Homeગામનાં ચોરેબાપ રે! ચૂંટણીમાં ફરજ પર રહેલા 577 શિક્ષકોના મોત થયાનો દાવો

બાપ રે! ચૂંટણીમાં ફરજ પર રહેલા 577 શિક્ષકોના મોત થયાનો દાવો

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશમાં પંચાયતની ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન આજે ચાલી રહ્યું છે. કોરોના વાઇરસની મહામારીની વચ્ચે યોજાયેલી આ ચૂંટણીને લઈને અનેક પ્રકારના આરોપો થઈ રહ્યા છે. એવા સમયે અત્યાર સુધીમાં ચૂંટણીમાં ફરજ પર રહેલા 577 શિક્ષકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજ્ય શિક્ષક સંગઠને આ દાવો કર્યો છે. આ પહેલા એક સમાચાર પત્રમાં પણ પંચાયત ચૂંટણી દરમિયાન 135 પોલિંગ અધિકારીઓના મોત થયા હોવાના સમાચાર છપાયા હતા. આ ઘટનાની નોંધ અલ્હાબાદ હોઈકોર્ટે લીધી છે.

રાજ્ય શિક્ષક સંગઠને ઉત્તર પ્રદેશ રાજ્ય ચૂંટણી પંચને મૃત્યુ પામેલા 577 શિક્ષકોની યાદી સોંપી છે. જેઓના મોત પંચાયત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફરજ પર થયા છે. યાદી સોંપ્યા બાદ રાજ્ય શિક્ષક સંગઠને 2 મેના રોજ થનારી મતગણતરી પ્રક્રિયા પણ રદ કરવાની માગ કરી છે. જો કે ચૂંટણી પંચ તરફથી મતગણતરી બંધ રાખવાનો કોઈ સંદેશ મળ્યો નથી.

ઉત્તર પ્રદેશના શિક્ષક મહાસંઘના અધ્યક્ષ દિનેશ ચંદ્ર શર્માએ કહ્યું કે પંચાયતની ચૂંટણીના નામે રાજ્ય ચૂંટણી પંચે 71 જિલ્લામાં 577 શિક્ષકોને કોરોનાથી સંક્રમિત કરી દીધા છે અને તેઓના મોત થયા છે. અમે તેઓના નામ ચૂંટણી પંચને સોંપી રહ્યા છીએ. આ પહેલા સરકાર તરફથી તમામ કલેક્ટર, એસપી અને જિલ્લા ચૂંટણી અધિકારીને એક પરિપત્ર મોકલવામાં આવ્યો હતો.

ઉત્તર પ્રદેશ સરકાર તરફથી મોકલવામાં આવેલા આ પરિપત્રમાં સ્પેશિયલ વર્ક અધિકારી એસ.કે. સિંહે તમામ કલેક્ટર, એસપી અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને પોતાના જિલ્લામાં કોરોનાના કારણે થયેલા શિક્ષકોના મોતના દાવાની ખરાઈ કરવા કહ્યું હતું. જેનો રિપોર્ટ 24 કલાકની અંદર સોંપવામાં આવ્યો છે.

શિક્ષક મહાસંઘના અધ્યક્ષ દિનેશ ચંદ્ર શર્માએ કહ્યું હતું કે, હજુ ઘણા જિલ્લામાંથી શિક્ષકોના સ્વાસ્થ્ય વિશેની માહિતી આવવાની બાકી છે. લોકો ડરેલા છે, તેમને ભય છે કે તેમના પરિવારજનોને પણ કોરોના ન થઈ જાય. હાલ પરિસ્થિતિ ખૂબજ ગંભીર છે. અમે 12 એપ્રિલે જ ચૂંટણી રદ કરવા માટે કહ્યું હતું, પરંતુ અમારી વાતને નજરઅંદાજ કરવામાં આવી હતી.

રાજ્ય ચૂંટણી પંચની બેદરકારી અંગે વાત કરતા દિનેશ ચંદ્ર શર્માએ કહ્યું કે, જો મતગણતરી પ્રક્રિયા ટાળવામાં નહીં આવે તો અમારે તેનો બહિષ્કાર કરવો પડશે. ચૂંટણી ફરજ દરમિયાન લાખો લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. પંરતુ ચૂંટણી પંચ કોઈ ગંભીરતા લેતું નથી. જો ચૂંટણી પંચ કાર્યવાહી નહીં કરે તો અમારે કડક કાર્યવાહી કરવી પડશે.

હાલ ઉત્તર પ્રદેશમાં શિક્ષક સંગઠને 577 શિક્ષકોના મોત થયા હોવાનો દાવો કરતાં હડકંપ મચી ગયો છે. ચૂંટણીમાં ફરજ દરમિયાન આટલી મોટી સંખ્યામાં શિક્ષકોના મોત થયાના દાવાથી લોકોમાં પણ ફફટાડ ફેલાઈ ગયો છે.

મહત્વનું છે કે યુપીમાં દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની પણ અછત ઉભી થઈ છે. તેવા સમયે ઉત્તર પ્રદેશમાં પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણી સભાઓમાં એકઠી થતી ભીડના કારણે આગામી સમયમાં સંક્રમણ વધવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments