Homeસાહિત્યકાશ્મીરની લોકકથા ‘ચાલીસ ભાઈઓની પહાડી’

કાશ્મીરની લોકકથા ‘ચાલીસ ભાઈઓની પહાડી’

Team Chabuk : ઘણા વર્ષો પહેલા કાશ્મીરની ઊંચી પહાડીઓ પર એક ખેડૂત રહેતો હતો. જેનું નામ દ્રૂસ હતું. તેની પાસે અઢળક ઘેટા બકરાં અને માલધારીઓ હતા પણ તે અને તેની પત્ની ખૂબ જ દુ:ખી રહેતા હતા, કારણ કે તેમના વિવાહને વર્ષો વિતી ગયા છતાં બાળકો નહોતા થયા. તેમણે પોતે કરેલી પ્રાર્થનાઓ, સાધુ, સંત, પીર દ્વારા કરેલી પ્રાર્થનાઓ પણ સદંતર નિષ્ફળ ગઈ હતી. કોઈ પરિણામ નહોતું નીકળી રહ્યું. એક દિવસ મુસાફરીથી થાકી પાકીને પરત ફરેલો પીર ગામડામાંથી પસાર થયો. એ શ્રીનગરના બગીચા અને ઉદ્યાનોની વચ્ચે આરામ કરવાના રસ્તા પર હતો.

જ્યારે તે દ્રૂસના તંબુની પાસેથી પસાર થઈ રહ્યો હતો તો તેણ અવાજ કાઢ્યો, ‘અલ્લાહના નામ પર મને ભીખ આપી દે. મારી પાસે માંસ પણ નથી અને રોટલીનો ટુકડો પણ નથી.’

દ્રૂસે જવાબ આપ્યો, ‘હું મારી જિંદગીના દરેક ક્ષણે દયાળુ રહ્યો છું. દરેકની સેવા કરી છે. દરેકની પ્રાર્થના કરી છે. પણ હજુ સુધી મને પુત્ર પ્રાપ્તિ નથી થઈ. એટલે હું તને કંઈ નહીં આપી શકું.’

‘જેની ઈશ્વરે જ ના પાડી દીધી તેને કોણ મંજૂર કરી શકે ?’ પીરે નિરાશ થઈને કહ્યું અને બીજા તંબુ તરફ પગ ઉપાડ્યા.

પીરનો યુવાન શિષ્ય, જે પાછળ જ આવી રહ્યો હતો, તેણે આ વાત સાંભળી લીધી. તેની પાસે એવી શક્તિ હતી કે દંપત્તિનું દુ:ખ દૂર કરી શકે. તેણે ચાલીસ કાંકરા લઈને તેની પત્નીના ખોળામાં રાખી દીધા અને આશીર્વાદ આપ્યા.

નિર્ધારિત સમય પર એ સ્ત્રીએ ચાલીસ પુત્રોને જન્મ આપ્યો. તમામ પુત્રો એક જ સમયે પેદા થયા. દ્રૂસ તો ખૂબ જ પરેશાન અને ચિંતિત થઈ ગયો. તેને અંદર ખાને વિશ્વાસ થઈ ગયો કે તે આટલા બધા પુત્રોની સાર સંભાળ નહીં કરી શકે.

‘આપણે ચાલીસના પેટનો ખાડો નહીં પૂરી શકીએ.’ તેણે પોતાની પત્નીને કહ્યું, ‘જેથી માત્ર એક જ વસ્તુ છે જે આપણે કરી શકીએ છીએ. આપણી પસંદના એક છોકરાને રાખી લઈએ બાકીના બધા છોકરાઓને જંગલમાં છોડી આવીએ. આટલી મુશ્કેલ પરિસ્થિતિમાંથી નીકળવાનો આના સિવાય કોઈ રસ્તો નથી.’

એકને છોડીને તમામ બાળકોને પહાડો પર લઈ જવામાં આવ્યા અને વરુઓની પેટપૂજા માટે છોડી દેવામાં આવ્યા. એક દિવસની વાત છે. ઘેટાઓને ચરાવતા એક માલધારીને હરણનો ખાસ વ્યવહાર પહાડોની દિશામાં ખેંચી ગયો. એ પહાડીની ગુફાનું દ્વાર બંધ હતું. ત્યાં તેણે જોયું કે મોટી સંખ્યામાં છોકરાઓ જંગલી ટ્યુલિપની વચ્ચે રમતા હતા અને અહીંથી ત્યાં દોડતા હતા.

માલધારીનો એ છોકરો તો ડરી ગયો, ‘આ બાળકો કોણ હોય શકે ?’ તેણે આશ્ચર્ય સાથે વિચાર્યું, ‘આ નિર્જન વિસ્તારમાં આ છોકરાઓ કેવી રીતે આવ્યા?’

રાતે તેણે પોતાના અનુભવ વિશે પોતાના પિતાને કહ્યું અને એ ખબર કાશ્મીરના પહાડોની હવાની માફક ફેલાવા લાગી. અંતે આ વાત બાળકોના પિતા દ્રૂસ સુધી પહોંચી ગઈ. એને સમજતા વાર ન લાગી કે નિર્જન વિસ્તારમાં ટ્યુલિપના જંગલી પુષ્પોની સાથે રમતા અને ભાગતા બાળકો અન્ય કોઈના નહીં પણ તેના પોતાના છે. ઘણા મહિનાઓથી તે વિચારી વિચારીને ગાંડો થઈ રહ્યો હતો. ખબર મળતા જ એનું દુ:ખી મન મોરની માફક નાચી ઉઠ્યું. એ ખુશ થઈ ગયો. પહાડોની તરફ દોડવા લાગ્યો. જ્યાં પેલા માલધારીના છોકરાએ બાળકોને જોયા હતા. એણે ત્યાં જોયું કે નાના નાના જંગલી બચ્ચા જૈતૂન અને પિસ્તાના વૃક્ષોની વચ્ચે સંતાકૂકડી રમી રહ્યા હતા. બધા બાળકો એક જેવા જ લાગતા હતા અને અતિ સુંદર હતા, પણ અજાણ્યા લોકોને જુએ તો શરમાવા લાગતા હતા. દ્રૂસે કંઈક કહ્યું તો તેઓ ભાગીને ગુફામાં ચાલ્યા ગયા અને સંતાઈ ગયા. તેણે બાળકો ગુફામાંથી આવે આ માટે એક રાત અને એક દિવસ સુધી પ્રતિક્ષા કરી. પણ તે પોતાના સ્થાનમાંથી બહાર ન નીકળ્યા. ભારે હ્રદયે તે પોતાના ઘરે પરત ફર્યો.

તેની પત્ની જેનું હ્રદય પોતાના ખોવાયેલા બાળકોના પ્રેમ અને પ્રતિક્ષામાં દુખી થઈ રહ્યું હતું, તેણે અન્ય એક પીરની સલાહ લીધી. એ પીરે કહ્યું, ‘તેના ભાઈને લઈ જાવ. જેને તમે તમારી પાસે રાખ્યો છે. પહાડી પર તેમની સામે તમારા છોકરાને રાખી દેજો અને તમે છુપાઈ જજો.’

મમતાથી અભિભૂત માતાએ બરાબર આવું જ કર્યું. જેવું તેને કહેવામાં આવ્યું હતું અને સાચે જ ચમત્કાર થઈ ગયો. બાળકો તેના પુત્રને જોતા જ રમવા માટે બહાર નીકળી આવ્યા. એ નાના અજનબી અને તેની મધુર ધ્વનિથી આકર્ષિત થઈને તેની પાછળ પાછળ તેની મા પાસે ચાલ્યા આવ્યા. તેણે તેને ગળેથી લગાવી લીધા. તેમને મીઠાઈ આપી અને કોઈ પણ પ્રકારની અડચણ વિના તે એ બધાને ઘરે લાવવામાં સફળ થઈ.

દ્રૂસ બાળકોને પરત પામીને ખૂબ જ ખુશ થયો. તેણે ગરીબોને ભેટ અને ભોજન આપ્યું. ગામમાં સંગીતનો કાર્યક્રમ થયો. તેણે તમામ બાળકોને નમાજ પઢવાનું અને પવિત્ર પુસ્તક વાંચવાનું શીખવાડ્યું. પણ અલ્લાહે એવું નક્કી કર્યું હતું કે દેવદૂત અજરાઈલ એક જ દિવસમાં આ બધાના શ્વાસ લઈ લે.

એક દિવસ તમામ ચાલીસ બાળકો મૃત્યુ પામ્યા.

એક સાથે ચાલીસ બાળકોના મૃત્યુથી ગામ શોકમાં ગરકાવ થઈ ગયું. સતત ત્રણ દિવસ અને ત્રણ રાત અલ્લાહને પ્રાર્થના કરવામાં આવી. અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે આવેલા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. એ પછી ચાલીસ ભાઈઓને એ પહાડી પર જ લઈ જવામાં આવ્યા જ્યાં તે મળી આવ્યા હતા. સુમસામ વિસ્તારમાં જ એ તમામ ભાઈઓને દફનાવી દેવામાં આવ્યા. જ્યાં તેઓ જંગલી ટ્યુલિપોની વચ્ચે રમતા હતા.

અને આજે પણ એ ભાઈઓ એ રહસ્યમયી પર્વત પર ઘુમે છે. જેને ‘કુહ ચેહલ તાન’ એટલે કે ચાલીસ ભાઈઓની પહાડીના નામે ઓળખવામાં આવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments