Homeગામનાં ચોરેછેલ્લી ઘડીએ કન્યાના શરીરમાં કોરોનાએ પ્રવેશ કરતા શુભ ઘડી અશુભ બની ગઈ

છેલ્લી ઘડીએ કન્યાના શરીરમાં કોરોનાએ પ્રવેશ કરતા શુભ ઘડી અશુભ બની ગઈ

કોરોના વાયરસના કારણે અનેક લગ્ન પ્રસંગો મુલતવી રાખવા પડ્યા છે. કેટલાક લોકો એવું વિચારીને બેસી ગયા છે કે, કોરોનાનું થોડું હળવું થાય અથવા તો આવતા વર્ષે વેક્સિન આવે ત્યારે જ ધામધૂથી લગ્ન કરીશુ. જ્યારે કેટલાક લોકો કોવિડની ગાઈડલાઈન મુજબ લગ્ન પ્રસંગ યોજી રહ્યા છે.

આવા સમયે એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. વાત છે રાજસ્થાનના બારા જિલ્લાની. જ્યાં એક યુગલે પીપીઈ કિટ પહેરીને પ્રભુતામાં પગલાં પાડ્યા. કહેવાય છે ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. પરંતુ આ ઘટનામાં કોઈ હિમાલય ચઢવાનો ન હતો માત્ર લગ્ન કરીને એકમેકના થઈ જવાનું હતું.

પીપીઈ કિટ કેમ પહેરવી પડી ?

બંને પરિવારે ધામધૂથી તૈયારીઓ કરી હતી. બધી ખરીદી થઈ ગઈ હતી. ગોર મહારાજને કહેવાય ગયું હતું. લગ્નવિધિનો તમામ સામાન પણ આવી ગયો હતો. હવે રાહ માત્ર જાન આવવાની જ હતી. પરિવારને એક જ વાતની ચિંતા હતી કે બસ હવે બધી તૈયારીઓ થઈ ગઈ છે ખાલી આ વુહાનિયો વાયરસ લગ્નમાં વિઘ્ન ન બને.

લગ્નનો દિવસ આવી ગયો. લગ્ન પહેલાં પરિવારનો કોરોના રિપોર્ટ થયો. ઘણાં લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા પણ એક રિપોર્ટ પોઝિટિવ હતો. જેને લઈને તમામ લોકોના ચહેરા પર નિરાશા ફેલાઈ ગઈ હતી. ખુદ કન્યા જ કોરોના પોઝિટિવ હતી. હવે તમામ લોકો વિચારમાં મુકાયા. જાન આવવાની તૈયારીમાં છે. કરવું શુ ?

દુલ્હન કોરોના પોઝિટિવ છે તે વાત આખી જાનમાં પ્રસરી ગઈ જેના કારણે અન્ય લોકો પણ ભયભીત બન્યા પણ મૂહુર્ત તો કોઈ પણ ભોગે સાચવવું જ છે એટલે સમગ્ર યોજના ઘડી.

દુલ્હનને કોરોનાના વધારે લક્ષણો જણાતા ન હતા એટલે પરિવારજનોએ કલેક્ટર અને ઉપલાં અધિકારીઓને વિનંતી કરી. કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે લગ્નની મંજૂરી માંગી. વિચાર વિમર્ષ બાદ કલેક્ટર માની ગયા અને દંપતિને મૂહુર્તના દિવસે જ લગ્નગ્રંથિથી જોડાવાની મંજૂરી આપી.

ત્યારબાદ દુલ્હનને કોવિડ સેન્ટર લઈ જવાઈ જ્યાં લગ્નનું આયોજન કરાયું. વર અને વધૂ સહિત ગોર મહારાજ અને પરિવારજનોએ પીપીઈ કિટ પહેરી. ગોર મહારાજે મંત્રોચ્ચાર શરૂ કર્યા. અને કોરોનાને પડકાર આપીને યુગલે સાત ફેરા ફરી લીધા.

આ યુગલનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, વરરાજા અને કન્યાએ બ્લૂ રંગની પીપીઈ કિટ પહેરી છે. જ્યારે લગ્નપ્રસંગમાં હાજર અન્ય લોકોએ સફેદ રંગની પીપીઈ કિટ પહેરી છે. બંને લોકોએ ફેસ સિલ્ડ અને ગ્લોવ્સ પણ પહેર્યા છે. પીપીઈ કિટની ઉપર જ વર અને વધૂએ ફૂલહાર પણ પહેર્યો છે. વરરાજાએ પીપીઈ કિટ અને પાઘડી પણ પહેરી છે.

‘કોરોના લગ્ન’નો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે. લગ્ન બાદ દુલ્હન આઈસોલેટ થઈ ગઈ છે. જ્યારે અન્ય લોકો પણ ગાઈડલાઈન મુજબ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે. આમ કોરોના પણ આ યુગલના લગ્ન રોકી શક્યો નહીં. લગ્ન ગાઈડલાઈનના પાલન સાથે થયા એટલે કોઈએ વાંધો પણ ન ઉઠાવ્યો. લગ્ન કરીને વરરાજાએ પણ સાબિત કરી દીધુ કે દુલ્હન તો હમ હી લે જાએંગે.

દરેક કન્યાની આશા હોય છે કે તે લગ્નમાં સોળે શણગાર સજે અને પછી જ તેના ભાવિ પતિ સામે જાય. રાજસ્થાનમાં યોજાયેલા આ લગ્નમાં કન્યા સોળ શણગાર તો સજી પરંતુ કોરોનાએ તેને નજર લગાડી દીધી જેના કારણે તેને પીપીઈ કિટ પહેરવી પડી હતી.

હાલ ગુજરાત સહિત દેશભરમાં કોરોનાકાળમાં લગ્ન કરવા માટે ગાઈડલાઈન નક્કી કરાઈ છે. ગુજરાતમાં રાત્રિ દરમિયાન લગ્નને હજુ મંજુરી આપવામાં નથી આવી. દિવસે પણ માત્ર 100 લોકો સાથે જ લગ્નનની પરવાનગી આપવામાં આવી છે. લગ્નમાં જાનૈયા અને માનૈયા બંને માટે માસ્ક ફરજિયાત કરાયા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments