Homeતાપણુંએક સમયે ‘આપ’ના જે કોર્પોરેટરે ભાજપની ત્રણ કરોડની ઓફરને લાત મારી હતી,...

એક સમયે ‘આપ’ના જે કોર્પોરેટરે ભાજપની ત્રણ કરોડની ઓફરને લાત મારી હતી, એ આજે ભાજપમાં જોડાઈ ગયા

Team Chabuk-Political Desk: સુરત આમ આદમી પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. સુરત આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લેતાં રાજકારણમાં હડકંપ મચી ગયો છે. આજે ગાંધીનગરમાં કમલમ ખાતે સુરત આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટરોએ સત્તાવાર રીતે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની હાજરીમાં પાંચેય કોર્પોરેટરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આપના કોર્પોરેટરો વિપુલ મોવલિયા, ભાવના સોલંકી, જ્યોતિકા લાઠિયા, મનિષા કુકડિયા અને ઋતા દુધાગરા ભાજપમાં જોડાયા છે.

ઋતા દુધાગરાએ અગાઉ લગાવ્યા હતા આરોપ

આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાનાર મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરાએ ગયા વર્ષે જૂન મહિનામાં ભાજપ સામે ગંભીર આરોપ લગાવ્યા હતા. ઋતા દુધાગરાએ આરોપો લગાવ્યા હતા કે સુરત કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયાએ તેઓને ભાજપમાં જોડાવા માટે 3 કરોડ રૂપિયાની ઓફર કરી છે. ધારાસભ્યએ તેઓને ભાજપમાં જોડાઈ જવા ધમકી આપી હોવાનો પણ જે તે વખતે આરોપ ઋતા દુધાગરાએ લગાવ્યો હતો.

ઓફર ફગાવી દેતાં પતિ સાથે થયા છૂટ્ટા છેડા

સુરત કોર્પોરેશનના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર ઋતા દુધાગરાએ જે તે વખતે આ 3 કરોડની ઓફર ફગાવી દીધી હોવાનું કહ્યું હતું. તેમણે આ ઓફર ફગાવી દેતા ભાજપના કહેવાતાં એજન્ટ દ્વારા તેમના પતિ ચિરાગને લાલચ આપીને ભાજપમાં જોડાવવા દબાણ કરાઈ રહ્યું હતું. જેના કારણે પતિ-પત્ની વચ્ચે વિવાદ વધ્યો હતો. વિવાદની વચ્ચે ઋતા દુધાગરા અને તેમના પતિ વચ્ચે છૂટાછેડા પણ થઈ ગયા હતા. તેમના પૂર્વ પતિ ચિરાગ દ્વારા ભાજપની ઓફર સ્વીકારી લેવા માટે દબાણ કરવામાં આવતું હતું. પરંતુ તેઓએ તે વખતે ભાજપમાં જોડાવાની ના પાડી દીધી હતી. જેથી તેમના પતિ ચિરાગ દ્વારા સમાજ અને પાર્ટીમાં બદનામ કરવાનો પણ પ્લાન બનાવાયો હતો. જેથી ના છૂટકે ગત 21 મેના રોજ ઋતા દુધાગરા અને પતિ ચિરાગે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું.

ભાજપમાં જોડાવા પતિએ 25 લાખ રૂપિયા લીધાનો આરોપ લગાવ્યો હતો

ઋતા દુધાગરાએ એવો પણ આરોપ લાગવ્યો હતો કે તેમના પતિએ ભાજપમાં જોડાવા માટે 25 લાખ રૂપિયા લીધા છે. ઋતા દુધાગરાએ અગાઉ આરોપ લગાવ્યો હતો કે છેલ્લા ઘણા સમયથી કામરેજના ભાજપના ધારાસભ્ય દ્વારા અલગ-અલગ માણસો મોકલીને ભાજપમાં જોડાઈ જવા માટે ઓફર કરવામાં આવી રહી છે.

આમ જે-તે વખતે ડાહી ડાહી અને સૂફીયાણી વાતો કરનાર અને ભાજપે 3 કરોડની ઓફર કરી હોવાનો આરોપ લગાવનાર ઋતા દુધાગરા આખરે ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે તેઓને હવે સવાલ છે કે શું ખરેખર ભાજપના ધારાસભ્યએ તેઓને આ પ્રકારની લોભ લાલચ આપી હતી? એવું તે શું થયું કે આઠ મહિનાની અંદર જ ઋતા દુધાગરાને આમ આદમી પાર્ટી સાથે મોહભંગ થઈ ગયો અને ભાજપ એકાએક ગમવા લાગી?

સૌથી વધુ લીડથી જીત્યા હતા ઋતા દુધાગરા

ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર-3માંથી ઋતા દુધાગરાને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી હતી. ચૂંટણીમાં ઋતા દુધાગરા જંગી બહુમતિથી જીત્યા હતા. સુરત શહેરના તમામ કોર્પોરેટરોમાં સૌથી વધુ લીડ સાથે તેઓ વિજયી બન્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments