ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ એક પેજ છે. ફોટાઓથી ભરપૂર અને માણ્યા વિના ન રહી શકો એવું. એક એક તસવીરો મૂંઝવણમાં મૂકી દે છે કે આ તસવીર સાચેક પાડવામાં આવી છે કે પછી કોઈ અનુભવી ચિત્રકારે તેના પર પીંછીના લસરકા માર્યા છે. અથવા તો ટેક્નોલોજી આટલી આગળ વધી ગઈ છે તો શક્ય છે કે ફિલ્ટર મારવામાં આવ્યા હોય. ઉપર જેટલી પણ વાત કરી તેમાંથી એક પણ વાત સાચી નથી. સાચી એટલા માટે નથી કારણ કે આ પેજ ડિસ્કવરી એચડીનું છે. મેગેઝિન. ચેનલ અને ચેનલ પછી એચડી ચેનલ સુધી અને હવે સોશિયલ મીડિયાના કારણે ત્યાં પણ ચક્ષુરંજનનું કાર્ય કરે છે. માણીએ એ પેજની કેટલીક અદભૂત તસવીરો. નીચેની તમામ તસવીરોના અધિકાર ડિસ્કવરી ચેનલ અને તેના ફોટોગ્રાફર્સના છે. ફોટોની સાથે થોડી ટીપ્પણી અને કોઈ કોઈ જગ્યાએ ફોટોગ્રાફરનું નામ પણ લખ્યું હશે.

ડિસ્કવરી એચડીએ પોતાના ફેસબુક પર અપલોડ કરેલી તસવીરમાં તસવીરકારનું નામ તો નથી લખ્યું. બાકી આજે ક્રેડિટ આપ્યા સિવાય અને એ માણસની પીઠને થપથપાવ્યા વિના હાથ રોકાત નહીં. એકબીજાનો સંગાથ છે. કાચબો જે જમીન પર ભલે ધીમો ચાલે પણ પાણીમાં તો તેની ઝડપ હોય જ છે. તેની ઉપર દેડકો. જે પણ પાણી અને જમીનમાં હોય છે. તેની સૌથી ઉપર તો એ જીવ છે જે કાચબા કરતાં પણ ધીમું ચાલે છે. આપણે તેને ગોકળગાય કહીએ. ત્રણ યાર!!

આ તસવીર હોલોવીનના દિવસે ડિસ્કવરી એચડી ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવી હતી. હવે બધાને ખબર છે કે ચામાચીડીયું એ એવું સ્તનધારી જીવ છે જે ઊડાન ભરી શકે છે. આ વર્ષ ચામાચીડીયાના કારણે કોરોનાગ્રસ્ત અને ચિંતાગ્રસ્તતામાં વીત્યું. એનો અર્થ એવો થોડો છે કે એ જીવને જ દોષ દીધા કરીએ. પૂનમનો ચાંદ અને ચાંદ પર ડ્રેક્યુલા.

તો આખરે આ ફોટોની ક્રેડિટ જાય છે Siân Addison નામના ભાઈને. ખીસકોલી ઠેકડો મારી રહી છે. લાલ કલરની ખિસકોલી. જેને આપણે ગુજરાતીમાં પણ એમ જ કહીએ – રેડ સ્ક્વેરલ. સ્કોટલેન્ડના જંગલોમાં આ તસવીર પાડવામાં આવી છે. આટલો લાંબો કૂદકો તે બે વખતે જ મારે. અખરોટ જોઈ જાય ત્યારે અને પાછળ શિકારી હોય ત્યારે.

આ તસવીર ભારતમાં પાડવામાં આવી છે. તસવીરકારનું નામ છે મોહન થોમસ. સિંહની હા મોજ હા કરીને વાતો કરીએ છીએ. પણ એ સિંહ આફ્રિકાનો હોય કે એશિયાનો, આ વાઘના મોઢુંફાડ પરાક્રમ સામે ઊભી પૂંછડીએ ભાગી જાય તો નવાઈ નહીં.

Mark Bouldoukian નામના ભાઈએ આ તસવીર ખેંચી છે. આના શિંગડા જુઓ. ફોટોગ્રાફર માટે ભલે આ સુંદરતાભર્યો નજારો કહેવાય અને તેને કેપ્ચર કરવાની મજા આવી ગઈ હોય, પણ ડુંગરા દૂરથી રળીયામણા એ રીતે આ જાનવરની નજીક ન જવામાં જ ભલાઈ છે. સાચું કહું આવા કેટલાક ગુજરાતમાં રખડતા કરી દીધા હોય તો સોશિયલ ડિસ્ટન્સનું આપમેળે પાલન થઈ જાય.

Naomi Rose દ્વારા અંડરવોટર તસવીર લેવામાં આવી છે. તસવીરની ખાસિયત ડિસ્કવરી ચેનલ જોનારાઓને ખ્યાલ જ હશે. મધદરિયે માછલીઓનું ઝૂંડ આ રીતે વિહરતું હોય છે. એ ફાયદો પણ છે અને ગેરફાયદો પણ છે. ફાયદો એકે છુટ્ટા ન પડી જઈએ અને કેટલાક દુશ્મનને માછલીઓના ચક્રવાતથી ડરાવીએ. નુકસાન એ થાય છે કે શાર્ક માછલીની અડફેટે ચડી જાઓ તો એકસાથે રામ નામ સત્ય થઈ જાય.

સારનાથમાં સિંહ છે. તેને છે ચાર માથા, પણ તસવીરમાં કે તેની સામેથી જુઓ તો ત્રણ જ દેખાય. બ્રહ્માને પણ ચાર માથા છે, દેખાય ત્રણ. બેયબ્લેડ નામના કાર્ટુનમાં એક બીગ બિસ્ટ ઉર્ફ મહાકાય જાનવર આવતો હતો. તેનું નામ બર્નીંગ સેરબરસ. તેને ત્રણ માથા હતા. આ વાઘ બિલકુલ તેને જ મળતો આવે છે.

ઉપરની તસવીર જોઈ જ લીધી હોય અને હરખાતા હોય તો હવે નીચેની તસવીરને જુઓ. બે બડિયા વચ્ચે ઘમાસાણ થવાનું છે. એ પણ પાણીની અંદર. વાઘની તાકાત જમીન અને પાણી બેઉંમાં હોય છે. આજે નુકસાન પાણીને થવાનું છે. બિચારું છે એનાથી પણ વધારે ડહોળાય જશે.

ખૂદ ડિસ્કવરી ચેનલના એચડી પેજે આ અંગેની વિગત આપતા લખ્યું છે કે, રોમનોના નેજા હેઠળ એક સમયે આ વિસ્તાર હતો. એ સમયે રોમન રાજા હેદરિયને હુકમ આપ્યો કે દિવાલ ચણવામાં આવે જે રોમન અને બાર્બેરિયનને અલગ પાડી દે. 73 માઈલ લાંબી આ દિવાલ હવે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં પણ સામેલ છે. આ દિવાલને ભૂતિયા દિવાલ પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે રાતના અંધકારમાં શહીદ થયેલા રોમન સૈનિકોના ભૂત અહીં જીવંત થાય છે. ભટકતા રહે છે.

કોઈને બ્લેક હોલ લાગે. કોઈને અંતરિક્ષનો અદભૂત નજારો લાગે. કોઈને વિશાળકાય હાથીના દર્શન થાય. શાર્ક માટે આ વ્યંજન માણવાનો સમય છે.

માણસને કુદરતને પ્રેમ કરતા નથી આવડતો. જાનવરોને ખૂબ આવડે છે. માણસ કુદરતને બચાવવા નીત નવીન યોજનાઓ બનાવે છે. જે સરકારી ચોપડે રહી જાય છે અને પછી જંગલો કાપી ફેક્ટરીઓ ખોલી નાખવામાં આવે છે. કહે છે રોજગારી આપવા માટે કરવું પડ્યું !! આ જાનવરના દૃશ્યને જોતા તે શું વિચારી રહ્યો હશે એ જો તમારા મગજમાં આવી ચડે તો કોમેન્ટ બોક્સમાં અચૂક લખજો.

અદભુત સિવાય તમારી પાસે શું શબ્દો છે ? Jason Loftus નામના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર દ્વારા આ તસવીર ખેંચવામાં આવી છે.

નોર્વેમાં આવા શરીરથી ખડતલ અને ખમતીધર ખૂંટીયાઓ જોવા મળી જાય છે. 5 નવેમ્બર 2019ના રોજ પેજ દ્વારા આ તસવીર જ્યારે અપલોડ કરવામાં આવેલી ત્યારે લખવામાં આવ્યું હતું કે આવા માત્ર 250 વધ્યા છે. Dovrefjell-Sunndalsfjella નેશલન પાર્કમાં આ તસવીર Stian Norum Herlofsen દ્વારા કેમેરે કંડારવામાં આવી હતી.

Patrick Van Bakkum દ્વારા જીવ સટોસટનો ખેલ ખેલીને તસવીર ખેંચવામાં આવી છે. આ ભારત કે આફ્રિકાનો નહીં પણ ફાડી ખાવા માટે મશહૂર એવા શ્રીલંકાનો દીપડો છે. જેને માનથી શ્રીલંકન લેપર્ડ કહેવામાં આવે છે.

“ईतना बडा हो गई हो अभी तक ब्याह नहीं हुआ”

તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર