Homeગામનાં ચોરેરેલવે સ્ટેશનોનું ખાનગીકરણઃ રોકાણકારોને રૂપિયા કમાવામાં રસ હશે, મુસાફરોની સુવિધા વધારવામાં નહીં

રેલવે સ્ટેશનોનું ખાનગીકરણઃ રોકાણકારોને રૂપિયા કમાવામાં રસ હશે, મુસાફરોની સુવિધા વધારવામાં નહીં

Team Chabuk-National Desk: દેશભરમાં ખાનગીકરણ મુદ્દે ઉહાપોહ મચેલો છે. કેન્દ્રની મોદી સરકાર એક પછી એક જાહેર સંપતિને ખાનગી કંપનીઓને વેચી રહી છે. ત્યારે હવે કેન્દ્ર સરકારની કમાણીનું મોટું સાધન એવી ભારતીય રેલવેના ખાનગીકરણનો મુદ્દો ઉઠ્યો છે. આ મુદ્દાની ચર્ચા હવે સંસદમાં પણ શરૂ થઈ છે. સંસદમાં રેલવેના ખાનગીકરણનો મુદ્દો ઉઠ્યો છે. ટ્રેનો અને રેલવે સ્ટેશનોને ખાનગી કંપનીઓના હાથમાં સોંપવા અંગે સંસદ ગૃહમાં સાંસદો દ્વારા સરકારને સવાલો પૂછવામાં આવી રહ્યા છે. પ્રશ્નોતરી દરમિયાન પણ મોટાભાગના પ્રશ્નો સાંસદોએ રેલવેના ખાનગીકરણને લઈને જ પૂછ્યા છે.

લેખિત પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે સ્ટેશનોનું ખાનગીકરણ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. ખાનગી કંપનીઓને માત્ર પટ્ટા ઉપર જ અધિકાર આપવામાં આવશે. સમય પૂર્ણ થશે એટલે જમીન પરત લઈ લેવામાં આવશે. બીજી તરફ રેલવે યૂનિયનનું કહેવું છે કે સંપૂર્ણ તૈયારી સાથે સરકાર રેલવેને ખાનગી કંપનીઓના હાથમાં સોંપવા જઈ રહી છે.

એરપોર્ટની જેમ રેલવે સ્ટેશન પર પણ ચાર્જ લેવાશે ?

દેશના કેટલાક એરપોર્ટને ખાનગી કંપનીઓને વેચ્યા બાદ હવે રેલવેનું પણ ખાનગીકરણ થવા જઈ રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સંસદમાં પણ રેલવેના ખાનગીકરણનો મુદ્દો ચરમસીમા પર પહોંચ્યો છે. સંસદમાં એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે શું રેલવે સ્ટેશનો પર પણ એરપોર્ટની માફક યુઝર ચાર્જ વસૂલવામાં આવશે ? ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશન પર પાર્કિંગ ચાર્જનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જ્યારે બીજી તરફ સ્ટેશનો પર સસ્તા ભાવે ભોજન આપતા નાના સ્ટોલ ધારકોને પણ રોજગાર છીનવાઈ જવાનો ડર સતાવી રહ્યો છે.

રેલ મંત્રી પીયૂષ ગોયલનો સંસદમાં જવાબ

સંસદ ગૃહમાં સાંસદ ચંદ્રેશ્વર પ્રસાદ અને મનોજ તિવારીએ રેલવે સ્ટેશનોના ખાનગીકરણ કરવા અંગેનો સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, રેલવે મંત્રાલયનો સ્ટેશનોને ખાનગી કંપનીના હાથમાં સોંપવાનો કોઈ ઈરાદો નથી. રેલવે સ્ટેશનો પરના તમામ અધિકાર રેલવે વિભાગ પાસે જ રહેશે. સ્ટેશનના પુનઃવિકાસ કાર્યક્રમ અંતર્ગત નક્કી કરાયેલા સમયગાળા દરમિયાન પટ્ટા પર આપવામાં આવશે. મુસાફરોને સારી સુવિધા મળે અને રેલવે દ્વારા અર્થવ્યવસ્થાને પણ વેગ મળે તેમજ આવા કામો માટે ખાનગી કંપનીઓનું રોકાણ દેશહિતમાં હશે.

1253 રેલવે સ્ટેશનો વિકસિત કરાશે

રેલવે વિભાગનું કહેવું છે કે આદર્શ રેલવે સ્ટેશન યોજના અંતર્ગત સ્ટેશનો પર મુસાફરોને સુવિધા ઉપલ્બધ કરાવવામાં આવી રહી છે. વધુ સારી સુવિધા પ્રદાન કરવા માટે સ્ટેશનોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજના અંતર્ગત ભારતીય રેલવેમાં વિકસિત કરવા માટે 1253 રેલવે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી 1201 રેલવે સ્ટેશન વિકસિત કરવામાં આવી ચુક્યા છે. બાકી બચેલા 52 રેલવે સ્ટેશનો 2021-22 સુધીમાં વિકસિત કરવાની યોજના છે. આ યોજના અંતર્ગત રેલવે સ્ટેશનો પર ઘણી બધી સુવિધાઓમાં વધારો કરવામાં આવશે.

ખાનગી કંપનીઓની ભાગીદારીથી સ્ટેશનોની સુવિધા વધારાશે

રેલવે મંત્રાલય જે રેલવે સ્ટેશનોનો પુનઃવિકાસ કરી રહી છે તેમાં ખાનગી કંપનીઓનો સહકાર લઈ રહી છે. હાલ હબીબગંજ રેલવે સ્ટેશનના પુનઃવિકાસનું કામ અંતિમ તબક્કામાં છે. દેશનું આ પહેલું પ્રાઈવેટ રેલવે સ્ટેશન હશે. ગોમતીનગર રેલવે સ્ટેશનના પુનઃવિકાસનું કામ પણ તેજીથી આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત નાગપુર, અમૃતસર, સાબરમતી, પુડુચેરી, તિરુપતિ, દેહરાદુન, નેલ્લોર જેવા સ્ટેશનોના પુનઃવિકાસ માટે સરકાર ખાનગી કંપનીઓનો સહકાર લેશે.

રેલવે કર્મીઓ કરશે આંદોલન

રેલવે મંત્રાલય સમગ્ર ભારતીય રેલવેને વેચી મારવા માટે પ્રયત્નશીલ હોવાનું રેલવે મજદૂર યૂનિયનને લાગી રહ્યું છે. યૂનિયનનું કહેવું છે કે આ મુદ્દે સંસદને પણ ગુમરાહ કરવામાં આવી રહી છે. સ્ટેશન ડેવલમેન્ટ ઓથોરિટી એટલા માટે જ બનાવવામાં આવી છે કે સ્ટેશનોને વેચી શકે. રેલવેમાં ડીઝલ એન્જિનની સપ્લાય પણ ઈન્ડિયન ઓઈલ પાસેથી છીનવીને રિલાયન્સને સોંપી દેવામાં આવી છે.

રેલવે મંત્રી સંસદમાં કહી રહ્યા છે કે જેવી રીતે રસ્તા પર પ્રાઈવેટ વાહનો ચાલે છે તેવી રીતે રેલવે ટ્રેક પર પણ ખાનગી ટ્રેનો ચાલશે. પરંતુ તેઓએ સમજવું જોઈએ કે રસ્તા અને રેલવેમાં તફાવત છે. રેલવે મુસાફરો માટે બિઝનેસ સેન્ટર નથી. રેલવે સ્ટેશનો ખાનગી કંપનીઓના હાથમાં સોંપી દેવાથી યુઝર ચાર્જ, પ્લેટફોર્મ ટિકિટ, મુસાફરી ટિકિટ, પાર્કિંગ ચાર્જ સહિતના તમામ ચાર્જમાં વધારો થઈ જશે. સામાન્ય જનતાની પરેશાની વધશે. ઉત્તર રેલવે મજદૂર યૂનિયનના મહાસચિવ બી.સી. શર્માએ તો કહ્યું છે કે, કોરોના સંક્રમણ ઓછું થયા બાદ ખેડૂત આંદોલનની જેમ રેલવે કર્મીઓ પણ આંદોલન કરશે.નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે મેનના પ્રવક્તા એસ.એન.મલિકે કહ્યું કે, ખાનગી કંપનીઓને પટ્ટા પર રેલવે સ્ટેશન સોંપવાથી મુસાફરોને કોઈ સગવડ નહીં મળે માત્ર બિલ્ડરો જ રૂપિયા કમાશે. મુસાફરોને લૂંટવા માટે જ ખાનગીકરણનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. પટ્ટા પર આપવાનો સમયગાળો પણ 60 વર્ષ કરી દેવામાં આવ્યો છે. તેથી બિલ્ડરો માત્ર રૂપિયા કમાશે અને મુસાફરોને કોઈ સુવિધા નહીં મળે.

સમગ્ર મુદ્દે રેલવે વિભાગનો તર્ક

રેલવે સ્ટેશનોના ખાનગીકરણ મુદ્દે રેલવે વિભાગ કહી રહ્યું છે કે, ખાનગી કંપનીઓને રેલવે સ્ટેશનો સોંપવાથી મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધા મળશે. રેલવેના માધ્યમથી દેશની અર્થવ્યવસ્થાને ગતિ મળશે. ખાનગી રોકાણ થશે તે દેશહિતમાં થશે. પટ્ટાની અવધિ પૂર્ણ થયા પછી જમીન સરકાર પાસે પરત આવી જશે. યુઝર ચાર્જ પણ નહીંવત જ લેવામાં આવશે.

યૂનિયન શું કહી રહ્યું છે

રેલવે મજદૂર યૂનિયન આ મામલે કહી રહ્યું છે કે, હાલ પ્લેટફોર્મ ટિકિટ 50 રૂપિયા છે તે પછી 100 રૂપિયા થઈ જશે. રોકાણકારોને ગરીબ મુસાફરો સાથે કોઈ લેવા-દેવા નહીં હોય તેમનું ધ્યેય માત્ર રૂપિયા કમાવા પર હશે. પાર્કિંગ ચાર્જ, વેઈટિંગ રૂમ ચાર્જ, રિટાયરિંગ રૂમ ચાર્જ વધી જશે. સામાન્ય જનતાની પરેશાની વધશે. ખાનગી કંપનીઓને રેલવે સ્ટેશનો સોંપવાથી આસપાસના વિકાસને પણ અસર પહોંચશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments