Homeસાહિત્યપછેડીવા-નિબંધ-મયૂર ખાવડુ

પછેડીવા-નિબંધ-મયૂર ખાવડુ

મયૂર ખાવડુ: વર્ષા પત્યા પછીનાં ચિત્રમાં એક ખાલીપો વર્તાય છે. પ્રથમ વર્ષાએ વાતાવરણમાં ઉષ્ણતા વ્યાપી જાય છે. બાષ્પીભવન થઈ, કોઈ ફક્ત આંસુ છોડી, ક્યાંય ચાલ્યા ગયાનો પરિતાપ શરીરને વારેઘડીએ થયા કરે છે. પૃથ્વીના પેટાળમાં સળવળાટ થાય છે અને જીવ બહાર નીકળે છે. વર્ષાની ઋતુ ઉર્વરામાંથી કોટો ફૂટવાની જ નહીં જંતુ ફૂટવાની પણ છે. છૂપાયેલા જંતુઓ બહાર નીકળી પાણીના સ્ત્રાવને અંદર પ્રવેશવા માટેનો માર્ગ મોકળો કરી દેતા હશે? જોઉં છું તો પર્વત પર વાદળો ઘનઘોર બનીને વરસી રહ્યા છે. પહેલા એ એકલા ભીંજાતા, રોપ વે બન્યા પછી તો તેની એ સ્વતંત્રતાય છીનવાઈ ગઈ છે. હવે ત્યાં ખાલી પર્વત સ્નાન નથી કરતો પર્વતના કેટલાક ભાગનું સ્નાન કાળામાથાનો માનવી પણ કરી લે છે. માણસની જેમ કોઈ દિવસ કુદરતને પણ એકાંત જોઈએ. એના એકાંતમાં વધુ વિક્ષેપ પડશે તો તે ઉત્તર આપશે.

મારી આંખો સામે ખખડધજ ડેલો છે. ચોમાસાનું પાણી તેની અંદર સર્પાકાર ગતિએ જઈ રહ્યું છે. વાહનનું ટાયર ચરરર કરી ઘસડાતું ડેલાને વરસાદી પાણીની છાલક મારી ભીંજવી દે છે. ડેલાની અંદર જમણી બાજુ સીતાફળીના વૃક્ષો ચોમાસાએ વરસાવેલી કૃપાના કારણે ધીમે ધીમે યૌવનસ્વરૂપ ધારણ કરી રહ્યા છે. દરવાજો કાટ ખાઈ ગયેલો છે. વર્ષો પહેલા તે અમારા બધા માટે ખુલ્લો રહેતો, પછી તેમાં પરતંત્રતા આવી. એ ડેલાની અંદર નાખી નજર જાય એટલે દૂર સુધી પથરાયેલા ખેતર છે. જાતજાતના ને ભાતભાતના, કોઈ વનસ્પતિના જાણકારને લઈ જઈએ તો ઘાંઘો થઈ જાય એટલા ફળ, ફૂલ ને ઝાડ છે. રાવણાના ઝાડનો તો પાર નથી. એક પીપળાના ઝાડની નીચે મામાદેવનું મંદિર આવેલું છે. એ મંદિરની આગળ આવેલા ખેતરની વચ્ચોવચ્ચ દાદા થઈ ગયેલા ઘેઘુર વડલાની નીચે કોઈએ પોતાનું સ્વપ્નનું ખોરડું બનાવેલું છે. એ ખોરડામાં જવાની અમને નાનપણથી અદમ્ય ઈચ્છા હતી, પણ ખોરડું ખંઢેર બની ગયું ત્યાં સુધી સંકોચના કારણે જઈ ન શક્યા. નહીંને ત્યાં કોઈ ભૂતડો રહેતો હશે તો!

દાદાને છાતીની તકલીફ ઉપડી, હ્રદયરોગનો ત્રીજો હુમલો આવ્યો, પછી ડોક્ટરે એમને ચાલવાનું કહેલું. એ આ વિડીની અંદર મને લઈ ચાલવા જતા. વનરાજીની સાથે સાથે મોરનો પાર નહીં. માણસને ચાલતા આવતા જુએ એટલે ઘડીકભરમાં આંખ સામેથી ઓઝલ થઈ જાય. ડાબી અને જમણી બાજુ મગફળીના ખેતર. એની ઉપર ઉડતા ચકલાં ને ચકલાં ઉડાડવા રાખેલો જીર્ણોદ્ધાર ઝંખતો ચાડીયો. ખેતરનું શું અભ્યુદય?

વિડીમાં કાંઈ દાદા એકલા ચાલવા ન જતા. વિડીનાં જથ્થાબંધ ગ્રાહક હતા. કોઈ પેટની દોણી ઘટાડવા આવતું, તો કોઈ શરીરનો બીમાર કોઠો ઠીક કરવા આવતું, કોઈ નર્યો દેખાડો કરવા આવતું, તો કોઈ કોઈની ભેગું પરાણે આવતું, કોઈ સવારમાં દાંતણ કરવાના બહાને આટો મારી જતું, તો કોઈ દાંતણ જ અહીંથી લઈ જતું…

સવારમાં ધન્યતા અનુભવીએ એવો લાગતો એ માર્ગ બપોર થતાં ઉજ્જડ થઈ જાય અને સાંજે તો ભેંકાર ભાસે. નાના છોકરાઓનો ટાંટીયો ઘરમાં ન ટકતો અને વિડીમાં ઘુસવા માટે ધમપછાડા મારતા. લાદીમાં બેય પગ ઘસીઘસીને છોલાઈ જતાં. મોટેરાઓ એમ કહી ઠંડા પાડતા કે ત્યાં મોટા નખવાળી ચૂડેલનું નિવાસસ્થાન છે અને પછી વિશાલ ભારદ્વાજની નવી નવી આવેલી ફિલ્મ મકડીના ટ્રેલરમાંથી શબાના આઝમીનું દૃશ્ય છોકરાને બતાવી એની બીકમાં વૃદ્ધિ કરતા.

વિડીની અંદર હતું પણ એવું. ક્વાર્ટર ખાલી કરી કરીને લોકો શું કામે ભાગી ગયેલા તેની બિહામણી વાતો કરી કરી હાજા ગગડાવી નાખવાની પ્રવૃતિ ત્યાંના પૂર્વ રહીશો કરતા. જેટલા મોઢા એટલી નોખી નોખી વાતોના ઝરણા ફૂટી નીકળે. એ વખતે કોઈ ધૂરંધર લેખક વિડી બાજુ ભૂલો ન પડ્યાનું દુર્ભાગ્ય અમો સમજી શકીએ છીએ. એ લેખકની કમનસીબી કે એણે કેટલાય પ્લોટ ગુમાવ્યા અને અમારા મગજમાં એટલી બધી વાર્તાઓ ઘરી ગયેલી કે રોજ એક નવી સાંભળીએ અને રોજ એક ભૂલાઈ જાય. મોટાદાંત વાળો રાક્ષસ, નવરાત્રીમાં છોકરીને ઉપાડી ગયેલું ભૂત, જીવાભાઈના છોકરાનું અચાનક મૌન થઈ જવું, મોટા ચોટલાવાળી સાઈકલ લઈ આવતી એ છોકરી કોણ? આવા આવા સવાલો દસમાં ધોરણની પરીક્ષા કરતા પણ મહત્વના થઈ જતાં.

એકવાર દોસ્તાર આનંદ વિડીના એ ખખડધજ મકાનની પાસે ભૂત છે કે નહીં એની તપાસ કરવા અને છાકો પાડી દેવાના મનસૂબા સાથે ગુડાયેલો. હું, રાહુલ અને એનો નાનો ભાઈ સિદ્ધાર્થ પરાવલંબી બની દૂરથી આ દૃશ્યને જોતા હતા. આનંદ ઘરમાં ગયો ને રાડો પાડતાં પાડતાં બહાર નીકળ્યો. પહેલા છાતીમાં સ્પંદનનોનાં વમળ ઉઠતા’તા ને એનો ગોકિરો સાંભળ્યા પછી તો સાંબેલાધાર ચોમાસું બેઠું હોય અને વાદળોનાં તીવ્ર ગડગડાટ સંભળાય એમ હ્રદય ધબકારા કરવા લાગ્યું. અમે સૌ આગળ અને આનંદ અમારી પાછળ એની અમને કાંઈ ખબર નહીં. વિડીના ડેલે પહોંચ્યા પછી આનંદે ચિત્કાર અને વેદનાગ્રસિત ધ્વનિનું કારણ જણાવતાં કહ્યું કે, ‘મધમાખીએ ડંખ માર્યો છે, માટીનો મેળ કરો.’

આનંદને જીવતો આવેલો જોઈ અમારામાં હિંમત આવી ગયેલી. એથી ચોમાસામાં અવાવરું ખોરડાની પાછળ જવાનું પ્રયોજન કર્યું. અમને નહોતી ખબર કે તેની પાછળ જંગલની વચ્ચે એક સુંદર તળાવ છે, જેમાં મનભરીને સન્નાન કરી શકો અને તરતાં પણ શીખી શકો. અમે ચારે ત્યાં પહોંચ્યા અને સૌ પહેલા રાહુલે તેની ઉંડાઈ કેટલી છે તે જાણવા પગ મૂક્યો. મેં તેનો હાથ ઝાલીને રાખેલો. ખબર પડી કે આ તો ઘૂંટણસમું છે. એ પછી આખો અષાઢ ને શ્રાવણ મહિનો એ તળાવમાં ન્હાતા ન્હાતા પસાર કર્યો. ઉપરથી ધમધોકાર વરસતા વરસાદમાં ભીંજાઈએ અને એ જ પાણીથી આ નાના એવા તળાવમાં ન્હાયે. જગ્યાય સન્નિવેશ નીકળી.

મને રસ્કિન બોન્ડની વાર્તા મીટીંગ એટ ધ પુલનું સ્મરણ થઈ ગયું. એ વાર્તામાં એક જુવાન તળાવ પાસે તેના બાળગોઠિયાઓએ નાનપણમાં જે વાયદો કર્યો હતો તેની પૂર્તિ કરવા ઊભો છે. એ વિચારમાં હતો અને એક ભાભાએ આવી અમને ટોક્યા અને અહીંથી કાઢ્યાં. સાથે કીધું પણ ખરું કે, ‘રાતના દીપડો આવે છે.’ અને એ જ જૂની વાત કે, ‘ચૂડેલ પણ થાય છે.’

અમે કપાયેલા નાકના હતા. બીજા દિવસે ફરી આવ્યા અને એ દિવસે અમે પાણીમાં અમારી સાથે એક સાપને તરતો જોયો, એ પછી કોઈ દિવસ આ મોકાની જગ્યાએ મોકળાશ મેળવવા પગ ન મૂક્યો. થોડા દિવસ વિડીની અંદર આવેલા કોઈના ખેતરના ટાંકામાં ઉતરીને શ્રાવણ મહિનામાં જય મહાદેવ કરતા તરબતર થયા, પણ સાપની જગ્યાએ કોઈ દાડો ન ગયા.

વિડી જ્યાં પૂરી થાય ત્યાં વડલો હતો. એની વડવાઈએ ટીંગાઈ કોણ આઘું જાય છે એનું માપ અમે કાઢતા. સળી લઈ જમીન ખોદતા અને નીકળતા જીવડામાં અમને જાદુ દેખાતો. આખા શરીર ઉપર કાંટા લઈ ઊભેલું દુર્લભ વૃક્ષ અડક્યાંનું સુખ વિડીમાંથી પાછા આવતી વખતે અમારી બંને આંખોમાં કળી શકાતું. આજે એ ઝાડના કેટલાય કાંટા મારા શરીરમાં ઊગી નીકળ્યાં છે.

એકવાર તો આનંદે ન કરવાનું કર્યું. એણે મામાદેવના મંદિરમાંથી કોઈએ મુકેલી સિગરેટ ચોરી લીધી અને પી નાખી. પોતે તો પીધી પણ અમનેય પીવડાવી. સુરેશ જોષીએ જનાન્તિકેમાં લખ્યું છે, ‘‘શરૂશરૂમાં બીડી પીવાનું સાહસ કરવા શીખેલા કેટલાક સોબતીઓએ, રખે ને એમના આ અપલક્ષણની ચાડી ખાઈ દઉં એ બીકે, મારા મોઢામાં ય બીડી ખોસી દીધેલી તે પણ આ ઝાંખરીની સાક્ષીએ.’’ આ દુર્ઘટના વિડીની સાક્ષીએ મારી સાથે પણ બનેલી.

રાતના પથારીમાં પડ્યા પડ્યા એ વિચારો મારા મગજમાં પડખા ફરતાં હતાં કે, દર ગુરૂવારે મામા દેવને ત્યાં સિગરેટ મૂકી જનારો કેવા ભ્રમમાં આળોટતો હશે. મામાદેવ હાજરાહજૂર છે. એણે ધરેલું સિગરેટનું પેકેટ રાતના મામો લઈ જાય છે. કેવા સૂસવાટા મારતો હશે. એ અભણ વિડીમાં સવારની ધુમ્મસને ક્યાંક મામાએ છોડેલા ધુમાડામાં તો નહીં ખપાવતો હોય ને?

વિડીની દેહલતામાં અગણિત રાવણાના વૃક્ષો. એને અમારા શહેરવાસીઓ ભાડે રાખે. નીચે પડી ગયેલાને ખાવાની છૂટ ખરી, પણ પાણાનો ઘા કરી બીજા નહીં પાડવાના. જોઈ જાય તો ઉંધાહાથની અડબોથ લગાવે. એટલે નીચે પડેલા ખાઈને મોઢું તૂરુ અને જીહ્વાને રિંગણાની છાલ જેવી બનાવીને રાખતા. ને પછી તો વિડીનો ખખડધજ ગેટ ને અમારું કિશોરપણું કાયમી માટે વસાઈ ગયું. એમાં ખાલી ત્યાં કામ કરવા જનારાઓને જ પગી છૂટ આપતો. અમે દોસ્તારો પણ કાકણસારાની જેમ કંકાસ કરીને છૂટા પડ્યાં તે આજેય ભેગા નથી થયા.

એક રાતે મલિન સ્વપ્ન આવ્યું. વિડીની આગળ હું ઊભો હતો. એકાએક કચડુક કરતો દરવાજો ખુલી ગયો. એક સુંદર સ્ત્રીએ સ્મિત લહેરાવી તેની સમીપ મને બોલાવ્યો. અંદર જતાં દરવાજો બંધ થઈ ગયો. ને પેલી સ્ત્રીનું તો ક્યાંય અસ્તિત્વ જ નહોતું. એ અલોપ થઈ ગઈ. મેં સ્વપ્નમાં એક સિંહને જોયો. કંપારી છૂટી ગઈ. બીજા સિંહ આવ્યા અને મને જોવા લાગ્યા. હું ભાગવા મથતો હતો પણ ભાગી નહોત શકતો. સ્વપ્નની કેદમાંથી તો કેમ છટકવું? એક સિંહ મારી નજીક આવતો હતો… અને ત્યાં મારા પોપચાએ ઉંઘનું ભારતોલન કરી નાખ્યું.

આજે શ્યામ પેન્ટરની દુકાન પાસે ઊભી એ કાંટ ખાઈ ગયેલા દરવાજાને જોઉં છું. એક ચકલી આવી તેના પર બેસવાની કોશિશ કરે છે, પણ એને ફાવતું નથી. હિજરાતું મન એને ત્યાંથી ઉડી જવાનું કહે છે અને એ મારી પાછળ રહેલા લીમડાના ઝાડની ઉપર આવી પાંદડાઓમાં ખોવાઈ જાય છે. મને ટાગોરનું પેલું વાક્ય યાદ આવી જાય છે, ‘નિર્જન ફુરસદમાં, આ નિસ્તરંગ પદ્મા પર, આ નિભૃત નાવમાં બેસી સામે સોનેરી તડકો અને સુનીલ આકાશ સાથે…’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments