Homeવિશેષહસાવતા અને બંધ મગજને ખોલી નાખતા ઓશોના મુલ્લા નસીરૂદ્દીન જોક્સ

હસાવતા અને બંધ મગજને ખોલી નાખતા ઓશોના મુલ્લા નસીરૂદ્દીન જોક્સ

1) મુલ્લા નસરૂદ્દીન જુવાન હતો. એક ચિત્રનું પ્રદર્શન ભરાયું ત્યાં ગયો. પત્ની સાથે હતી. નવાં નવાં પરણેલા હતાં અને ઠેક ઠેકાણે ફરતાં હતાં. પ્રદર્શનમાં ઘણા કિંમતી ચિત્રો હતા. એવામાં એક ચિત્ર પાસે નસીરૂદ્દીન આવીને ઊભો રહી ગયો. હટવાનું નામ જ નહોતો લેતો. તેની પત્નીએ તેની પાસે આવી અને જોયું તો એ એક અર્ધનગ્ન સ્ત્રી હતી. જેના શરીરનાં ન જોવા ગમે અને બધા સામે બોલી પણ ન શકો એવા અંગો પર બે-ચાર પાંદડા લટકતા હતા. નસીરૂદ્દીન તો મંત્રમુગ્ધ થઈ ગયો. ત્યાંથી ખસવાનું નામ જ ન લે. નીચે જોયું. ચિત્રનું નામ હતું વસંત. આખરે પત્નીએ ગુસ્સે થતાં કહ્યું, ‘હવે ખસો છો કે પાનખરની પ્રતીક્ષા કરો છો?’

ઓશો કહે છે : આવું જ માણસનું મન છે. પત્ની બરાબર ઓળખી ગઈ. પત્નીઓ ઘણું કરીને બરાબર પતિઓને ઓળખી જાય છે.

2) મુલ્લા નસીરૂદ્દીનને ભૂલી જવાની બીમારી હતી. યાદ કરેલી કોઈ વાત ભૂલાય નહીં આ માટે કપડાંમાં ગાંઠ બાંધી અને કામ પર નીકળી ગયા. સાંજે આવ્યા. કપડાં બદલતા હતાં ત્યાં ગાંઠ દેખાઈ. પછી યાદ કરવા લાગ્યા કે મેં ગાંઠ શું કામે બાંધી હતી ? ખૂબ ભેજુ દોડાવ્યું પણ યાદ ન આવ્યું. પત્નીને આ વાત જણાવી તો તેણે કહ્યું, ‘તમે ઊંઘી જાઓ યાદ આવી જશે.’

પણ મુલ્લા કોઈ વાતે માનવા તૈયાર નહોતા. તેમણે પત્નીને કહ્યું, ‘જ્યાં સુધી વાત યાદ ન આવે ત્યાં સુધી હું ઉંઘીશ નહીં.’ આખરે અડધી રાતના બે વાગ્યે યાદ આવ્યું કે વહેલા ઉંઘી જવા માટે એમણે ગાંઠ બાંધી હતી.

ઓશો કહે છે : આવું જ મહત્વાકાંક્ષી લોકો સાથે બને છે. તેઓ એટલી બધી ઈચ્છાઓ એકઠી કરે છે, કે તેઓ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં તો ભૂલી પણ ગયા હોય છે કે તેઓ શું મેળવવા માગતા હતા.

3) વૃદ્ધાઅવસ્થામાં મુલ્લા નસીરુદ્દીન મેજીસ્ટ્રેટ બની ગયા. તેમની પાસે એક કેસ આવ્યો. તેમણે એક વકિલની દલીલ સાંભળી ને પછી ચૂકાદો લખવા માંડ્યા. એટલામાં કલાર્ક ઊભો થઈ કહેવા લાગ્યો, ‘સાહેબ તમે બીજા વકિલને તો સાંભળો. પછી ચૂકાદો આપજો.’

નસીરુદ્દીન કહે, ‘હું બીજાને સાંભળીશ તો મગજમાં ગુંચવાડો થશે. અત્યારે મારું મન સ્પષ્ટ છે. મને ચૂકાદો લખી લેવા દે.’

ઓશો કહે છે : આપણે કોઈને પણ સાંભળવા નથી ઈચ્છતા કે ક્યાંક કન્ફ્યુઝન ન થઈ જાય.

4) મુલ્લાએ એક દિવસ પોતાની પત્નીને ફોન કર્યો. ફોન પર કહ્યું કે, આપણો પાડોશી અહેમદ તેના મિત્ર રહેમાનની પત્નીને લઈ ભાગી ગયો. બંનેનાં બાળકો સડક પર ભીખ માગે છે. આ સિવાય મુલ્લાએ એટલી બધી વાતો કહી કે પત્ની ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડી.

તેનું રડવું શાંત થયું પછી તેણે મુલ્લાને પૂછ્યું, ‘નસીરુદ્દીન થોડુ વિસ્તારથી કહો તો ખ્યાલ આવે.’

મુલ્લા બોલ્યા, ‘વિસ્તારમાં ના લઈ જા. જેટલું મેં સાંભળ્યું તેનાથી ત્રણ ગણું તો મેં તને કહી દીધું છે. હવે વધારે વિસ્તાર કરવાનું મને ના કહે.’

ઓશો કહે છે : જ્યારે કોઈનો દોષ આપણને દેખાય જાય ત્યારે તત્કાલ આપણે તેને મોટો કરી નાખીએ છીએ.

5) મુલ્લા નસીરૂદ્દીન હાથમાં મોટો કાગળ લઈ શરાબખાનામાં ગયા. ઘોષણા કરવા માંડ્યા. ઘોષણામાં કહ્યું કે, ‘આ કાગળમાં એ વ્યક્તિઓનાં નામ છે જેને હું મારી શકું છું.’

લગભગ સો જેટલા નામ હતા. એક માણસ ઊભો થયો. તે કદમાં નાનો હતો. મુલ્લાને મારી ન શકે, પણ તેની પાસે એક પેટી હતી. એ પેટીમાં બે પિસ્તોલ હતી. એ મુલ્લા પાસે ગયો અને બોલ્યો, ‘આ સૂચિમાં મારું નામ છે?’

મુલ્લા કહે, ‘હા.’

પેલો કહે, ‘તું મને ન મારી શકે.’

મુલ્લા કહે, ‘કેમ?’

‘કેમ કે મારી પાસે પિસ્તોલ છે.’

મુલ્લા કહે, ‘તો ઠીક છે. આ લ્યો તમારું નામ કાઢી નાખ્યું.’

ઓશો કહે છે : તમે દેખાડો કરી શકો છો કે તમે શક્તિશાળી છો. પણ જ્યારે સામનો કરો ત્યારે સાચી ખબર પડે કે તમે કેટલા સબળ છો કે દુર્બળ છો.

6) નસરૂદ્દીનનો છોકરો બીમાર પડ્યો. ડોક્ટરને નવ વખત ઘરે ધક્કો ખાવો પડ્યો. બીલ મોટું આવ્યું. નસીરૂદ્દીને કહ્યું, ‘તમારે આટલું બધુ બીલ ન લેવાય.’

ડોક્ટર કહે, ‘કેમ?’

નસીરુદ્દીન કહે, ‘મારો છોકરો બીમાર પડ્યો અને તેણે આખા ગામમાં ચેપ ફેલાવ્યો એટલે તમારો ધંધો ચાલ્યો. ખરેખર તો તમારે પૈસા લેવાની જગ્યાએ અમારો આભાર માનવો રહ્યો.’

ઓશો કહે છે : જ્યારે એક માણસ દુખી હોય ત્યારે તે બધાને ચેપ ફેલાવી શકે છે. જે રીતે સુખ પ્રસરે છે તે રીતે દુખ પણ પ્રસરે છે.

7) મુલ્લા નસીરૂદ્દીન એક સ્ત્રીના પ્રેમમાં પડ્યા. ઘરે આવીને વાત કહી. મુલ્લાના પપ્પાએ ગુસ્સામાં કહ્યું, ‘હું નહીં ચલાવી લઉં. છોકરીના કુટુંબીજનોએ તેના માટે એક રૂપિયો પણ બચાવીને નથી રાખ્યો. તને તેના કરતાં સારી છોકરી મળી જશે. સારું દહેજ મળશે. એટલે આવી મુર્ખામી ન કરે.’

નસીરુદ્દીનની માતાએ કહ્યું, ‘એ છોકરી ? અમે ક્યારેય કલ્પના જ નહોતી કરી કે તું આટલો મૂર્ખ હોઈશ. ઊટપટાંગ નવલકથાઓ વાંચતા સિવાય તેને આવડે છે શું ? એ કોઈ કામની નથી. ઘરની સફાઈ પણ નહીં કરી શકે.’

બધાએ પોત પોતાનો અભિપ્રાય આપ્યો. નાના ભાઈએ કહ્યું, ‘હું તો તેના નાકના કારણે સહમત થતો નથી. તેનું નાક એકદમ બેડોળ છે.’

છેલ્લે નસીરૂદ્દીને બધાનો અભિપ્રાય સાંભળ્યા પછી કહ્યું, ‘આ છોકરી પાસે એક એવી વસ્તુ છે જે આપણી પાસે નથી.’

બધા એકસાથે બોલ્યા, ‘શું?’

મુલ્લાએ કહ્યું, ‘તેની પાસે પરિવાર નથી.’

ઓશો કહે છે : જો તમે પ્રેમમાં પડો તો દરેક વ્યક્તિની અપેક્ષા તમારી સાથે જોડાયેલી હોય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments