Homeવિશેષલંકાથી રાવણનો Exclusive ઈન્ટરવ્યૂ

લંકાથી રાવણનો Exclusive ઈન્ટરવ્યૂ

બોલો આ વખતે સળગ્યા નથી કેવું લાગે છે ?

કેવું લાગે છે એટલે ? મજા આવે છે. કોરોનાસૂરના કારણે મને એક ફાયદો તો થયો. આ વખતે સળગ્યો નહીં. હું તો આટલા વર્ષથી દર દશેરા પર સળગી સળગીને એક જ વાત વિચારું છું કે, મારાથી મોટા પાપી તો મને સળગાવનારા કેટલાક લોકો હોય છે. છતાં સળગાવે છે મને.

સળગતા હો ત્યારનો કોઈ ખાસ અનુભવ ખરો ?

મને યાદ આવે છે. એક નેતા હતા. મને સળગાવવા માટે આવ્યા. હું દૂરથી જોતો હતો. એમના હાથમાં તીર હતું. મને પાક્કી ખબર કે એ તીર છોડશે પછી મને નાભી પર લાગશે અને હું સળગી જઈશ. એણે તીર છોડ્યું. મને એમ કે સીધું અહીં આવશે ત્યાં તો તેના હાથમાં જ તૂટી ગયું. સાલી મને ખબર એ ન પડી કે તેના હાથમાં તીર તૂટી ગયું તો હું અહીં ભડભડ કેમ સળગવા લાગ્યો? મને એટલે જ આ કળિયુગમાં આવવું નથી ગમતું. વાતે વાતે સ્કેમ કરી નાખે. હવે તમે કહો ચાબુક ભાઈ કોઈના હાથમાં તીર તૂટી જાય અને તોપણ હું સળગું આવું કઈ રીતે શક્ય બને ? મતબલ કુછ ભી? આ તો પછી મને ખબર પડી કે તીર મારનારા પણ અલગ હોય છે અને સળગાવનારા પણ અલગ હોય છે. અત્યાર સુધી હું એ ગફલતમાં રહ્યો કે જે વ્યક્તિ તીર છોડે છે તેના કારણે હું મરું છું. મને તો એમ કે હું રામના શાસનમાં છું પણ જ્યારે ખબર પડી કે સળગાવનારા અને તીર છોડનારા અલગ છે એટલે આપણને ખબર પડી ગઈ કે આટલું મોટું કૌભાંડ તો કળિયુગમાં જ શક્ય બને.

તમને બનાવતા હોય ત્યારે લોકોને કોઈ સજેશન કરો છો ?

ના, એમાં આપણે કંઈ કહેવાનું રહેતું નથી. એ લોકો મનફાવે એમ બનાવે. દસ માથા તૈયાર કરે. મોટું શરીર તૈયાર કરે. પછી જેવા જેની પાસે રૂપિયા એટલો લાંબો મને બનાવે. કોઈ વખત તો મારા શરીર ઉપર ભ્રષ્ટાચાર લખે અને પછી સળગાવે. એમ માનીને કે ભ્રષ્ટાચારના રાવણને માર્યો. અરે ભાઈ, ભ્રષ્ટાચાર કરો તમે તો પછી મારા શરીરમાં શા માટે લગાવો છો કે ભ્રષ્ટાચાર રૂપી રાવણ. આમા પાછું તમારા સમાજનું ખૂબ મોટું યોગદાન છે.

અમારા સમાજનું એટલે ?

પત્રકારોનું. મને સળગાવવાનો હોય તેના એક અઠવાડિયા પહેલા જ છાપા અને ચેનલોમાં લખવા માંડો, દેખાડવા માંડો કે આ વખતે પટિયાલામાં ભ્રષ્ટાચારનો રાવણ સળગશે. લખનઉમાં આળસનો રાવણ સળગશે… અરે આળસનો રાવણ નહીં કુંભકર્ણ સળગાવવાનો હોય. મને સળગાવતા હોય ત્યારે લાઈવ કરીને બતાવનારા તમે જ છો. સળગીને પછી હું કાળોમેશ થઈ લંકામાં પાછો ફરું એટલે તમામ લંકાવાસીઓ મોબાઈલમાં જોતા હોય કે આ વખતે તો રાવણિયાને બરાબરનો જાટકી નાખ્યો હો.

સળગીને કાળા થઈ પછી ઘરે જાઓ તો કેવું લાગે ?

ખૂબ સ્નાન કરવું પડે. અમારે લંકામાં પાણીની તંગી પહેલાથી રહી. આજુબાજ ખારું પાણી એટલે એ સ્નાન કરવામાં અને પીવામાં ઉપયોગમાં ન આવે. આ માટે લંકા જળ યોજના તૈયાર કરી છે. અમે છ મહિના સુધી પાણીનો સંગ્રહ કરીએ. એવામાં કુંભ ઉઠે ત્યારે એકસાથે છ મહિનાનું પાણી પી જાય. મારી વ્યથાનું તો હું શું કહું. અઠવાડિયા સુધી સળગ્યા હોય ને એનો કાળો કલર ન જાય. પાછી બળેલી વાસ આવે એ નોખી.

ભ્રષ્ટાચારની તમે વાત કરી. તમારી લંકામાં ભ્રષ્ટાચાર કેવો ?

અમારે ત્યાં બધા બગડેલ સિવાય કે નાનો વિભીષણ. આટલામાં સમજી જાવ તો સારું. લંકા જળ યોજનાની વાત કરી મેં તમને. એ મારા માટે હોવા છતાં હું 1000 કરોડની ધનરાશિ ખાઈ ગયો છું. મારું તો ડાબી બાજુનું ત્રીજું માથું પણ જમણી બાજુના ચોથા માથાને કહેતું હોય કે આજે લાડવા ખાવાની ઈચ્છા છે. મારી હારે મત પુરાવજે. બીજી વખતે તારે જે મનપસંદ વાનગી ખાવી હશે તેમાં હું તારો સાથ આપીશ. આ હદે અમારે ભ્રષ્ટાચાર વકરેલો છે. પણ એ તો લંકાનો ભ્રષ્ટાચાર છે. જે કળિયુગ કરતાં તો ઓછો છે અને છતાં મારા નામનો ભ્રષ્ટાચારી રાવણ બનાવીને સળગાવે છે. હું ક્યાં તમારા કળિયુગમાંથી એક હજાર કરોડની ધનરાશિ લઈને મારી લંકામાં વાપરું છું.

સળગતા વખતનો યાદગાર પ્રસંગ જેથી અમારા દર્શક મિત્રોને કંઈક નવું જાણવા મળે.

શું નવું જાણવા મળે ? આ કંઈ GPSCમાં પૂછાવાનું છે? GPSCથી યાદ આવ્યું. એક પણ પરીક્ષામાં મારા વિષય અંતર્ગત સવાલ નથી પૂછાતો. ઉપરથી કેટલાક છોકરાઓ તો બેરોજગારીનો રાવણ ફૂંકતા હોય છે. અરે કંઈ મારા કારણે તમે થોડા બેરોજગાર છો. હવે તમે રોચક પ્રસંગની વાત યાદ અપાવી તો કહી દઉં. થોડા વર્ષો પહેલા કોઈએ અમદાવાદમાં મારું દહન કર્યું હતું ને એમાં મારા શરીરની વચ્ચે ફટાકડો રાખી દીધો હતો. મને તો આ વાતની ખબર નહીં. મોટા મોટા સુતડી બોમ્બ. સળગાવ્યો અને ભડાભડી થઈ. ધોતિયા ઢીલા કરી નાખ્યા. આવતી દશેરા સુધી મલમપટ્ટી કરવી પડી હતી.

સળગ્યા પછી ખાસ કોઈ ઈજા પહોંચી હોય એવું

બસ એ આ અમદાવાદમાં સુતડી બોમ્બ રાખીને ફોડેલા પછી એક કાનમાં સંભળાતું બંધ થઈ ગયું છે. મારે તો શું સીધી લાઈન જ આવે આખેઆખી. અંદર સાવ ધાકુ પડી ગયું. વૈદ્યને કીધું પણ એણે કહ્યું કે હવે આજીવન આ પ્રોબ્લેમ રહેશે.

અમારા દર્શકોને કંઈ ખાસ સંદેશો

તમે મને સળગાવો છો, મને કંઈ વાંધો નથી, પણ પહેલાં તમારી અંદરના રાવણને સળગાવો પછી મને સળગાવવા આવજો.

અમારી સાથે વાત કરીને કેવું લાગ્યું ?

મજા આવી ગઈ. દુખ એ વાતનું કે તમારી જગ્યાએ ગોવા બાપા ઈન્ટરવ્યૂ લેવા આવ્યા હોત તો વધારે મજા આવેત. મારે એકાદ વખત એમને મળવા તો આવવું જ છે.

( હાસ્ય-વ્યંગમાં કંઈક હટકે વાંચવા માટે જોડાયેલા રહો ચાબુક સાથે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments