Homeતાપણું‘ગુજરાતીઓએ મોદીજીને ધ્યાનમાં રાખીને મત આપ્યા પરંતુ બદલામાં શું મળ્યું ?’

‘ગુજરાતીઓએ મોદીજીને ધ્યાનમાં રાખીને મત આપ્યા પરંતુ બદલામાં શું મળ્યું ?’

Team Chabuk-National Desk : ભાજપથી અલગ થઈ મહારાષ્ટ્રની સત્તા હાંસલ કરનાર શિવસેના હવે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ કોઈ કસર છોડવા નથી માગતી. મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી 2023માં થવાની છે પરંતુ શિવસેનાએ અત્યારથી જ મતદારોને પોતાના તરફ ખેંચવાની શરૂઆત કરી દીધી છે. શિવસેનાએ ગુજરાતી મતદારોને પણ આકર્ષવાનું શરૂ કરી દીધું છે. શિવસેનાએ તો એક કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું. કાર્યક્રમનું નામ છે, મુંબઈમાં જલેબી ને ફાફડા ઉદ્ધવ ઠાકરે આપડા.. જો કે હવે આ શિવસેના માટે ગુજરાતી સમાજને આકર્ષવાનું સૂત્ર પણ બની ગયું છે.

મુખ્યમંત્રીની ખુરશી ન આપતા ભાજપથી રિસાઈને કોંગ્રેસ એનસીપીનો હાથ પકડનારી શિવસેના હવે ગુજરાતી સમાજને કાયમ માટે પોતાના કરી લેવા કૂચ કદમ આરંભી છે. જેમાં મોટો ભાગ ભજવ્યો છે ગુજરાતીના દાઢવ્હાલા જલેબી અને ફાફડાએ. ગુજરાતીઓને જલેબી અને ફાફડા અતિ પ્રિય છે. ગુજરાતીઓની આ પસંદને શિવસેનાએ ચૂંટણી કેમ્પેઈનમાં પરિવર્તિત કરીને મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. શિવસેનાએ તે માટે જલેબી ફાફડા ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 11 ગુજરાતી વેપારીઓ શિવસેનામાં જોડાયા હતા.

શિવસેનાના નેતા હેમરાજ શાહે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. હેમરાજ શાહે કહ્યું હતું કે, ‘1993માં શિવસેનાએ જ અમને બચાવ્યા હતા. ભાજપ ક્યાંય દેખાતું ન હતું. બાલાસાહેબ ઠાકરેએ હિન્દુઓને બચાવવાની જવાબદારી લીધી હતી. જો તમે સુરક્ષિત રહેવા માગો છો તો શિવસેના અમારી સાથે છે. હેમરાજ શાહે કહ્યું કે, મુંબઈમાં વસતા ગુજરાતી લોકો ભાજપથી નાખુશ છે. કેમ કે અમારા માટે વેપાર ખૂબ મહત્વનો છે અને જીએસટી અને નોટબંધીના કારણે ગુજરાતી સમાજના લોકોના વેપાર પર બહુ મોટી અસર પડી છે. જેથી ગુજરાતીઓ ભાજપથી નારાજ છે.’

ગુજરાતીઓ માટે યોજાયેલી જલેબી ફાફડા ઈવેન્ટમાં બીએમસીના કોર્પોરેટર રાજુલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ કહ્યું કે, ‘હું ગુજરાતી છું અને 1990થી શિવસેનામાં છું. શિવસેના દરેકનું સમર્થન કરે છે. મહારાષ્ટ્રના લોકો પર સરસ્વતી અને ગુજરાતી લોકો પર લક્ષ્મીનો હાથ છે. ગુજરાતીઓએ મોદીજીને ધ્યાનમાં રાખીને મત આપ્યા પરંતુ બદલામાં શું મળ્યું ?’ પટેલે કહ્યું કે, ‘બોરિવલી અને દહીસર ગુજરાતી લોકોનો વિસ્તાર મનાય છે પરંતુ અહીંથી ભાજપે વિનોદ તાવડેને ટિકિટ આપી. પરંતુ અહીંથી કોઈ ગુજરાતીને ટિકિટ આપવાની જરૂર હતી.’

રાજુલ પટેલે હિન્દુત્વ અંગે વાત કરતાં કહ્યું કે, ‘માત્ર શિવસેનાએ જ હિન્દુત્વ માટે સ્ટેન્ડ લીધું છે. 1992ની અયોધ્યાની ઘટના તેની સાક્ષી છે.’ પટેલે વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘ગુજરાતી મતદારો શિવસેનાને સમર્થન કરશે. તમામ કાયદાઓ સામાન્ય જનતા પર થોપવામાં આવી રહ્યા છે.’

ગુજરાતી મતદારો કેટલા મહત્વના ?

વર્ષોથી મુંબઈ શહેરમાં ગુજરાતીઓનો દબદબો છે. મુંબઈમાં વેપાર-ઉદ્યોગમાં ગુજરાતીઓ આગળ પડતાં છે. અનેક ગુજરાતીઓ વર્ષોથી મુંબઈ જઈને વસ્યા છે અને પોતાનો વેપાર-ઉદ્યોગ વિકસાવ્યો છે. મુંબઈમાં આશરે 30 લાખ જેટલા ગુજરાતી લોકો વસે છે.  આ 30 લાખ લોકો બીએમસીની 55 જેટલી બેઠકો પર મહત્વના ગણવામાં આવે છે. 55 બેઠકો પર ગુજરાતી મતદારો ગમે ત્યારે બાજી પલટી શકે છે. એટલે શિવસેના બીએમસી ચૂંટણી પૂર્વે જ મહત્વના ગણાતા ગુજરાતી સમાજને આકર્ષવામાં લાગી ગયું છે.

બીજું એક કારણ એ પણ છે કે મુંબઈમાં વસતા ગુજરાતીઓ ભાજપની વોટબેંક માનવામાં આવે છે. ગુજરાતમાં જેમ વર્ષોથી ભાજપની સરકાર છે તેમ મુંબઈમાં વસતા ગુજરાતીઓની વિચારધારા પણ ભાજપ તરફી જોવા મળી છે. ત્યારે શિવસેનાએ જલેબી ફાફડા જેવા કાર્યક્રમો કરીને આ વોટબેંકને પોતાના તરફ ખેંચવાનું શરૂ કર્યું છે.

ભાજપ અને શિવસેના વચ્ચેનું વર્ષો જૂનું ગઠબંધન તૂટી જતાં શિવસેનાને ડર છે કે ભાજપ અને શિવસેના વચ્ચે મરાઠી અને ગુજરાતી મતદારોનું ધ્રુવીકરણ થઈ શકે છે. તેથી જો શિવસેના ગુજરાતી મતદારો તરફ સારું વલણ ન દાખવે તો તેને આગામી ચૂંટણીમાં ઘણી બધી બેઠકો પર હાથ ધોવા પડી શકે છે. તેથી શિવસેના ભાજપની વોટબેંક ગણાતા ગુજરાતી મતદારોને આકર્ષવામાં લાગી ગઈ છે.

જલેબી-ફાફડા કાર્યક્રમનું આયોજન એક રીતે જોઈએ તો ગુજરાતી મતદારોને આકર્ષવા માટે જ શિવસેનાએ કર્યું છે પરંતુ શિવસેના કહી રહી છે કે આગામી ચૂંટણી પહેલા ગુજરાતી મતદારોમાં જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments