Homeવિશેષડિટેક્ટિવ ડગલી અને મૂર્તિ ચોર

ડિટેક્ટિવ ડગલી અને મૂર્તિ ચોર

Team Chabuk-Creative Story Desk: રાતના આઠ વાગ્યા હતા. ત્રીજા માળ ઉપર હું અને ડગલી ખાટલો ઢાળીને સૂતા હતાં. આજે સવારમાં ડગલી પોતે તો દોડ્યો પણ મનેય ખાસ્સો દોડાવ્યો હતો. એનો થાક આખા શરીરમાં વરતાતો હતો. ડગલીના મોઢામાં મીઠું પાન હતું. કોઈ કોઈ વખત એ પાન ખાય છે. એની નજર તારાઓ ભણી હતી. ખાટલાની બાજુમાં તેની રાઉન્ડ હેટ પડી હતી. એ પવનની થપાટથી ઉડતી હતી. બુડકી નદીમાંથી પવન સારો એવો આવતો હતો. વીજળી બચાવવી જોઈએ એના પર એક કલાક પંખો બંધ કરીને પ્રવચન આપ્યા પછી ડગલી મને અહીં લાવ્યો હતો.

‘એ ડગલી…. એ ડગલા…. ઓ…યે…’ કોઈ અમને બોલાવતું હતું. ડગલી અને મેં એક સાથે અગાશી ઉપરથી નીચે જોયું. એ કરસનદાસ હતો.

‘શું છે?’ મેં પૂછ્યું.

‘તમારા સાટું કોઈનો રાજકોટથી ફોન આવ્યો હતો. પંદરેક મિનિટમાં પાછો આવશે જઈને રાહ જુઓ.’

‘આ ફોને તો ઉપાડા લીધા છે.’ ડગલી દાંત કચકચાવીને બબડતો બબડતો નિરાશ ચહેરે ઊભો થયો. એણે બાજુમાં પડેલા બુશર્ટને ઝાટક્યો અને પહેરી લીધો. માથા પર ટોપી રાખી અને હું તો તૈયાર જ હતો.

થોડીવારમાં અમે ટેલિફોન બુથે પહોંચી ગયા. આ ટેલિફોન બુથ રામભાઈનું હતું. અમે આવ્યા એ જોઈ તેઓ થોડા અકળાયા તો ખરી, પણ હવે અમે આવી જ ગયા હતા એટલે નાહકના નિભાવવાના હતા. બાજુમાં બે ખુરશી હતી. તેના પર હું અને ડગલી બિરાજમાન થયા. કોઈ હતું નહીં એટલે ડગલી સીટી વગાડવા લાગ્યો. રામભાઈ આ જોઈ ગુસ્સે ભરાયા. મેં તેમને બત્રીસી દેખાડી વાતાવરણમાં ઠંડક લાવવાનો પ્રયાસ કર્યો.

‘તમારે ઘરનો ટેલિફોન લઈ લેવાની જરૂર છે.’ રામભાઈ કટાણું મોઢું કરીને બોલ્યા.

‘એ જ વિચારીએ છીએ. તમે આ ગામમાં નહીં હો ત્યારે લઈ લઈશું.’ ડગલીએ વળતો જવાબ આપ્યો અને પાછો સીટી વગાડવાના કામમાં મગ્ન થઈ ગયો.

ટ્રીનટ્રીન…. ટ્રીનટ્રીન…. ટ્રીનટ્રીન…. ફોનની ઘંટડી વાગી. અમારા ત્રણેનું ધ્યાન ફોન પર ગયું. ડગલીએ જઈ ફોન ઉપાડ્યો, ‘હેલ્લો…’

સામે ટૂંકાણમાં વાત ચાલી. ડગલીએ ફોન મૂકી મારી તરફ જોઈ ગરદન હલાવી, ‘ચાલો.’

રામભાઈને રામ રામ કરી હું અને ડગલી પાછા ફર્યા. રસ્તામાં મેં ડગલીને પૂછ્યું તો ડગલીએ ખાલી રાજકોટ જવાનું છે કહી આખી વાત ત્યાં જ સમાપ્ત કરી દીધી. કોનો ફોન હતો? શા માટે હતો? તારું શું કામ હતું? તેવો કોઈ જવાબ ડગલીએ ન આપ્યો. અમે ઘરે જઈ અગાશી પર પોઢી ગયા. પોહ ફાટતા હું અને ડગલી વિશાલપુરના સ્ટેન્ડથી બસ પકડી રાજકોટ ઉપડ્યા.

ત્રણેક કલાક જેવો રાજકોટ પહોંચતા અમને સમય લાગ્યો. અમે અમારી સાથે બે જોડી કપડાં લીધા હતા. રીક્ષા કરી ત્રિકોણબાગની ઝલઝીલા મંજીલે ગયા. મારા માટે તો આ બધું વિસ્મય પમાડતું હતું. ખાસ ડગલીનું મૌન.

ડગલી અત્યાર સુધી મૌન હતો. કાંઈ બોલી નહોતો રહ્યો. પૂછું તો કહે, ‘જયલા, પેલા મને તો ખબર પડવા દે.’

ઝલઝીલા મંઝીલમાં પહોંચતા એક નોકર આવ્યો અને નમ્યો. તેણે અમારી પાસેથી બેગ માગ્યું અને અમને મુખ્ય કક્ષ તરફ દોરી ગયો. લાંબી મુસાફરીથી થાક લાગ્યો હતો. અમે ખુરશી પર બેઠા. ચા આવી ગઈ. ચા પીધી.

‘ડગલી.’ કોઈનો આનંદિત અવાજ અમારા કાને પડ્યો. મેં અને ડગલીએ પાછળ જોયું. અમે તેમને ઓળખ્યાં નહીં. એ અમારાથી ઉંમરમાં ખાસ્સા મોટા લાગતા હતા. અમારા પિતાની ઉંમરના. એ આવ્યા એટલે અમે ખુરશી પરથી ઊભા થઈ ગયા. તેમણે હાથેથી અમને બેસવા નમ્ર રીતે સૂચિત કર્યા, ‘અરે… એની કંઈ જરૂર નથી.’

સફેદ કલરના ઈસ્ત્રી કરેલા વસ્ત્રોમાં સજ્જ, સફેદ દાઢી-વાળ ધરાવતો અને સોનેરી કલરની ફ્રેમવાળા ચશ્મા પહેરેલો એ આધેડ અમારી સામે બેઠો. ડગલીએ ત્યાં સુધીમાં તેના શરીરનું નખશીખ અવલોકન કરી લીધું હતું. હવે તેના માટે પણ ચાનો કપ આવી ગયો હતો.

‘કાલ તમે ફોન કર્યો હતો?’ ડગલીએ પૂછ્યું.

‘હા. હું જ છું ગુણવંત નાઘેરા.’ એ વ્યક્તિના ગળામાંથી ઘોઘરો અવાજ નીકળ્યો.

‘તો અમારું કેમ કામ પડ્યું અને આખી વાત તમે ટેલીફોન પર કેમ ન કરી?’

‘ટેલીફોન દુષણ છે. ખબર નહીં કોણ, ક્યારે, કઈ વાત જાણી જાય. એમાં પાછું મારું તો શહેરમાં મોટું નામ છે. ભવિષ્યમાં તો આ ફોન જ મરાવશે શ્રીમાન ડગલી. એટલે મેં તમને અહીંયા મારા બંગ્લામાં બોલાવી લીધા. અને તમે કોણ…?’

તેણે પોતાના ચાના કપમાંથી ઊંડી ચુસ્કી ખેંચી લઈ મને પૂછ્યું, ‘હું…. હું ડગલીનો મિત્ર જયેન્દ્ર.’ જવાબ આપતા હું થોથવાયો.

‘તો તમે આસિસ્ટન્ટ છો?’

‘ના, એવું કંઈ નથી. હું અને જયેન્દ્ર તો ફક્ત આનંદ માટે આવા કેસ સોલ્વ કરીએ છીએ. અને એ પણ અમારા ગામના જ કેસ હોય છે. એ છોડો તમે પોલીસની મદદ કેમ ન લીધી? અમને અહીં સુધી લાંબાં કર્યા.’ ડગલીને જાણે આખી ઘટનાનો મુખ્ય વાયર મળી ગયો હોય એમ પૂછ્યું.

‘ધ્યાનથી સાંભળજે ડગલી. નોંધવું હોય તો નોંધી લે જે. હું રાજકોટના ખાનગી રાહે ચાલતા હેમિલ્ટન સંગ્રહાલયનો માલિક છું. બધું હું જ મેનેજ કરું છું. અમારા સંગ્રહાલયમાં ખાસ તખ્તીઓ આવે છે. મારો અનુભવ કહે છે કે તખ્તીને કોઈ ચોરવાની ભૂલ ન કરે. ભલે તેની કિંમત આંતરાષ્ટ્રીય માર્કેટમાં લાખો અને કરોડોમાં બોલાતી હોય પણ તેના પારખું ખૂબ ઓછા હોય છે અને પાછી કઈ મૂર્તિ શું કામની? એ તો ચોર કોઈ આલા દરજ્જાનો હોય તો જ ખબર પડે. મેં આમ માની એક જ ચોકીદારને ત્યાં સુરક્ષા માટે રાખ્યો હતો. એક વર્ષથી એ બરાબર સેવા આપતો હતો. એ ત્યાં સંગ્રહાલયની ઓરડીમાં જ ઊંઘી જતો હતો. એનું નામ મનોજ. બે અઠવાડિયા પહેલા મનોજની લાશ મળી આવી. સંગ્રહાલયમાંથી એક તખ્તી પણ ગાયબ છે. જો ઈન્ટરનેશનલ માર્કેટમાં તેને વેચવામાં આવે તો તેની કિંમત કરોડોમાં થાય. રાજકોટ એરપોર્ટ અને બસસ્ટોપ પર તો કહી દેવામાં આવ્યું છે અને પોલીસ પણ કામે લાગી ગઈ છે. એટલે ચોર ભાગી નહીં શકે. કોઈએ મારા ચોકીદાર મનોજના માથાના ભાગે બોથડ પદાર્થ ફટકારી પતાવી દીધો. પોલીસે ખુબ શોધખોળ કરી પણ એમને ચોર મળ્યો નહીં. બે અઠવાડિયા થઈ ગયા. પોલીસ તો આજ કાલ કરે છે એટલે મેં એક બે વખત તારું છાપામાં નામ છપાયું હતું તો તારું કૌશલ્ય તપાસવાનું નક્કી કરી લીધું. પૈસાની ચિંતા ન કરશો. એ હું તમને આપી દઈશ. બસ, મને તખ્તી અને હત્યારો શોધી આપો.’

હું ડગલી શું બોલે છે તેની રાહમાં હતો. ગુણવંત નાઘેરાએ સીટ પરથી શરીરને આજુબાજુ કરી ટચાકિયાં ફોડ્યા.

‘અમારો ઉતારો તમારા એ સંગ્રહાલયમાં કરી આપજો.’

‘હું તો તમારા માટે હોટલ બુક કરી ચૂક્યો છું.’

‘આપનો આભાર ગુણવંત સાહેબ પણ મને લાગે છે કે અમારે સમય વેડફ્યા વિના આપના સંગ્રહાલયમાં જ રહેવું જોઈએ. ત્યાં જગ્યા ખરી?’

‘બિલકુલ…’ ગુણવંત નાઘેરા માની ગયો અને સંગ્રહાલયના એક વિશાળ ઓરડામાં હું અને ડગલી આવી પહોંચ્યા. ગુણવંત અમને અમારા ઓરડા સુધી છોડી ગયો. એ પછી તેમણે અમારી વિદાય લીધી. રૂમમાં ઠંડક હતી. મુખ્ય લાઈટ ઓન કરી હું અને ડગલી સંગ્રહાલયની વસ્તુઓ જોવામાં પરોવાયા. એક પણ તખ્તી મને સમજાતી નહોતી. બધી મૂર્તિઓ પ્રાચીન હતી. તેમાં લખેલું તો અમારા બેમાંથી કોઈ ઉકેલી ન શકે. ઈજીપ્તના પથ્થરમાંથી બનાવેલો સિંહ, મેસોપોટેમિયાની લિપીનો પથ્થર, બલ્ગેરિયાનો જૂનો ખાંડણીનો દસ્તો…. આ બધું તેની નીચે લખેલું હતું. આખું સંગ્રહાલય ઘુમી લીધા પછી ડગલી મને કહે, ‘અઘરું તો લાગે છે પણ થઈ જશે.’

‘આપણે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? મને તો આ કેસમાં ક્યાંયથી ધડ અને માથું દેખાતું જ નથી.’

‘આપણે ચોકીદાર મનોજની ઓરડીમાં જવું જોઈએ.’

‘પણ એ તો પોલીસે પોતાના કબ્જામાં લીધી હશે.’

‘ભલે, પણ ગુણવંત સાહેબે આપણને જે ચાવીનો ઝૂડો આપ્યો એમાંથી એક ચાવી તો હશે ને. માલિક છે એ. આટલી તો બુદ્ધિ દોડાવી હોય.’

લાકડાનો દરવાજો હતો. તોડી શકો તો આરામથી તૂટી જાય. ઝૂડામાંથી પાંચેક ચાવી લગાવી ત્યાં એક ચાવી લાગી ગઈ. ડગલીનું ગુણવંત નાઘેરા વિશેનું અનુમાન સાચું ઠર્યું. ચોકીદારનો ઓરડો ખુલી ગયો. ઓરડીમાં પોલીસે જ્યાં ચોકીદારની હત્યા થઈ હતી ત્યાં તેની આકૃતિ દોરી હતી. વધારે કંઈ સામાન નહોતો. એક ખાટલો જ હતો. ખાટલા ઉપર એક ગોદડું હતું. એ ગોદડું હજુ એમનેમ પડ્યું હતું. ગોદડા ઉપર પણ લોહીના એક બે ડાઘ દેખાતા હતા.

ડગલીએ ઓરડીના એક એક ખૂણાને તપાસ્યો. એ ખાટલાની પાછળની બાજુએ ગયો તો ત્યાં તેને ગોદડાની સાથે ચોંટી ગયેલું એક બટન મળી આવ્યું. ડગલીએ એ બટન હાથમાં લઈ ઊંચું કર્યું અને પછી મારી સામે ગધેડાની જેમ બત્રીસી દેખાડી હસવા લાગ્યો.

બાજુમાં રહેલા ખાનામાં ચોકીદારનાં કેટલાક બુશકોર્ટ પડ્યા હતા. એમાંથી એક બુશકોર્ટ તેણે લીધો. બુશકોર્ટના કોલરને ધ્યાનથી જોયું, ‘જયેન્દ્ર આમાં બ્લુ ટેલર લખેલું છે. આપણે કાલ આની દુકાને જવાનું છે.’

‘ડગલી, એક ખૂન થઈ ગયું છે અને તારે દરજીની દુકાને જવું છે?’

‘હા. મને શંકા છે. એ શંકાને મનમાં ભરાવીને આજે રાતે ઉંઘી જઈએ. કાલ સવારે પહેલા દરજીની દુકાને.’

બીજી સવારે અમે દરજીની દુકાને પહોંચી ગયા. ઊંચો અને કાળો માણસ હતો. સીવણ મશીન પર ધડાધડ પગ પછાડતો હતો અને પેન્ટ સીવી રહ્યો હતો. અમને અંદર આવેલા જોઈ તેણે માથું ઊંચું કર્યું અને પૂછ્યું, ‘બોલો, શું સીવડાવવાનું છે?’

‘આ હેમિલ્ટન સંગ્રહાલયમાં મનોજભાઈ…. જે ચોકીદારીનું કામ કરતાં હતાં, એ અહીંથી કપડાં સીવડાવતા હતા?’

‘તમે કોણ?’ તેણે આંખો ઝીણી કરી પૂછ્યું.

‘પ્રાઈવેટ ડિટેક્ટિવ ડગલી.’ આવા સવાલના જવાબ ડગલી કંઈક વધારે જ આત્મવિશ્વાસથી આપતો હતો. પેલો દરજી ડગલીના બોલવાના અંદાજથી ડરી ગયો.

‘હા.’

‘તો તમે અમારા માટે એક કામ કરો, એમના કપડાંનું જે માપ લીધું હોય એ અમને આપી દો. એકદમ લેટેસ્ટ હો….’

‘ડગલી મને તો કાંઈ સમજાતું નથી.’ હું ધીમેથી તેના કાનમાં ગણગણ્યો.

‘તું ચૂપ રહે અત્યારથી રહસ્ય જાણવા ઉસ્તુક ન થા. મને લાગે છે મારું તીર નિશાના પર લાગવાનું છે.’ ડગલીનો એક આ જ વાંધો હતો. એ મને કંઈ કહેતો નહીં. બધું મનમાં ને મનમાં જ રાખ્યા કરતો.

દરજી પાસેથી માપ લઈ અમે સીધા પોલીસ સ્ટેશન પહોંચી ગયા. ગુણવંત નાઘેરાને અગાઉથી જાણ કરી દીધેલી એટલે એ પણ ત્યાં હાજર હતાં. નાઘેરાએ અહીંના ઈન્સ્પેક્ટરને અમે કોણ છીએ તે વિશે અવગત કરી દીધેલા. કેસની તપાસ પ્રાઈવેટ ડિટેક્ટિવ પાસે જાય એટલે પોલીસ તો ચીડાવાની જ છે.

ડગલીએ આવતા વેત સિક્સર ફટકારી, ‘સાહેબ, ડેડબોડીના શરીરનું માપ લીધું છે તમે?’

‘અલ્યા તું છો કેવો ડિટેક્ટિવ?’ સાહેબ ડગલીની વાત સાંભળી ઉશ્કેરાય ગયા અને ખુરશી પરથી ઊભા થઈ ગયા.

‘તો હમણાં જ હોસ્પિટલે જઈએ અને ડેડબોડીનું માપ લઈ લઈએ.’

‘ડગલી આ કામમાં હું તારી સાથે નથી. મને ડેડબોડી જોયા પછી રાતે ઉંઘ નહીં આવે.’ મેં મારી તકલીફ જણાવી.

‘તો હું જઈશને, સાહેબ તમે એક વખત હોસ્પિટલમાં ફોન કરી દો કાં પછી અમારી સાથે આવો.’

એ મૂછાળો પોલીસ ડગલીની બત્રીસી જોઈ ગહન વિચારમાં ડૂબી ગયો, ‘તમે મારા બેટાઓ શું કરો છો એ જોવા તો મારે પણ આવવું છે.’

અડધી કલાકમાં અમે હોસ્પિટલમાં હતા. ઈન્સ્પેક્ટરની જીપમાં બેસીને આવવાની મજા આવી. રોદા ખાવાની તો વધારે મજા આવી. ડગલી હોસ્પિટલની અંદર ગયો અને અડધી કલાક પછી બહાર આવ્યો. પાછળ પોલીસ ઈન્સ્પેક્ટર સાહેબ પણ હાંફતા હાંફતા આવ્યા. ડગલીના ચહેરા પર રહસ્યમયી સ્મિત દેખાતું હતું. બીજા બધાને ઠીક પણ મને સમજતા વાર ન લાગી કે ડગલીને પાઘડીનો છેડો હાથમાં લાગી ગયો છે.

ગુણવંત નાઘેરા અને ઈન્સ્પેક્ટરને નજીક બોલાવી તેણે કહ્યું, ‘કાલે સવાર અને સાંજના તમામ મોટા અખબારમાં એક જાહેરખબર અને એક સમાચાર છાપી નાખો. જાહેરખબર એ કે હેમિલ્ટન સંગ્રહાલય માટે એક ચોકીદારની જરૂર છે. બીજું કે જે મૂર્તિ ચોરાઈ હતી એ મૂર્તિ અસલી નથી. ખાસ વાત કે આ બંને બાજુ બાજુમાં છપાવા જોઈએ. ભલે છપાવવામાં પૈસા લાગતા.’

‘પણ મૂર્તિ તો અસલી ચોરાઈ છે….’ નાઘેરાની આ વાત પર ડગલી ગુસ્સે ભરાયો, ‘હું કહું એમ કરો નાઘેરા સાહેબ. આરોપીને પકડવો છે ને?’

‘હા.’

‘બસ, ચાલ જયેન્દ્ર… આપણે કાલ રાતે સંતાકુકડી રમવાની છે.’

ડગલીએ કહ્યું હતું એમ એક જાહેરખબર અને એક સમાચાર બાજુ બાજુમાં અખબારમાં પ્રકાશિત થઈ ગયા. રાજકોટના પાંચે પ્રમુખ અખબારો અને સાંજના અખબારોમાં પણ હેમિલ્ટન સંગ્રહાલય માટે ચોકીદારની જરૂર છે અને મૂર્તિ ચોરાઈ તે અસલી નથી. ફકરાઓનાં ફકરાઓ લખ્યા હતા. એમાં સાંજના છાપાઓએ તો કોલમ ભરવા માટે લખાણ લાંબુલચ કરીને પીરસ્યું હતું.

ડગલીએ મને અગાઉથી કહ્યું હતું કે ઉજાગરો કરવાનો છે. સામેના મકાનમાં પોલીસ છુપાઈ ગઈ હતી. રાતના એક વાગતા કોઈના પગનો અવાજ આવ્યો. પગનો અવાજ સંભળાયો એટલે ડગલીએ મને કોણી મારી સાબતો કર્યો. તે એ જ દિશામાં ગયો જ્યાં મૂર્તિ રાખવામાં આવી હતી. ડગલીએ પાછળથી જઈ તેને ખબર ન પડે એ રીતે ધાબળો ઓઢાળી દીધો. મને પણ કેટલાય સમયથી હાથમાં ખંજવાળ આવી રહી હતી. હું તો મારવા જ લાગ્યો. મારા ગામના કેટલાક લોકો પર જે ગુસ્સો મને આવતો હતો એ બધો ચોર પર ઉતાર્યો. ચોર રાડો પાડતો હતો પણ હું અને ડગલી રોકાયા નહીં. અવાજ સાંભળીને ઈન્સ્પેક્ટર આવી પહોંચ્યા. સાથે ગુણવંત નાઘેરા પણ હતા.

‘કોણ છે?’

‘શું થયું?’

‘રેવા દો.’ આવા શબ્દો વારા ફરતી કાને અથડાયા. ડગલી અને મેં તેને છોડ્યો. માર મારવામાં ડગલીની ટોપી નીચે પડી ગયેલી. તેણે ઉઠાવી કહ્યું, ‘ચોર કેવો લડાકુ છે તેની ખબર નહોતી. આમેય ચેતતા નર સદા સુખી. અમારા પર ભારે પડી જાય એ પહેલા જ અમે તેને ગોદળું ઓઢાવી ધોઈ નાખ્યો.’

‘છે કોણ આ?’ ઈન્સ્પેક્ટર સાહેબ ગોદળું કાઢવા જતાં હતાં ત્યાં ડગલીએ તેમને અટકાવ્યા, ‘ના… ના… ના…. પહેલા હું તમને થોડી ચોખવટ કરી આપું.’

ડગલીએ ખોંખારો ખાઈ જણાવ્યું, ‘ગુણવંત નાઘેરા સાહેબે અમને ચાવી આપેલી તેમાં ચોકીદારનાં ઓરડાની પણ ચાવી હતી. અમે અમારી શોધને ત્યાંથી જ વેગ આપ્યો. ચોકીદાર મનોજના રૂમમાંથી એક તૂટેલું બટન મળ્યું જે આપ પોલીસ સાહેબોને ન મળ્યું અને બીજું મનોજનો શર્ટ જેમાં દરજીની દુકાનનું નામ બ્લુ ટેલર લખેલું હતું, ત્યાંથી અમે મનોજનાં કપડાંનું માપ લીધું. આમાં કમર, ખભા એ બધી લંબાઈ પહોળાઈ તો આવી જ જાય. દરજીની દુકાને ત્યાં સુધીમાં નજર નાખતા ખબર પડી કે એ તો એક સરખા કલરના જ બટન વાપરે છે. નેવી બ્લુ કલરના અને ચોકીદાર મનોજના રૂમમાંથી જે બટન હાથ લાગ્યું તે તો સફેદ હતું. ઈન્સ્પેક્ટર સાથે મનોજની લાશ જોવા ગયા. એમાં માથું તો છુંદાઈ ગયું હતું. ગમે તેમ કરી કમરનું માપ લીધું અને ખભાનું માપ પણ લીધું. દરજીએ મનોજના શરીરનું જે માપ આપ્યું હતું તેનાથી બંને અલગ હતા. મને ખબર પડતા વાર ન લાગી કે આ લાશ મનોજની નહીં કોઈ બીજાની છે. ડેડબોડીનાં રૂમમાં જ મેં આખો પ્લાન મગજમાં ચણી લીધો કે અખબારમાં નજીક નજીક એક સમાચાર અને એક જાહેરખબર છપાવવી. જો મનોજ જીવતો હશે તો સાચી મૂર્તિ લેવાની લાલચે જરૂર આવશે અને આ જુઓ…. મનોજ હાજીર હૈ.’

ડગલીએ જાદુગરની અદાથી ગોદળું ઉંચક્યું અને મારના કારણે કણસતો મનોજ દેખાયો. બધા હવે એક જ વિચારમાં અટવાયા હતા કે તો ઢીમ કોનું ઢળી ગયું?

ડગલી મનોજની નજીક આવ્યો અને તેની વધેલી દાઢી ખેંચીને કહ્યું, ‘ચોકીદાર ચોર મનોજજી કહેશો નહીં કે તમારા જુડવાભાઈને તમે શા માટે પતાવી નાખ્યો?’

ડગલીએ જ્યારે રહસ્ય છતું કર્યું તો બધાની માથે જાણે છત તૂટી પડી હોય એવું લાગ્યું. મનોજ ઢીલો પડી ગયો અને રડવા લાગ્યો. તેણે કબૂલાત કરી લીધી કે તેણે જ તેના જોડીયા ભાઈને મૂર્તિ ચોરવાની રાતે બોલાવ્યો હતો અને તેને મારી નાખ્યો હતો. દેવામાં ડૂબેલો મનોજ કોઈ એક મૂર્તિને વેચી કરજ ઓછું કરવા માગતો હતો. તેણે ફુલપ્રૂફ પ્લાન બનાવેલો પણ ડગલીએ છપાવેલા એક ખોટા સમાચારે તેની આખી રમત પર પાણી ફેરવી નાખ્યું.

ઈન્સ્પેક્ટર સાહેબે તાળીઓ પાડી અને નાઘેરાએ વીસ હજાર રૂપિયા કાઢી ડગલીના હાથમાં મુક્યા. હું મનોમન ખુશ થયો કે ચાલો મહિનાનો ખર્ચો નીકળી ગયો. આમ જ દેશમાં ગુના થતાં રહે. હું અને ડગલી કમાતા રહીએ!

(વાર્તાનાં સર્વે હકો ટીમ ચાબુકના)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments