Team Chabuk-National Desk: રાજસ્થાનના ચુરુ જિલ્લામાં એક 25 વર્ષીય દલિત વ્યક્તિની સાથે કથિત મારપીટ અને જબરદસ્તી દારૂ પીવડાવવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં પોલીસે માર પીટની ઘટના બની હોવાની વાતની પુષ્ટી કરી છે. આ સમગ્ર ઘટના 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની છે. આ ઘટના સંદર્ભે પોલીસે આઠ લોકોની ધરપકડ કરી છે.
બળજબરીપૂર્વક ખેતરમાં લઈ ગયા
આ પીડિત યુવકનું નામ રાકેશ મેઘવાલ છે. તે રુખસાગ ગામનો રહેવાસી છે. રાકેશના જણાવ્યા અનુસાર, 26મી જાન્યુઆરીની રાત્રે ગામના જ જાટ સમુદાયનો એક યુવક ઉમેશ તેના ઘરે આવ્યો હતો અને તેને તેની સાથે ચાલવાનું કહ્યું હતું. રાકેશે જવાની ઘસીને ના પાડી દીધી હતી. એ વાત પર ઉમેશે તેને બળજબરીપૂર્વક પોતાની કારમાં બેસાડી દીધો હતો. કારમાં પહેલાથી જ ઉમેશના મિત્રો હાજર હતા. ત્યાંથી રાકેશને ખેતરમાં લઈ જવામાં આવ્યો હતો.
જબરદસ્તી પેશાબ પીવડાવ્યો
રાકેશે આ ઘટના વિશે પોલીસને જણાવ્યું છે કે, ‘ઉમેશના મિત્રો રાજેશ અને રાકેશે મને જબરદસ્તી દારૂ પીવડાવ્યો. જ્યારે એ બોટલ ખાલી થઈ ગઈ તો તેમાં રાકેશ રાજેશ, ઉમેશ, તારાચંદ, બીરબલ, રાકેશ (અન્ય), અક્ષય, દિનેશ અને બિડદીચંદે પેશાબ કર્યો અને જબરદસ્તી મને પીવડાવ્યો.’
દોરડા અને દંડાથી ફટકાર્યો
પીડિત યુવકને આરોપીઓએ જાતિસૂચક ગાળો પણ આપી હતી. યુવકના જણાવ્યા અનુસાર આરોપીઓ કહેતા હતા કે, ‘તારા સમાજની જાટ સાથે બરાબરી કરવાની હેસિયત ક્યારથી થઈ ગઈ? એ માટે તને પાઠ ભણાવીશું.’ આરોપીઓએ બાદમાં યુવકને ઢોર માર પણ માર્યો હતો. રાકેશના કહ્યું હતું કે, ‘એ આઠે લોકોએ મળીને અડધી કલાક સુધી મને દોરડાઓ અને દંડાઓથી ફટકાર્યો હતો. મારા આખા શરીર પર ઈજાના નિશાન છે.’
આરોપીઓને લાગ્યું કે રાકેશ મરી ગયો છે
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પીટાઈથી યુવક બેભાન થઈ ગયો હતો. આરોપીઓને લાગ્યું હતું કે તેની મોત થઈ ગઈ છે એટલે તે તેને ત્યાં જ છોડી ભાગી ગયા હતા. સાથે જ તેનો ફોન પણ લઈ ગયા હતા. પીડિતે કહ્યું હતું કે ઉમેશ અને અન્ય આરોપીઓ ગત વર્ષે હોળી પર ચંગ વગાળવાની વાતને લઈ સર્જાયેલા વિવાદ બાદથી જ તેની ઉપર ખાર રાખી રહ્યા હતા.
આરોપીઓ પર કઈ કઈ કલમ લાગી?
પીડિત રાકેશ મેઘવાલની ફરિયાદ પર આઠ લોકો ઉમેશ, રાજેશ, તારાચંદ, રાકેશ, બીરબલ, અક્ષય, દિનેશ અને બિચદીચંદની આરોપી તરીકે ઓળખ થઈ છે. તેમની ઉપર IPCની કલમ 143, 323. 365, 382 હેઠળ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. એસસી/એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 સંબંધિત કલમોની સાથે સાથે આઈપીસી ધારા 382 પણ આરોપીઓ પર લગાવવામાં આવી છે.
પોલીસ શું કહે છે?
આ સમગ્ર ઘટનાક્રમ પર પોલીસનું કહેવું છે કે શરૂઆતની તપાસમાં યુવક સાથે મારપીટ થઈ હોવાનું પ્રમાણ હાથ લાગી ગયું છે. તમામ આરોપીઓ જાટ સમુદાયના છે અને પીડિતની જ વયના છે. યુવકને મોટાભાગની ઈજાઓ પીઠ પર આવી છે. તે હજુ ચાલી શકે એવી સ્થિતિમાં નથી. ઈજાના નિશાન જોતા લાગે છે કે તેને દોરડાથી ઢોર માર મારવામાં આવ્યો છે. યુવકને પેશાબ પીવડાવવાની વાત પર ડીએસપી શર્માનું કહેવું છે કે હાલ એ વાતનું કોઈ પુખ્તા પ્રમાણ હાથ નથી લાગ્યું. પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે. આરોપીઓની જલ્દી જ ધરપકડ કરી લેવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
