Team Chabuk-Literature Desk : ચાબુકને દુ:ખ છે. આ સોશિયલ મીડિયાના જમાનામાં ન વાંચવા જોઈએ અને ન ગમતાં હોવા જોઈએ એવા લેખકોનો ઢગલો થઈ ગયો છે. એક રમત રમું તમારી સાથે. અઠવાડિયા સુધી તમે વાંચજો. કંઈ પણ વાંચજો. અઠવાડિયા પછી તમે કાગળ અને પેન લઈ લિસ્ટ બનાવજો કે મેં શું શું વાંચ્યું ? તમે ગાડરિયા પ્રવાહમાં ભળી જઈને એટલું ભંગાર વાંચ્યું હશે કે વાત જ જવા દો. તમને ખબર પડશે કે મેં પ્રેત પ્રણય જેવી એક અશ્લીલ વાર્તા વાંચેલી. એ વાર્તા વાંચવાનું કારણ માત્ર એટલું હતું કે તેને ફેસબુકમાં 1k લાઈક હતી. અને પાંનસો લોકોએ તો કોમેન્ટ પણ કરેલી!! જેમાંથી 400 કોમેન્ટ WOW લખેલી હતી. અને બીજી 100 કોમેન્ટ જેણે આ વાર્તાને વખોડી કાઢી હતી તે તો 400 WOWમાં ઢંકાઈ ગઈ હતી!! તમે કવિતાના નામે જોડકણાં વાંચ્યા હતાં અને બીજું તો શું શું કહું ? તમે હિનાના નામે લાઈકો ઉઘરાવતા અને જેના ચિંતનો મનનો ક્યાંય ન હાલે, એવા બીબાઢાળ આર્ટિકલો વાંચ્યા હતાં. ઉપરથી તમે એમને કોમેન્ટમાં એમ પણ કહેલું કે ‘તમારી વાત સાથે તો હું સો ટકા સહમત છું.’
આખા ફકરાનો અર્થ તો એટલો જ સરે છે મરીઝ, કે તમે કંઈ સારું વાંચ્યું જ નહોતું. આજે એક એવા લેખકની વાત કરવાની છે જેના નામે કોઈ સાહિત્યક ઉત્સવો યોજાતા નથી. જેનું નામ લઈ ફેસબુકમાં નવા લખવૈયાઓ તો ઠીક જેને આપણે આપણા લેખનનાં ઘડવૈયા કહીએ છીએ એ સિનિયર લેખકો પણ તેના વિશે ચર્ચા કરતાં નથી. આ લેખકે ઓછું પણ સત્વશીલ લખ્યું છે. છેલ્લા કેટલાય સમયથી આ લેખક વિસરાય ગયો છે. છાપાની કોલમો ભાજપ કોંગ્રેસમાંથી ઊંચી નથી આવતી અને ખૂદ સાહિત્ય અકાદમીઓ અને પરિષદો ક્યારે લખે છે તેની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ! નામ છે દિગીશ મહેતા.
યુનિવર્સિટી ઓફ લીડ્સમાંથી તેઓ અંગ્રેજી વિષય સાથે અનુસ્તાક થયા હતાં. અંગ્રેજી ઉપર જેટલી પકડ એટલી જ પકડ તેમની ગુજરાતીમાં. પોતાના કામ કરવાના સ્થળને જ તેમણે નવલકથામાં ઢાળ્યો. આપણો ઘડીક સંગ જેવી નવલકથા લખી. વિદ્યાર્થિની અર્વાચીના અને પ્રોફેસર ધ્રૂર્જટીનો પ્રેમ.
એ નવલકથા તો હ્રદયની નજીક છે. નવલકથા લખાય ત્યારે દિગીશ મહેતાની ઉંમર 28 વર્ષની હતી. ગુજરાતની ધરતી પર વિવેચકો પણ ભારેભરખમ વસવાટ કરતાં હતાં. જેઓ કોઈ કૃતિ વિશે લખે તો ખૂદ લેખકને કંઈક શીખવા મળે. એ નવલકથાની પાછળનાં પાનાંઓમાં વિવેચકોએ તેમની કૃતિ વિશે વખાણ પણ કર્યા છે અને ટીકા પણ કરી છે. તેમાં ફિલોસોફી છે. કથા ક્યાંક અટકી જાય છે. એ અન્ય કૃતિઓની માફક ફટાફટ નથી વંચાતી. ક્યાંક તો એ દિગીશ મહેતાના પ્રિય સાહિત્ય પ્રકાર નિબંધની જેમ ચાલતી હોય એવું લાગે. નિબંધથી કહી દઉં કે એ જ લેખકના શેરી અને દૂરના એ સૂર નામે નિબંધ સંગ્રહ પણ અનેરા છે. એમાંથી આજે ઈંગ્લિશ! ઈંગ્લિશ!ની વાત કરીએ.
આ પુસ્તક એ વખતે લખાયું હતું જ્યારે ઈંગ્લિશ આપણા જીવનમાં પાટું મારી બારણું ખોલી ઘુસી નહોતું ગયું. એ મંથરગતિએ પ્રવેશ કરી રહ્યું હતું. વર વધુ જેમ લગ્નમંડપમાં ડગ ભરે એ રીતે.
આપણે ત્યાં માતૃભાષાની વાત થાય છે. માતૃભાષાને બચાવવાની, આમ કરવાની, ફલાણું કરવાની જરૂર છે, પણ એ લેખકો પોતે માતૃભાષા સુધરે આ માટે કોઈ સારું પુસ્તક નથી લખતા. જેમ કે દિગીશ મહેતાની ઈંગ્લિશ! ઈંગ્લિશ!.
આ પુસ્તકમાં અંગ્રેજી વિષય એવી રીતે સમજાવ્યો છે કે સડસડાટ ભેજામાં ઉતરી જાય. મૂંઝવણ દૂર થઈ જાય. અંગ્રેજી શીખવાના હવે તો માધ્યમો વધી ગયા. OTT પ્લેટફોર્મની અંગ્રેજી સિરીઝ જુઓ તો સાંભળીને સુધરી શકે. યુટ્યુબ પર ઓનલાઈન લેક્ચર ચાલે છે. એ પણ મફતમાં.
ભાષા વિશે તો કહેવાય છે કે તમે જે ભાષામાં ઊંડા ઉતરીને વિચારવાનું શરૂ કરી દો એટલે તમને ફટાફટ આવડવા માંડે. કોઈ ભાષામાં તમને સ્વપ્ન આવવા લાગે તો એ ભાષા તમે શીખી ગયા સમજો. આવી ઘણી વાતો તમારા સહાધ્યાયીઓએ તમને કોલેજકાળમાં કહી હશે. દિગીશ મહેતા પણ એક વાત કરે છે, ‘‘સ્કૂલમાં શીખવેલું ઈંગ્લિશ ગ્રામર હંમેશાં નાશ પામતું રહે છે.’’
આઠમાં નિબંધથી વાતની શરૂઆત કરું. દિગીશ મહેતા લખે છે, ‘‘ટી.વી બે જાતનાં આવે છે. બ્લેક એન્ડ વ્હાઈટ અને રંગીન. બોલચાલનું ઈંગ્લિશ પણ બે જાતનું આપણી આજુબાજુ સાંભળવા મળે છે. એક તો બટકાયેલું, અધૂરાં-અધૂરાં વાક્યોવાળું, વારંવાર ખોટકાઈ જતું એટલે કે ધક્કા મારી ચલાવેલું, જર્કી, સપાટ, ફિક્કું, માત્ર ઉપયોગ માટે બનેલું બ્લેક એન્ડ વ્હાઈટ જ્યારે બીજી જાતનું બોલચાલનું ઈંગ્લિશ છે એ રંગસભર છે. એ ઈડિયોમેટિક ઈંગ્લિશ છે જે આપણને આપણા વાતાવરણમાં બહુ ઓછું સાંભળવા મળે છે. એમ તો બી.બી.સીની વર્લ્ડ સર્વિસ પર ટી.વી દ્વારા સરસ ઈંગ્લિશ ચર્ચાઓ વગેરે આપણે જોઈ સાંભળી શકીએ પણ આખરે ટીવીનું માધ્યમ એકપક્ષી માધ્યમ છે.’’
મોટાભાગના ગુજરાતીઓ અંગ્રેજીમાં કાચા હોવા પાછળનું કારણ આ એકપક્ષીયતા છે. સામે કોઈ બોલનારું નથી. બી.બી.સી કરતાં સારી સર્વિસ આપણી પાસે છે. હવે તો ફિલ્મો પણ અંગ્રેજીમાં જોવાતી થઈ ગઈ છે ને છતાં આપણે સારું અંગ્રેજી બોલી નથી શકતા. આપણા બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે, પણ સ્કૂલના ચાર-પાંચ કલાક, આમ ગણો તો માત્ર ત્રણ કલાકના વાતાવરણ સિવાય તેને ઘરમાં પણ ક્યાં એવું અંગ્રેજી મળે છે. માતા-પિતા કડકડાટ બોલી શકે છે ?
દિગીશ મહેતા અમેરિકનોનાં વાંચન વિશે લખે છે કે, ‘‘હમણાં અમેરિકાથી આવેલા મિત્ર પાસે સરસ રિમાર્ક સાંભળ્યો. એ કહે કે અમેરિકન્સ એ જબરા રિડર્સ છે, એટલે કે લોકોમાં વાચનરસ મોટા પ્રમાણમાં જોવા મળે છે. પાંચ માણસ ભેગા મળે તો ફરતોફરતો એ સવાલ પુછાય જ કે હમણાં શું વાંચ્યું ? છેલ્લું કયું પુસ્તક વાંચ્યું ?’’
આપણે ઈન્ટરનેટ પર વાંચીએ છીએ તે અ-ગંભીર લખાણ છે. ભલે એ અંગ્રેજી હોય. વાંચવામાં શિસ્ત નથી. એ ફક્ત માહિતી મેળવવાના લક્ષથી આપણે વાંચીએ છીએ. માહિતી મેળવીએ છીએ ત્યાં નવી માહિતી આવી જાય છે. જેને આપણે બ્રેકિંગ ન્યૂઝ કહીએ છીએ. નવી માહિતી આવતા જૂની માહિતીનું તિરોધાન થઈ જાય છે. એ ભૂંસાઈ જાય છે. ઉદાહરણ આપું તો ગુજરાતી પુર્તિઓના જ દરેક લેખ આપણે કાયમી યાદ રાખવાના હેતુસર વાંચીએ છીએ ? આપણે શીખવા માટે વાંચતા જ નથી. દિગીશ મહેતા અહીં ગોડ્સ ઓફ સ્મોલ થીંગ્સ અને આમસ્ટરડામ પુસ્તક વિશે સરસ રીતે સમજાવે છે.
આ પુસ્તકમાં અખબાર વાંચન, શ્રવણ, સિવાય લેખક એક મોટી વાત ઉપર ભાર મુકે છે. એ વાક્યને પુસ્તકમાં જ અન્ય લેખકોએ પણ અલગથી તારવ્યું છે. શું છે એ વાક્ય ? ‘ઈંગ્લિશ શીખવાનું સારામાં સારું સાધન ઈંગ્લિશ કોમેડી ફિલ્મ્સ છે.’ લેખક યાસીન દલાલ પણ અંગ્રેજી શીખવા માટે છાપામાં આવતા અંગ્રેજી કાર્ટુન અને કોમિકબુક વાંચવાની ભલામણ કરતાં હતાં.
અંગ્રેજી અને હ્યુમરનો શું સંબંધ છે એ વિશે પણ દિગીશ મહેતાએ એક નોખો નિબંધ લખ્યો છે. કુલ ચાલીસ નિબંધો છે. વાંચી વાંચીને ધન્ય થઈ જાવ. રોજ વાંચો અને એક એક નિબંધમાં ગુજરાતી સાહિત્યકાર, અંગ્રેજીના પ્રોફેસર અને જિજ્ઞાસુ વાચક શું શું કહે છે તેના પર ધ્યાન આપો તો ક્યાંય દૂર સુદુર જવાની જરૂર નથી.
તેમનું પુસ્તક જો અંગ્રેજી અધ્યાપકો વાંચશે તો બિલકુલ તેઓ અંગ્રેજી વિષયના અન્ય વિદ્યાર્થીઓને અને અંગ્રેજી ભાષા શીખવા માગતા લોકોને કહેશે કે એક વખત દિગીશ મહેતાનું ઈંગ્લિશ! ઈંગ્લિશ! પુસ્તક વાંચો. જેથી અંગ્રેજી શીખવા તમારે શું શું કરવાનું છે તેની માતૃભાષા થકી જ ખબર પડી જાય.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત