કૃષિ સુધારા રાતોરાત નથી લવાયા
મધ્યપ્રદેશના ખેડૂત સંમેલનમાં ખેડૂતોને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કૃષિ કાયદાનું સમર્થન કર્યું. વડાપ્રધાને કહ્યું કે, ‘જે કૃષિ કાયદાઓ લાવવામાં આવ્યા છે રાતોરાત નથી લવાયા. છેલ્લા 20થી 22 વર્ષમાં દરેક સરકારે આના પર વ્યાપક ચર્ચા કરી છે.’ તેમણે કહ્યું કે, ‘છેલ્લા કેટલાક સમયમાં ખેડૂતો માટે જે કાયદા બન્યા છે તેની બહુ ચર્ચા છે. આ કૃષિ સુધારા કાયદા રાતોરાત નથી લાવવામાં આવ્યા. છેલ્લા 20-22 વર્ષમાં દરેક સરકારે આના પર વ્યાપક ચર્ચા કરી છે. બહુ ઓછા સંગઠનોએ આના પર વિચાર કર્યો છે.’
ફરી આ વિષયે વિસ્તારથી વાત કરશે PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ’25 ડિસેમ્બરે સ્વર્ગસ્થ અટલજીની જન્મજયંતી પર એકવાર ફરીથી આ વિષય પર વધુ વિસ્તારથી વાત કરીશ. તે દિવસે પ્રધાનમંત્રી કૃષિ સન્માન નિધિની રકમ કરોડો ખેડૂતોના બેંક ખાતામાં એક સાથે જમા થશે.’ વડાપ્રધાને કહ્યું કે, ‘મને ખુશી છે કે, દેશભરના ખેડૂતોએ નવા કૃષિ સુધારાને ન માત્ર ગળે લગાવ્યા પરંતુ ભ્રમ ફેલાવનારા લોકોની વાતને નકારી દીધી છે. જે ખેડૂતોને થોડી ઘણી પણ શંકા છે તેમને હું ફરીથી કહીશ કે તેઓ ફરી વિચારે.’
દરેક મુદ્દે વાત કરવા તૈયાર
વડાપ્રધાને કહ્યું કે, ‘મારી આ વાતો બાદ પણ સરકારના આ પ્રયાસો પછી પણ જો કોઈને કંઈ પણ શંકા હોય તો અમે માથું ઝુકાવીને, હાથ જોડીને બહુ વિનમ્રતાપૂર્વક, દેશના ખેડૂતોના હિતમાં તેમની ચિંતાનું નિરાકરણ લાવવા માટે દરેક મુદ્દે વાત કરવા તૈયાર છીએ.’
એ લોકો પાસે જવાબ માગોઃ PM
વડાપ્રધાને કહ્યું કે, ‘દેશના ખેડૂતો, ખેડૂત સંગઠનો, કૃષિ નિષ્ણાત, કૃષિ અર્થશાસ્ત્રી, કૃષિ વૈજ્ઞાનિક આપણા પ્રોગ્રેસિવ ખેડૂતો પણ સતત કૃષિ ક્ષેત્રે સુધારાની માગણી કરતા આવ્યા છે. દેશના ખેડૂતોને એ લોકો પાસે જવાબ માગવો જોઈએ જેઓએ પહેલાં ઘોષણાપત્રમાં આ સુધારાની વાત લખી, ખેડૂતોના મત મેળવ્યા પરંતુ કર્યું કઈ નહી. માત્ર આ માગણીઓને ટાળતા રહ્યા.’
સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ અમે કાઢ્યોઃ PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદોલનનું સમર્થન કરતા પક્ષ પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, ‘જો આ જે દેશના તમામ રાજકીય પક્ષોનું ઘોષણાપત્ર જોવામાં આવે, તેમના જૂના નિવેદનો સાંભળવામાં આવે, પહેલાં જે દેશની કૃષિ વ્યવસ્થા સંભાળી રહ્યા હતા તેમની ચિઠ્ઠીઓ જોવામાં આવે તો આજે જે કૃષિ સુધારા થયા છે તે એમનાથી અલગ નથી જ્યારે ખેડૂતો માટે સમર્પિત અમારી સરકાર ખેડૂતોને અન્નદાતા માને છે. અમે ફાઈલોના ઢગલામાં ફેંકી દેવાયેલો સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ બહાર કાઢ્યો અને તેમની ભલામણ લાગુ કરી. ખેડૂતોના ઉત્પાદનનો દોઢ ગણો MSP આપ્યો.’
MSP મુદ્દે શું કહ્યું ?
વડાપ્રધાને કહ્યું કે, ‘આજે દાળ પકવતા ખેડૂતોને વધુ રૂપિયા મળી રહ્યા છે. દાળની કિંમત પણ ઘટી છે જેથી ગરીબ લોકોને સીધો ફાયદો છે. જે ખેડૂતોને MSP ન આપી શક્યા. જે MSP સારી રીતે ખરીદી શક્યા તેઓ MSP મુદ્દે ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે. હું દેશના પ્રત્યેક ખેડૂતોને વિશ્વાસ અપાવવા માગુ છું કે, પહેલાં જેવી રીતે MSP આપવામાં આવતી હતી તેવી જ રીતે અપાશે. MSP બંધ પણ નહીં થાય અને રદ પણ નહીં થાય. 2014 પહેલાં 5 વર્ષમાં તેમણે માત્ર દોઢ લાખ ટન જ દાળ ખેડૂતો પાસેથી ખરીદી. જ્યારે વર્ષ 2014થી અમારી સરકાર આવી તો અમે નીતિ પણ બદલી અને નિર્ણય પણ લીધા. અમારી સરકારે ખેડૂતો પાસેથી પહેલાની તુલનામાં 112 લાખ ટન દાળ MSP પર ખરીદી.’
APMC બંધ નથી થવાાનીઃ PM
વડાપ્રધાને કહ્યું કે, ‘નવા કાયદા બાદ પણ બજાર બંધ નથી થઈ. પછી શા માટે અફવા ફેલાવવામાં આવી રહી છે ? હકીકત તો એ છે કે અમારી સરકાર APMCને આધુનિક બનાવવા માટે, તેના આધુનિકીકરણ માટે 500 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી રહી છે. તો પછી આ APMC બંધ કરવાની વાત ક્યાંથી આવી. નવા કાયદામાં અમે માત્ર એટલું જ કહ્યું છે કે ખેડૂતો માર્કેટમાં પાક વેચે કે પછી બહાર એ તેમની ઈચ્છા હશે. હવે જ્યાં ખેડૂતોને લાભ થશે ત્યાં તેઓ પોતાનો પાક વેચી શકશે.’
કોંગ્રેસે દેવામાફી મુદ્દે છેતરપિંડી કરીઃ PM
વડાપ્રધાને કહ્યું કે, ‘ખેડૂતો આંદોલન કરતા હતા, પ્રદર્શન કરતા હતા પરંતુ આ લોકોના પેટનું પાણી હલતું ન હતું. આ લોકોએ એ નિશ્ચિત કરી લીધુ હતું કે તેમની સરકારને વધુ ખર્ચ ન કરવો પડે. તેમના માટે ખેડૂત દેશની શાન નહીં, તેમણે પોતાની રાજનીતિ વધારવા માટે ખેડૂતોનો ઉપયોગ કર્યો. ખેડૂતોની વાતો કરનારા લોકો કેટલા નિર્દય છે તેનો મોટો પુરાવો ત્યારે મળ્યો જ્યારે સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ આવ્યો, પરંતુ આ લોકો સ્વામીનાથન કમિટીની ભલામણ આઠ વર્ષ સુધી દબાવીને બેસી રહ્યા. દરેક ચૂંટણી પહેલાં આ લોકો દેવા માફીની વાત કરે છે અને દેવું માફ કેટલું થાય છે ? તમામ ખેડૂતોને આનો લાભ મળે છે? જે નાનો ખેડૂત બેંકમાં નથી ગયો, જેમણે દેવું લીધુ નથી તેમના વિશે આ લોકોએ એકવાર પણ વિચાર્યું છે ?’
વડાપ્રધાને કહ્યું કે, ‘કોંગ્રેસે કરેલી દેવા માફી સૌથી મોટી છેતરપિંડી છે. તેનો લાભ માત્ર કોંગ્રેસના નજીકના અને તેમના સંબંધીઓને મળતો હતો.’ તેમણે કહ્યું કે, ‘વિપક્ષને પીડા એ વાતની છે કે, મોદીએ કેવી રીતે કૃષિ કાયદામાં સુધારો કરી દીધો.’ તેમણે કહ્યું કે, ‘તમે મને ક્રેડિટ ન આપો હું માત્ર ખેડૂતોનું ભલુ ઈચ્છું છું.’
અવિશ્વાસનું કોઈ કારણ નથીઃ PM
વડાપ્રધાને ખેડૂતોને વિશ્વાસ અપાવતા કહ્યું કે, ‘અત્યારે જે કૃષિ કાયદામાં સુધારો થયો છે તેમા અવિશ્વાસનું કોઈ કારણ નથી.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત