Homeવિશેષઆ દેશમાં સામાન્ય માણસ માટે જ લાઈનો બનાવવામાં આવી છે

આ દેશમાં સામાન્ય માણસ માટે જ લાઈનો બનાવવામાં આવી છે

રૂપલ મહેતા: અમે મધ્ય-પ્રદેશ પ્રવાસમાં ગયેલા. ત્યાં ઉજ્જૈનમાં ‘મહાકાલેશ્વર’નું જ્યોર્તિલિંગ આવેલું છે. ત્યાં અમે દર્શન કરવા ગયેલા. કલાક લાઈનમાં ઉભા રહ્યાં પછી અમારો દર્શન કરવાનો વારો આવ્યો. પણ અમારે શિવલિંગથી દસ-બાર ફૂટ દુર રહી દર્શન કરવા પડ્યા. ત્યાંનાં અમલદારો સાથે અમે ઘણું ઝઘડ્યા પણ નજીકથી દર્શન કરવા ન મળ્યા. (આટલું કષ્ટ વેઠ્યા બાદ પણ શિવલિંગના દર્શન કરવા ના મળ્યા!) છેલ્લે અમારા ગ્રૂપમાંથી માત્ર એક વ્યક્તિને દર્શન કરવાની તક મળી.

એ અમારું મીની-આંદોલન બંધ કરવાનું મહેનતાણું હતું! એક સામાન્ય માણસ માટે ‘ઈશ્વર’ કેટલો દુર હોય છે, એ તે દિવસે ખબર પડી. એવું લાગે છે આ દેશમાં સામાન્ય માણસ માટે જ લાઈનો બનાવવામાં આવી છે. ત્યાં ઉભેલા ભાઈએ એવું કહ્યું. અમે શું કરીએ? ઉપર ફરિયાદ કરો. આ ઉપર એટલે ક્યાં ઉપર? સમજી જજો યાર… અધિકારીઓ પૈસા લઇ પૈસાદાર માણસોને અને વગવાળી વ્યક્તિઓને કોઈ પણ જાતની લાઈન વિના દર્શન કરાવી રહ્યા હતા. જે લોકો કલાકોથી લાઈનમાં હતા એ બહાર અને જેઓ વી.આઈ.પી હતા તેઓ અંદર! શોલેના ગબ્બરસિંહની જેમ ડાયલોગ મારવાનું મન થઇ આવે, “बहोत ना-इन्साफी हे” પણ ખરેખર તે દિવસથી નક્કી કર્યું કોઈ પણ મોટા મંદિરે દર્શન કરવા જવું નહિ. એના કરતા આપણી અંદર રહેલ ઈશ્વર સારા. લાઈનમાં તો ઉભા ના રાખે. એ મંદિર ભારતના ૧૨ જ્યોતિર્લિંગમાનું એક મંદિર છે. એવું માનવામાં આવે છે કે એ સર્વશક્તિમાન ‘શિવ’નો વાસ એમાં હોય છે.

‘શિવ-મહાપૂરાણ’માં એની પૂરી વાર્તા છે. અને આપણા ગૂગલ-ગુરુ પાસે પણ છે. વાંચજો. અરે યાર જ્ઞાન સાથે ગમ્મત! ok મૂળ વાત પર આવીએ. જેમાં શિવનો વાસ હોય એ ઘર સૌને જોવું જ હોય ને! નાનપણથી જે ઈશ્વરની વાત સાંભળતા આવ્યાં હોય એનું ઘર જોવાની કુતુહુલતા તો હોવાની જ ! પણ અફસોસ અમે એ ઘર નજીકથી ના જોઈ શક્યા. અને એનાથી પણ વધુ દુ:ખ અમારી સાથે થયેલા ભેદભાવનું છે.
 
મંદિર હિંદુ ધર્મમાં અતિ પવિત્ર ધર્મસ્થળ ગણાય છે. તમામ લોકો જે ઈશ્વરમાં માને છે, તેઓની શ્રદ્ધા આ સ્થળ સાથે સંકળાયેલી હોય છે. અને આ સ્થળોએ પણ જો આવો ભેદભાવ અને વીઆઈપી કલ્ચર જોવા મળે તો લોકોનો એ સ્થળ પરથી વિશ્વાસ ઉઠી જાય. અત્યારે દેશમાં દરેક ધર્મસ્થાનોમાં આ પરિસ્થિતિ જોવા મળે છે. ખાસ કરીને જે ધર્મસ્થાનો અતિ પ્રસિદ્ધ હોય તે સ્થળોએ આવું ખાસ જોવા મળે છે. જાણે એવું લાગે ઈશ્વર પણ લોકોનો હોદો, પૈસો જોઇને દર્શન આપતા હશે. એના દરબારમાં બધા સરખા એવું આપણે હમેંશા સાંભળતા આવીએ છીએ, પણ ખરેખર એવું જોવા મળતું નથી. ખાસ કરીને કોઈ મોટા નેતા કે સેલેબ્રિટી દર્શને આવે ત્યારે પ્રોટોકોલના નામે સામાન્ય માણસોને હાલાકી ભોગવવી પડે છે. જાણે એ લોકોને જ દર્શન કરવાનો અધિકાર હોય એવું લાગે છે! ભગવાન માત્ર તે લોકો માટે જ ધર્મસ્થાનોમાં બેઠા હોય એવું લાગતું રહે છે.

એક તો ઈશ્વરનો કોન્સેપ્ટ જ આપણા સૌના મગજમાં અધુરો છે ને એમાં વળી આપણે એવું અનુભવીએ એટલે એ કોન્સેપ્ટ વધુ અસ્પષ્ટ બની રહે છે. જેની પાસે કોઈ વગ ના હોય એને લાઈનમાં ઉભા રહેવા છતાં દર્શન કરવાનો અધિકાર મળતો નથી. આ તો કેવું વીઆઈપી કલ્ચર કે માત્ર થોડા લોકોના લીધે મોટા વર્ગને નુકસાન ભોગવવાનું. જાણે સામાન્ય માણસોના સમય, હોદાનું કંઈ મહત્વ જ ના હોય એવું લાગે છે. શું ઈશ્વર પણ આ બધું જોઇને જવાબ આપતો હશે. કે પછી એના ચોપડામાં પણ કોઈ વીઆઈપી લીસ્ટ હશે. આપણા દેશમાં દરેક સ્થળે આ પરિસ્થતિ જોવા મળે છે. જેની પાસે પૈસો અને વગ હોય એ હંમેશાં આવા વધારાના લાભો મેળવતા રહે છે. તમે જ વિચારજો કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ કોઈ વચ્ચેથી આગળ જતું રહે તો આપણી સૌની શું હાલત થાય? સ્કૂલ, કોલેજના એડમિશનનાં ફોર્મ ભરવાના હોય કે કોઈ અન્ય જગ્યાની લાઈન હોય આવા વીઆઈપી લોકોનો ત્રાસ હંમેશાં સામાન્ય માણસોને સતાવતો રહે છે. અને આપણે ગુસ્સો સિવાય કશું કરી શકતા નથી.


જે મંદિરોનું મહત્વ વિશેષ છે, એવા ધર્મસ્થાનોમાં લોકો સૌથી વધુ શ્રદ્ધા સાથે દર્શન કરવા આવતા હોય છે. ઘણા લોકોનું નાનપણનું સપનું હોય છે, આવા સ્થળોની મુલાકાત લેવાની અને લોકો કેટલી અપેક્ષા સાથે આવા સ્થળોની મુલાકાતે આવતા હોય છે. અને કોઈ વીઆઈપી ને લીધે તેઓને દર્શન કરવા ના મળે તો શું થાય કદી તમને પણ આવો અનુભવ જરૂર થશે. હકીકત તો એ છે કે જે ધર્મસ્થળો પર લોકોને આટલો વિશ્વાસ હોય, ત્યાંથી એને એવું ફિલ થવું જોઈએ કે અહીં તો બધા એકસરખા જ ગણાય છે. એને બદલે અહીં પણ તેને અસમાનતાનો અનુભવ થાય છે. જે ઈશ્વરને એ સર્વસ્વ માને છે, એની પાસેથી જ્યારે આવી ઉપેક્ષા મળે તે કોના પર વિશ્વાસ રાખે.

મહાભારતમાં એક પ્રસંગ છે, જ્યારે કૃષ્ણ ભગવાન યુદ્ધ ના થાય એની સંધી માટે આવે છે, ત્યારે દુર્યોધનના મહેલમાં રહેવાને બદલે વિદુરના ઘરે રહે છે. આ પ્રસંગ વાંચતી કે જોતી વખતે આપણે એવું માનીએ છીએ કે ઈશ્વર તો ભાવનો ભૂખ્યો હોય છે, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળે છે. અત્યારના ધર્મસ્થાનોમાં ભગવાન જાણે ભોગ અને પૈસાને આધારે જ દર્શન આપતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. ઘણા ધર્મસ્થાનોમાં તો આવી રીતે દર્શન કરાવવા ખાસ માણસો કામ કરતા હોય છે, જે કમીશન લઇ દર્શન કરાવતા હોય છે.

હવે વિચારો આ સ્થળ અને ધંધાના સ્થળમાં ફેર શું રહી ગયો? જયારે ઘણા ધાર્મિક સ્થળોએ વીઆઈપી દર્શનની અલગ લાઈનો જોવા મળે છે. એ લાઈનમાં ઉભા રહેલા લોકોને સૌથી પહેલા દર્શન કરવા મળે છે. તો જે લોકો કલાકો સુધી એક અખૂટ શ્રદ્ધાથી લાઈનમાં ઉભા રહે કે ઈશ્વર ક્યારે જોવા મળે…? એનું શું?

આપણા ધાર્મિક સ્થાનોએ તમને એક મેનુ પણ જોવા મળશે. જેમાં જુદા-જુદા પ્રસાદ માટે અને પૂજા કે કર્મકાંડના ભાવો લખેલા હોય છે. જેઓ એ મેનુમાંથી કોઈ આઈટમ પસંદ કરે છે, તેઓને વીઆઈપી સવલતો મળે છે. ઘણા મંદિરોમાં એટલી ભીડ હોય છે કે લોકોને માંડ માંડ દર્શન કરવા મળતા હોય છે અને એમાં કોઈ લાઈન તોડી આગળ જતું રહે, ત્યારે થાય આના કરતા કોઈ ધાર્મિક ચેનલ પર દર્શન કરી લેવા સારા.

જે લોકો પાસે માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ છે, એને શું કરવાનું? થોડી વાર ઝઘડી પછી હતા ત્યાં ને ત્યાં. હકીકત તો એ છે કે જેટલો હક વીઆઈપી લોકોને દર્શનનો હોય છે, એટલો સામાન્ય માણસોને પણ છે અને એ હક તેઓને મળવો જોઈએ. દરેક ધાર્મિક સ્થળોએ એક જ લાઈન હોવી જોઈએ. કોઈ વ્યક્તિ ગમે તેટલી વગ ધરાવતી હોય કે ધનવાન હોય દરેક માટે એક જ લાઈન હોવી જોઈએ. અને દરેક માટે એ લાઈનમાં ઉભું રહેવું ફરજીયાત હોવું જોઈએ. જો ખરેખર ઈશ્વર માત્ર હૃદયનું જ સાંભળે છે, તો આ ઉત્તમ વ્યવસ્થા છે. અને જો એ પણ વગ જોઈ કે પૈસો જોઈ દર્શન આપે છે, તો એ આપણાથી અલગ નથી અને એ ભગવાન કે અલ્લાહ કે ઈશુ કે કોઈ અન્ય પંથના ઈશ્વર નથી. કેમ ખરું ને? કોઈ સજેશન હોય આ વ્યવસ્થા સુધારવા તો જરૂર કહેજો. અને આપણે પણ એકવાત યાદ રાખીએ, ઈશ્વર કદી કોઈનો સ્ટેટસ કે પૈસો જોઇને દર્શન નથી આપતો, એવી શ્રદ્ધા રાખીએ અને આનો વિરોધ કરીએ. જરૂર નથી આવી બાબતોમાં પણ બીજાને અનુસરવું જ પડે. કોઈ ગરીબ કે જરૂરિયાતમંદને મદદ કરજો એની ‘હોટલાઈન’ તમારા માટે કાયમ માટે ખુલી જશે.  અને એ જ ઈશ્વર સુધી પહોચવાની વીઆઈપી લાઈન બની રહેશે. જે લોકો વીઆઈપીની યાદીમાં આવે છે, તેઓ ખાસ યાદ રાખે, તેઓ ઈશ્વરના દરબારમાં ક્યારેય વીઆઈપી નથી બનવાના!

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments