Homeતાપણુંમ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એવું શું દાટ્યું છે કે ગૃહમંત્રીને પણ હૈદરાબાદ સુધી...

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એવું શું દાટ્યું છે કે ગૃહમંત્રીને પણ હૈદરાબાદ સુધી લાંબા થવું પડ્યું ?

સામાન્ય રીતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા કે મહાનગર પાલિકાની ચૂંટણીઓમાં સ્થાનિક મુદ્દા અસર કરતાં હોય છે અને આવી ચૂંટણીઓમાં પ્રચાર માટે પણ પક્ષના સ્થાનિક નેતાઓ જ જોર લગાવતા હોય છે પરંતુ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એવું તો શું ખાસ છે કે પ્રચાર માટે દેશના ગૃહમંત્રી પણ દોડધામ કરી રહ્યા છે.

દેશની સૌથી મોટી મ્યુનિસિપલ કોર્પોરેશન

ગ્રેટર હૈદરાબાદ દેશની સૌથી મોટી મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક છે. જેમાં ચાર જિલ્લાનો સમાવેશ થાય છે. હૈદરાબાદ, રંગારેડ્ડી, મેડચલ-મલકજગિરી અને સંગારેડ્ડી જિલ્લાનો આ કોર્પોરેશનમાં સમાવેશ થાય છે. આ વિસ્તારમાં કૂલ 24 વિધાનસભા મતવિસ્તાર આવે છે અને તેલંગાણા રાજ્યની પાંચ લોકસભા બેઠકો પણ આવે છે. તેના કારણે જ ભાજપ ઉપરાંત કોંગ્રેસ, અસદુદ્દીન ઓવૈસી અને કેસીઆર તાકાત લગાવી રહ્યા છે.

ભાજપ માટે સેમિફાઈનલ સમાન જંગ

વર્ષ 2023માં તેલંગાણા વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તેથી ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ભાજપ માટે સેમિફાઈનલ સમાન છે. જો ભાજપ આ ચૂંટણીમાં પાસ થઈ જાય છે તો લોકોમાં ભાજપ પ્રત્યેનો વિશ્વાસ વધી જશે ને તેનો ફાયદો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને થઈ શકે છે. તેથી ભાજપ આ સેમિફાઈનલનો જંગ કોઈ પણ ભોગે જીતવા માંગે છે.

દક્ષિણ ભારત સર કરવાનો ટાર્ગેટ

ભાજપ કેન્દ્રમાં સત્તા પર આવ્યું ત્યારથી દેશભરમાં અલગ અલગ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ભાજપનો જાદુ જોવા મળ્યો છે. પરંતુ કર્ણાટક સિવાય દક્ષિણ ભારતમાં ભાજપ દમ દેખાડી શકી નથી. દક્ષિણ ભારતના રાજ્ય જેવા કે તમિલનાડુ, કેરળ, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં ભાજપ હાંસિયામાં જ ધકેલાયેલી છે. કેમ કે અહીંયા સ્થાનિક પાર્ટીઓ હાવી છે. ભાજપની રાજ્યસભામાં પણ સ્થાનિક પાર્ટીઓ પરથી નિર્ભરતા ઓછી થઈ ગઈ છે. તેલંગણામાં ભાજપની સક્રિયતા પાછળ એક એવું કારણ પણ માનવામાં આવે છે કે તે હવે કેસીઆર વિના પણ રાજ્યસભામાં મહત્વના બિલ પાસ કરી શકે છે.

કેસીઆર અને ઓવૈસી સામે ભાજપની ટક્કર

ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની સીધી ટક્કર કેસીઆરની પાર્ટી ટીઆરએસ અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ સામે છે. કોંગ્રેસ તો દૂર દૂર સુધી અહીં નજર નથી આવી રહી. અહીં રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો ખૂબ ઉઠી રહ્યો છે. આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિત શાહે કહ્યું કે જો ઓવૈસી લેખિતમાં આપે તો રોહિંગ્યા મુસ્લિમો પર કાર્યવાહી કરીશું. અહીં કેસીઆરની પાર્ટી તમામ 150 બેઠકો પર ચૂંટણી લડી રહી છે જ્યારે ઓવૈસીએ માત્ર જુના હૈદરાબાદ વિસ્તારની 51 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. અમિત શાહ સહિતના રાષ્ટ્રીય નેતાઓ આ ચૂંટણી પ્રચારમાં જોડાઈને કેસીઆર અને ઓવૈસી પર સીધા પ્રહાર કરી રહ્યા છે. અમિત શાહે આજે ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, જનતા એક વખત ભાજપને ચાન્સ આપે.

પેટાચૂંટણીની જીતે ભાજપમાં ઉમેરી ઊર્જા

તેલંગણામાં ચાલુ મહિને ડબકા વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપને મળેલી જીતથી ભાજપના કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. કેમ કે આ બેઠક પર કેસીઆરની પાર્ટી ટીઆરએસનો દબદબો હતો. ભાજપે કેસીઆરના ગઢમાં ગાબડું પાડીને મેળવેલી આ જીતથી કાર્યકરો ઉત્સાહમાં છે. હવે પાર્ટી પાછુ વળીને જોવા નથી માગતી તેથી પેટાચૂંટણીની જીતની માફક જનતાના સાથથી ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ભાજપ જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે.

આ નેતાઓ ચૂંટણી પ્રચારમાં આવ્યા

ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ માટે તેલંગણા વિધાનસભા ચૂંટણી સેમિફાઈનલ સમાન છે. તેથી ભાજપે તમામ મોટા નેતાઓને આ ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ અહીં પ્રચાર કરવા આવી ચુક્યા છે તો શનિવારે ઉત્તરપ્રદેશના ફાયરબ્રાન્ડ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ રેલી કરી હતી અને સત્તામાં આવીશું તો હૈદરાબાદનું નામ ભાગ્યનગર કરી દેવાનું કહીને ચર્ચાને ચગડોળે ચડ્યા હતા. આજે રવિવારે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. તેમણે ઓવૈસી અને કેસીઆર પર સીધા પ્રહારો કર્યા હતા.

ભાજપે પણ કેસીઆરની ટીઆરએસ સામે તમામ બેઠકો પર 150 ઉમેદવારો ઉતાર્યા છે. ભાજપે મફતમાં પાણી, વીજળી કોરોના વેક્સિન આપવા સહિતના વાયદાઓ કર્યા છે. બિહારમાં ફ્રીમાં વેક્સિન આપવાનો મુદ્દો ખુબ ચગ્યો હતો અને ભાજપને ફાયદો પણ થયો હતો જો કે આ ચૂંટણીમાં જીત મળે છે કે કેમ તે મહત્વનું છે. આગામી 1 ડિસેમ્બરે અહીં મતદાન થવા જઈ રહ્યું છે.

ગત ચૂંટણીમાં શું હતું પરિણામ ?

વર્ષ 2016માં યોજાયેલી ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 150 બેઠકોમાંથી 99 બેઠકો પર ટીઆરએસ પક્ષે શાનદાર જીત મેળવી હતી. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીને 44 બેઠક મળી હતી જ્યારે ભાજપના ખાતામાં માત્ર 3 બેઠક અને કોંગ્રેસના ભાગમાં 2 બેઠક જ આવી હતી. ત્યારે આ ચૂંટણીમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની મહેનત લેખે લાગે છે કે કેમ તે 4 ડિસેમ્બરે પરિણામમાં ખબર પડી જશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments