Team Chabuk-Gujarat Desk:
કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો
અડગમનના મુસાફરને હિમાલય પણ નથી નડતો
આ પંક્તિને ખૂબ સારી રીતે સાર્થક કરી બતાવી છે, સૂરતની દિવ્યાંગ દીકરી અન્વી ઝાંઝરૂકિયાએ. શારીરિક અક્ષમતા હોવા છતાં સતત મહેનત અને કોઠાસૂઝથી અન્વીએ યોગાસનમાં આગવી ઓળખ ઉભી કરી રબર ગર્લના નામે વિખ્યાત બની છે. અન્વીની સિદ્ધિની નોંધ માત્ર સુરત કે ગુજરાતમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય લેવલે લેવાઈ છે. તાજેતરમાં અન્વી વિજયભાઈ ઝાંઝરૂકિયાને ‘રાષ્ટ્રીય બાલિકા દિન’ નિમિત્તે વડાપ્રધાને વર્ચ્યુઅલી ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-૨૦૨૨’ એનાયત કરી સન્માન કર્યું હતું.
અન્વી અન્ય દિવ્યાંગો માટે રોલમોડેલ
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી અન્વી ધીમી શીખનાર- સ્લો લર્નિંગ બાળા છે. તે જન્મજાત અનેક પ્રકારની શારીરિક અને માનસિક બિમારીથી ઝઝૂમી રહી છે. જન્મજાત હૃદયની ખામી હોવાથી તેની ઓપન હાર્ટ સર્જરી થઈ ચૂકી છે, અને હાલમાં તેને માઈટ્રોટ વાલ્વ લિકેજ છે. આવી અનેક સમસ્યાઓ છતાં પણ મક્કમ મનોબળ અને સખત પરિશ્રમ થકી યોગમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલો જીત્યા છે. તેણે છેલ્લા ત્રણ વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરની યોગ સ્પર્ધાઓમાં ૩ સુવર્ણ ચંદ્રકો અને ૨ કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. તેણે કુલ ૪૨ યોગ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, જેમાં ૫૧ જેટલા મેડલો મેળવ્યા છે.

અન્વી એવા દિવ્યાંગો માટે રોલમોડેલ છે, જેઓ થોડી મહેનતથી સામાન્ય જીવન જીવી શકે છે. રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-૨૦૨૨ વિજેતા અન્વી ઝાંઝરૂકિયાએ સુરત અને ગુજરાતનું રાષ્ટ્રીય ફલક પર ગૌરવ વધાર્યું છે અને તમામ ક્ષેત્રના શુભેચ્છકો દ્વારા તેના પર અભિનંદન વર્ષા થઈ રહી છે.
અન્વીના માતા-પિતાએ ખુશી વ્યક્ત કરી
દીકરી અન્વીને પુરસ્કાર મળ્યાની ખુશી વ્યક્ત કરતા પિતા વિજયભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારથી તે અનેક પ્રકારની શારીરિક અને માનસિક બિમારીથી ઝઝૂમી રહી છે. જન્મજાત હૃદયની ખામી હોવાથી તેની ઓપન હાર્ટ સર્જરી થઈ ચૂકી છે, અને હાલમાં તેને માઈટ્રોટ વાલ્વ લિકેજ છે. ૨૧ ટ્રાઈસોમી અને હાર્શ સ્પ્રિંગ ડિસીઝના કારણે મોટા આંતરડામાં ક્ષતિ છે, તે ૭૫ % બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવે છે અને બોલવામાં પણ સમસ્યા અનુભવે છે છતા પણ યોગના પરિણામે આ સિદ્ધિ હાંસલ કરી હોવાનું જણાવે છે.

દીકરી અન્વીની આ સિધ્ધિ માટે અથાગ પરિશ્રમ કરનારા તેમના માતા શ્રીમતી અવનીબેન ઝાંઝરૂકિયાએ જણાવ્યું હતું કે, દીકરીને એવોર્ડ મળ્યો એ બદલ અપાર ખુશી થઈ છે. અન્વીને અનેક શારીરિક-માનસિક સમસ્યાઓ હોવા છતાં હિંમત હાર્યા વિના પરિશ્રમ, ધીરજથી તેનો ઉછેર કર્યો છે. તે શરૂઆતમાં પોતાના રોજિંદા કામ-કાજ જાતે કરી શકતી ન હતી. દીકરી અન્વીને યોગ કરવાની પ્રેરણા કયાંથી મળી તે વિશે તેમણે કહ્યું કે, જ્યારે તે ૧૦ વર્ષની હતી ત્યારે માથા પર પગ ચડાવીને સૂતી હતી, આવી યોગાસન જેવી મુદ્રા જોઈને મને એ સમયે તેને યોગક્ષેત્રે મોકલવાનો વિચાર આવ્યો અને તેની સ્કુલના યોગ શિક્ષક નમ્રતાબેનને મળીને યોગ શીખવવાની શરૂઆત કરી હતી.
અવનીબેન વધુમાં જણાવે છે કે, લોકો શું વિચારે છે તે જોવાને બદલે બાળકને જે ક્ષેત્રમાં જવાની ઈચ્છા હોય તે ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. આમ યોગ શિક્ષક, માતા-પિતાની અથાગ મહેનતના પરિણામે દિવ્યાંગ દીકરીએ સિદ્ધિના શિખરો સર કર્યા છે.

અન્વીએ મેળવેલા અન્ય એવોર્ડ
અન્વીએ અનેક શારિરીક સમસ્યાઓ અને મર્યાદાઓ છતાં પણ મક્કમ મનોબળ અને સખત પરિશ્રમ થકી યોગમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલો જીત્યા છે. તેણે છેલ્લા ત્રણ વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરની યોગ સ્પર્ધાઓમાં ૩ સુવર્ણ ચંદ્રકો અને ૨ કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. તેણે કુલ ૪૨ યોગ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, જેમાં ૫૧ જેટલા મેડલો મેળવ્યા છે.
રાષ્ટ્રપતિના હસ્તે પણ થયું છે સન્માન
૧૩ વર્ષની અન્વી ઝાંઝરૂકિયાને યોગાસનમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ ૩ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ‘ક્રિએટિવ ચાઈલ્ડ વિથ ડિસેબિલીટી કેટેગરી’માં નેશનલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે કેટલી અરજી આવી હતી?
કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રાલયને દેશભરમાંથી બાલ પુરસ્કાર માટે ૬૦૦ બાળકો તરફથી અરજીઓ મળી હતી. જેમાં વર્ષ-૨૦૨૨ માટે ૨૯ બાળકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની એકમાત્ર અને એ પણ સુરતની દિવ્યાંગ દીકરીએ એવોર્ડ મેળવીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. પ્રધાનમંત્રીના હસ્તે દીકરીને ‘બ્લોક ચેઈન ટેકનોલોજી’ દ્વારા એવોર્ડ તથા રૂ.એક લાખનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય બાળ પુરસ્કાર કોને મળે છે?
રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પાંચથી અઢાર વર્ષની વયના બાળકોને ખેલ, સમાજ સેવા, શિક્ષણ, કલા સંસ્કૃતિ, વિરતા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર બાળકોને આપવામાં આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત