છેલ્લા ચાર દિવસથી ખેડૂતો કૃષિ કાયદાનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. આવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંદોલનનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું હતું કે, બહુ વિચાર વિમર્શ કર્યા બાદ સંસદે કૃષિ સુધારા બિલને કાયદાનું સ્વરૂપ આપ્યું છે. સાથે જ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે, આ કાયદાથી ખેડૂતોને લાભ થઈ રહ્યો છે. તેમણે કેટલાક ખેડૂતોના ઉદાહરણ પણ આપ્યા હતા. સાથે જ તેમણે ખેડૂતોને અફવાઓથી દૂર રહેવાની પણ અપીલ કરી હતી.
કૃષિ કાયદા અંગે શું કહ્યું ?
વડાપ્રધાન કહ્યું હતું કે,‘મારા વ્હાલા દેશવાસીઓ ભારતમાં ખેતી અને તેની સાથે જોડાયેલી ચીજવસ્તુઓની સાથે સાથે નવા આયામ પણ જોડાઈ રહ્યાં છે. તાજેતરમાં કૃષિ સુધારાઓએ ખેડૂતો માટે નવી સંભાવનાઓના દ્વાર ખોલ્યા છે. આ અધિકારોએ બહુ ઓછા સમયમાં, ખેડૂતોની ચિંતાઓને ઓછી કરવાનું કામ શરૂ કરી દીધું છે. ખુબ વિચાર વિમર્શ બાદ ભારતની સંસદે કૃષિ સુધારાને કાયદાનું સ્વરૂપ આપ્યું. આ સુધારાઓથી ખેડૂતોને નવા અધિકારો મળ્યા, નવી તકો મળી છે. આ કાયદામાં એ જોગવાઈ કરવામાં આવી છે કે, ક્ષેત્રના એસડીએમએ એક મહિનાની અંદર જ ખેડૂતની ફરિયાદને પુર્ણ કરવાની રહેશે. હવે જ્યારે આ પ્રકારના કાયદાની તાકાત આપણા જગતના તાત પાસે હતી તો તેમની સમસ્યાનું સમાધાન તો થવાનું જ હતું, તેમણે ફરિયાદ કરી અને ગણતરીના દિવસોમાં જ તેમનું બાકી લેણું ચૂકવી દેવાયું.’
ગુરૂનાનકદેવજીને યાદ કર્યા
કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીખ ધર્મગુરૂ ગુરૂનાનકદેવજીને પણ યાદ કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘મારા પર ગુરૂનાનક દેવની વિશેષ કૃપા રહી છે. જેથી તેઓ દેશની સેવા કરી રહ્યા છે. મને લાગે છે કે, ગુરૂ સાહેબની મારા પર વિશેષ કૃપા રહી જેથી તેમણે મને તેમના કાર્યોમાં બહુ નજીકથી જોડાયેલો રાખ્યો. હું એ વાતથી બહુ કૃતજ્ઞ છું કે ગુરૂ સાહેબે મારી પાસેથી નિરંતર સેવા લીધી છે.’ આવતીકાલે ગુરૂનાનક જયંતિ છે જેથી વડાપ્રધાને સીખ સમુદાયને શુભકામના પણ પાઠવી. આમ, આંદોલનની વાત કર્યા વગર સીખ સમુદાય સાથે જાડાયા અને આંદોલનનું નામ લીધા વગર જ આંદોલનકારીઓને સમજાવ્યા. દિલ્હી તરફ કુચ કરી રહેલા આંદોલનકીરીઓમાં સૌથી વધુ સીખ સમુદાયના ખેડૂતો છે.
પીએમ મોદીએ આપી ખુશખબરી
આ ઉપરાંત પીએમ મોદીએ કાર્યક્રમમાં કોરોના મહામારીનો મુદ્દો પણ આવરી લીધો હતો. મન કી બાત કાર્યક્રમની શરૂઆતમાં પીએમ મોદીએ એક સારા સમાચાર આપ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આજે હું તમારી સાથે એક ખુશખુબર શેર કરી રહ્યો છું. માતા અન્નપૂર્ણાની એક ખુબ જ જૂની પ્રતિમા કેનેડાથી ભારત પરત આવી રહી છે. આ મૂર્તિ વર્ષ 1913માં વારાણસીના મંદિરમાંથી ચોરી થઈ હતી. માતા અન્નપૂર્ણાનો કાશી સાથે વિશેષ સંબંધ છે. હવે તેમની પ્રતિમાનું પાછું ફરવું તે આપણા તમામ લોકો માટે સુ:ખદ વાત છે. કેનેડાથી માતા અન્નપૂર્ણાની મૂર્તિ પાછી લઇ આવવામાં સહયોગ કરનારાઓનો હું આભાર માનું છું. માતા અન્નપૂર્ણાની પ્રતિમાની જેમ જ આપણા દેશની અનેક અનમોલ ધરોહર આંતરરાષ્ટ્રીય ગેંગનો ભોગ બનતી રહી છે, ત્યારબાદ તેમને બજારમાં ઊંચી કિંમતે વેચી દેવાય છે. આ વચ્ચે ભારતે હવે તેમની વાપસી માટેના પ્રયત્નો વધાર્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે, માતા અન્નપૂર્ણાની પ્રતિમા પરત આવવાની સાથે, એક સંયોગ એ પણ જોડાયેલો છે, કે તાજેતરમાં જ વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવી. વર્લ્ડ હેરિટેજ વીક સંસ્કૃતિ પ્રેમીઓ માટે, જૂના સમયમાં પાછા વળવા માટે, તેમના ઈતિહાસના મહત્વના પડાવોની જાણકારી મેળવવા માટે એક શાનદાર તક આપે છે. આજે દેશના કેટલાક સંગ્રહાલયો અને પુસ્તકાલયો તેમના સંગ્રહને સંપૂર્ણ ડિજિટલ બનાવવા માટે કામ કરી રહ્યા છે. દિલ્હીના અમારા રાષ્ટ્રીય સંગ્રહાલયે આ સંદર્ભે કેટલાક પ્રશંસનીય પ્રયાસો પણ હાથ ધર્યા છે.
ડૉ.સલીમ અલીજીને યાદ કર્યા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ મહિને 12 નવેમ્બરથી ડૉ. સલીમ અલીજીનો 125મો જયંતી સમારોહ શરૂ થયો છે. ડોક્ટર સલીમે પક્ષીઓની દુનિયામાં નોંધનીય કાર્ય કર્યુ છે. હું હંમેશાથી Bird watchingના શોખીન લોકોનો પ્રશંસક રહ્યો છું. ખૂબ ધૈર્ય સાથે તેઓ કલાકો સુધી, સવાર-સાંજ, Bird watchingની મોજ માણી શકે છે. સાથે જ પોતાના જ્ઞાનને આપણા સુધી પહોંચાડતા રહે છે. ભારતમાં પણ અનેક Bird watching સોસાયટી સક્રિય છે. તમે લોકો પણ આ વિષય સાથે જોડાવ.
CEO ખેડૂત
વધુમાં તેમણે કહ્યું કે, તેઓ રાજસ્થાનના બરાન જિલ્લામાં રહેતા મોહમ્મદ અસલમજી ખેડુતોમાં જાગૃતિ લાવવા માટે આ પ્રકારનું એક કામ કરી રહ્યા છે. તે ખેડૂત ઉત્પાદક સંઘના CEO પણ છે. હા, તમે સાંભળ્યું, ખેડૂત ઉત્પાદક સંઘના CEO. આશા છે કે, મોટી કંપનીઓના CEOને સાંભળીને ગમશે કે હવે દેશના દૂર-દૂરના વિસ્તારોમાં કાર્યરત ખેડૂત સંગઠનો પણ CEO બનવા માંડ્યા છે.
કોરોના મુદ્દે શું કહ્યું ?
વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કોરોના મહામારીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, કોરોના સામેની લડત ચાલુ રાખવી પડશે. પરંતુ કોરોનાને લઈને કોઈપણ પ્રકારની બેદરકારી હજુ પણ ખૂબ જીવલેણ સાબિત થઈ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓલ ઈન્ડિયા રેડિયોના માધ્યમથી દર મહિને મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધિત કરે છે. 3 ઓક્ટોબર 2014થી સત્તાવાર રીતે મન કી બાત કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ દેશના સામાન્ય લોકો સુધી વડાપ્રધાનનો અવાજ તેમજ તેમના વિચારો પહોંચાડવાનો છે. ખાસ કરીને ગ્રામીણ તેમજ ઓછા વિકસિત પ્રદેશોમાં વડાપ્રધાનના વિચારો પહોંચી શકે તે અર્થે રેડિયોને માધ્યમ તરીકે પસંદ કરવામાં આવ્યું. મન કી બાતનો પ્રથમ કાર્યક્રમ 3 ઓક્ટોબર, 2014નો રોજ વિજયા દશમી નિમિત્તે શરૂ કરવામાં આવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત