Team Chabuk National Desk: દેશમાં ફરી એકવાર મોટી આતંકી ઘટના સામે આવી છે. આતંકીએ AK 47થી બે પોલીસ જવાનો પર ગોળીઓ વરસાવી. જેમાં બંને પોલીસકર્મી શહીદ થયા છે. કાયર આતંકીએ પાછળથી આવીને પોલીસકર્મી પર વાર કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આતંકીનો ચહેરો પણ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે. પાંચ સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે, આતંકી કાળી ચાદર ઓઢીને આવે છે. આ દરમિયાન એક દુકાનમાં પોલીસકર્મી ઉભા છે. આતંકી આવીને પોલીસકર્મીની પીઠમાં જ ફાયરિંગ કરી દે છે. 2 સેકેન્ડ ગોળી ચલાવે છે અને ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટના એટલી ઝડપથી બની જાય છે કે નજીકમાં હાજર લોકો પણ કઈ વિચારી નથી શકતા. લોકો પોતાના જીવ બચાવવા ભાગવા લાગે છે. બીજી તરફ જમીન પર ઢળી પડેલા પોલીસકર્મીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરાયા હતા. કાયર આતંકીએ પીઠ પર ગોળી મારીને દેશના બે પોલીસકર્મીનો જીવ લઈ લીધો. બંને શહીદ જવાનો જમ્મુ-કાશ્મીર પોલીસના છે.
ફાયરિંગની ઘટના બનતા જ સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો છે. આતંકીની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. જો કે, બીજી તરફ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે. આતંકીએ ભરભજારમાં જવાનો પર ગોળી ચલાવવાની હિંમત કરતાં લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે. ફાયરિંગ કરીને આતંકી કઈ દિશામાં ભાગ્યો છે, તેની સાથે અન્ય આતંકીઓ હતા કે કેમ ? તે તમામ દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો ઘટનાને બે આતંકીએ અંજામ આપ્યો છે. ફાયરિંગ કર્યા બાદ બંને આતંકી તાત્કાલિક ફરાર થઈ ગયા હતા.
આ પહેલાં વહેલી સવારે સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. બે અલગ અલગ જગ્યાએ સેનાએ લશ્કરના ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ અથડામણમાં એક SPO શહીદ થયા હતા અને એક જવાન ઘાયલ થયા હતા. હોમહિના ગામમાં આતંકીઓ છુપાયા હોવની માહિતી મળતા સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઘેરાવ થતાની જાણકારી મળતા જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. ત્યારબાદ સેનાએ વળતો જવાબ આપીને ત્રણે આતંકીઓને નર્કમાં બેસેલા તેના આકાઓ પાસે પહોંચાડી દીધા હતા.
તાજેતરમાં જ જમ્મૂ-કાશ્મીરમાં અનેક આતંકી ઘટના સામે આવી ચુકી છે. 17 ફેબ્રુઆરી 2021એ સેનાએ રાજૌરીના મંજાકોટમાં IED બ્લાસ્ટ નિષ્ફળ બનાવ્યો હતો. અહીં આતંકીઓએ લાકડાની પેટીમાં પ્રેશરકૂકરમાં IED ગોઠવ્યું હતું. જો કે, સેનાની સતર્કતાના કારણે આતંકીઓની યોજના પર ઠંડુ પાણી ફેરવાઈ ગયું હતું.
17 ફેબ્રુઆરીએ જ શ્રીનગરના સોનવાર વિસ્તારમાં આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. હુમલાની જવાબદારી જાંબાઝ ફોર્સ જમ્મૂ-કશ્મીરે લીધી હતી.
14 ફેબ્રુઆરી પુલવામા હુમલાની વર્ષીના દિવસે પણ આતંકીઓએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ દિવસે જમ્મૂ બસ સ્ટેન્ડ પરથી 7 કિલો RDX મળ્યું હતું. સેનાએ આ હુમલાને પણ નિષ્ફળ બનાવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ