Team Chabuk : પુષ્પવતી બાદ મધુમાલતીએ રાજા વિક્રમાદિત્યની પ્રજાના હિત અને પ્રાણોત્સર્ગની ભાવના ધરાવતી કથા સંભળાવી.
મહારાજા વિક્રમાદિત્યએ રાજ્ય અને પ્રજાની સુખ સમૃદ્ધિ માટે એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું હતું. યજ્ઞ ઘણા દિવસો સુધી ચાલતો રહ્યો. એક દિવસ રાજા મંત્ર પાઠ કરી રહ્યા હતા એવામાં એક ઋષિનું ત્યાં આગમન થયું. રાજાએ તેમને જોયા, પણ યજ્ઞ અધવચ્ચે છોડીને ઊભું થવું એ યોગ્ય નહોતું. તેમણે મનોમન ઋષિનું અભિવાદન કર્યું અને પ્રણામ કર્યા. ઋષિને પણ રાજાની વાત ખબર પડી ગઈ અને તેમણે રાજાને આશીર્વાદ આપ્યા. આ ઋષિ અરણ્યમાં જ એક ગુરૂકુળ ચલાવતા હતા અને બાળકોને વિદ્યા અભ્યાસ કરાવતા હતા. રાજા પણ ઋષિથી પરિચિત હતા.
રાજા યજ્ઞ પતાવી ઉઠ્યા અને સીધા ઋષિ પાસે પહોંચ્યા, ‘ઋષિ મહારાજ તમારું અહીં આવવાનું પ્રયોજન શું ?’
ઋષિએ જવાબ આપ્યો, ‘યજ્ઞના પુનીત અવસર પર હું રાજા માટે કોઈ વિડંબણા કે અસુવિધા પેદા કરવા નથી માગતો, પણ પ્રશ્ન આઠથી બાર વર્ષના છ બાળકોનો છે એટલે આવવું પડ્યું.’
‘થયું છે શું ઋષિ પિતા?’ વિક્રમાદિત્યએ આખી વાત જાણવા માગી. તેમને સમજતા પણ વાર ન લાગી કે ઋષિ વ્યાકુળ લાગી રહ્યા છે.
ઋષિએ ભગ્ન હ્રદયે આખી વાત જણાવી, ‘આશ્રમના બાળકો સુકાયેલી લાકડીઓ વીણવા માટે જંગલમાં ગયા હતા. અહીં તહીં ઘુમી રહ્યા હતા. એવામાં બે રાક્ષસ તેમને પહાડની ટોચ પર લઈ ગયા. મને જ્યારે ખબર પડી કે બાળકો આવ્યા જ નથી તો હું ખુલ્લા પગે ચિંતિત થઈ તેમની શોધમાં નીકળી પડ્યો. એવામાં પહાડી પરથી રાક્ષસની ગર્જના સંભળાઈ. મને સમજતા વાર ન લાગી કે આ ગર્જના કોની છે ? હવે એ રાક્ષસ બાળકો પાછા નથી આપી રહ્યા અને માગ કરી રહ્યા છે કે તેમને એક હુષ્ટપુષ્ટ પુરુષની આવશ્યકતા છે. જેની તેઓ મા કાલીને બલિ આપી શકે. કોઈ પુરુષ ત્યાં જાય તો તેના બદલામાં એ બાળકો મુક્ત થઈ જશે.’
ઋષિ થોડીવાર અટક્યા અને પછી બોલ્યા, ‘એ બાળકોનાં બદલામાં હું ભોગ બનવા માટે તૈયાર હતો, પણ તેમને એક સશક્ત અને બળશાળી પુરુષની જરૂર છે. મારા જેવા વૃદ્ધની નહીં. એ કહી રહ્યા છે કે એક ડોસા ઋષિથી દેવી પ્રસન્ન નહીં થાય. કાલી માતાની બલિ માટે એક સ્વસ્થ નર જોઈએ. એક ક્ષત્રિય જોઈએ. એટલું જ નહીં વિક્રમાદિત્ય, એમણે મને ધમકી પણ આપી છે કે જો કોઈ છળ કે કપટ દ્વારા એ બાળકોને છોડાવવાનો પ્રયત્ન કર્યો તો રાક્ષસો એ બાળકોને પહાડી પરથી ફેંકી દેશે.’
રાજા વિક્રમાદિત્યથી ઋષિની પરેશાની ન જોઈ શકાય. એ તુરંત તૈયાર થયા અને બોલ્યા, ‘તમે મને પહાડી સુધી લઈ જાઓ. હું ખૂદને કાલી માતાની સમ્મુખ બલિ માટે પ્રસ્તુત કરીશ. હું સ્વસ્થ પણ છું. ક્ષત્રિય પણ છું. યુવાન પણ છું. રાક્ષસોને એક આવા જ પુરુષની આવશ્યકતા હશે.’
ઋષિ અંતરમનથી નહોતા ઈચ્છતા કે રાજા ત્યાં જાય. પોતાની બલિ આપે. ઋષિએ તેમને મનાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો પણ રાજા માન્યા નહીં.
વિક્રમાદિત્ય બોલી રહ્યા હતા, ‘જો રાજાના જીવિત રહેતા તેમના રાજ્ય પર કોઈ વિડંબણા આવે છે તો રાજાનું કર્તવ્ય છે કે તે પોતાના પ્રાણોની આહુતિ આપીને પ્રજાને આ વિપત્તિમાંથી ઉગારે. આ જ રાજાનો રાજધર્મ છે.’
રાજા ઋષિની સાથે એ પહાડી પર પહોંચ્યા. પહાડીની નીચે તેમણે પોતાનો અશ્વ છોડી દીધો અને પગપાળા જ જવા લાગ્યા. પહાડીનો રસ્તો ખૂબ જ આકરો હતો. પગેથી ચાલતા કષ્ટ પડતું હતું, પણ એમણે કોઈ ચિંતા ન કરી. એ ચાલતા ચાલતા પહાડીની ટોચ પર પહોંચી ગયા.
એકાએક બંને રાક્ષસ વિક્રમ અને ઋષિની સામે પ્રગટ થઈ ગયા. એક રાક્ષસ બોલ્યો, ‘ખ્યાલ તો છે ને એક પુરુષ ?’
‘હા.’ રાજા વિક્રમાદિત્ય બોલ્યા. તેમના અવાજ માત્રથી રાક્ષસ પાછળ હટી ગયો.
વિક્રમાદિત્યએ કહ્યું, ‘એક પછી એક બાળકોને છોડી દે હું તારી પાસે આવું છું. માતા કાલિના ભોગ માટે.’
એક રાક્ષસ બાળકોને છોડવા લાગ્યો અને બીજો રાક્ષસ ઋષિ અને વિક્રમાદિત્યને લઈ મા કાલિની પાસે પહોંચી ગયો. જ્યાં રાજા વિક્રમને બલિ દેવાની હતી.
મોટી, જીભ કાઢતી કાલી માતાની પ્રતિમા હતી. બલિ હેતુ મોટી તલવાર સજાવેલી હતી. જરા અમથા પણ વિચલિત થયા વિના મહારાજા વિક્રમાદિત્યએ પોતાનું માથું બલિની જગ્યાએ રાખી દીધું. પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા. રાક્ષસે મોટી તલવાર ઉઠાવી લીધી. ને એકાએક નજીક આવી તેણે તલવારનો ઘા કરી દીધો. તલવારનો દૂર પડવાનો અવાજ સાંભળતા વિક્રમે બલિની જગ્યાએ રાખેલા માથાને અદ્ધર કર્યું ને પછી ઊભા થયા. રાક્ષસે તેમને ગળે લગાવી લીધા.
વિક્રમે જોયું કે રાક્ષસની જગ્યાએ ઈન્દ્ર અને પવન દેવતા ઊભા છે. એ બંને તેમની પરીક્ષા લેવા ઈચ્છતા હતા. ઈન્દ્ર અને પવન જોવા ઈચ્છતા હતા કે વિક્રમ શું સાંસારિક વસ્તુઓનું જ દાન કરી શકે છે કે પછી પોતાના અમૂલ્ય જીવનને પણ પ્રજા પર આવેલી આપત્તિ માટે ન્યોછાવર કરી શકે છે.
ઈન્દ્ર દેવે કહ્યું, ‘તું યજ્ઞ કરતો હતો ત્યારે જ મારા અને પવન દેવના મનમાં તારી પરીક્ષા લેવાનો વિચાર આવી રહ્યો હતો.’
એમણે વિક્રમને યશસ્વી થવાનો તથા તેની કિર્તી ચારે તરફ ફેલાવાના આશીર્વાદ આપ્યા.
(ક્રમશ:)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત