Team Chabuk-International Desk: ટેક્નોલોજીનો ઉપયોગ જેટલું માનવીનું જીવન સરળ બનાવે છે તેટલું જ ઘણી વખત મુશ્કેલીમાં પણ મૂકી દેતું હોય છે. જેનું તાજું ઉદાહરણ ઇન્ડોનેશિયામાં જોવા મળ્યું છે. ઇન્ડોનેશિયામાં જાનૈયાઓ સાથે કંઈક આવી ઘટના બની છે. વાત એમ છે કે ઇન્ડોનેશિયામાં લગ્નના દિવસે કન્યાના ઘરે પહોંચવા માટે જાનૈયાઓએ ગુગલ મેપનો સહારો લીધો. પરંતુ ટેક્નિકલ ખામીના કારણે જાનૈયાઓ કોઈ બીજી કન્યાના ઘરે પહોંચી ગયા. થોડીવાર માટે તો કન્યાના ઘરવાળાને પણ ખોટી જાન ઘરે આવી ગયાનો ખ્યાલ ન આવ્યો. જો કે ત્યારબાદ ખ્યાલ આવી ગયો કે આપણા ઘરે જે જાન આવવાની હતી તે આ જાન નથી અને ખોટા લગ્ન થતાં પણ બચી ગયા.
ઇન્ડોનેશિયાના ટ્રિબ્યુન ન્યૂઝની રિપોર્ટનું માનીએ તો, જાન મધ્ય જાવાના પાકિજ જિલ્લાના લોસારી હેમલેટ જવાની હતી. કન્યાના ઘરે પહોંચવા માટે માટે જાનૈયાઓએ ગુગલ મેપની મદદ લીધી. શરૂઆતમાં તો ગુગલ મેપ પ્રમાણે જાનૈયાઓ સાચા રસ્તે જ જઈ રહ્યા હતા. પરંતુ ગુગલ મેપે તેઓને લોસારી હેમલેટની જગ્યાએ જેંગકોલ હેમલેટ પહોંચાડી દીધા હતા. હકીકતમાં આ બન્ને વિસ્તાર એક જ ગામના છે. જેથી ગુગલ મેપ પણ ખાસ જગ્યા બતાવી ન શક્યું.
જાનૈયાઓ ખોટી કન્યાના ઘરે પણ પહોંચી ગયા. જાનને આંગણે આવેલી જોઈને કન્યા પક્ષના લોકોમાં પણ ખુશીનો પાર ન રહ્યો. જાનૈયાઓની આગતા સ્વાગતા કરવામાં આવી. લાંબી મુસાફરી કરીને આવેલા જાનૈયાઓને કન્યાપક્ષના લોકોએ નાસ્તા-પાણી પણ કરાવ્યા. જો કે વાતચીત દરમિયાન કન્યા પક્ષના એક વ્યક્તિને ખોટી જાન હોવાનું લાગ્યું. જેથી તેણે પુછપરછ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો. ત્યારબાદ બન્ને પક્ષોએ પોતપોતાની ભૂલ સ્વીકારી લીધી અને નાસ્તા-પાણી કરીને જ ખોટી જાનને વળાવી દીધી.
27 વર્ષની કન્યા ઉલ્ફાએ જણાવ્યું કે, જાન ઘર આંગણે પહોંચતા જ મારા પરિવારના લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. પરિવારને આ જાન ખોટી જગ્યાએ આવી ગઈ હોવાની કોઈ ભનક લાગી નહતી. પરંતુ જ્યારે મેં જાનૈયાઓને જોયા તો મેં વિચાર્યું કે હું આમાંથી કોઈ વ્યક્તિને ઓળખતી નથી. ત્યારબાદ મેં મારા થનાર પતિને ફોન લગાવ્યો. ફોનમાં મારા થનાર પતિએ કહ્યું કે તેઓ તો હજુ રસ્તામાં છે. જેથી મને ખાતરી થઈ ગઈ કે આ જાન ખોટી જગ્યાએ આવી ગઈ છે.
ત્યારબાદ કન્યાએ આ વાતની જાણકારી તેના પરિવારજનોને આપી, પરિવારજનોને પણ આ વાતની જાણ થતાં તેઓ હેરાન થઈ ગયા. જાનૈયાઓ સાથે વાતચીત કરતાં ખ્યાલ આવ્યો કે તેઓ ગુગલ મેપના કારણે ખોટી જગ્યાએ પહોંચી ગયા છે. કેમ કે એક દિવસે આ ગામમાં બે કન્યાના લગ્ન હતા. ત્યારબાદ કન્યાના પરિવારજનોએ આ ખોટી જાનને તેઓના સાચા સ્થળે પહોંચાડ્યા.
ઘણી વખત એક જ ગામમાં કે આસપાસમાં બે લગ્ન હોય ત્યારે મહેમાનો ખોટી જગ્યાએ પહોંચી જતા હોય છે અને જમી લીધા પછી ખબર પડે છે કે તેઓ ખોટા લગ્નમાં પહોંચી ગયા હતા. આ ઘટનામાં તો ગુગલ મેપના કારણે જાન અન્ય કન્યાના ઘરે પહોંચી ગઈ હતી. જો કે સમયસર ખ્યાલ આવી જતાં વધારે મુશ્કેલી સર્જાઈ નહતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત