Homeતાપણુંદિગ્ગજ નેતા ચૌધરી અજિત સિંહનું કોરોનાથી નિધન

દિગ્ગજ નેતા ચૌધરી અજિત સિંહનું કોરોનાથી નિધન

Team Chabuk-Political Desk: કોરોનાથી ઘણા નામી-અનામી હસ્તીઓ પણ વિદાય લઈ રહી છે. ત્યારે ગુરુવારે સવારે રાષ્ટ્રીય કક્ષાના એક મોટા નેતાનું કોરોનાથી નિધન થયું છે. રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)ના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી અજિત સિંહનું કોરોનાના કારણે નિધન થયું છે. ચૌધરી અજિત સિંહ દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહના પુત્ર હતા. કોરોના સંક્રમિત 86 વર્ષના અજિત સિંહની તબિયત મંગળવારે રાતે વધુ બગડતાં ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

20 એપ્રિલના રોજ ચૌધરી અજિત સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાથી સંક્રમિત થયા બાદ ચૌધરી અજિત સિંહની તબિયત દિવસે દિવસે બગડી રહી હતી. તેઓને ફેફસામાં સંક્રમણ પહોંચી જતાં તબિયત વધુ બગડી હતી. ત્યારબાદ તેઓને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. છેલ્લા બે દિવસથી તેઓ વેન્ટીલેટર સપોર્ટ પર હતાં. આજે અંતે તેઓ કોરોના સામે હારી ગયા અને અંતિમ શ્વાસ લીધા હતા.

પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહના પુત્ર ચૌધરી અજિત સિંહ બાગપતથી 7 વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા અને તેઓ કેન્દ્રમાં નાગરિક ઉડ્ડયન મંત્રી પણ રહી ચુક્યા છે. 86 વર્ષની ઉંમરે તેમનું નિધન થતાં બાગપત સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ચૌધરી અજિત સિંહની ગણતરી જાટ સમુદાયના મોટા ખેડૂત નેતામાં થતી હતી.

રાજકીય સફર

ચૌધરી અજિત સિંહે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત 1986થી કરી હતી. તે સમયે પૂર્વ વડાપ્રધાન અને તેમના પિતા ચૌધરી ચરણ સિંહ બીમાર હતા. અજિત સિંહને 1986માં રાજ્યસભામાં મોકલવામાં આવ્યા. ત્યારબાદ 1987 થી 1988 સુધી તેઓ લોકદળ (એ) અને જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે પણ રહ્યા. 1989માં પોતાની પાર્ટીનો જનતા દળમાં વિલય કરી દીધો અને ત્યારબાદ તેઓ તેના મહાસચિવ બની ગયા.

1989માં અજિત સિંહ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી જીત્યા. વી.પી.સિંહની સરકારમાં તેઓને કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગના કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા. ત્યારબાદ તેઓ 1991માં ફરીથી બાગપતથી ચૂંટણી લડ્યા અને જીત્યા. આ વખતે નરસિમ્હારાવની સરકાર હતી. તેમાં પણ તેઓને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા. 1996માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર લડીને ત્રીજી વખત લોકસભાની ચૂંટણી જીત્યા, પરંતુ તેઓએ કોંગ્રેસ અને પોતાની બેઠક પરથી રાજીનામું ધરી દીધું.

1997માં તેઓએ પોતાના પક્ષ રાષ્ટ્રીય લોકદળની સ્થાપના કરી. 1997માં ફરીથી તેઓ બાગપતથી લોકસભાની પેટાચૂંટણી જીત્યા. 1998ની લોકસભા ચૂંટણીમાં તેઓ હારી ગયા. પરંતુ 1999માં ચૂંટણીમાં ફરીથી તેઓ જીતીને લોકસભા પહોંચ્યા. 2001 થી 2003 સુધી તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેન્દ્રમાં કૃષિ મંત્રી તરીકે રહ્યા. 2011માં તેઓ યુપીએ સરકારમાં ભળી ગયા. મનમોહનસિંહની સરકારમાં પણ તેઓ કેન્દ્રમાં મંત્રી તરીકે રહ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં તેઓ મુજફ્ફરનગર બેઠકથી ચૂંટણી લડ્યા પરંતુ મોદી લહેરમાં તેઓ હારી ગયા. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ તેઓ મુજફ્ફરનગરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા પરંતુ આ વખતે પણ તેઓ ભાજપના ઉમેદવાર સંજીવ બલિયાન સામે હારી ગયા. જો કે ખેડૂત આંદોલનથી તેમની પાર્ટીને ખૂબ મોટો ફાયદો થયો. ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં થયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અજિત સિંહની પાર્ટી રાષ્ટ્રીય લોકદળે સારો દેખાવ કર્યો.

અભ્યાસ

ચૌધરી અજિત સિંહે ઉચ્ચ અભ્યાસ પણ કરેલો હતો. તેઓએ લખનઉ યુનિવર્સિટીમાંથી બી.એસસીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે બી.ટેકનો અભ્યાસ આઈઆઈટી ખડગપુરમાં કર્યો હતો. એમ.એસની ડિગ્રી તેઓએ અમેરિકાની એક નામાંકિત કોલેજમાથી મેળવી હતી.

પરિવાર

ચૌધરી અજિત સિંહ દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહના પુત્ર હતા. ચૌધરી અજિત સિંહના પરિવારમાં પત્ની, એક પુત્ર અને બે પુત્રીનો સમાવેશ થાય છે. ચૌધરી અજિત સિંહના પુત્ર ચૌધરી જયંત સિંહ પણ રાજકારણમાં સક્રિય છે. તેઓ રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. 2009માં તેઓ મથુરા બેઠક પરથી લોકસભા ચૂંટણી પણ જીત્યા હતા.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments