Homeવિશેષવિશ્વ તમાકુ નિષેધ દિવસઃ કેન્સરના દર્દીઓ સાથે આવનારા પણ ધુમ્રપાન કરે છે...

વિશ્વ તમાકુ નિષેધ દિવસઃ કેન્સરના દર્દીઓ સાથે આવનારા પણ ધુમ્રપાન કરે છે અને માને છે કે, એમને ભલે થયું અમને નહીં થાય

Team Chabuk-Special Desk: ૩૧મી મેના રોજ નો ટોબેકો ડે અથવા વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાય છે. જેનો આશય તમાકુની શરીર અને આરોગ્ય પર થતી જીવલેણ અસરોનો પ્રચાર કરીને લોકોને તમાકુના વ્યસન થી દૂર રાખવાનો છે. વર્ષ ૨૦૨૨ ના વિશ્વ તમાકુ નિષેધ દિનનું સંદેશ સૂત્ર (થીમ) પર્યાવરણને બચાવો છે. આ સૂત્ર એવો સંદેશ આપે છે કે તમાકુ પર્યાવરણ માટે પણ નુકશાનકારક છે.

તમાકુ પર્યાવરણને કેવી રીતે નુકશાન કરે એ સમજાવતાં દંત ચિકિત્સક ડો.યોગેશ ચંદારાણા જણાવે છે કે ધૂમ્રપાનથી હજારો ટન અંગારવાયુ સી.ઓ.૨ હવામાં ભળીને વાતાવરણને દૂષિત કરે છે અને તાપમાન વધારે છે. સિગારેટ જેવા પદાર્થો બનાવવામાં વિપુલ પ્રમાણમાં પાણી અને કાગળ વપરાય છે જે વૃક્ષો અને જળ સંપત્તિની ઘોર ખોદે છે.

વિચિત્ર સત્ય: ડીનાયલ મોડ

સયાજી હોસ્પિટલના કેન્સર સારવાર વિભાગમાં એક વિચિત્ર સત્ય સામે આવ્યું છે. તમાકુના સેવનને લીધે જેમને કેન્સર થયું હોય તેવા રોગીને લઈને આવેલા સ્વજનો આ સત્ય જાણવા છતાં છૂટથી તમાકુ ખાતા કે ધૂમ્રપાન કરતાં જોવા મળે છે. ડીનાયલ મોડ તરીકે ઓળખાતી આ મનોસ્થિતિ હેઠળ તેઓ એવું માનતા હોય છે કે એમને ભલે થયું અમને કશું ના થાય!

તમાકુ એક પણ રોગ આપે અનેક

તમાકુના વિવિધ પ્રકારે સેવનથી વિવિધ પ્રકારના કેન્સર ઉપરાંત દમ, ટીબી, ધૂમ્રપાનથી રક્ત નલિકાઓ સંકોચાવાથી હૃદય રોગ, મગજના રોગો થવાની સંભાવનાઓ જોતાં તમાકુનું સેવન એ જીવલેણ આદત છે એવું કહેવામાં કશું જ ખોટું નથી. તમાકુની આરોગ્ય પરની આ માઠી અસરોને અનુલક્ષીને યુનો એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સદસ્ય દેશોમાં ૧૯૮૭ થી ૩૧ મી મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવવામાં આવે છે. જેનો આશય તમાકુ સેવનની સીધી અને આડકતરી ખરાબ અસરો સામે લોકોને સાવધ કરવાનો છે. આ દિવસે જીવલેણ તમાકુ થી દુર રહેવાનો લોકોને સંદેશ આપવામાં આવે છે.

તમાકુ એક થી વધુ અંગોને બગાડે છે

સયાજી હોસ્પિટલના રેડીએશન ઓનકોલોજી વિભાગના વડા ડો.અનિલ ગોયલ કોરોના અને તમાકુની મૈત્રી સ્પષ્ટ કરતા જણાવે છે કે જે લોકો ધૂમ્રપાન કરે છે તેમને ગંભીર કોવિડ અને તેનાથી મૃત્યુની સંભાવના ૫૦ ટકા વધી જાય છે, કારણકે ધૂમ્રપાનને લીધે આવા લોકોના ફેફસાં ઓલરેડી અસર પામેલાં હોય છે. તેઓ કહે છે કે અમારે ત્યાં કેન્સરની સારવાર લેવા આવનારની પહેલી પૂછપરછ તેમની તમાકુ સેવનની આદત અંગે કરવામાં આવે છે.

તેમના જણાવ્યા પ્રમાણે તમાકુ ખાવા કે ધૂમ્રપાન કરવાથી મોઢા,ગલોફા, તાળવા કે જડબા અને ગળાના કેન્સર ઉપરાંત શ્વાસ નળી,અન્ન નળી,સ્વરપેટીના કેન્સર સીધે સીધા થાય છે. તે ઉપરાંત પિત્તાશય, મહિલાઓમાં ગર્ભાશય,સર્વિક્સ, પેશાબની કોથળીનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે. ગુટખા રૂપે કે અન્ય રૂપે ચાવીને, છીંકણીના રૂપમાં તમાકુનું સેવન કરનારી મહિલાઓની સંખ્યા લગભગ પુરુષો જેટલી જ છે. તમાકુના ઘાતક તત્વો શરીરમાં શોષાઈને લગભગ તમામ અંગોને, અરે! ન્યુક્લિયસ અને ડી.એન.એ.ને પણ દૂષિત કરે છે.

ડો.અનિલ જણાવે છે કે કેન્સર એક એવો રોગ છે જે વિવિધ કારણોથી થાય છે. માત્ર તમાકુના સેવનથી કેન્સર થાય છે એવું નથી. પરંતુ તમાકુના સેવનને લીધે કેન્સર થવાની શક્યતા ખૂબ વધી જાય છે. એટલે કે આવા લોકોમાં કેન્સરનું રિલેટિવ રિસ્ક વધુ જણાયું છે. તેમના વિભાગમાં આવનારા દર્દીઓ અને તેમના પરિવારજનો નું તમાકુની ખરાબ અસરો અને તે છોડવાની જરૂર અંગે કાઉન્સિલર દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવે છે.એવું ધ્યાનમાં આવ્યું છે કે વડીલોની દેખાદેખી લગભગ ૧૪ કે ૧૫ વર્ષની ઉંમર થી કિશોરો તમાકુ ખાવા કે પીવાની આદતે ચઢી જાય છે.તેઓને લાગે છે કે વડીલો સેવન કરે છે એટલે આપણે કરીએ.

આમ,તમાકુ સેવન એ  માત્ર એક વ્યક્તિ નહિ પેઢીનું આરોગ્ય બગાડનાર આદત છે. તે માનવ પેઢીની સાથે પર્યાવરણના મણકાઓ ને પણ વિપરીત અસર કરે છે. તેનાથી અંતર પાળવામાં જ માનવજાતની ભલાઈ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments