Homeગામનાં ચોરેઅદાણીને લોન ન આપોઃ ક્રિકેટના મેદાનમાં પહોંચેલી ‘સ્ટોપ અદાણી’ ચળવળ શું છે...

અદાણીને લોન ન આપોઃ ક્રિકેટના મેદાનમાં પહોંચેલી ‘સ્ટોપ અદાણી’ ચળવળ શું છે ?

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી હતી. ચાલુ મેચમાં બે દર્શક મેદાનમાં આવી ચડ્યા, તેઓના હાથમાં બેનર હતા. જેમાં લખ્યું હતું કે, ‘સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અદાણી ગ્રુપને એક બિલિયન (અંદાજે 7389 કરોડ રૂપિયા)ની લોન ન આપે.’ ચાલુ મેચમાં આ પ્રકારે વિરોધ કરવા આવી ચડેલા દર્શકના કારણે મેચનું લાઈવ પ્રસારણ થોડીવાર માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન હતું પર્યાવરણના જતન માટેનું જે છેલ્લા એક દાયકાથી ચાલી રહ્યું છે.

ઓસ્ટ્રેલિયાવાસીઓ પહેલેથી પર્યાવરણ પ્રત્યે જાગૃતતા દાખવતા આવ્યા છે. પર્યાવરણને નુકસાન પહોંચે તેવું કઈ પણ થઈ રહ્યું હોય તો ઓસ્ટ્રેલિયનો સાંખી લે તેમ નથી. જેનો પરચો અદાણી ગ્રુપને છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યો છે.

અદાણી ગ્રુપના કોલ પ્રોજેક્ટનો ઘણા લાંબા સમયથી ઓસ્ટ્રેલિયામાં વિરોધ થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના સેન્ટ્રલ ક્વિન્સલેન્ડમાં કર્માઈકલ ખાણનું કામ શરૂ કરવા માટે અદાણી ગ્રુપની અદાણી ઓસ્ટ્રેલિયાને ગત વર્ષે અંતિમ પર્યાવરણીય મંજૂરી અપાઈ હતી. ગૌતમ અદાણીના અદાણી ગ્રુપે થોડા વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડમાં કોલસાની ખાણ ખરીદી હતી અને કંપની તેમાં અંદાજે 15 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. તમામ પ્રકારની મંજૂરી મેળવવામાં અદાણી ગ્રુપને એક દાયકાથી પણ વધુ સમય લાગ્યો હતો.

અદાણી ગ્રુપના આ સાહસ સામે વિરોધ કરી રહેલા ઓસ્ટ્રેલિયાના લોકોનું કહેવું છે કે, આ કોલસાની ખાણના કારણે પર્યાવરણને ભારે નુકસાન થશે. ભવિષ્યમાં આના કારણે ઓસ્ટ્રેલિયામાં પૂર અને દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થશે. જો કે અદાણી ગ્રુપે પર્યાવરણને નુકસાન નહીં પહોંચાડીએ તેવી ખાતરી આપી છે છતાં વિરોધ પ્રદર્શન ચાલુ જ છે. અદાણી ગ્રુપના આશ્વાસન બાદ પણ સ્થાનિકો દ્વારા સંસ્કૃતિને ખતમ કરી દેવા ઉપરાંત પ્રદુષણને લઈને છેલ્લા ચાર વર્ષથી અદાણીના આ પ્રોજેક્ટનો સખત વિરોધ કરાઈ રહ્યો છે.

‘સ્ટોપ અદાણી’ નામે ચાલુ છે કેમ્પેઈન

ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ દરમિયાન બેનર સાથે મેદાનમાં દોડી આવેલા બન્ને દર્શકોએ કાળા કલરનું ટી-શર્ટ પહેર્યું હતું અને ટી-શર્ટની વચ્ચે લખ્યું હતું ‘સ્ટોપ અદાણી’. ઓસ્ટ્રેલિયામાં અદાણી ગ્રુપ સામે “સ્ટોપ અદાણી’ કેમ્પેઈન છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, આ કેમ્પેઈને સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચર્ચા જગાવી છે. વિરોધ કરી રહેલા લોકોએ “સ્ટોપ અદાણી’ નામથી ફેસબુક પેઈજ, વેબસાઈટ અને ટ્વિટર એકાઉન્ટ સહિતના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બનાવી લીધા છે અને તેના પર સતત અદાણીના વિરોધમાં કરવામાં આવતા પ્રોટેસ્ટ અને સમાચારોને પોસ્ટ કરવામાં આવે છે.

અદાણી ગ્રુપે કોલસાની ખાણના પ્રોજેક્ટ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે 1 અબજ ડોલરની લોન આપવાની માગ કરી છે. તેથી ભારત-ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન દેખાવકારોએ મેદાનમાં ઘુસીને વિરોધ નોંધાવતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને માગ કરી કે અદાણી ગ્રુપને લોન ન આપે. 21 નવેમ્બરે ઓસ્ટ્રેલિયાના મારગાઓમાં આવેલી એસબીઆઈની બ્રાંચ સામે પણ લોકોએ ધરણાં કર્યા હતા.

‘સ્ટોપ અદાણી’ ચળવળકારો પાંચ રીતથી અદાણી ગ્રુપને ઘેરી રહ્યા છે

‘સ્ટોપ અદાણી’ નામથી ચાલી રહેલા આ કેમ્પેઈનના ચળવળકારોએ ‘સ્ટોપ અદાણી’ નામથી વેબસાઈટ પણ બનાવી છે. ધ ચાબુક દ્વારા વેબસાઈટ ફંફોળતા ધ્યાને આવ્યું કે વિરોધકર્તાં પાંચ સ્ટ્રેટેજી બનાવીને અદાણી ગ્રુપનો વિરોધ કરી રહ્યા છે. આ પાંચ સ્ટ્રેટેજી નીચે મુજબ છે.

1) કોન્ટ્રાક્ટર પર દબાણ

અદાણી ગ્રુપના કોલસાની ખાણના પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા લોકોને ખબર છે કે આ ખાણ અદાણી ગ્રુપ જાતે બનાવી શકે તેમ નથી. અદાણી ગ્રુપને તેના માટે વીમા કંપની, ખાણના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવે લાઈનની સહાય માટે બાંધકામ કંપની અને કોલસાને ખાણથી પોર્ટ સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટની જરૂર પડવાની છે. તેથી આ બધા કામમાં અદાણી ગ્રુપ સાથે સંકળાયેલી કોન્ટ્રાક્ટ કંપની પર ચળવળકારો દબાણ લાવી રહ્યા છે અને અદાણી ગ્રુપ સાથેનું કામ છોડી દેવા કહી રહ્યા છે.

2) જમીનના અધિકારોનું રક્ષણ

અદાણી ગ્રુપની આ ખાણથી વાંગન અને જેગાલિન્ગો લોકોના પૂર્વજોની જમીન અને પાણીનો નાશ થશે તેવું માનવામાં આવી રહ્યું છે. વાંગન અને જેગાલિન્ગો ફેમિલી કાઉન્સિલે પાંચ વખત અદાણીને  જમીન આપવાની ના પાડી દીધેલી છે. અદાણીએ વાંગન અને જેગાલિન્ગો ફેમિલી કાઉન્સિલના વરિષ્ઠ પ્રવક્તા એડ્રિયન મુરાગુબ્બાને નાદાર બનાવી દીધા છે. આવી ઘૃણાસ્પદ કોર્પોરેટ ગુંડાગીરી છતાં આ કાઉન્સિલે તેમના દેશને બચાવવા અદાણી સામે લડત ચાલુ રાખી છે તો શું તમે તેમની સાથે છો ? તેવું વેબસાઈટ મારફતે લોકોને પૂછવામાં આવી રહ્યું છે અને આ કેમ્પેઈનમાં જોડાવા આહ્વાન કરાઈ રહ્યું છે.

3) અદાણી ગ્રુપના ખરાબ વર્તનને એક્સપોઝ કરો

એસ્ટ્રેલિયાના ચળવળકારોએ ભારતના લોકોને અદાણી ગ્રુપને એક્સપોઝ કરવા કહ્યું છે. કેમ કે, અદાણી ગ્રુપ તેમનો કોલસો ભારતમાં ચાલુ રહેલા પાવર સ્ટેશનમાં બાળી નાખવામાં આવે તેવું વિચારી રહ્યું છે. તેથી ભારતના લોકલ લોકોએ તેમની આસપાસ આવું ન થાય તે માટે લડત આપવી જોઈએ. પરંતુ ભારતમાં આ મલ્ટીનેશનલ કંપની સામે બાથ ભીડવી લોકલ જનતા માટે અઘરું છે પરંતુ તેઓએ ચિંતા કરવાની જરૂર નથી અમે તેમની સાથે છીએ તેવું એસ્ટ્રેલિયાના ચળવળકારો કહી રહ્યા છે.

4) શાંતિપૂર્ણ વિરોધ

વેબસાઈટ મારફતે ચળવળકારોએ કહ્યું છે કે, અદાણી સામે શાંતિપૂર્ણ જ વિરોધ કરવામાં આવે.

5) ચળવળ ઉભી કરો

અદાણી ગ્રુપના છેડા ઓસ્ટ્રેલિયા અને ભારતમાં રાજકીય નેતાઓ સાથે હોવા ઉપરાંત તે પૈસે ટકે પાવરફુલ કંપની છે. પરંતુ અદાણી ગ્રુપ પર્યાવરણના જતન કરવા ટેવાયેલા લોકોનું સમર્થન ગુમાવી ચુકી છે. ઓસ્ટ્રેલિયામાં ‘સ્ટોપ અદાણી’ મુવમેન્ટે જોરદાર લડત આપી છે. આ મુવમેન્ટ હજુ પણ તીવ્ર ગતિએ આગળ વધી રહી છે. તેથી ચળવળકારોએ આ લડતમાં સહકાર આપવા લોકોને અપીલ કરી છે.

‘સ્ટોપ અદાણી’ કેમ્પેઈન દ્વારા અદાણી ગ્રુપના આ પ્રોજેક્ટ સામે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો ચાલુ જ હોય છે. ગત વર્ષે યોજાયેલી ચૂંટણીમાં પણ અદાણીના કોલ પ્રોજેક્ટનો ભારે વિરોધ થયો હતો. વડાપ્રધાનના એક કાર્યક્રમ દરમિયાન બે મહિલા ‘સ્ટોપ અદાણી’ લખેલા ઝંડા સાથે સ્ટેજ પર આવી ચડી હતી.

પર્યાવરણને બચાવવા માટે ઓસ્ટ્રેલિયનો કેટલી હદે જઈને વિરોધ કરી શકે છે તે આ મુવમેન્ટ પરથી જાણી શકાય છે. આ ચળવળને જોતાં ભારતનું ચીપકો આંદોલન યાદ આવી જાય. હાલ ભારતમાં પર્યાવરણની શું સ્થિતિ છે અને તેને બચાવવા સરકાર અને ભારતીયોએ કેવી ભૂમિકા ભજવવી જોઈએ તે આ ‘સ્ટોપ અદાણી’ કેમ્પેઈનમાંથી શીખવું જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments