Team Chabuk-National Desk: દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ત્રીજી લહેર આવી ગઈ હોવાનું ઘણા નિષ્ણાતો કહી પણ રહ્યા છે. તો કેટલાક નિષ્ણાતો હજુ ત્રીજી લહેર આવવાની બાકી હોવાનું કહી રહ્યા છે. પરંતુ ત્રીજી લહેરનું આગમન થશે એ નક્કી હોય તેવું લાગી રહ્યું છે. બીજી લહેરની સચોટ ભવિષ્યવાણી કરનાર આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિક મણીન્દ્ર અગ્રવાલ અને તેમની ટીમે ગણિતીય મોડલ સૂત્રના આધારે દાવો કર્યો છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાનું નક્કી છે.
મણીન્દ્ર અગ્રવાલ અને તેમની ટીમે કરેલા અભ્યાસ પ્રમાણે આગામી સપ્તાહથી સંક્રમણના નવા કેસમાં વધારો જોવા મળશે. પરંતુ રાહતની વાત એ છે કે બીજી લહેરની માફક ત્રીજી લહેર ઘાતક નહીં હોય. ત્રીજી લહેરમાં ખરાબથી ખરાબ સ્થિતિમાં પણ દૈનિક કેસ બીજી લહેરની તુલનામાં એક ચતુર્થાંશ જેટલા જ આવશે. વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે બીજી લહેરમાં જે પ્રમાણે દેશમાં સ્થિતિ ઉદભવી હતી તેટલી ભયાનક સ્થિતિનું નિર્માણ નહીં થાય તેથી લોકોએ ડરવાની જરૂર નથી પરંતુ સાવચેત અને સાવધાન રહેવાનું છે.
કાનપુરના મણીન્દ્ર અગ્રવાલ અને આઈઆઈટી હૈદરાબાદના એમ. વિદ્યાસાગરની આગેવાનીમાં જે સંશોધકોએ અનુમાન લગાવ્યું છે તે મુજબ કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબર મહિનામાં પીક પર હશે. આ દરમિયાન સામાન્ય સ્થિતિમાં દરરોજ એક લાખથી વધુ અને ખરાબ સ્થિતિમાં દરરોજ દોઢ લાખ કેસ આવી શકે છે. બીજી લહેરની વાત કરીએ તો, બીજી લહેર જ્યારે પીક પર હતી ત્યારે સાત મેના રોજ ચાર લાખથી વધુ કેસ નોંધાયા હતા.
મણીન્દ્ર અગ્રવાલનું કહેવું છે કે, કેરળ અને મહારાષ્ટ્ર જેવા વધુ સંક્રમણ ધરાવતા રાજ્ય તેઓના પૂર્વાનુમાનને બગાડી પણ શકે છે. આ પૂર્વાનુમાનમાં રસીકરણ અભિયાનમાં ગતિ લાવવા અને નવા ઉદભવતા હોટસ્પોટની તુરંત જાણકારી મેળવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સાથે જ જીનોમ સિક્વેન્સિંગ દ્વારા કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઉપર નજર રાખવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે. કેમ કે જો ડેલ્ટા જેવો કોઈ નવો વેરિઅન્ટ આવે છે તો જેમ બીજી લહેર દરમિયાન સ્થિતિ ખરાબ થઈ હતી તેમ ત્રીજી લહેરમાં પણ સ્થિતિ ખરાબ થઈ શકે છે.
વૈજ્ઞાનિકોએ લોકોને પણ સાવધાન અને સાવચેત રહેવા કહ્યું છે. બીજી લહેરમાં સંક્રમણ ઘટતાં જ જે રીતે સામાજિક અને વ્યવસાયિક ગતિવિધિઓ થઈ છે અને લોકો જે રીતે બેદરકારી દાખવી રહ્યા છે તે અંગે વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે. કોરોના મહામારીની પ્રથમ લહેર શાંત પડ્યા બાદ લોકોએ બેદરકારી દાખવતા બીજી લહેર ઘાતક નીવડી હતી તેથી બીજી લહેર બાદ હવે લોકોએ બેદરકારી દાખવવી ન જોઈએ તેવું વૈજ્ઞાનિકો કહી રહ્યા છે.
મણીન્દ્ર અગ્રવાલ અને તેમની ટીમે ગણિતીય મોડ સૂત્રના આધાર પર એક રાહતની વાત પણ વ્યક્ત કરી છે. તેમના કહેવા પ્રમાણે સામાજિક અને વ્યવસાયિક ગતિવિધિઓ ખુલી છે ત્યારે જો લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે, માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ રાખશે તો આ મહિનાના અંતમાં કોરોનાના દૈનિક કેસને 25 હજારની નીચે લાવી શકાય છે અને ત્રીજી લહેરની આશંકાને પણ ઓછી કરી શકાય છે. મહત્વનું છે કે હાલ, ભારતમાં દરરોજ 40 હજાર આસપાસ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત