Team Chabuk- National Desk: દિલ્હીમાં થૈલિયમ ઝેર આપીને સાસુ અને સાળીની હત્યાના આરોપમાં પોલીસે જમાઈની ધરપકડ કરી છે. આરોપ છે કે, આરોપીએ પોતાની પત્ની, સાળી અને સાસુ-સસરા સહિત કુલ પાંચ લોકોને ઝેર આપી દીધું હતું. હાલ આરોપીની પત્ની તેના સસરા અને તેમના ઘરે કામ કરવા આવતી મહિલા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પોલીસનું કહેવું છે કે, દિલ્હીમાં થૈલિયમ ઝેર આપીને હત્યા અને હત્યાના પ્રયાસનો આ પહેલો કિસ્સો છે. આ ઘટના પૂર્વ દિલ્હીના ઇંદ્રપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે.
થૈલિયમ ખતરનાક છે
પોલીસે કહ્યું કે, થૈલિયમ એવું ધીમુ ઝેર છે જેમાં વ્યક્તિ ધીમે ધીમે મૃત્યુ તરફ જતો રહે છે. આ ઝેર જે વ્યક્તિના શરીરમાં જતું રહે છે તે વ્યક્તિના વાળ ખરવા લાગે છે ઉપરાંત શરીરમાં અન્ય બીમારીઓ પણ ઘર કરી જાય છે. જો યોગ્ય અને સમયસર સારવાર ન મળે તો અંતમાં પીડિત વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે.
આરોપીની ધરપકડ
પોલીસે કહ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીનું નામ વરૂણ અરોડા છે. તેના ગ્રેટર કૈલાશ પાર્ટ-1 સ્થિત ઘરમાંથી એક ગ્લાસમાં થોડું થૈલિયમ મળ્યું છે. પોલીસે આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. જેમાંથી આ ઝેર ક્યાંથી લાવ્યો તે અંગેની માહિતી મળશે તેવી પોલીસને આશા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, સસરાપક્ષ તરફથી કોઈ વાત મુદ્દે તેનું અપમાન કરાયું હતું. જેનો બદલો લેવા માટે વરૂણે આ વર્ષે જ જાન્યુઆરીમાં માછલીમાં થૈલિયમ ઉમેરી તમામને ખવડાવી દીધું હતું.
પરિવારની હાલત ખરાબ થઈ
આ ઘટના બાદ ધીમે ધીમે પત્નીના પરિવારના લોકોના વાળ ખરવા લાગ્યા હતા. 22 માર્ચે ગંગારામ હોસ્પિટલમાં ઈન્દ્રપુરી પોલીસને કોલ મળ્યો હતો. હોસ્પિટલ તરફથી જણાવાયું હતું કે, ઈંન્દ્રપુરી વિસ્તારના રહેવાસી અનિતા દેવી નામની એક મહિલાને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. હોસ્પિટલમાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા છે. જો કે, આ કેસ વિવાદાસ્પદ લાગી રહ્યો છે. મહિલાની મેડિકલ તપાસમાં સામે આવ્યું છે કે તેને થૈલિયમ નામનું ઝેર આપવામાં આવ્યું છે. તેના શરીરમાંથી આ ઝેરની કેટલીક માત્રા મળી છે.
હોસ્પિટલે જાણ કરી
મામલો શંકાસ્પદ લાગતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી અને તપાસ આગળ વધારી હતી. આ દરમિયાન જ પોલીસને જાણવા મળ્યું કે, દિવ્યા નામની એક મહિલાને સર ગંગારામ હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવી છે. તેની હિસ્ટ્રી પણ થૈલિયમ ઝેરની આવી રહી છે. દિવ્યા વેન્ટીલેટર પર છે. તપાસમાં સામે આવ્યું હતું કે, વેન્ટીલેટર પર જે મહિલા છે તે ગંગારામ હોસ્પિટલમાં મૃત્યુ પામેલી મહિલાની દીકરી છે. એટલું જ નહીં પોલીસની તપાસમાં સામે આવ્યું કે, મૃતકની નાની દીકરીનું પણ આ જ કારણે મૃત્યું થયું છે. તેના શરીરમાંથી પણ થૈલિયમ ઝેરની માત્રા મળી હતી.
તપાસમાં ખુલાસો
આ ઉપરાંત મોહન શર્મા નામના વ્યક્તિમાં પણ સમાન લક્ષણો જોવા મળ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ વ્યક્તિ તો મહિલાનો પતિ છે. ત્યારબાદ વધુ એક મહિલાને આ પ્રકારના લક્ષણો જોવા મળ્યા. આ મહિલા આ પરિવારના ઘરમાં જ કામ કરવા જતી હતી. પરંતુ પોલીસ એ વાત સ્પષ્ટ નહતી કરી શકતી કે આ લોકોને ઝેર આપવામાં આવ્યું છે કે પછી અકસ્માત છે.
જમાઈ પર હતી શંકાની સોઈ
પોલીસ તપાસ કરી રહી હતી એ સમયે તેમને પરિવારના જમાઈ પર શક ગયો હતો. તેની ગોળ-ગોળ વાતોથી પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, જાન્યુઆરીમાં વરૂણ સાસરિયામાં ગયો હતો. જ્યાં તમામ લોકોને માછલી તેમજ અન્ય ભોજનમાં થૈલિયમ ઝેર આપી દીધું હતું. ત્યારબાદથી પરિવાર તેમજ તેમના ઘરે કામ કરવા આવતી મહિલાની તબિયત લથડી હતી. આ મુદ્દે પોલીસે વરૂણની અટકાયત કરીને તેની આકરી પૂછપરછ કરી હતી. પોલીસે કડક શબ્દોમાં પૂછપરછ કરતાં વરૂણે સત્ય સ્વીકારી લીધું હતું. તેણે પોલીસ સામે કબૂલાત કરી હતી કે આ બધુ તેણે બદલો લેવાની ભાવના સાથે કરી કર્યું હતું. આમ, બદલાની ભાવનામાં આ વ્યક્તિએ એક પરિવારને વેરવિખેર કરી નાખ્યો અને હવે પોતે પણ જેલમાં જીવન પસાર કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત