Homeવિશેષ‘વૃક્ષારોપણ’ના કાર્યક્રમોની જગ્યાએ ‘વૃક્ષઉછેર’ના કાર્યક્રમો થવા જોઇએ

‘વૃક્ષારોપણ’ના કાર્યક્રમોની જગ્યાએ ‘વૃક્ષઉછેર’ના કાર્યક્રમો થવા જોઇએ

અશોક  સરિયા:  જુન મહિનો શરૂ થાય એટલે ચોમાસાની શરૂઆત થાય અને 5 જુને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થાય. એટલે નેતાઓ અને આગેવાનો કે મોટી સંસ્થાના સત્તાધારીઓ દ્વારા વિવિધ જગ્યાએ વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન થવા લાગે અને છાપાઓમાં વૃક્ષોને વાવીને પાણી રેડતા ફોટાઓ છપાવા લાગે અને હવે તો સોશિયલ મીડિયામાં આવા ફોટોઝ અપલોડ કરવાનો પણ એક ટ્રેન્ડ બની ગયો છે. જેથી લોકો આપણા એક દિવસીય ભગીરથ કાર્યને પસંદ કરે.  

અને આ બધી જ પ્રવૃત્તિઓને જોઇને લોકો પણ તેમની વાવવાહી કરતા હોય. અને આવું કરનારને પણ પોતે કંઇક સારું કામ કર્યું છે અને લોકોએ તેને વખાણ્યું છે એવું ફિલ થવા લાગે. જોકે વૃક્ષારોપણનું કાર્ય એ બેશક સારું જ કાર્ય છે પરંતુ એ કાર્યક્રમ પૂરો થયા પછી આ રીતે વવાયેલા વૃક્ષોનું શું ? કોઈ દિવસ ભાવ પૂછ્યો છે?

આ રીતે વૃક્ષારોપણના કાર્યક્રમ વખતે નામધારી લોકો મોટી સભાઓ કરીને સ્ટેજ ઉપરથી પર્યાવરણના હિતેચ્છુ હોય એવી મોટી મોટી ગુલબાંગો હાંકીને વૃક્ષારોપણનું મહિમાગાન કરે છે. સૌને એવું લાગે છે કે હવે તો આ વિસ્તાર વૃક્ષોથી હર્યોભર્યો થઇને જ રહેશે. એ કાર્યક્રમ પત્યે મોટાપાયે નામધારી લોકોનાં હાથે અલગ અલગ વૃક્ષોનાં છોડનું રોપણ થાય અને તેમને પાણી સિંચાય એટલે થાય કે હવે બધું સારું થઇ રહેશે. પણ વરવી વાસ્તવિકતા તો એ છે કે આવા કાર્યક્રમો પૂરા થયા પછી ત્યાં વવાયેલા વૃક્ષો સાચે જ ઉછરે છે ? એ બાબતની દરકાર કોઇ લેતું નથી.

ઘણીવાર તો એવું પણ બને છે કે કોઇ એક જગ્યાએ આ રીતના વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન દર વર્ષે યોજાય છે. અને છતાં પણ એ જગ્યા ઉપર આ રીતે વવાયેલા વૃક્ષો ક્યારેય મોટા થયા જ હોતા નથી. દર વર્ષે એ કાર્યક્રમ ત્યાં પુનરાવર્તિત થતો રહે છે. વાત હાસ્યાસ્પદ છે પણ એવું બની રહ્યું છે. આરંભે સૂરાની માફક મોટા કમઠાણ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ સુપેરે પાર પડી જાય છે, પણ ત્યાર પછી એ વૃક્ષોનું શું થાય છે એની કોઇને પડી નથી હોતી. માત્ર નામની પ્રસંશા મેળવવા અને લોકો ઉપર પોતાની સારી છાપ છોડવા પૂરતા આવા કાર્યક્રમો મર્યાદિત થઇ ગયા હોય એવું લાગી રહ્યું છે.

હવે તો કંઇક એવું થવું જોઇએ કે આવા વૃક્ષારોપણના કાર્યક્રમોની જગ્યાએ વૃક્ષઉછેરના કાર્યક્રમો થાય. જેમાં વૃક્ષોનું વાવેતર કરવા માટે કોઇ આવી જાકજમાળ કરવાની નહીં. વૃક્ષોનું વાવેતર કરી દેવાનું અને તેના ઉછેરનું કામ ચાલું રાખવાનું જ્યારે એ વૃક્ષ ઉછરીને મોટું થઇ જાય ત્યારે તેના માનમાં ભવ્ય કાર્યક્રમ ગોઠવવાનો કે આ વૃક્ષોનો ઉછેર અમે કર્યો છે. પર્યાવરણના રક્ષણમાં આટલું યોગદાન આપ્યું છે. (જેમ કે કોઇ આંતરમાળખાકીય સગવડ ઊભી કરવામાં આવે ત્યારે તેનું કામ પૂર્ણ થાય અને લોકહિતાર્થે ખુલ્લું મુકવામાં આવે ત્યારે જે રીતે તેના ઉદ્ઘાટનો યોજાય છે બરાબર એ જ રીતે.) આવું કરવું ખુબ કઠીન છે, કારણ કે તેના માટે સમય અને શક્તિ ખર્ચવી પડે. વાવેલા વૃક્ષના જતન માટે જાત ઘસવી પડે. જ્યારે કે વૃક્ષારોપણ કરીને જસ ખાટીને છૂટા થઇ જવાય છે અને એટલે આવા અસંખ્ય વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાતા હોવા છતાં પણ વૃક્ષોની સંખ્યામાં ખાસ કંઇ વધારો થતો નથી.

તો આવું કંઇક અલગ પરિવર્તન ઇચ્છિનય જણાય રહ્યું છે કે વૃક્ષારોપણ કરનારની વાહવાહી નહીં પરંતુ વૃક્ષને ઉછેરનારને માન સન્માન મળે. વાવીને વયા જાય એને નહીં પણ ઉછેરીને મોટું કરે એને મહત્વ મળે. થોડી કલાકો અને મોટી મોટી વાતો કરી વૃક્ષ વાવનારને નહીં પરંતુ જાત ઘસી, વૃક્ષને ઉછેરીને મોટું કરનારને મોટું માન મળે. ત્યારે જ વૃક્ષોની વસતી વધશે. બાકી તો વૃક્ષોને વાવીને તરછોડી દેતાં આવા વૃક્ષારોપણના કાર્યક્રમોનું એ વવાયેલા વૃક્ષોની જેમ જ બાળમરણ થતું રહેશે. જો વૃક્ષોની વૃદ્ધિ બાબતે નક્કર પરિણામ લાવવું હશે તો વૃક્ષારોપણ કાર્યક્મો નહીં પરંતુ વૃક્ષઉછેર કાર્યક્રમોને અમલમાં મૂકવા પડશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments