Homeવિશેષગીર સોમનાથઃ શોખ ખાતર ખીલી અને દોરા વડે કલાકૃતિ બનાવવાનું શરૂ કર્યું,...

ગીર સોમનાથઃ શોખ ખાતર ખીલી અને દોરા વડે કલાકૃતિ બનાવવાનું શરૂ કર્યું, આજે એક સફળ વ્યવસાય બન્યો

Team Chabuk-Special Desk: સાસણના પ્રવાસ જાવ તો સુરેશભાઈ રૂપારેલિયાની શોપની મુલાકાત એકવાર લેવા જેવી ખરી. નેઈલ એન્ડ થ્રેડ વર્ક એટલે કે, દોરા અને ખીલી વડે બનાવેલ કલાત્મક શોપીસ-ફોટોફ્રેમ તમને પ્રભાવિત કર્યા વગર રહેશે નહી.

સુરેશભાઈ રૂપારેલિયાએ આજથી ૧૭-૧૮ વર્ષ પહેલાં શોખ ખાતર ખીલી અને દોરા વડે શોપીસ-ફોટોફ્રેમ બનાવવાનુ શરૂ કરેલ, જે આજે એક વ્યવસાયમાં પરિણામ્યું છે. સાથો સાથ આજે આ કલાત્મક વર્ક ગીરની એક ખ્યાતિ તરીકે ઉભરી રહ્યું છે. આ કામમાં વન વિભાગના અધિકારીઓનો સક્રિય સહકાર-પ્રોત્સાહન અને મિશન મંગલમ્ યોજનાનો લાભ મળતા આજે સુરેશભાઈ અને તેમનો પરિવારને નેઈલ અને થ્રેડ વર્કને મોટા ફલક તરફ લઈ જવામાં સફળાત મળી રહી છે. આ ખીલી અને દોરાના કલાત્મક ગૂંથણને આર્ટ ઓફ ગીર તરીકે વિકસાવવા માટે સુરેશભાઈ, તેમના ધર્મપત્ની વર્ષાબેન અને સમગ્ર સખીમંડળ તનતોડ મહેનત કરી રહ્યું છે.

સુરેશભાઈ રૂપારેલિયા દોરા અને ખીલીના વર્ક બનાવવાના શરૂઆતના સમયની વાત કરતા કહે છે કે, વર્ષો પહેલાં દોરા-ખીલી વડે બનાવેલ એક વસ્તુને જોઈ હતી. તેને જ અલગ અને આગવું સ્વરૂપ આપીને  મોટા ફલક પર લઈ જવાનો વિચાર કર્યો હતો. તેના આજે અઢારેક જેટલા વર્ષ વીતી ગયા… આ કલાત્મક વર્કને  વિકસાવવા માટે અવનવા પ્રયોગો કર્યા, તેના પરિણામે આજે ૧૮૦થી વધુ ડિઝાઈન બનાવી ચૂક્યા છીએ. આ કલામાં પહેલાં ઘણાં લોકોએ કામ કર્યું છે. પરંતુ અમે તેને અલગ મુકામ પર લઈ માટે પ્રયત્નશીલ છીએ અને તેમાં સફળતા પણ મળી રહી છે.

ગીરની બ્રાંડ તરીકે ઉભરશે નેઈલ એન્ડ થ્રેડ વર્ક

કોરોનાનો છેલ્લા દોઢ-બે વર્ષની સમયગાળો બાદ કરીએ તો વાર્ષિક ચાર થી પાંચ લાખ રૂપિયાની કલાકૃતિઓનુ વેંચાણ કરીએ છીએ, સાથે જ આ કલાકૃતિઓના વેંચાણમાં સતત વધારો પણ થઈ રહ્યો છે. પહેલાં તો અમારા સાસણ નજીકના બોરવાવ ગામેથી જ વેચાણ કરતા ઉપરાંત કોઈ પ્રદર્શનીના માધ્યમથી વેંચાણ કરતા, પણ હવે સાસણ ખાતે એક શોપ ખોલી છે. જેથી સાસણ આવતા પ્રવાસીઓ અમારા કલાત્મક વર્કથી પરિચિત થવાની સાથે ખરીદી પણ કરી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે, આવનારા સમયમાં નેઈલ એન્ડ થ્રેડ વર્ક ગીરની એક બ્રાંડ તરીકે ઉભરી આવશે. સાથે જ સખીમંડળના માધ્યમથી બહેનોને વધુ રોજગારી મળી રહેશે તેમ સુરેશભાઈએ ઉમેર્યું હતું.

10 પરિવારને મળી નિયમિત સ્વરોજગારી

ખીલી અને દોરા વડે બનાવાતી આ કલાકૃતિઓમાં માનવબળની પણ એટલી જ જરૂરિયાત રહે છે. ક્યારેક કોઈ મોટો  ઓર્ડર હોય તો તે માટે સમયસીમામાં કામ કરવાનુ હોય છે. ત્યારે મિશન મંગલમ્ યોજનાનો લાભ મળવાથી સખીમંડળની રચના કરવામાં આવી છે. આમ, યોજનાથી પુરતુ માનવબળની સાથે બહેનોને રોજગારી પણ મળી રહી છે. તેમજ રાજ્ય સરકાર તરફથી રિવોલ્વીંગ ફંડ અને નજીવા વ્યાજદરે રૂ. એક લાખની લોન મળી છે. જેનાથી આ કલાને વિકસાવવામાં મદદ મળી છે. 

આ કામમાં અમારા ગામના બહેનો ઉત્સાહપૂર્વક અમારી સાથે જોડાઈ રહ્યા છે. હાલ દશેક પરિવાર નિયમિતપણે અમારી સાથે કામ કરે છે. તેઓ આ વર્ક શીખવાની સાથે સ્વરોજગારી મેળવી રહ્યા છે. માસિક તેઓ ૩થી ૪ હજાર રૂપિયા કમાઈ રહ્યા  છે. તેમજ નવા જોડાતા જતા બહેનો આ કામ શીખી રહ્યા છે.

nail & thread work (9)

ડીસીએફ સંદિપકુમાર બન્યા મદદરૂપ

લગભગ ૨૦૧૩-૧૪માં સાસણ ખાતે ડીસીએફ તરીકે સંદિપકુમાર ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેમને અમે સિંહ સહિતની બનાવેલ વિવિધ કૃતિઓ તેમના સમક્ષ ડિસપ્લે કરી હતી. તેઓ આ કલાકૃતિઓથી  ખૂબ પ્રભાવિત થયા. ત્યારથી વન વિભાગનો કોઈ મોટો કાર્યક્રમ કે, કોઈ મહાનુભાવો સાસણ આવનાર હોય તો, તેમનું સ્વાગત-અભિવાદન-સન્માન અમારા દ્વારા બનાવેલ શોપીસ-ફોટોફ્રેમથી કરવામાં આવે છે. ત્યાર પછી તો ઘણાં ઓર્ડર મળવા લાગ્યાં. અને આજે પણ વન વિભાગના અન્ય અધિકારીઓ દ્વારા પણ અમને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે.

રૂપિયા 500 થી લઈને 80 હજાર સુધીની કલાકૃતિ બનાવી

ખીલી અને દોરા વડે બનાવાતી આ કલાત્મક કૃતિમાં ગુણવત્તાયુક્ત મટિરિયલ વાપરવાની સાથે હાથ બનાવટનુ હોવાથી એક પીસ બનાવવા પાછળ ખૂબ મહેનત કરવી પડે છે. અમે, ૫૦૦ થી ૫૦ હજાર રૂપિયા સુધીના પીસ ઓર્ડર પ્રમાણે બનાવી આપ્યા છે. ઉપરાંત એક પીસ તો ઓર્ડર મુજબ રૂ. ૮૦ હજારનું પણ બનાવી આપ્યું હતું. જે ૮*૫નું શ્રી ખોડિયાર માતાજીની સાત બહેનોને સમાવિષ્ટ કરતું હતું.આમ, ઓર્ડર પ્રમાણે મંદિરો, પ્રકૃતિ, મહાપુરૂષો અને પ્રસંગોનુરૂપ વિવિધ કૃતિઓ તૈયાર કરી આપીએ છીએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ પ્રતિકૃતિ બનાવી

તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિકૃતિ તૈયાર કરવાનો ઓર્ડર મોરબીથી મળ્યો હતો. તે મુજબની કૃતિ બનાવી આપવામાં આવી છે. આ કલાત્મક કૃતિઓ સામાન્ય રીતે કોઈ પ્રસંગ, કાર્યક્રમ કે શુભેચ્છા મુલાકાતના સમયે ભેટ તરીકે આપીને સ્વાગત-અભિવાદન સ્વરૂપે આપવામાં આવે છે. આ કૃતિઓ રાષ્ટ્રપતિ, તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, મારૂતિ સૂઝિકાના ચેરમેન સહિતના મહાનુભાવોને વિવિધ પ્રસંગો આપવામાં આવી છે.

180 ડિઝાઈન વિકસાવી, 35 ડિઝાઈન સિંહની

ગીરના સિંહ વિશ્વભરમાં ખ્યાતનામ છે. ત્યારે સુરેશભાઈએ ૧૮૦થી વધુ ડિઝાઈન વિકસાવી છે. તેમાં ૩૫ જેટલી તો માત્ર સિંહની જ છે. આ ડિઝાઈનમાં સિંહ અને તેની જુદી-જુદી રીતે મુખાકૃતિઓને નાના-મોટા સ્વરૂપમાં કલાત્મક રીતે રજૂ કરવામાં આવી છે. આમ, આ વિસ્તારની આગવી ઓળખ એવા સિંહને કલાના માધ્યમથી વણી લેવામાં આવ્યો છે.  

ખીલી અને દોરા વડે કલાકૃતિ બનાવવાની આગવી પદ્ધતિ

આ વિશિષ્ટ કલાકૃતિ બનાવવા માટે એક ઉચ્ચ ગુંવત્તાવાળા MDF પ્લાયના ૭ એમએમના પાટિયાનો ઉપયોગ કરવામાં આવે છે. તેના ઉપર પેન્સિલ વડે નિર્ધારિત કર્યા મુજબનું ચિત્ર દોરવામાં આવે છે. ત્યાર બાદ આ ચિત્ર ઉપર ખીલી લગાડીને આ આકૃતિને ઉપસાવવામાં આવે. આટલું તૈયાર થયા પછી દોરાનું વર્ક શરૂ કરવામાં આવે છે. આ દોરાને ખીલીમાં અટવાડીને એક આગવી ભાત પાડવામાં આવે છે. આ દોરાના વર્કમાં ખાસ મેચિંગ મુજબ દોરાનો ઉપયોગ થાય તે આવશ્યક છે. અન્યથા ચિત્રની આકર્ષિતતા ઓછી થઈ જાય અથવા ગુમાવી બેસે છે. આ કલાકૃતિ બનાવવામાં રેશમના દોરાનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી આ કૃતિમાં ચમક જોવા મળે છે. અંતે આ કલાકૃતિઓને એક ફ્રેમમાં મઢવામાં આવે છે. આમ, આ કલાકૃતિ બનાવવા પાછળ ખૂબ પરિશ્રમ ખર્ચવો પડે છે.

કોરોના મહામારીના કારણે ફટકો પડ્યો

કોરોના મહામારીનો લગભગ તમામ વ્યવસાયને પ્રભાવિત કર્યા છે. તેમાં અમે પણ બાકાત રહ્યા નહિ. જ્યારે અમારા આ શોપીસ-ફોટોફ્રેમ મોટા સરકારી મેળાવળા-કાર્યક્રમમાં ઉપયોગ કરવામાં આવે છે. જે લગભગ દોઢ-બે વર્ષથી બંધ છે. એટલે સ્વભાવિક રીતે જ અમારી કલાકૃતિઓના વેંચાણને અસર કરે. પરંતુ હવે આ દિવાળી દરમિયાન વેચાણમાં ખાસ્સો વધારો થયો છે. એટલે રાહત અનુભવી રહ્યા છીએ. તેમ સુરેશભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું.

(માહિતી અને સંકલનઃ- રોહિત ઉસદડ, ગીર સોમનાથ માહિતી વિભાગ)

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments