Homeતાપણુંઆખરે સિદ્ધુ કેપ્ટનને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું અપાવીને જ રહ્યા!

આખરે સિદ્ધુ કેપ્ટનને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું અપાવીને જ રહ્યા!

Team Chabuk-Poitical Desk: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે રાજીનામું આપી દીધું છે. તેમણે રાજ્યપાલ બીએલ પુરોહિતને સમગ્ર મંત્રીમંડળનું રાજીનામું સોંપી દીધું છે. કેપ્ટન સાંસદ પત્ની પરનીત કૌર અને પુત્રી રણઈન્દર સિંહની સાથે રાજીનામું આપવા રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલને પોતાનું રાજીનામું આપ્યું હતું. હવે કેપ્ટન ભાજપમાં જવાના હોવાની અટકળો ચાલી રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડનો પવન જે દિશામાં ફૂંકાઈ રહ્યો છે એ જોતા કેપ્ટનના નજીકના લોકોએ પણ તેમનાથી અંતર બનાવી લીધું છે.

રાજભવનમાંથી બહાર નીકળ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા કેપ્ટને કહ્યું હતું કે, ‘મારો નિર્ણય આજે સવારે જ થઈ ગયો હતો. મેં કોંગ્રેસ અધ્યક્ષની સાથે વાત કરી હતી અને જણાવી દીધું હતું કે હું રાજીનામું આપું છું. વાત એવી છે કે આ ત્રીજી વખત થઈ રહ્યું છે. મને ત્રીજી વખત દિલ્હી બોલાવવામાં આવ્યો છે. મારા પર સંશય છે કે હું સરકાર ચલાવી નથી શકતો. હું અપમાનિત મહેસૂસ કરી રહ્યો છું. બે મહિનામાં ત્રણ વખત મને બોલાવ્યો એટલે મેં નિર્ણય લીધો કે હું પદ છોડું છું, જેમના પર એમને ભરોસો હોય એને બનાવી દો.’

આ પૂર્વે કેપ્ટને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ અને મનીષ તિવારીની સાથે વાતચીત કરી પોતાના મનની વાત સામે રાખી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેપ્ટને આજે જ સમગ્ર આંતરકલહ પર પૂર્ણવિરામ મૂકવાનું કહ્યું હતું. સાથે જ તેમણે ધમકી પણ આપી છે કે, તેમને આ રીતે મુખ્યપ્રધાન પદ પરથી નિષ્કાસિત કરવામાં આવ્યા તો તેઓ પાર્ટી પણ છોડી દેશે. તેમણે આ સંદેશો પાર્ટી હાઈકમાન્ડ સુધી પહોંચાડવાનું પણ કહી દીધું છે.

કેપ્ટનથી નાખુશ એવા ચાલીસ ધારાસભ્યોનો પત્ર મળ્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે શુક્રવારના રોજ મોટો નિર્ણય લીધો હતો. તેમણે શનિવારે સાંજે પાંચ વાગ્યે ધારાસભ્યદળની બેઠક બોલાવવાની ઘોષણા કરી હતી. પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે સોનિયા ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ શુક્રવારે અડધી રાત્રે આ જાણકારી શેયર કરી હતી. ધારાસભ્ય દળની મીટીંગ બાદ અજય માકન અને હરીશ ચૌધરીને ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા હતા.

આ પહેલા નવજોત સિંહ સિદ્ધુના રાજનીતિક સલાહકાર અને પૂર્વ DGP મુહમ્મદ મુસ્તફાએ કહ્યું હતું કે, પંજાબના ધારાસભ્યોની પાસે સાડા ચાર વર્ષ બાદ કોંગ્રેસનો મુખ્યમંત્રી પસંદ કરવાની તક છે. એટલે કે મુસ્તફાએ સાફ સાફ કહી દીધું હતું કે અમરિન્દર કોંગ્રેસી નથી. મુસ્તફાએ વધુમાં કહ્યું હતું કે, 2017માં પંજાબે કોંગ્રેસને 80 ધારાસભ્ય આપ્યા હતા. આમ છતાં આજ સુધી કોઈ કોંગ્રેસી મુખ્યમંત્રી નથી બન્યો. સાડા ચાર વર્ષ સુધી કેપ્ટને પંજાબ અને પંજાબીઓના દર્દને દિલથી નથી સમજ્યું. એવામાં હવે 80માંથી 79 ધારાસભ્યો પાસે સન્માન પરત મેળવવાની તક છે.

થોડા મહિનાઓ પહેલા કેપ્ટન અમરિન્દર સિંહ પાર્ટી હાઈકમાન્ડથી રિસાયેલા લાગી રહ્યા હતા. રિસાવા પાછળનું કારણ સિદ્ધુ હતા, કારણ કે હાઈકમાન્ડ સિદ્ધુની પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ તરીકેની તાજપોશી કરવામાં લાગ્યું હતું. એવા સમાચારો પણ વહેતા થયા હતા કે સિદ્ધુ કેપ્ટનનું પત્તુ કાપી નાખવા માગે છે અને પોતે મુખ્યમંત્રીની ખુરશી પર સવાર થવા માગે છે. સિદ્ધુ અને કેપ્ટન એક જ પાર્ટીના હોવા છતાં જન્મ જન્મના વેરી હોય એમ એકબીજાથી દૂર ભાગતા હતા. પંજાબની રાજનીતિમાં આ ઉઠક-બેઠક સતત બે અઠવાડિયા સુધી જોવા મળી હતી. આખરે કડવા લાડવાથી મોઢું મીઠું કરી બંને એક ઘરમાં ઘરઘોકલે રમવા લાગ્યા હતા, પરંતુ કેપ્ટન અને પંજાબના રાજકીય નિષ્ણાતોને એ વાતનો ખ્યાલ હતો કે ચૂંટણી નજીક આવતા આવતા કેપ્ટનની વિદાય નક્કી છે. અને આજે કેપ્ટને રાજીનામું આપી દીધું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments