લેખક : વિનોદ ભટ્ટ
પુસ્તક : વિનોદકથા
પ્રકાશન : ગુર્જર સાહિત્ય પ્રકાશન
સ્વર્ગ-નરક…!
સ્વર્ગમાં સન્નાટો છવાઈ ગયો. સ્વર્ગ અને નરકની વચ્ચેનો દરવાજો ખોલી નાખવામાં આવ્યો હતો, એટલું જ નહીં, પણ સ્વર્ગમાં વસનારા પુણ્યાત્માઓને નરક ભણી રવાના કરવામાં આવી રહ્યા હતા અને નરકમાં સબડનાર પાપાત્માઓને સ્વર્ગમાં ફેરવવામાં આવી રહ્યા હતા. જેમણે સ્વર્ગની કલ્પનાય નહોતી કરી એમને સ્વર્ગનું સુખ આપવામાં આવ્યું ને જેમણે સ્વપ્નમાં ય પાપ નહોતું કર્યું એમને નરકમાં ધકેલવામાં આવી રહ્યા હતા.
સ્વર્ગ અને નરકની વચ્ચેના દ્વાર પર ઊભેલા દ્રારપાળને એક પુણ્યાત્માએ પૂછ્યું : ‘અમને કયા ગુનાની સજા મળી છે?’
જવાબમાં દ્રારપાળ હસ્યો. મહાત્માએ ફરી પૂછ્યું : ‘વગર ગુને અમને આમ એકાએક નરકાગારમાં ધકેલી દેવાનું કોઈ કારણ ?’
‘કારણમાં તો એવું છે ને… કે,’ બોલી દ્રારપાળે ચારેબાજુ નજર કરી. પછી ધીમેથી કહ્યું, ‘ઈન્દ્ર ફરીથી જંગી બહુમતિથી ચૂંટાઈ આવ્યા છે. અને એમણે બંધારણના મૂળમાં જ સુધારો કરી નાખ્યો છે. પાપ અને પુણ્યની વ્યાખ્યાઓની અદલા-બદલી કરી નાખી છે.’
ગરીબી હટાવો
વિરોધ પક્ષે કાગારોળ કરી મૂકી. પ્રજાએ પોકારો પાડ્યા. ગરીબી હટાવવાના નામે મત પડાવી ગયેલ પ્રધાનોને પ્રજાએ પકડ્યા.
‘તમારા વચન પર વિશ્વાસ મૂકીને અમે તમને ચૂંટ્યા. બોલો, ગરીબી હવે ક્યારે દૂર કરો છો?’ પ્રજાએ જવાબ માગ્યો.
‘જુઓ, ગરીબી એમ કંઈ ચૂટકીમાં ન હટાવી શકાય. એને માટેનાં નક્કર પગલાં વિચારવાં જોઈએ. વ્યવસ્થિત યોજનાઓ ઘડી કાઢવી જોઈએ. ગરીબી હટાવવા માટે અમે ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારી રહ્યા છીએ. આટલો સમય તમે રાહ જોઈ તો થોડી વધુ રાહ જુઓ… અમે ગરીબી દૂર કરીને જ જંપીશું…’ યોજનાપ્રધાને પ્રજાને હૈયાધારણા આપી.
અને કોઈ એક સવારે વડાપ્રધાને જાહેરાત કરી, ‘એનો અમને આનંદ છે કે હવે ‘ગરીબી’ જેવો શબ્દ પ્રજાને જોવા નહિ મળે….’
-અને પ્રજાએ નવો શબ્દકોશ ઉઘાડીને જોયું તો એમાંથી ‘ગરીબી’ શબ્દને હટાવી દેવામાં આવ્યો હતો.
નરક, સ્વર્ગ અને સમાજવાદ
… એ પ્રધાને દેશમાં સમાજવાદ લાવવાનાં ગાણાં જિંદગીભર ગાઈ ગાઈને વૈભવી ઠાઠમાઠ સાથે પૃથ્વી ઉપરનું જીવન પુરું કર્યું.
મૃત્યુ બાદ તે પ્રધાનનો નરકવાસ થયો. સ્વર્ગમાં સ્થાન મેળવવા પ્રધાને ઘણા ધમપછાડા કર્યા, પણ કંઈ વળ્યું નહિ.
નરકમાં એ અરસામાં ચૂંટણીઓ આવતી હતી. પ્રધાને ચૂંટણીમાં ઝુકાવ્યું. પોતાની પહેલી જ ચૂંટણી-સભાને સંબોધતાં પ્રધાને કહ્યું, ‘સાંભળો… મને ચૂંટશો તો હું નરક પર સ્વર્ગ ઉતારીશ…!’
ઉપાય…
એ માણસનો ચહેરો જ એવો હતો. કોઈનેય તેનો ચહેરો જોવો જ નો’તો ગમતો.
પોળના આઠ-દસ રહીશો મને મળવા આવ્યા. એ બધા એ કહેવા આવ્યા હતા કે પેલાનું મોઢું આપણે જોવું ન પડે એવો કોઈ રસ્તો શોધી કાઢો.
અમે બધા એનો ઉપાય વિચારવા માંડ્યા. લાંબા વિચારને અંતે અમે એનો ઉપાય શોધી કાઢ્યો.
અને અમે બધાએ તનતોડ મહેનત કરીને પેલાને ચૂંટણીમાં જિતાડી દીધો. નિરાંત થઈ ગઈ. હવે કમ-સે-કમ પાંચ વર્ષ સુધી તો અમને એ મોઢું નહિ જ બતાવે.
પહેલું કામ
તે રાજ્યના નવા મુખ્ય પ્રધાને ખુરશીનો હવાલો સંભાળતાવેંત જ પ્રજાજોગ નિવેદન કર્યું : ‘તમારી સાથે મારે જૂનો હિસાબ સમજવાનો છે. ત્યાર પછી જ નવા હિસાબ બાબત વિચારી શકાય. મારી આગળના, મારા પુરોગામી પ્રધાનો તમને જે વચનો આપેલાં તે મને પરત કરશો, ત્યાર બાદ જ હું નવા વચનો આપી શકીશ…’
મરદ…!
દાઢી પર બીજો હાથ મારી દીધા પછી વાળંદે તેને પૂછ્યું, ‘આ મૂછનું શું કરવું છે સાહેબ?’
‘એટલે?’ તેણે સામે પૂછ્યું.
‘એટલે એમ કે મૂછો રાખવી છે કે કાઢી નાખું ?’
તેણે અરીસામાં જોયું. મૂછો તલવાર-કટ હતી. ખાસ ખરાબ પણ નો’તી લાગતી. જોકે એનાથી બહુ પ્રભાવેય નો’તો પડતો.
‘સામે કોઈ મરદ હોય તો જ મૂછોને તાવ દેવાની મજા આવે…’ તે બબડ્યો પછી સામે લટકતા કેલેન્ડરમાં જોયું. કેલેન્ડરમાં ગાંધી તેની સામે જોઈ હસી રહ્યા હતા.
ફરી અરીસામાં જોતાં તેણે વાળંદને કહ્યું, ‘‘કાઢી નાખ તું તારે… હોય કે ના હોય… હવે બધું સરખું જ છે.’’
ને જાણે આવા જ આદેશની રાહ જોતો હોય એમ વાળંદે અસ્ત્રાના એક જ ઝાટકે તેની મૂછ ઉતારી દીધી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત