Homeવિશેષકથાચક્ર-અંતિમ

કથાચક્ર-અંતિમ

Team Chabuk-Creative Desk: ‘આ નગર પહેલા તો આવું નહોતું.’ મારી નજીક પલોઠી વાળીને બેસેલા હેમેન્દ્રને મેં પૂછ્યું. જોકે તેમાં પૂછવાનો ભાવ નહોતો. અમે કોલેજના મિત્રો કેટલાય સમય પછી મળ્યા હતા. હેમેન્દ્રને મૂછમાં ધોળા વાળ આવવાના શરૂ થઈ ગયા હતા અને મને પણ દાઢીમાં કેટલાક સફેદ વાળ આવ્યા હતા.

‘કેમ?’ તેણે પ્રત્યુતર વાળ્યો. મને નહોતી ખબર તે સામો સવાલ કરશે.  

‘મને બધા ચહેરા છળ અને કપટ કરતા લાગે છે.’ મેં હેમેન્દ્રને કહ્યું અને હેમેન્દ્ર તો અવાક થઈ ગયો. જાણે હું એની પહેલા જ ઘણું બધું જાણી ગયો હોવ. કદાચ તેને એમ થયું હશે કે મારામાં આટલી બુદ્ધિ કેવી રીતે આવી ગઈ? હું કોલેજમાં હતો ત્યારે તો આટલો સમજદાર નહોતો. નક્કી કોઈ મજબૂત ભેજુ મારામાં સિંચન કરી ગયું હશે. શાયદ આ મજબૂત ભેજાનું નામ સમય હોય.

‘તને યાદ છે દિપાલી અને વિજય….!’

‘કેમ યાદ ન હોય.’ હું પણ કેવો. તને યાદ છે… એવા હેમેન્દ્રના શબ્દોને સીધા સ્મરણની ગંગામાં ડૂબાડી દીધાં. દિપાલી અને વિજયના નામ એમાં તરી ગયાં. એમાં હોડી હતી. આસપાસ કોઈ નહોતું. બસ દિપાલી અને વિજય જ બેઠા હતા. પ્રેમભરેલી આંખો કેવી હોય એ માટે દીપાલી અને વિજયની આંખો તપાસવી. એનો અભ્યાસ કરવો. ચોપડીઓનાં શબ્દો કરતા એ એકબીજાની આંખોને વારંવાર ચકાસતા રહેતા હતા. બીજો કોઈ પાઠ ભણ્યા હોય કે ન હોય, પ્રેમનો પાઠ તો એ બરાબર ભણી જ ચૂક્યા હતા.

કોલેજમાં અમારું નવું નવું એડમિશન થયું હતું. હેમેન્દ્ર અને મારી દોસ્તી પણ ફી ભરવાની લાઈનમાં જ થઈ હતી અને એ લાઈનમાં આગળ દિપાલી અને વિજય એકબીજાનો હાથ પકડી ખડખડાટ હસતા હતા. અમારી કોલેજમાં કોઈ છોકરો અને છોકરી એકબીજાનો હાથ પકડે તો એને મહાપાપ ગણવામાં આવતું હતું. આવું પાપ બેઝિઝક દિપાલી અને વિજય કરતા હતા. પછી તો એ પાપ વારંવાર કરવામાં આવ્યું. બધાની સામે, ખાસ તો પ્રોફેસરોની સામે. પ્રોફેસરો પણ પોતાની મૂછને તાવ દેતા અને જ્યારે એમને કોઈ દિવસ પ્રેમ જ ન થયો હોય અને સંસ્કૃતિ મરી પરવારવાની હોય તેવા શબ્દોનાં તોરણનો શણગાર કરી દિપાલી અને વિજયને વારંવાર વઢતા હતાં.

પ્રેમી જોડલું ટેવાય ગયું હતું. એક વખત તો મારી નજર સામે પ્રેમની આપલે કરતું રોમિયો સ્ક્વોડના હાથમાં આવી ગયું. બેઉં પોલીસ સ્ટેશન ભેગા થઈ ગયા. તોય નફ્ફટાઈ તો જુઓ! હજુ હાથમાં હાથ પરોવેલા હતા. હું એ હાથને જ તાકી રહ્યો હતો. બીજા દિવસે તો કંઈ થયું જ ન હોય એમ હેમખેમ પાછા હાથમાં હાથ પરોવી ચાલ્યા આવે.

‘એના મા-બાપે એને કંઈ નહીં કહ્યું હોય?’ હેમેન્દ્રને મેં પૂછેલું અને હેમેન્દ્ર ગોટા વાળવા લાગ્યો હતો.

કોલેજ તો ખૂબ ઓછા વિદ્યાર્થીઓ આવતા હતા. કાં તો પરીક્ષાના ફોર્મ ભરવાના હોય ત્યારે, કાં તો પરીક્ષા હોય ત્યારે જ વિદ્યાર્થીઓની મેદની જામતી હતી. અમે પાંચ-છ છોકરાઓ તો સાથે ને સાથે રહેતા હતા. સવારનો દિવસ હતો. કોલેજમાં હું પહેલો આવ્યો. પગથિયાં ચડી વર્ગખંડ બાજુ દોડ્યો. જેવો મેં વર્ગખંડનો દરવાજો ખોલ્યો કે દિપાલી અને વિજય હોઠની રમતમાં ચકચૂર હતા. દરવાજા ના ખુલવાનો અવાજ સાંભળી એ અલગ થઈ ગયા. મને એવો ભાસ થયો જાણે એકમાંથી બીજું શરીર નીકળ્યું હોય. તેમને તેમના એકાન્તમાં એકલા છોડી મેં દરવાજો બંધ કરી દીધો. એ ફરી પોતાની રમતમાં લીન થઈ ગયા હશે! આ વાત મેં કોઈને ન કહી. આ બંને શરીરો એક વખત વર્ગખંડમાં જ હાંફતા હતાં તેવી વાત ઉડેલી. એ વાત અફવા તો ન હોય શકે. મેં જે પરિસ્થિતિમાં તેમને જોયા હતાં તે પરથી કહું છું કે સાવ અફવા તો ન જ હોઈ શકે.

કોલેજની લાઈબ્રેરીની પાછળ, કોલેજના વર્ગખંડમાં, અમારા વર્ગખંડથી લઈને ક્યાં ક્યાં મેં એ બંનેને નહોતા જોયા. હેમેન્દ્ર કહેતો હતો, ‘આ વિજલો વાપરીને છોડી દેશે.’

‘મને તો નથી લાગતું.’

‘તું હજુ કાચો છો. ઉંમરમાં પણ અને સમજણમાં પણ. આખી કોલેજમાં આ જ વાતો ચાલી રહી છે. થોડા સમયની મસ્તી છે. કોલેજની મસ્તી…! કાચી વયનો, કુંવારો પ્રેમ ટકતો નથી.’

‘એમના પ્રેમમાં ક્યાં હવે કુંવારાપણું રહ્યું છે?’

‘તું પણ વિપુલની જેમ તાદ્દશ દૃશ્ય જોઈ નથી ગયો ને?’ પૂછતાં પૂછતાં હેમેન્દ્રએ મારી ગરદન પોતાના હાથમાં પરોવી લીધેલી અને હું છૂટવા માટે કબૂતરની જેમ તરફડિયાં મારવા લાગ્યો.  

હેમેન્દ્રના એ શબ્દો જ્યારે મારા કાનમાં અથડાયા ત્યારે હું ઘણું બધું એક સામટું જીવી ગયો. કેટલીક તસવીરો, કેટલાક દૃશ્યો મારી આંખ સામે જીવંત થઈ ગયા. મારા ચહેરા પર અર્ધચંદ્રાકાર સ્મિત તરી આવ્યું. જાણે હું એકલો એકલો મારા વિચારોમાં જ પાગલ બનીને હસતો ન હોઉં. આપણે સ્મૃતિઓ કેટલી ઝડપથી જીવી લેતાં હોઈએ છીએ! કેટલા ઝડપથી ખુશ થઈએ છીએ અને પછી વર્તમાનમાં હોવાના ભાવ સાથે નિરાશ થઈ જઈએ છીએ. એક અભાવમાં.

‘અરે કુંવર ક્યાં ખોવાઈ ગયા?’  હેમેન્દ્રએ મને ટકોર કરી અને હું ભૂતકાળમાંથી સીધો વર્તમાનમાં ખાબક્યો. મને બરાબર વાહનોના અવાજ સંભળાયા. હું સભાન થયો કે 2010 પછી 2021માં પહેલી વખત હું અને હેમેન્દ્ર મળી રહ્યા છીએ. અને એમાં તેની દિપાલી વિજયની વાત તો મને ક્યાંની ક્યાં સુધી દોરી ગઈ.

‘હા, તો શું દિપાલી અને વિજય?’ મેં સ્વસ્થ થતાં પૂછ્યું.

‘પછી એમના પરિવારના લોકો માન્યા નહીં એટલે ભાગીને લગ્ન કરી લીધા.’ હેમેન્દ્રએ મ્લાન ચહેરે કહ્યું.

‘તો સારું. પ્રેમ તેના અંતિમ સુધી તો પહોંચ્યો.’

‘છોકરીના પરિવારના લોકોએ જ વિજય અને દિપાલીને પતાવી નાખ્યા. નદી પાસે બંનેના ક્ષતવિક્ષત દેહ પડ્યા હતા.’ આ સાંભળતા જ મારા કાનમાં તમરા બોલવા લાગ્યા. એક બસ પસાર થઈ અને તેના હોર્ને મારા કાનમાં ધાંકુ પાડી દીધું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments