Team Chabuk- National Desk: દિલ્હીમાં આંદોલનકારી ખેડૂતોની રેલીમાં ઉપદ્રવ જોવા મળ્યો. ઉપદ્રવ કરવાની રૂપરેખા અગાઉથી થઈ ગઈ હોવાનો દાવો કરાયો છે. વિદેશમાં બેઠાં બેઠાં કટ્ટરવાદી પ્રવૃત્તિઓ કરનારા શીખ ફોર જસ્ટિસ નામના ખાલિસ્તાની સંગઠને લાલ કિલ્લા પર ઝંડો લહેરાવનારાને 2.5 લાખ અમેરિકી ડોલર આપવાની જાહેરાત કરી હતી. શીખ ફોર જસ્ટિસ ખાલિસ્તાની સંગઠનના ચીફ આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ આ જાહેરાત કરી હતી. ત્યારે હવે સવાલ ઉઠ્યા છે કે, શું પન્નુની જાહેરાતને દિલ્હી પોલીસ અને અન્ય કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ હળવાશથી લીધી હતી ?
સૂત્રોનું માનીએ તો, આ પ્રશ્ન મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો. સવાલ છે કે, જો પોલીસ પાસે આ માહિતી હતી તો ટ્રેક્ટર પરેડના ઉપદ્રવીઓ સામે લડવા માટે પૂરતી વ્યવસ્થા કેમ ન ગોઠવી ? સુરક્ષા એજન્સીઓની આ ચુક માટે જવાબ માગવામાં આવ્યો છે.
ગુરપતવંત સિંહ પન્નુના સંગઠને ટ્રેક્ટર પરેડના બે અઠવાડિયા પહેલાં ઘણા લોકોને આવા કોલ કરવાનું શરૂ થયું હતું, કે તેઓ 26 જાન્યુઆરીએ કોઈ મોટું પગલું ભરશે. આ સંદેશ સુરક્ષા એજન્સીઓને પહોંચાડવામાં આવ્યો હતો. 26 જાન્યુઆરી નજીક આવી રહી છે અને લાલ કિલ્લા પર, એક ભારતીય ત્રિરંગો છે. 26 જાન્યુઆરીએ ત્રિરંગો હટાવી દો અને ત્યાં ખાલિસ્તાનનો ધ્વજ લગાવી દો. સંદેશમાં જ એમ પણ કહેવાયું હતું કે, જે લોકો ત્રિરંગો હટાવશે તેઓને 2.5 લાખ યુએસ ડોલર મળશે.
એટલું જ નહીં પન્નુએ એક વીડિયો પણ જાહેર કર્યો હતો. જેમાં તે હાલના ખેડૂતોના આંદોલનને 1984ના શીખ વિરોધી રમખાણો સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પન્નુના સમર્થકોએ ખેડૂત આંદોલનને ‘શીખનો સંઘર્ષ’ બનાવવા માટે કથિત રૂપે પ્રયાસ કર્યો હતો. અઢી લાખ યુએસ ડોલર ઉપરાંત, શીખ ફોર જસ્ટિસે યુવાન ખેડૂત પ્રદર્શનકારીઓને લલચાવવા માટે વિદેશી નાગરિકત્વ આપવાની લાલચ પણ આપી હતી.
આતંકી પન્નુએ કહ્યું હતું કે, વિશ્વના કાયદા તમારી સાથે છે. જો ભારત સરકાર તમારા પર આંગળી ચીંધે તો તમને અને તમારા પરિવારોને યુએન કાયદા હેઠળ વિદેશમાં લાવવામાં આવશે. ટ્રેક્ટર રેલીના ત્રણથી ચાર દિવસ પહેલાં જાહેર કરાયેલા આવા સંદેશાઓની સંખ્યા વધી ગઈ હતી. ખાલિસ્તાની આતંકવાદી ખેડૂતોને ઉપદ્રવ મચાવવા માટે પ્રોત્સાહન આપી રહ્યા હતા. આ જાહેરાતમાં જ પન્નુ કહી રહ્યો છે કે, જે લાલ કિલ્લા પર જશે અને ધ્વજ ફરકાવશે તેને અઢી લાખ અમેરિકી ડોલર આપવામાં આવશે.
દિલ્હીમાં ટ્રેકટર રેલીમાં ઉપદ્રવનો મામલે 9 ખેડૂત નેતાઓ સામે દિલ્હી ક્રાઈમ બ્રાંચે ફરિયાદ નોંધી છે. રાકેશ ટિકેત, યોગેન્દ્ર યાદવ, દર્શન પાલ, જોગિંદરસિંગ, બૂટા સિંહ, બલવીર સિંહ, રાજેન્દર સિંગ સામે ફરિયાદ નોંધી છે. ખેડૂત નેતાઓ પર NOC ભંગનો આરોપ લગાવાયો છે.
દિલ્હીમાં ખેડૂતોએ મચાવેલા ઉપદ્રવ બાદ હવે ખેડૂતોની બજેટ માર્ચ રદ થઈ શકે છે. ખેડૂતો બજેટ સત્રના દિવસે સંસદ બહાર બજેટ માર્ચ યોજવાના હતા. જો કે, ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં મચેલા ઉપદ્રવ બાદ ખેડૂત આગેવાનો બજેટ માર્ચ રદ કરવાનો નિર્ણય લઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ
- દલિત સગીરા સાથે 2 મહિના સુધી બર્બરતા? સામુહિક દુષ્કર્મ, ગૌમાંસ ખવડાવ્યું? હાથમાં એસિડ નાખી ‘ઓમ’નું ટેટું હટાવ્યું !