચા અર્થમાં ઘડાવાના છે, અત્યારે તે કાચા હીરા છે, ભવિષ્યમાં આમાંથી કેટલાય ‘અમૂલ્ય’ બની જશે.’’

નીલેશભાઈની એક ખાસિયત રહી છે. તેઓ એક વિદ્યાર્થીને તૈયાર કરે જે તેમની અને વિદ્યાર્થીઓ વચ્ચે એક સેતુનું કામ કરે. આ વિદ્યાર્થી લેખો ઉઘરાવે. વાંચે પણ ખરો. નીલેશભાઈ સુધી પહોંચાડે. એક સબ એડિટરનું કામ થાય. નીલેશભાઈ એ લેખો તપાસે અને પછી ફરી પાછા આપે. જ્યાં સુધી તેની અંદરનું બેસ્ટ ન નીકળે ત્યાં સુધી તેઓ તેમનો રસકસ ચૂસી લે. કટાર લેખન અને લક્ષ્યવેધ મેગેઝિન માટે પ્રથમ લેક્ચરથી જ તેઓ જોડણી પર પૂરતો ભાર મૂકે.
અત્યાર સુધી ભાષા સાથે ચાલતી લાલિયાવાડી કે આપણે જેમ ખોટું લખી લખીને ટેવાય ગયા હતા તેમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢે. જેથી લેખ લખવા માટેની પૂર્વ તૈયારી શરૂ થઈ જાય. આ વાતની વિદ્યાર્થીઓને ખબર નથી હોતી. તેમના મનમાં તો હજુ એમ જ હોય છે કે લખીને છુટ્ટા. જોકે નીલેશભાઈ એમ છુટ્ટા થવા નથી દેતા. એ સતત ટાંકણી પર હથોડી માર્યા કરે છે. બાસ્કેટબોલ પ્લેયર માઈકલ જોર્ડનના વિધાનની જેમ, ‘હું મારી કરિયરમાં 9000 શોટ ચૂકી ગયો છું. 300 રમત હારી ગયો છું. 26 વખત અમે કપ જીતતા હતા અને મારી ભૂલના કારણે ધબડકો થઈ ગયો. હું વારંવાર-વારંવાર-વારંવાર નિષ્ફળ ગયો છું એટલે હું સફળ છું.’

મોટા ભાગે વિષયની પસંદગી જે તે લેખક કયા શહેરમાંથી આવે છે તેના પરથી કરવામાં આવે. આ કારણે થાય એવું કે અનુભવનું એક વિશ્વ રચાય. એમણે જે જોયું, એમણે શું અનુભવ્યું ? એમની આસપાસની દુનિયા કેવી હતી ? તેના પર વિદ્યાર્થીઓ લખે. આ થકી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે ઓબ્ઝર્વેશન અને અનુભવ એ કોઈ પણ લેખની પ્રાથમિક શરત છે.
જે લોકોને લખવાનો શોખ છે અને ભવિષ્યમાં લેખનની દુનિયામાં જ આગળ વધવું છે, આવા પહેલેથી નિશ્ચિય કરી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે કદાચ આ સરળ રહે. જોકે એ હદે મેચ્યોર થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ગણીને એક કે બે હોય છે. જેઓ લેખનને જ વળગી રહેવા માગતા હોય. કોઈ વાર તો હોતી જ નથી. જેથી બાકીના વિદ્યાર્થીઓને ઘડવાના રહે.

વિદ્યાર્થીઓની રુચિ જાણવામાં આવે. કોઈને ફિલ્મમાં શોખ છે, કોઈને ટ્રાવેલનો શોખ છે, કોઈ કાર્ટુન બનાવે છે. જેમ કે 2013-14નો અંક જે ચાબુકની ઓફિસે છે તેમાં એક ફોટોગ્રાફર હર્ષ ત્રિવેદીએ પાડેલી તસવીરો છે. જે એ સમયે વિદ્યાર્થી હતો. માત્ર ક્લાસરૂમમાં બેસીને જ નહીં. કોઈને નવો વિષય આપી દેવામાં આવ્યો હોય તો તે સ્થળ પર મુલાકાત લઈ તે વિષય અંગે લખે છે.
કૃષિ પત્રકારત્વને આપણે ગંભીરતાથી નથી લેતા, પણ મોટાભાગના એડમિશન લેનારા વિદ્યાર્થીઓનો નાતો ગામડા સાથે હોય છે. જેથી એક કે બે ખેતી વિષયને આવરતા લેખો પણ મળી જાય. આ પ્રકારે વિદ્યાર્થીની લખવાની રુચિનું ક્ષેત્ર પણ પકડાય જાય છે.

પત્રકારત્વ ભવનના હેડ નીતાબેન વિદ્યાર્થીઓના સર્જન વિશે એ જ સામાયિકમાં લખે છે, ‘‘આશાસ્પદ વિદ્યાર્થીઓનું આ પ્રથમ સર્જન કદાચ સંપૂર્ણ નહીં હોય, પરંતુ તેનાથી તેનું મહત્વ ઓછું આંકી શકાય તેમ નથી. તેમની આ પા… પા…. પગલી બહુ ઝડપથી મોટી ડગલીઓ બનીને હરણફાળમાં પરિવર્તિત થવાની છે તેવો અમને પૂર્ણ વિશ્વાસ છે.’’
2018-19ના સમાયિકમાં નિલેશભાઈ સંપાદકીય કલમે જ્યારે લખે છે, તો તેમની કલમમાં થોડો આનંદ વર્તાયા વિના નથી રહેતો. તેઓ લખે છે, ‘‘ક્યાંક કોઈ તારલો વધુ ઝગમગાટ કરે તો કોઈ ઓછો પણ સહિયારા પ્રયાસમાં વ્યક્તિ ગૌણ બની જાય ને સમષ્ટિનું સર્જન કરે છે. લક્ષ્યવેધ અમારા ભવનનાં બાળકોની પોતાની દુનિયા છે એમાં મહાલવું સૌને ગમે છે.’’

હવે રાજુ અંધારિયાની ઉપરની વાર્તા ફરી વાંચો. નીલેશભાઈ શા માટે ફટાફટ પતાવવાની જગ્યાએ વિદ્યાર્થીઓને દોડાવે છે. એ પતંગિયાને મહેનત કરવા દે છે. કોશેટામાંથી નીકળવા મથતા પતંગિયાની સાથે વાર્તાના નાયકે જે કર્યું એમ મદદ નથી કરતા. એક સંઘર્ષ થાય છે. સંઘર્ષ પછીનું પરિણામ મીઠું હોય છે.
લખવું એટલે હાર ન માનવી. છપાય કે ન છપાય નિરાશ થયા વિના લખતું રહેવું. નવા લેખકો માટે આ ભવનમાં જ પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત છૂપાયેલો પડ્યો છે. પત્રકારત્વ ભવનના પ્રથમ હેડ યાસિન દલાલનું પુસ્તક કોઈ નહોતું છાપતું એમણે ‘રિપોર્ટીંગનો સિદ્ધાંત’ નામનું પુસ્તક લખ્યું હતું. એ છાપવા એ વખતે કોઈ તૈયાર નહોતું. પુસ્તક ન છાપવાનું કારણ એ જ હતું કે, ‘પત્રકારત્વના વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી હોય છે.’
આજે સ્થિતિ એવી છે કે એ જ યાસિન દલાલનો લિમ્બકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે. માધ્યમો પર સૌથી વધારે પુસ્તક લખવાનો. કૌશિક મહેતા દ્રારા સંપાદિત થયેલા ‘લખવું એટલે કે…’ પુસ્તકમાં તેઓ પોતાની લેખન સાધના વિશે કહે છે, ‘‘હવે ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ’માં પણ આવવાની તૈયારીમાં છે.’’