Homeસિનેમાવાદપીયૂષ મિશ્રા: आज तो चड्ढी भी सिलती इंग्लिशों के मिल में है

પીયૂષ મિશ્રા: आज तो चड्ढी भी सिलती इंग्लिशों के मिल में है

ઝાલાવાડી જલજીરા: એ કવિતાઓ લખે છે. પ્રેમિકાઓ માટેની. એ પ્રેમિકાઓ માટેની જે પ્રેમિકાઓ કવિતા લખવા માટે જ બની હોય છે. જે વારંવાર કવિતામાં કેદ થાય છે અને ધુમ્મસ બની હવામાં ઓગળી જાય છે. ખબર નહીં કોણ એ પીંજરું ખોલી નાખે છે? કોણ કવિને છાશવારે આટલી યાતના આપે છે? કે કવિએ એ ઈચ્છ્યું છે, કે કવિ પાસે કૂદરત કરાવી રહી છે.

શેરીના સૌથી હોશિયાર છોકરાની સાથે તેના લગ્ન થાય છે. જેની પાસે સરકારી નોકરી છે. અને આપણા હાથ સુદામાની જેમ ખાલી છે. લાઈફ ઈન અ મેટ્રો જોઈ છે? સૌથી રસપ્રદ કેરેક્ટર શાઈની આહુજાનું છે. આકાશ શર્માનું પાત્ર ભજવતા શાઈનીની આકાંક્ષા તો કળા જગતનો અવ્વલ ખેલાડી બનવામાં છે પણ જ્યારે તે શિખા કપૂરને કહે છે કે – ‘મેં પાછળ ફરીને જોયું તો મારા બધા મિત્રો મારાથી આગળ હતા. હું એકલો હતો. મારી પાસે કંઈ ન હતું.’ આવા ઘણા આકાશ આ આકાશ નીચે આજે પણ વિહરી રહ્યા છે. ફર્ક બસ એટલો કે એમની પાસે ઉડવા માટે પાંખ નથી.  

હવે તમે કહેશો કે આ શું કથા માંડી છે? આ કથા સામાન્ય લોકોના ભેજામાં નહીં ઉતરે. આ પ્રકારની ઈન્ટેલેક્ચૂઅલ પોસ્ટમાં તો ક્લિક પણ કેટલી? એક ખીલી હોય છે. ખીલી પર જોરથી હથોડી ફટકારો. કાં તો તે દિવાલની અંદર સાંગોપાંગ ઉતરી જાય ને કાં તો તે વાંકી વળી જાય. જો એ છેલ્લી ખીલી બાકી રહી હોય તો તે વાંકી વળેલી ખીલીને હથોડીથી સીધી કરી ફરી ફટકારીએ. ફરી એ વાતનું પુનરાવર્તન થાય. બસ, ખીલી ઠોકરનારની આશા એ હોય છે કે ખીલી એક વખત…. એક વખત… અંદર પ્રવેશી જાય. ક્યારે પ્રવેશે? ક્યારે પ્રવેશે? બસ, આ જ તો વાત છે હરફનમૌલા પીયૂષ મિશ્રાની.

1986માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા કર્યું. 1998માં દિલ સેથી મને તેમનો પરિચય થયો. એક કેટલો લાંબો ગાળો છે? ભારત એક ખોજમાં બ્રિટીશ સિપોઈ બને છે એ આ જ કલાકાર કે કોઈ બીજો? એવી વાતો યૂટ્યૂબના ટશનબાજો વ્યૂ વધારવા ઉછડી ઉછડીને કરતાં હશે. કરવા દો. પીયૂષ મિશ્રાએ જ તો લખ્યું છે…

ओ रे बिस्मिल काश आते आज तुम हिन्दुस्तान
देखते की मुल्क सारा यूँ टशन में, थ्रिल में है

એમને દારૂની લત્ત હતી. આજે થોડી ઘણી છે. શોખ અને લત્ત બેઉં વચ્ચે ઘણો વિરોધાભાસ છે. અનુરાગ કશ્યપને શોખ છે પિયુષ મિશ્રાને લત્ત છે. લત્ત માણસને બરબાદ કરી નાખે છે. પછી તે છોકરીની હોય કે પછી લખવાની. આ બંને વસ્તુ ભેગી થઈ જાય તો પછી જીવન બરબાદ થઈ જાય. ઘરડા સાચું કહી ગયા છે કે પહેલા સરકારી નોકરી લઈ લો પછી લખજો-બખજો. તકલીફની વાત એ છે કે આવું કોઈ કરતું નથી અને જે કરે છે એ કક્ષાનું લખી શકતું નથી. આપણા કેટલાય શાયરોની જિંદગી આ બંને વસ્તુએ બરબાદ કરી નાખી છે. મરીઝને તો પીવા માટે પોતાની જ ગઝલો નજીવી કિંમતે વેચવી પડી હતી.

મિશ્રા કંઈ કરતા નહોતા. વર્ષો સુધી તેમની પાસે કામ ન હતું. ઘરની જવાબદારી પત્નીએ ઉઠાવી. જે પહેલા તેમની પ્રેમિકા હતી. દિલ સે પછી કંઈક કરવટ આવશે પણ એવું થયું નહીં. દરેક કલાકાર સાથે આવું થાય છે. કોઈને વીસ વર્ષની ઉંમરમાં સાહિત્યનો એવોર્ડ મળી જાય છે તો કેટલાય ભસ્માસૂર બની જાય છે. પછી બુદ્ધિ દોડે છે કે ઓ-યેઓન્ગ-સૂને 77 વર્ષની ઉંમરે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો. તમારા બધાના ખાતામાં સફળતા લખેલી છે… વહેલી કાં તો મોડી.

કવિતા લખવી એ આનંદની વસ્તુ છે. મૌજની વસ્તુ છે. એવું મને નહીં પીયૂષ મિશ્રાને લાગે છે. ચાંદની ચોકમાંથી પીયૂષ મિશ્રા પસાર થાય છે અને મજૂરને જોઈ તેની વેદનાને કાગળ પર ઉતારી લે છે. મજૂરને તો મેં પણ જોયો અને તમે પણ જોયો. કોણે તેની વેદનાને વાચા આપી? પીયૂષ મિશ્રા ક્યારેય વિચારીને કવિતા લખવા નથી બેસતા. સ્ફૂરણાથી સારું લખાય વિચારીને લખવાથી અખબારી કોલમ લખાય! એમના હાથમાં કલમ અને કાગળ હોય અને શરૂઆત થઈ જાય છે. એમની કવિતા સાથે ફક્ત તેમનો ભૂતકાળ નથી જોડાતો આપણે પોતે પણ જોડાઈએ છીએ અને એક નદી બને છે.

મિશ્રાની વાતોમાં વ્યાકુળતાનો નાગ ફેણ ઊંચી કરે છે. એમને જૂની રિતભાતનો શોખ છે. આજકાલના આશિકોમાં એમને છાશીયું કરતા પણ દેખાતો નથી. આવતીકાલે મકરસંક્રાંતિ છે. પતંગમાં પ્રેમિકાનું નામ લખવું અને પતંગ પ્રેમિકાના ઘરમાં નાખવી. વોટ્સએપ અને ફેસબુકના જમાનામાં આવું હવે ક્યાં થાય છે? એમને ગમે છે ભગતસિંહ. ચે ગ્વેરા દુનિયાભરમાં છવાઈ ગયા પણ ભગતસિંહને આપણે ચે જેટલી પ્રસિદ્ધિ ન અપાવી શક્યા છે. આ વાતનું દુ:ખ છે એમને. મને. આપણને.

आज के जलसों में बिस्मिल एक गूंगा गा रहा
और बहरों का वो रेला, नाचता महफ़िल में है।

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments