Team Chabuk-National Desk: આ કોઈ ગલગલીયાં કરાવવા માટેની હેડલાઈન નથી. આવું બન્યું છે ઉત્તરપ્રદેશના લખનઉમાં. ઉત્તરપ્રદેશની પોલીસે હનીટ્રેપના જાળમાં ફસાવીને પુરુષોને ખંખેરતી પાંચ લોકોની ટૂકડીને પકડી પાડી છે. જેમાં ત્રણ પુરુષો અને બે મહિલાઓ છે. ત્રણ પુરુષો જે પોલીસના સ્વાંગમાં રહેતા હતા અને લોકોને ડરાવી ધમકાવીને પૈસા ઉઘરાવતા હતા. પોલીસે હાલ પાંચે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લખનઉમાં આવેલ હજરતગંજ પોલીસ વિસ્તારમાં એક પીડિત વ્યક્તિએ પોલીસને સૂચના આપી હતી કે બે મહિલાઓ અને ત્રણ પોલીસ ઓફિસરો મળીને તેને બ્લેકમેલ કરી રહ્યા છે અને તેનો અશ્લીલ વીડિયો વાઈરલ કરી પૈસા માગી રહ્યા છે. જેના કારણે તે માનસિકરૂપે સંપૂર્ણ રીતે ભાંગી પડ્યો છે. તેણે પોલીસને કહ્યું કે, તે આ મુસીબતમાંથી જલ્દી જ બહાર નીકળવા માગે છે. જો તે ન નીકળી શક્યો તો આત્મહત્યા કરી લેશે.
પોલીસે પીડિતની ફરિયાદને ગંભીરતાથી લીધી અને સર્વિલાન્સની ટીમને તપાસ માટે મોકલી આપી. આ સમયે પીડિતે પોલીસને સૂચના આપી કે બે મહિલાઓ અને ત્રણ પોલીસ ઓફિસરો કાનપૂર રોડ પર તેની પાસેથી પૈસા લેવા માટે ઊભા રહેવાના છે. પોલીસે આ તકનો ફાયદો ઉઠાવતા એક સર્વિલાન્સ ટીમની રચના કરી અને પીડિતની સાથે પાંચે ફુલેકાબાજોને પકડવા માટે કાનપૂર રોડ પર આવી પહોંચી.
પોલીસે જોયું તો ઘટના સ્થળ પર ત્રણ આરોપીઓ પોલીસના ડ્રેસમાં હતા. તેમની સાથે બે મહિલાઓ પણ હતી. પોલીસે પાંચેની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ. પૂછતાછ કરતાં તેમની ઓળખ પંકજ ગુપ્તા, અતુલ સક્સેના અને અજીજુલ હસન સિદ્દીકીના રૂપે થઈ છે. તેમની સાથે બે મહિલાઓ પણ પકડાય છે, જેનું મૂળ કામ અશ્લીલ વાતો કરી ગ્રાહકને ફસાવવાનું હતું.
પોલીસ કમિશ્નર ડીકે ઠાકુરના જણાવ્યા અનુસાર આ ટૂકડીની પોતાની અલગ મોડેસ ઓપરેન્ડી હતી. સોશિયલ મીડિયા દ્વારા પોતાની આસપાસના લોકોની સાથે મીઠી મીઠી વાતો કરી તેને પટાવી લેતી હતી. જે પછી પોપટને નિર્ધારિત સ્થળ પર બોલાવવામાં આવતો હતો અને ત્યાં પહોંચ્યા પછી તેનું ખરા અર્થમાં ‘પોપટ’ બની જતું હતું.
જેવો કોઈ વ્યક્તિ એ નિયત જગ્યાએ પહોંચતો હતો ત્યારે એ ગ્રૂપમાં સામેલ બંને મહિલાઓ પુરુષને બેસાડી અને અશ્લીલ વાતો કરવા માંડતી હતી. પુરુષ પણ આ બંનેની વાતમાં આવી જઈ એક બાદ એક વસ્ત્ર ઉતારી નાખતો હતો. આ વખતે જ પડદાની પાછળ મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર બેઠેલા શખ્સો પોલીસના ડ્રેસમાં તૈયાર થઈ આવી પહોંચતા હતા અને કપડાં ઉતારનારનો વીડિયો બનાવી તેને બ્લેકમેલ કરતા હતા.
આ ટૂકડી દ્વારા બનાવવામાં આવેલા વીડિયો થકી એક જ વ્યક્તિ પાસેથી વારંવાર પૈસાની વસૂલી કરવામાં આવતી હતી. જો તે પૈસા ન આપે તો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. હાલ આ આરોપીઓ ઉપર પોલીસ કલમ 419, 420, 170, 171, 384, 411 અને 34ના આધારે કાર્યવાહી કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત