Homeસિનેમાવાદ17 એવા અભિનેતા જેમણે માર્વેલ અને ડિસીની ફિલ્મમાં સુપરહિરો બનવાની ના પાડી...

17 એવા અભિનેતા જેમણે માર્વેલ અને ડિસીની ફિલ્મમાં સુપરહિરો બનવાની ના પાડી દીધી

ઝાલાવાડી જલજીરા : માર્વેલ અને ડિસીનો ઉદ્યોગ ચરમસીમા પર છે. કોઈ સામાન્ય અભિનેતાને સફળતાના પગથિયાં એક ઝાટકે સર કરવા હોય તો આના સિવાય બીજો કોઈ સારો વિકલ્પ નથી. માર્વેલ અને ડિસીની ફિલ્મમાં કોઈ નાનો એવો રોલ મળી જાય તો પણ વિશ્વભરમાં અભિનેતા ઓળખાય જાય. રોબર્ટ ડોની જૂનિયર 2008માં ટોની સ્ટાર્ક બન્યો તે પહેલા તેને ભારતમાં કોઈ નહોતું ઓળખતું અને આવી જ સ્થિતિ થોર બનતા ક્રિસ હેમ્સવર્થની થઈ ગઈ હતી. 2011 પછી તેને વિશ્વભરમાં નામના મળી ગઈ. છતાં એવા 17 અભિનેતાઓ છે. જેમણે આરામથી માર્વેલ અને ડિસીની ફિલ્મોમાં સુપરહિરો તરીકે કામ કરવાની ના પાડી દીધી. તેનું કારણ ડેટ્સ હોય છે. એક વખત માર્વેલ અને ડિસીની ફિલ્મોમાં પ્રવેશ કરો તો પછી તેમના આવનારા પ્રોજેક્ટમાં કામ ન કરવું હોવા છતાં પણ મારી મચડીને ઘુસવું પડે છે. વંડર વુમનનો રોલ પ્લે કરો તો બીજી કેટલીક ડિસીની ફિલ્મોમાં પગપેસારો ફરજીયાત કરવાનો. કેપ્ટન અમેરિકાની સોલો ફિલ્મ પણ બને અને અવેન્જર્સમાં પણ હાજરી પૂરાવવાની. માર્વેલની જ કોઈ સુપરહિરો ફિલ્મમાં ગેસ્ટ અપિરીયન્સ પણ કરવાનો. કંપની કહે ત્યારે ગમે ત્યારે નવરું રહેવાનું. બીજી ફિલ્મના શૂટિંગો છોડી દેવાના. આવી માથાકૂટ વધારે રહે છે. બીજો ગેરફાયદો એ રહે છે કે સુપરહિરો ફિલ્મ પર ધ એન્ડ લાગ્યા પછી એ લેબલ હટાવવું અઘરૂ થઈ પડે છે. રોબર્ટ ડોની જૂનિયરને કોઈ ચેપ્લિન તરીકે યાદ નથી કરતું, ટોની સ્ટાર્ક તરીકે જ યાદ રાખે છે. રિચાર્ડ એટનબ્રોઘની ચેપ્લિનમાં તેણે ઉચ્ચકક્ષાનો અભિનય કરેલો છે. પણ કોને યાદ છે ? કેટલાક એવા અભિનેતાઓ તરફ નજર નાખીએ જેમણે માર્વેલ અને ડિસીને ઘસીને ના પાડી દીધી.

ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સીના બીજા પાર્ટમાં મેથ્યુને પીટર ક્વિલ અર્થાત્ સ્ટાર લોર્ડના બાયોલોજીકલ પિતાનું પાત્ર ભજવવાનું કહ્યું હતું. મેથ્યુએ પાત્ર ભજવવાની ના પાડી દીધી. બાદમાં કર્ટ રસેલે એ રોલ પ્લે કર્યો. મેથ્યુએ જે કર્યું એ સાચું જ કર્યું. આટલી મોટી પ્રતિભા માર્વેલની મોટી ફ્રેન્ચાઈઝીમાં આવો તુચ્છ રોલ પ્લે કરે. એ પણ એક ફિલ્મ માટે જ. જે પાત્રનો આગળ ઉદય થવાનો જ નહોતો.

બેટમેનનો રોલ પ્લે કરવા માટે પહેલી પસંદગી હિથ લેજર હતો. તેણે સુપરહિરોનો રોલ પ્લે કરવાની ના પાડી દીધી. પાત્રની પસંદગીમાં એ સાચો પણ ઠર્યો. બાદમાં ધ ડાર્ક નાઈટમાં જ તેણે વિલન જોકરનો રોલ પ્લે કર્યો. ઘરે ઘરે જાણીતો થઈ ગયો. નોલાને સ્ક્રિપ્ટ પૂર્ણ કરતા પહેલા જ હિથને પાત્ર માટે પસંદ કરી લીધો હતો.

નોલાનની જ બેટમેન ટ્રાયોલોજીની પ્રોડક્ટ અને ધ વોકમાં મસ્ત મજાનો અભિનય કરનારા જોસેફ ગોર્ડનને ગાર્ડિયન ઓફ ધ ગેલેક્સીમાં પીટર ક્વિલનો રોલ પ્લે કરવાની તક મળી હતી. જે તેણે રાજી ખુશીથી જતી કરી દીધી. જતી કરવાનું કારણ એટલું જ હતું કે તે સિન સિટી : અ ડેમ ટુ કિલ ફોર ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો.

નોટબુકથી ખ્યાતનામ થયેલી અભિનેત્રી રશેલ મેકઆડમ્સને આર્યન મેનમાં પેપર પોટ્સનો રોલ પ્લે કરવાની તક મળી હતી. તેણે ના કહી દીધી. એ રોલ મળ્યો ગ્વેન્થ પેટ્રોને. એ રોલ એટલો પોપ્યુલર નથી થયો જેટલો આર્યન મેન બનતા ટોની સ્ટાર્કનો થયો છે.

બ્રાયન કાર્નસ્ટોનને બ્રેકિંગ બેડથી સફળતા મળી. માર્વેલે એ સફળતાને રોકડી કરી લેવા માટે બ્રાયનને એક્સમેનમાં મ્યુટન સબેસ્ટીયન શોનો રોલ પ્લે કરવાની ઓફર આપી. બ્રાયને ના પાડી દીધી.

ડિસી કોમિક્સે તૈયારી કરી રાખી હતી કે બેન અફેકની જગ્યાએ મેટ ડેમોનને ડેરડેવિલ બનાવવો. બેન અને મેટ બંને મિત્રો હતા. મેટે રોલ નકારી દીધો, કારણ કે તેને પાત્રમાં કંઈ ખાસ લાગ્યું નહીં. એ રોલ પછી તેના પાક્કા ભાઈબંધ બેન અફેકની પાસે ચાલ્યો ગયો.

અભિનયમાં દાદુ એવા એન્થની હોપકિન્સે બે બે વખત બેટમેન ફિલ્મના પાત્રની ઓફરને લાત મારી ફગાવી દીધી છે. સૌ પ્રથમ બેટમેન એન્ડ રોબિનમાં તેમને ફ્રિઝ નામના વિલન બનવાની ઓફર ડિસીએ આપી હતી. એ ઓફરને આવજો કર્યા પછી ક્રિસ્ટોફર નોલાને તેમને બેટમેન ટ્રાયોલોજીમાં આલ્ફ્રેડનો મહત્વનો રોલ ઓફર કર્યો હતો. એ રોલ પ્લે કરવાની પણ તેમણે ના પાડી દીધી.

વિલ સ્મિથ ફાઈનલ હતો. કયા રોલ માટે ? સુપરમેન ક્લાર્ક કેન્ટના રોલ માટે. કોઈ સ્વીકારે જ નહીં કે એક બ્લેક અભિનેતા સુપરમેન હોય. એમટીવીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, મારી પાસે પટકથા આવી હતી. મને ગમી પણ હતી. જોકે મને દર્શકો સ્વીકારેત નહીં.

માર્વેલ રસેલ ક્રો પાસે ગયું અને તેને વોલ્વરિનનો રોલ ઓફર કર્યો. જે ખૂબ લાંબો ચાલવાનો હતો. રસેલ ક્રોએ હાથ જોડી વિનંતી કરી કે આ રોલ હું પ્લે ન કરી શકું. આ રોલ ફક્ત હ્યુ જેકમેન જ કરી શકે. અને તે સાચો હતો.

1995માં આવેલી બેટમેન ફોરએવરમાં રિડલનો રોલ અને ટીમ બર્ટનની 1989ની સાલમાં આવેલી બેટમેનમાં જોકરનો રોલ. આ બંને રોલ રોબિન વિલિયમ્સ નહોતા કરી શક્યા. તેમની હિટ કોમેડી અને વોઈસ ઓવરના કારણે આ રોલ તેમને મળ્યા હતા.

સ્યુસાઈડ સ્ક્વોડ ફિલ્મમાં વિઓલા ડેવિસે અમાન્ડા વોલરનો રોલ પ્લે કર્યો. વોર્નર બ્રધર્સ દૃઢપણે ઈચ્છતું હતું કે આ રોલ ટેલિવિઝન સ્ટાર અને સેલિબ્રિટી ઓપ્રા વિન્ફ્રે પ્લે કરે. તેણે ના શું કામે પાડી તે કોઈ નથી જાણતું.

ડિસી કોમિક્સની ખૂબ ઈચ્છા હતી કે વન્ડર વુમનનો રોલ સાન્દ્રા બુલોક પ્લે કરે. ગેલ ગેડોટ બની તેના વર્ષો પહેલા એટલે કે 2000ની સાલમાં તેમણે એમેઝોન પ્રિન્સેસના પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે સાન્દ્રા કોઈ કાળે એ રોલ પ્લે ન કરી શકી.

પીયર્સ બ્રોસનાનને જેમ્સ બોન્ડની સાથે સાથે બેટમેનના રોલની પણ ઓફર થઈ હતી. તેનું ફિઝીક અને ચહેરો બ્રૂસ વેઈન માટે પરફેક્ટ હતો. તેણે રોલનો અસ્વીકાર કર્યો. એક ઈન્ટરવ્યૂમાં તેણે આ ઘટનાને પોતાની મોટી ભૂલ તરીકે પણ સ્વીકારી હતી.  

રોબર્ટ ડોની જૂનિયર પહેલા મિશન ઈમ્પોસિબલના સ્ટાર ટોમ ક્રૂઝને ટોની સ્ટાર્કનો રોલ પ્લે કરવાની ઓફર થઈ હતી. તેણે રોલનો અસ્વીકાર કર્યો અને રોબર્ટ ખાટી ગયો. આજે પણ તેને એ વાતનો વસવસો બિલકુલ નથી કે હું આયર્ન મેન નથી બની શક્યો.

ડિસી માટે જોકર ફિલ્મમાં જોકરનો રોલ પ્લે કરી ઓસ્કર ખેંચી જનારા અભિનેતા જેક્વીન ફોનિક્ષને માર્વેલ ગમે તે ભોગે લેવા માગતું હતું. પણ વાત બની નહીં. પહેલા તેને હલ્કનો રોલ પ્લે કરવાની ઓફર મળી હતી અને પછી ડોક્ટર સ્ટ્રેન્જની. હવે જેવા જેના નસીબ. મેથડ એક્ટરને આવા રોલ ન જ ગમે.

જેમ્સ કેમેરોન સ્પાઈડર મેન ફિલ્મ ડાયરેક્ટ કરવાના હતા અને તેમની પસંદગી લિયોનાર્ડો ડી કેપ્રિઓ હતો. સંજોગાવશાત્ આ ફિલ્મ બની ન શકી. લિયોનાર્ડો અને જેમ્સની ટાઈટેનિક જોડી હોત તો નક્કી ફિલ્મ બોક્સઓફિસ પર ટંકશાળા પાથરી દેત.

એમિલી બ્લન્ટને માર્વેલે બ્લેક વિડો માટે ઓફર કરી હતી. તેણે ના પાડી દીધી અને ફિલ્મ ગઈ સ્કાર્લેટ જ્હોન્સન પાસે. આજે બ્લેક વિડોની સોલો ફિલ્મ પણ ટ્રેલર સુધી પહોંચી ગઈ છે. કોરોના વાઈરસના કારણે રિલીઝ થવામાં અગવડતા પડી અન્યથા બધાના મોબાઈલમાં આવી ગઈ હોત!!

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments