ઝાલાવાડી જલજીરા: ‘હું જે કંઈ છું એ ધીમે ધીમે ઘટતું જઈ રહ્યું છું.’ આ વિધાન ચર્ચિત સુપરસ્ટાર શાહરૂખ ખાનનું છે. હમણાં જ હરભજનસિંહે નિવૃત્તિ વેળાએ કહ્યું કે તમામ સારી વસ્તુઓ સમાપ્ત થઈ જાય છે. સલમાન ખાન તેની ધડમાથા વગરની ફિલ્મોના કારણે વગોવાયેલો છે. તેની પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ બંને નાશ પામી રહી હતી. વર્ષોથી તેણે એક પણ હિટ નહોતી આપી. તોપણ કેટરિના સાથેના તેના સંબંધને લઈ તે અખબારોમાં રહ્યો. 2009માં તેલુગુ ફિલ્મ પોક્કીરીની રિમેક કર્યાં બાદ તેને સિનેમામાં મીડાસટચ માનવામાં આવવા લાગ્યો.
એ રિમેક ફિલ્મો કરતો રહ્યો. સલમાન ખાનની કારકિર્દીમાં દિગ્દર્શકે પોતે સર્જન કર્યું હોય અને સલમાને તેને ખભા પર ઉઠાવી હિટ કરી દીધી હોય તેવી જૂજ જ ફિલ્મો બોલી રહી છે. જે હિટ છે તેમાં સલમાન ખાન સિવાયના અભિનેતાઓનો પણ એટલો જ ફાળો રહ્યો છે. જેમ કે અંદાજ અપના અપનામાં સલમાન જેટલો પસંદ આવે છે એટલો જ આમિર ખાન તેની અભિનય પ્રતિભા અને કોમિક ટાઈમિંગથી આંખો આંઝી નાખે છે. ધીરે ધીરે ઘાસ ચરવા ગયેલી આપણી બુદ્ધિ જ્યારે પરત આવે છે ત્યારે ખબર પડે છે કે પરેશ રાવલ બનતો તેજા, રોબર્ટ, ભલ્લા, ક્રાઈમ માસ્ટર ગોગોનો પણ ફિલ્મને હિટ કરવામાં સલમાન અને આમિર જેટલો જ ફાળો છે. પરેશ રાવલજીની કોમેડીથી સભર અભિનય પ્રતિભાનો તો ખાસ.
એક સમયે સલમાન ખાનને પણ એવું લાગ્યું હશે કે સિનેમામાં બસ ખાન્સ જ છે. એમનું વર્ચસ્વ કોઈ દિવસ પૂર્ણ નહીં થાય. સલમાનની અકબંધ રહેલી લોકપ્રિયતાની આડે સોશિયલ મીડિયા ‘વિલન’ બનીને ઉભરી આવ્યું. સલમાન ઉપર ખાસ્સા મીમ્સ બન્યા, બને છે, બનતા રહેવાના છે. તેની દરેક ફિલ્મને કાળિયાર અને અકસ્માતની સાથે જોડીને, મજાક બનાવીને જોવામાં આવી. તેનું ઉંમરની સાથે હાવભાવ ન આપી રહેલું જડબું પણ તેની કારકિર્દીને આડે આવી ગયું છે.
બાકી હતા ડાન્સ સ્ટેપ, પણ અલ્લુ અર્જુનના સીટ્ટી માર ગીતની પણ રિમેક અને ફિલ્મ રાધે તો રિમેક હતી જ, કર્યાં પછી તો સલમાનની કારકિર્દી ઉપર રીતસરનું ગ્રહણ લાગી ગયું. શાહરૂખ અને આમિર પહેલા જેટલા સક્રિય નથી. સૈફ પોતાની અલગ ઈમેજ ઉભી કરી, વધુ બે પુત્રોનો પિતા બની, ક્યારે ત્રણે ખાન્સ કરતા આગળ નીકળી ગયો ખબર ન રહી. આ ત્રણ વચ્ચે સલમાનની ફિલ્મ ન્યૂટનના સિદ્ધાંતના ધજાગરા ઉડાવવા બનતી રહી છે. અંતિમ પણ મરાઠી ફિલ્મની રિમેક હતી. અને લોકો જૂના ટ્રેક રેકોર્ડને પણ ધ્યાનમાં રાખે છે. જે ઓડિયન્સ ઓનલાઈન કોઈને સાપ કરડ્યો હોય તેમાં પણ હાહા કરતી હોય તેની પાસેથી ફિલ્મ વિશે સારા શબ્દો બોલવાની અપેક્ષા કેવી રીતે રાખવી?
આજનો દર્શક કંઈ અઠવાડિયામાં એક વખત સાડા નવ વાગ્યે આવતી ફિલ્મ જોવાની પ્રતિક્ષા નથી કરી રહ્યો. દર્શકની સમજ વિકસી છે. એ હિન્દી પછી હોલિવુડ તો જોતું જ હતું. જ્યારે આપણે હોલિવુડ નહોતા જોતા ત્યારે હિન્દી સર્જકોએ હોલિવુડના ગીતો અને તેની કથાઓ આપણી માથે મારી રોકડીના કરી લીધા હતા. આજે ઈન્ટરનેટના કારણે આ બધા ઉઘાડા પડ્યા છે. કોરિયા સુધી જવાની જરૂર નથી, દક્ષિણની ફિલ્મો જ બોલિવુડને પરાજીત કરી દે છે. દર્શક તર્ક કરતો થયો છે. એક એક સીનને નોખા કરે છે અને મગફળીની અંદર પાકેલો દાણો છે કે સડી ગયેલો તે પારખવાની તેની ક્ષમતા અવિરત વિકાસ કરી રહી છે. આ પ્રકારના યુગમાં સલમાન ખાનની તર્કહીન, ફાઈટ કરતી, પ્રતિશોધ લેતી, ધડમાથા વગરના સંવાદ ફટકારતી, અવનવા કપડાં પહેરતી અને એવો જ વિચિત્ર ડાન્સ કરતી ફિલ્મો ન જ ચાલે એટલે ન જ ચાલે.
પણ સલમાન હિન્દી સિનેમામાં યાદ રહેશે. સલીમ ખાનના દીકરા તરીકે, મેને પ્યાર કિયા ના યુવાન તરીકે, હમ આપકે હૈ કોનના પ્રેમી તરીકે, સુરજ બડજાત્યા સાથેની તેની જોડી માટે, ‘પ્રેમ’ નામ માટે, યુવાનોને બોડી બિલ્ડીંગનો ચસ્કો લગાવવા માટે, ચિલ્લર પાર્ટી, કાગઝ જેવી ફિલ્મોના નિર્માતા તરીકે, સ્ટાઈલ માટે, ગણેશજીની ભક્તિ માટે, ખાસ તેરે નામ ફિલ્મ માટે અને એ માટે પણ યાદ રહેશે કે સલમાનની ફિલ્મના ગીતો આજે પણ સાંભળવાથી મન પ્રફુલ્લિત થઈ જાય છે.
જોકે આવનારા વર્ષોમાં આમાનું કંઈ યાદ નથી રહેવાનું. એક નવી પેઢી જે ઉભરી છે તે મીમ્સ બનાવશે અને સલમાન ખાન બસ આઈન્સ્ટાઈન અને ન્યૂટનના સિદ્ધાંતોના છોતરા ઉડાવે છે તેનો મંત્રજાપ અહર્નિષ કરતી રહેશે. 2009થી 2014 સુધી સલમાન એ ફિલ્મ સ્ટાર રહ્યો છે જેણે એકલે હાથે થીએટરો દોડાવ્યા અને હિન્દી સિનેમાની અર્થવ્યવસ્થાનું ચક્ર ફરતું રહ્યું.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ