Homeવિશેષસુરેન્દ્ર મોહન પાઠક અને ‘ભૂતિયા લેખકો’

સુરેન્દ્ર મોહન પાઠક અને ‘ભૂતિયા લેખકો’

મયૂર ખાવડુ: કોલેજકાળમાં સુરેન્દ્રમોહન પાઠકનો પરિચય થયેલો. ગુજરાતમાં તેઓ એ વખતે ધીમે ધીમે પોતાનું નામ બનાવી રહ્યાં હતાં. મારી ભૂલ ન થતી હોય તો બ્રેકિંગ વ્યૂઝમાં રાજ ગોસ્વામીએ તેમના પર આર્ટિકલ કર્યો હતો પછી તેમનો સવિસ્તાર પરિચય થયેલો. અંકિત દેસાઈએ એમનો ઈન્ટરવ્યૂ પણ લીધેલો. ને છેલ્લે શિરીષ સાહેબે આત્મકથા આવી ગઈ હોવાનું જણાવેલ. ક્રોસવર્ડમાંથી એમની જીવની ખરીદેલી. આત્મકથામાં શરૂઆતમાં રસ પડે એવું કંઈ નથી. રસ ન પડે કારણ કે આપણો મૂળ હેતુ એ જાણવાનો રહે છે કે સુરેન્દ્ર મોહન પાઠક કેવી રીતે આટલી બધી અને આટલી સરસ નવલકથાઓ અવિરત લખતાં રહ્યાં.

પાઠકની આત્મકથા વાંચવાનો બે વખત પ્રયાસ કર્યો. એક વખત અડધે પહોંચ્યા પછી એટલો કંટાળો આવ્યો કે છોડી દીધેલી. ફરી પ્રયાસ કર્યો તો પાઠકે લેખનની શરૂઆત કેવી રીતે કરી હતી તેના વિશે વિસ્તૃતથી જાણવા મળ્યું. એ વચ્ચે 372 નમ્બરનું પેજ મજા કરાવી ગયું.

ગુજરાતમાં લેખકો અને રોયલ્ટીની સિસ્ટમ કેવી છે તેની મને કશી ખબર નથી. હિન્દીમાં પણ શરૂઆતમાં પ્રકાશકો ખૂબ રૂપિયા કમાણા અને બંગલા બનાવી લીધા. પાઠક આત્મકથામાં ભૂતિયાં નવલકથા લખનારાઓ કેવી રીતે પ્રકાશકોને ઉલ્લુ બનાવતાં હતાં તેની વિગતે વાત કરે છે. ભૂતિયા એટલે જે છદ્મનામે લખતા હોય. અંગ્રેજીમાં Pseudonym. ઘોસ્ટ રાઈટર. જેને હવે આપણે ભૂતિયા લેખકો જ કહીશું.

કોઈ એક ભૂતિયો લેખક એક કથા લખે છે અને પ્રકાશકને આપે છે. પ્રકાશકને આ કથા પસંદ આવે છે અને ન પસંદ આવે તોપણ કમાણી કરવાના હેતુથી તે પ્રગટ કરે છે. પ્રકાશક પ્રકાશક છે. એ વાચક નથી. એડિટર તો હોય જ નહીં. તેનો મુખ્ય હેતુ કમાણી કરવાનો છે. એ ભૂતિયા કૃતિ લખનારો લેખક કથાના પૈસા લે છે અને પ્રકાશકને ત્યાંથી ચાલતી પકડે છે.

એ જ ભૂતિયા લેખક એ જ કથામાં નજીવો ફેરફાર કરી અન્ય પ્રકાશકને સ્ક્રિપ્ટ ચોંટાડી દે છે. પ્રકાશક ચોરી પકડી ન પાડે આ માટે શીર્ષકમાં પણ ફેરફાર કરી નાખવામાં આવ્યો હોય છે. કેટલીક વખત એવું બને કે એક જ નવલકથા થોડી ઉલટ ફૂલટ કરીને બંને પ્રકાશકો એક જ સમયે પ્રકાશિત કરતા હોય. આ બંને પ્રકાશકોને ખ્યાલ ન હોય કે ભૂતિયા લેખક તેમના પર ‘નકલવિદ્યા’ ના દાણા ફેંકી ચૂક્યો છે. એ સમયમાં વાચકને બે લુગદી નવલકથાઓનાં વિષયો એક સરખા લાગવા પાછળનું કારણ આ હતું. ઘણી વખત તો પોસ્ટરમાં પણ સમાનતા દેખાતી હતી.

એ લેખક શ્રી આવું એક વખત નથી કરતા. અઢળક વખત કરે છે. વારંવાર કરે છે. લુગદી સાહિત્યના ઈતિહાસમાં પ્રકાશકોને ચૂનો લગાડવાનું કામ કોઈએ ખૂબસૂરતીથી કર્યું હોય તો તે ઘોસ્ટ રાઈટર્સે કર્યું છે. પ્રકાશકો કમાણી કરે તો અમે શા માટે નહીં? આમેય તેમના નામે તો પ્રકાશિત થવાનું નથી.

પાઠક એ શૂરવીર લેખકનું નામ નથી લખતા પણ આપણને તેની કરતૂતથી પરિચિત કરાવે છે. એ લૂગદી સાહિત્યનાં ખૂબ મોટા લેખક હતાં. તેમના નામ માત્રથી પુસ્તકો ચપોચપ ઉપડી જતા. તેમણે પણ ઘોસ્ટ રાઈટિંગ કર્યું. શીર્ષકમાં ફેરફાર કર્યો અને બે પ્રકાશકોને સ્ક્રિપ્ટ સોંપી દીધી. થયું એવું કે બંને પુસ્તક એક સાથે માર્કેટમાં આવી ગયા. પાઠક આ ઘટનાને યાદ કરતા આત્મકથા ન બૈરી ન કોઈ બૈગાનામાં લખે છે કે, ‘‘અલ્પવિરામ અને પૂર્ણવિરામ પણ અંદર ટસનું મસ નહોતું થયું.’’

સુરેન્દ્ર આપણને સવાલ પૂછે છે? પ્રકાશકોએ શું કર્યું ? કોઈ પગલાં લીધા? કંઈ ન કર્યું, કારણ કે એ લેખક કમાણી કરાવી આપતો હતો. આત્મકથામાં આગ્રાના કોઈ અનામી લેખકનો ઉલ્લેખ પણ છે. એ લેખક ભારતભરમાં મશહૂર હતા. 150 પલ્પ ફિક્શન લખી ચૂક્યા હતા, છતાં વધારે પૈસા મેળવવાની આશાએ તેમણે ઘોસ્ટ રાઈટિંગમાં જમ્પ લાવ્યું.

ઘોસ્ટ રાઈટિંગ પહેલાથી થતું આવ્યું છે અને અત્યારે પણ થાય છે. આ એવું કામ છે કે અભણ નેતા આત્મકથા લખે અને દુનિયાને એમ કહે કે આ તો મેં જ લખી છે. ઘોસ્ટ રાઈટિંગમાં પાઠકના સમયે બે મોટા નામ એટલે કર્નલ રણજીત અને મનોજ. ગુજરી બજારમાં જાવ અને ક્યાંકથી પલ્પ ફિક્શન હાથ લાગે અને જો આ બંનેમાંથી એક લેખકનું નામ મુખપૃષ્ઠ પર હોય તો સમજી જવું કે આ ઘોસ્ટ રાઈટિંગની બુક છે.

પાઠક કહે છે કે આવા કોઈ લેખક હતા જ નહીં. લોકો તેમના નામે છપાતું ઘોસ્ટ રાઈટિંગ વાંચીને એવું માનતા થઈ ગયેલા કે આ બંને લેખકોનું ધરતી પર અસ્તિત્વ છે. ખરેખર જે વ્યક્તિ આ ક્રાઈમ-થ્રીલર અને સનસનાટી ઉપજાવતી કથાઓ લખતો હતો તે પોતાના નામે સસ્પેન્સ થ્રીલર નવલકથાઓ પ્રકાશિત કરવાની પણ તગડી ફી લેતો હતો. અન્ય પ્રકાશકો ઘોસ્ટ રાઈટિંગ પ્રતિષ્ઠિત કે નવોદિત્ત લેખકો પાસે કરાવતા હતા. સ્ક્રિપ્ટ મળતા એમને પૈસા આપી છૂટા કરી દેતા. આવી કથાઓની તેમણે એક મસમોટી બેન્ક બનાવીને રાખી હતી.

લાગે કે હવે છાપવાનો વખત આવી ગયો છે તો બેન્કમાંથી પટકથા લઈ અને પ્રિન્ટીંગમાં આપી દેતાં. લખનાર કોઈ પણ હોય મુખપૃષ્ઠ પર નામ એક જ રહેતું હતું. દાત: અવિનાશ. પ્રકાશકો માર ક્યાં ખાઈ ગયા? પ્રધાનમંત્રી કીધું છે, ‘જનતા કો મૂર્ખ સમજના બંધ કરે.’

જનતાને ખબર પડતા વાર ન લાગી કે લેખક ભલે અવિનાશ હોય પણ તેની શૈલી એક સરખી નથી. જાણે કે કોઈ વખત અશ્વિની ભટ્ટે લખ્યું હોય તો મજા આવી જાય ત્યાં બીજી વખત કોઈ ચીલાચાલુ લેખકે લખેલું લખાણ હાથમાં આવી જાય. આ તો ઉદાહરણ આપું છું. માર્કેટમાં જેટલી પણ ભૂતિયા નવલકથાઓ આવતી એ એક જ નામેરી લેખકની હતી જે અલગ અલગ ઘોસ્ટ રાઈટર્સે લખેલી હોય. ઘોસ્ટ રાઈટિંગનું માર્કેટ માર્કેટિંગ કરવા છતાં આ કારણે કડડડભૂસ થઈ ગયું.

આત્મકથામાં પાઠક અમેરિકાનાં નોબલ પુરસ્કાર વિજેતા નવલકથાકાર હેરી સિક્લેયર લેવિસનું નિવેદન ટાંકે છે. જે વર્તમાન સમયે બંધબેસતું છે, ‘‘જાહેરાત એક આર્થિક જરૂરિયાત છે, કારણ કે તેના થકી માલનું વેચાણ થાય છે; ખાસ કરીને ત્યારે જ્યારે માલ એકદમ હલકી કક્ષાનો હોય.’’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments