Homeવિશેષગુજરાતના કોઈ તાલુકામાં લાઈટ ચાલી જતી ત્યારે શું શું થતું ?

ગુજરાતના કોઈ તાલુકામાં લાઈટ ચાલી જતી ત્યારે શું શું થતું ?

ઝાલાવાડી જલજીરા: 2017માં યૂટ્યુબ પર પુરુષોત્તમ રૂપાલા સાહેબની એક સ્પીચ સાંભળી રહ્યો હતો. જેમાં તેઓ કોંગ્રેસ પર વ્યંગ અને કટાક્ષના બાણ ચલાવી રહ્યાં હતાં. એટલા બધા બાણ હતાં કે પૂર્ણ થવાનું નામ જ નહોતા લઈ રહ્યા. એમાં એક બાણ એવું નીકળ્યું કે, ‘હવે કોંગ્રેસવાળા નવસર્જન કરવાના છે. તો શું અમે 24 કલાક વીજળી આપીએ તો એ 25 કલાક આપવાના છે?’

2017નો વખત ગમે તેના સ્ક્રિન શોટ પાડી સોશિયલ મીડિયાની બજારમાં જે તે વ્યક્તિને નાગો કરવાનું નહોતું. ત્યારે સોશિયલ મીડિયાના વપરાશકારોમાં ઝ઼ડપથી બુદ્ધિ આવી રહી હતી. એ બીજાને જોઈ શીખી રહ્યા હતા. સરકારો પણ પોતાની પૂર્વ સરકારો પાસેથી જ શીખે છે. જેથી રૂપાલા સાહેબની આ સ્પીચ જોવાઈ અને તેમની વક્તવ્યકળાની પ્રશંસા ખૂબ થઈ, પણ જોઈએ એટલી વાઈરલ ન થઈ.

રુપાલા સાહેબના આ ભાષણના કારણે મને યાદ આવે છે ગુજરાતના એ દિવસો. એ દિવસો જ્યારે સ્કૂલેથી ભણીને ઘરે કાર્ટુન નેટવર્ક પર સ્કૂબી ડૂબી ડૂ જોવા માટે આવો ત્યારે ખરા ટાણે લાઈટ ચાલી ગઈ હોય. જાણે યુદ્ધ હારી ગયા હોઈએ એવો વસવસો ચહેરા પર દેખા દેવા માંડે.  હથિયાર સમકક્ષ રિમોટ હાથમાં જ રહી જાય. ત્યારે ઓનિડા અને આઈવા જેવા ટીવીનો જમાનો હતો. સ્થૂળકાય પેટ જેવા ટીવી!

એ પછી લાઈટ જવાનો એક સિલસિલો ચાલ્યો. દર રવિવારે જ્યારે શક્તિમાન આવવાનું હોય ત્યારે જ લાઈટ ચાલી જાય. આ રીતે વારંવાર, રવિવારે જ અને એ પણ શક્તિમાનના સમયે જ લાઈટ જવાના કારણે કેટલાક બાળકો એવું સમજી બેઠેલા કે વીજળી પર ઈલેક્ટ્રોમેન કન્ટ્રોલ કરી બેઠો છે. એ બાળકને શું ખબર કે ઈલેક્ટ્રોમેન સરકાર હોય છે. પ્રશાસન હોય છે. એમને દર રવિવારે એક થાંભલો ઠીક કરવાનો હોય છે. થાંભલાનું ઓપરેશન ગામને પેલે પાર કરવાનું હોય અને લાઈટ આખે આખા તાલુકાની ઉડાવી મારે.

પછી આખો ને આખો દિવસ અજગરની જેમ લાઈટ ખાઈ જાય એમ પણ બને, રિમોટ હાથવગું હોય ને હાથ આખેઆખો બળે એમ પણ બને! રવિવારે જ્યારે રજા હોય અને આખો દિવસ ટીવી જોવાનો કાર્યક્રમ મનમાં બાંધી લીધો હોય ત્યારે જ ધબડકો થઈ જાય. તમે ટીવી જોવાનો સમય બચાવીને રાખ્યો હોય. બારનાં ટકોરે ટીવી ઓન કરો અને લાઈટ ઓફ થઈ જાય.

કોઈ કોઈ વખત લાઈટ લબૂક ઝબૂક થાય. ડિમ લાઈટ કહીએ તેને. રઘુવીર ચૌધરીની આ નામની એક એકાંકી પણ છે. જેનું છેલ્લુ વાક્ય છે તોય દિયોર ડિમ લાઈટ. ડિમ લાઈટમાં ઘરના મોટાઓ ટીવી ચાલુ ન કરવા દે. આમ કરવાથી જો લાઈટ અચાનક ફૂલ આવી જાય તો પછી ઘરની કોઈ ને કોઈ ઈલેક્ટ્રિક વસ્તુને ઉડાવી નાખે અને એ ખર્ચો પોસાય નહીં.

લાઈટ હોવા છતાં ટીવીમાં લાઈટ ચાલી જાય એ ખબર છે તમને ? એને ગુજરાતીમાં ઝરમરીયા આવી ગયા કહેવાય. આપણે ઉદાસ હોઈએ ત્યારે બીજા આપણને આશ્વાસન આપતા કહે કે, ‘ફલાણી શેરીમાં લાઈટ ચાલી ગઈ અને ત્યાં જ ડિશના છેડાવાળાની દુકાન હતી એટલે અસર અહીં પહોંચી છે.’ તમારો મનગમતો કાર્યક્રમ ચાલ્યો જાય.

રાતના જમવા સમયે લાઈટ જવી એ નવી નવાઈની વાત નથી. આજે તો મોબાઈલની લાઈટ થઈ જાય, પણ એ વખતે ઘાસલેટથી ભરેલા રૂની વાટ વાળા ડબ્બા હતા. તેમાં દિવાસળી કરો એટલે એ વખતની મોબાઈલની લાઈટ. જેટલું ઘાસલેટ હોય એટલું જ જબકારા મારે. પરીક્ષા હોય અને લાઈટ ચાલી જાય તો અંધારામાં એ ઘાસલેટનો નાનો ડબ્બો જ કામમાં આવે. એ બને કેમાંથી ? ઘરમાં કલર કામ કરવાનું હોય ત્યારે કલર કામના જે નાના ડબ્બા હોય એ અને સાઈકલના ટાયરમાં જ્યાંથી હવા ભરવાની હોય એ સાધનને કાઢી ફિટ કરી લેવાનું.

આ સિવાય એક વિકલ્પ હતો. લાઈટ જ્યારે જાય ત્યારે તંત્રએ સહિયારી એક મોટી લાઈટ લગાવેલી હોય. આવી લાઈટો બે પ્રકારની. એક તો બ્લુ વ્હેલના મોઢા જેવી હોય. જેને અજાણ્યા છોકરાઓએ જોરથી પથ્થર મારી ફોડી નાખી હોય. એ નવી હોય ત્યારે બાજુની ગલીના છોકરાઓ એ જ વિચારતા હોય કે આનો વારો ક્યારે કાઢવો. બીજા નંબરમાં એક ખૂબ લાંબી લાઈટ આવે. જેને પથ્થર મારી ટીક લેવી ખૂબ અઘરી થઈ પડે. એ તૂટે તો તો પછી ગયું કામ.

જ્યારે તમામ ઘરમાંથી લાઈટ ચાલી જાય ત્યારે આ લાઈટ બધાની સહિયારી મિલકત. નીચે બેસી જ્યાં સુધી લાઈટ ન આવે ત્યાં સુધી વાતોના વડા કરે. આ વાતો લાંબી ચાલે. જો એ લાઈટ ચાલી ગઈ છે, અથવા તો કોઈએ તોડી નાખી છે, તો પછી તેને રિપેર થતાં પણ ખાસ્સો સમય લાગી જાય. સરકારી કામ છે ભાઈ વાર તો લાગે ને.

લાઈટનું ચાલ્યું જવું એ નાના છોકરાઓ માટે સોડા પીવાની યોજના બની જાય. લાઈટ પાંચ કલાક સુધી ન આવે એટલે સોડા પીવા માટે જવાની, કારણ કે ગરમીમાં હાલ બેહાલ થઈ ગયા હોઈ. આ લાઈટ વિષે ઝાલાવાડી જલજીરા ફક્ત એક જ વસ્તુ કહી શકે, એ વેકેશનમાં ખૂબ જાય પણ જ્યારે ભણવાની શરૂઆત થઈ જાય ત્યારે ન જાય. આવો હતો 90થી લઈને 2004 સુધીનો સમય. એ પછી સ્તર થોડું સુધર્યું અને આજે એ વખત જેટલી ખરાબ હાલત તો નથી જ યારા. તોય એ વખત જેટલી મજા નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments