Homeવિશેષતસવીર-એ-બયાં : વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર સુધીર શિવરામની કેટલીક ફોટોગ્રાફી ટીપ્સ

તસવીર-એ-બયાં : વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર સુધીર શિવરામની કેટલીક ફોટોગ્રાફી ટીપ્સ

Team Chabuk-Special Desk: સુધીર શિવરામ. કર્ણાટકમાં જન્મ થયો અને ઈલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગની ડિગ્રી લીધી. જીવ તો ફોટોગ્રાફીનો હતો. વન્યજીવની ફોટોગ્રાફી. જે પ્રતીક્ષા માગી લેતો વિષય છે. એક ક્લિક માટે જંગલમાં જીપ્સી બની ભાટકતું રહેવું પડે. ક્લિક મળે પણ ખરી અને ન પણ મળે. એક તસવીર માટે વર્ષોના વર્ષ રાહ જોવી પડી. સુધીર તમામ વન્યજીવી ફોટોગ્રાફરોમાં સૌથી સારું નસીબ લઈને જન્મ્યા છે. તેમની પાસે કર્ણાટકનું કુદરતી સૌંદર્ય હતું. એ સૌંદર્યને તેમણે કેમેરામાં કંડાર્યું.

Picture Courtesy : Sudhir Shivaram Facebook Page

ઉપરથી જ્યારે પણ સુધીરને કોઈ જાનવરનો ફોટો લેવાનું મન થાય છે તો તુરંત તેમને ગમતી ક્લિક મળી જ જાય છે. તમારે સુધીર શિવરામની ફોટોગ્રાફી કળા વિશે જાણવા ક્યાંય દૂર જવાની જરૂર નથી. હાથમાં મોબાઈલ હોઈ અને ફેસબુકમાં આપની હાજરી હોય તો બસ થઈ રહ્યું. અહીં જ તમને માહિતી મળી જશે કે સુધીર શિવરામ ફોટોગ્રાફીના કોર્સ પણ કરાવે છે. તેમની ફોટોગ્રાફીની કળા આપણા માટે Wowનો સબ્જેક્ટ છે. કેમેરા કંપની કેનોન માટે તે બ્રાન્ડ એમ્બેસેડરનો સબજેક્ટ છે. હા, તેઓ કેનોનના એક સમયે બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યા છે. નેશનલ જ્યોગ્રાફી મેગેઝિનની 14 એડિશનમાં એક સાથે તેમની તસવીર ચમકી ચૂકી છે. વોશિંગ્ટન ડિસીમાં તેમને નેશનલ જ્યોગ્રાફી તરફથી જ વર્લ્ડ વાઈલ્ડ એડિટોરીયલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. હવે આ કલાકારની અદભુત ફોટોગ્રાફી કળાના કેટલાક નમૂનાઓ આજના તસવીર-એ-બયાંમાં માણીએ. ચાલો સુધીરજી સાથે જંગલની સફરે.

Picture Courtesy : Sudhir Shivaram Facebook Page

સુધીરજીએ ખેંચેલી આ તસવીરમાં વાઘના બચ્ચા છે. હજુ ફાડી ખાતા વાઘ બન્યા નથી. અગાઉ ચાબુકમાં વાઈલ્ડ કર્ણાટકા નામની ડોક્યુમેન્ટ્રીની વાત કરેલી ત્યારે એ વાત પણ કરેલી કે કબીનીના જંગલમાં 400 ઉપર વાઘ છે. વાઘ જ્યાં રહે છે તે નાઘરહોલ રિઝર્વ પાર્ક છે. આ તસવીરની ખાસિયત એ છે કે પાછળનું વાઘનું બચ્ચુ તો પડછાયો હોય એવું લાગે, જે ખરેખર પડછાયો નથી. જંગલમાં પોતાના વિસ્તારને નજીકથી જાણવા માટે વાઘના બચ્ચાઓ લટાર મારવા નીકળ્યા છે.

Picture Courtesy : Sudhir Shivaram Facebook Page

તમે સુધીર સરની તસવીરો અને તેની કેપ્શનને ધ્યાનથી વાંચો તો પણ ઘણું શીખી જાવ. આ તસવીરની સાથે સુધીરજીએ લખેલું કે, ‘આ પક્ષીના વર્તનનો તમે અભ્યાસ કરો તો ખ્યાલ આવશે કે તે ફળને ચાંચથી પકડી ઉછાળે છે. ઉછાળ્યા પછી મોઢામાં લપકી લે છે. આ એ ક્ષણ હોય છે જ્યારે તમારે ક્લિક કરી લેવાની.’ એક સારા વાર્તાકાર કે નવલકથાકાર બનવા માટે જેમ માનવનું નિરીક્ષણ કરવાનું હોય. અભિનેતા બનવા માટે પણ ચહેરાના હાવભાવનું નિરીક્ષણ કરવાનું હોય. કોઈની બાયોપિક માટે તો ખાસ. ત્યારે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર તરીકે પણ જાનવરોની એક એક ક્રિયાનું નિરીક્ષણ તમારે કરતું રહેવું પડે છે. કોઈ પણ કળામાં પારંગત બનવા માટે નિરીક્ષણવૃતિ હોવી જોઈએ. સુધીરજી કહે છે કે, ‘આ પક્ષીઓને નિરીક્ષણ કરો અને તેના વર્તનને યાદ રાખો.’

Picture Courtesy : Sudhir Shivaram Facebook Page

સુધીરજીની વધુ એક તસવીરી કળાનો નમૂનો. તેઓ આફ્રિકામાં ગયા હતા ત્યારે આ તસવીર ખેંચેલી હતી. સવારમાં નાહી પરવારીને ઊભો થયેલો સિંહ જ લાગે છે ને? તેના માથાના વાળ એ વાતની સાબિતી આપે છે કે આજના દિવસની સ્નાન ક્રિયા પૂર્ણ થઈ. તેની આંખો કોઈને તાકી રહી છે. અથવા તો સુધીરજીને તે એક્સપ્રેશન આપી રહ્યો છે. જેથી તેની એક સારી તસવીર ખેંચાઈ જાય. જાનવરોને પણ ખબર પડી ગઈ છે કે આપણે પણ લોકપ્રિય થઈ શકીએ છીએ. બસ કોઈ હાથમાં રમકડું લઈ આવે ત્યારે દમામથી પોઝિશન આપી દેવાની.

Picture Courtesy : Sudhir Shivaram Facebook Page

આ છે મસાઈ મારાનું ગરૂડ. અદબવાળીને તસવીર ખેંચાવવા બેઠું હોય તેવી અદા. તોબરો ચડાવીને. ગુસ્સામાં. ફોટો નહોતો પડાવવો પણ હવે ભણવા જેવડો થઈ ગયો છે. શાળાએ તેને ભણવા મોકલવાનો છે. આપણે ત્યાં કેટલાક વિદ્યાર્થીઓના પાસપોર્ટ સાઈઝના ફોટા પણ આ પ્રકારના જ હોય છે. સાહેબે વર્ગખંડની બહાર ઊભો રાખ્યો હોય ત્યારે પણ આ હાવભાવ જ હોય છે.

Picture Courtesy : Sudhir Shivaram Facebook Page

આપણને તો કહેવામાં આવ્યું છે કે મોર તેની કલગી અને પીંછાના કારણે સુંદર હોય છે. આના માથાને જુઓ. ક્યાંય જોઈ છે આટલી સુંદરતા ? ચહેરા પર પાઉડર લગાવ્યો હોય. આંખમાં કાજળ લગાવ્યું હોય. ચાંચ પર લિપસ્ટિક લગાવી હોય. અંબોડામાં નવીન આકારનું બકલ લગાવ્યું હોય. નંબરના ચશ્મા કાઢીને કોન્ટેક લેન્સ લગાવ્યા હોય. મનુષ્ય કૃત્રિમ વસ્તુથી સુંદર દેખાય છે? ના. એ જેવો હોય તેવો દેખાય એનાથી જ તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. જાનવરોને જુઓ.

Picture Courtesy : Sudhir Shivaram Facebook Page

2017માં સાસણ ગીરમાં તસવીર ખેંચવામાં આવી હતી. આ તસવીર સુધીરજીએ નથી ખેંચી. આ તસવીર તેમના વિદ્યાર્થી તપન.ડી.શેઠ દ્વારા ખેંચવામાં આવી છે.

Picture Courtesy : Sudhir Shivaram Facebook Page

આને કહેવાય ક્લોઝ એન્કાઊન્ટર. ખિસકોલીના બચ્ચાએ છલાંગ લગાવી છે. તેના માટે તો આ એક પહાડ પરથી બીજા પહાડ પર પહોંચવા માટે લગાવેલો કૂદકો જ કહેવાય. આપણા માટે ભલે તે નજીવો પગ મૂકવા બરાબર છે. સુધીરજીના ઝીણવટપૂર્વક કરેલા નિરીક્ષણ અને પરફેક્ટ ટાઈમિંગનો ઉત્તમ નમૂનો.

Picture Courtesy : Sudhir Shivaram Facebook Page

આ કામ તમે માનો છો એટલું સહેલું નથી. તમે જરા પણ અવાજ કરો તો જે અદભુત ક્લિક તમને વિશ્વભરમાં મશહૂર કરવાની હોય તે આંખના પલકારે ગાયબ થઈ જાય. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં સિંહ કે વાઘ જેવી ચાલ અને ચપળતા હોવી જોઈએ. શિકારને ખબર પણ ન પડે કે કોઈ નજીક આવી રહ્યું છે.

Picture Courtesy : Sudhir Shivaram Facebook Page

આ છે બે મોઢાળો સિંહ!! ગીરના સિંહ માટે કહેવાય છે ડાલા મથો. આ સિંહ માટે કહી શકાય ડબલ ડાલા મથો. પણ આ તો સુધીરજીની કમાલ છે. સુધીરજી આવી તસવીરો માટે ટીપ્સ આપે છે કે, તમારે એલર્ટ રહેવાની જરૂર છે. આવી હાસ્યાસ્પદ તકો વારંવાર નથી મળતી. એમના માટે બિલકુલ બે મોઢાવાળા સિંહની તસવીર ખેંચવી એ હાસ્યાસ્પદ હશે પણ આપણા માટે તો આ વિસ્મયનો મુદ્દો છે.

Picture Courtesy : Sudhir Shivaram Facebook Page

આપણે આને ઝરખ કહીએ. અંગ્રેજીમાં તેને હાયેના કહેવામાં આવે છે. દુનિયામાં મગરમચ્છ અને સિંહ જેમના જડબામાં ભરપૂર તાકાત હોય છે તેના કરતાં વધારે તાકાત હાયેનામાં હોય છે. તે એક વખત શિકાર પર પોતાના દાંત પરોવી દે તો પછી ત્યાંથી માંસને ખેંચી જ લે છે. નેશનલ જ્યોગ્રાફીએ કયા જાનવરના દાંતની શક્તિ સૌથી વધારે હોય છે તેના પર સાયન્ટિફિક ડોક્યુમેન્ટ્રી પણ બનાવી હતી.

Picture Courtesy : Sudhir Shivaram Facebook Page

આફ્રિકાનો સિમ્બા. જે પાછળ પડેલા વિલ્ડર બિસ્ટના ટોળાથી પોતાનો જીવ બચાવીને ભાગી રહ્યો છે!! ફિલ્મમાં જ શક્ય બને તેવું નથી હોતું. કેટલીક વખત ફિલ્મી ઘટનાઓ સત્ય ઘટના પણ બની જાય છે.

Picture Courtesy : Sudhir Shivaram Facebook Page

આફ્રિકામાં તેમણે સિંહની પાડેલી અદભુત તસવીર. આ તસવીરની ખાસિયત મારી સમજણ પ્રમાણે રિફ્લેક્શન છે. ‘‘ન્યાના હાવજડા હેંજળ પીવે એ ન્યાના નમણા નર અને નાર.’’ પણ આફ્રિકા એ ગીર નથી. ત્યાંના સાવજની પાસે જાવ તો એ કોઈ દયા દાખવતો નથી. દયાનો અંશ તેનામાં રતીભાર પણ નથી.

Picture Courtesy : Sudhir Shivaram Facebook Page

શાળાના વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપતા સુધીરજી. આપણે ત્યાં ખૂબ મોડેથી શરૂઆત કરવામાં આવે છે. એ વાત જ ખોટી છે. 10,000 કલાકની મહેનત તમને કોઈ પણ કળામાં મહારત આપી શકે. એ વાત તો સાંભળી જ હશે. સચિને 6 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું એટલે કે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં આવતા પહેલા જ તે પોતાની દસ હજાર કલાકની પ્રેક્ટિસ કરી ચૂક્યો હતો. બાળકોને કોઈ વસ્તુ ગમે છે તો નાનપણથી જ કરાવો અને એક જ કામ કરાવો. ટેનિસ પણ રમવું, ક્રિકેટ પણ રમવું અને ફોટોગ્રાફી પણ કરવી. એમ નહીં. સુધીરજીની પાઠશાળા.

Picture Courtesy : Sudhir Shivaram Facebook Page

ક્લોઝ અપ અને વાઈડ એંગલની મધ્યમાં કંઈક. વાઘ રણથંભોર અભ્યારણનો છે. જંગલબુકનો શેરખાન.

Picture Courtesy : Sudhir Shivaram Facebook Page

સુધીરજીને ચાબુક જ્યારે પણ જુએ છે ત્યારે 96 ફિલ્મનો વિજય સેથુપથી યાદ આવ્યા વિના નથી રહેતો. સુધીરજી પદ્મશ્રી પુરસ્કારને લાયક તો ક્યારના થઈ ગયા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments