Homeસાહિત્યખમ્મા, મારા રમેશ પારેખને!

ખમ્મા, મારા રમેશ પારેખને!

Team Chabuk-Literature Desk: જે અન્ય કવિઓ સાથે થાય છે તેવું રમેશ પારેખની સાથે નથી થયું. આ વાતને સંયોગ જ કહી શકાય કે અમરેલીનું છ અક્ષરનું નામ ધરાવતો એક સર્જક, એક કરતા વધારે રચનાઓથી ઓળખાય છે. હમણાં સિગ્નેચર પોઈમ્સ નામનું કવિતાનું પુસ્તક માર્કેટમાં આવ્યું છે. જેમાં કવિઓ, જે તેમની એક માત્ર કવિતાથી ઓળખાતાં હોય અને ખાસ્સા પ્રચલિત પણ એ કવિતાનાં કારણે જ થયા હોય, તેમની તેમાં રચનાઓ છે. દરેક સર્જકની એક કવિતા છે.

ક,ખ,ગ,ઘ…. કરતા કરતા ‘ર’એ સંપાદક પહોંચે તો શ્વાસ રુંધાઈ જાય. કેમ કે રમેશ પારેખની કઈ કવિતા લેવી? આવો જ અકસ્માત રમેશ પારેખની કવિતાનો આસ્વાદ કે અર્થઘટન કરનારાની સાથે પણ બને. એ જે પણ કવિતા લે, ત્યાં ભાગ્યે જ એવું બને કે કોઈ ગુજરાતીએ તેને વાંચી ન હોય, કે કાવ્યપઠન સમારોહમાં તેના બે કાન વચ્ચેથી પસાર ન થઈ હોય. ભાવક પોતાનું ઈન્ટરપ્રીટેશન કરી ચૂક્યો હોય.

એક સંશોધન તો એનું પણ થવું જોઈએ કે આ સર્જક એકધારી આટલી સરસ કવિતાઓ કેવી રીતે લખી શક્યા? આ માણસને આટલી સ્ફુરણા થઈ અને તમામ સ્ફુરણાઓ જડબેસલાક છે. તમારા અંતર મનને વીંધી નાખે. ગુલાબ જેવું આ જીવન છે. તેની એક એક પાંદડીને કાપી ફેંકતા જાઓ અને ગણતા જાઓ કે આ અનુભવ થઈ ગયો, આ અનુભવ થઈ ગયો. ને અડધે રસ્તે હોઈએ તો આપણું આયખું સમાપ્ત થઈ જાય, ગુલાબની અડધી પાંખડીઓ એમની એમ રહી જાય, પણ રમેશ તો એની ગઝલ, ગીત, સોનેટ અને અછાંદસથી સાવ છેલ્લે સુધી પહોંચ્યો છે. જ્યાં સુધી આપણે તો શું રમેશ પછીના કે કેટલાક તો રમેશની સાથે જીવેલા કવિઓ પણ નથી પહોંચી શક્યા.

આપણે વાંચ્યું હશે કે કવિઓ અને લેખકો ક્ષિતિજની વાતો કર્યાં કરે છે. રમેશ એક એવો કવિ છે જે ત્યાં સુધી પહોંચી ગયો. સૂર્યનો પણ તેને આશિર્વાદ છે! તેની કવિતાઓ ન સૂકાતી નદી છે. એ ક્યાં જાય અને ક્યાં ઝરણું બની ફૂટી નીકળે કહેવાય નહીં, એ કોનું જીવન ફેરવી નાખે કહેવાય નહીં, એ કોને કવિ બનાવી દે એ પણ કહેવાય નહીં. આ બધું તો કવિની કૃતિ જેમ સનનન કરીને વહેતું રહે છે.

કિન્નર આચાર્યએ રમેશ પારેખનો સૌથી લાંબો ઈન્ટરવ્યૂ લીધો હોવાનો દાવો કરતી એક મુલાકાત તેમના બ્લોગ પર મૂકી છે. રમેશ પારેખના 60માં જન્મદિવસ નિમિત્તે 60 સવાલો કરવામાં આવ્યા હતા. આટલા સવાલો તો કોઈએ કર્યાં પણ નહીં હોય અને આજે ઓનલાઈનના જમાનામાં રમેશ પારેખની કવિતા સિવાયનું તેમના જીવનને વર્ણવતું કેટલું સાહિત્ય છે? આ મુલાકાતમાં રમેશ પારેખ બરાબરના ઉઘડ્યા. પહેલો પુરસ્કાર પાંચ રૂપિયાથી લઈને પહેલી કવિતા કુમારમાં છપાઈ ત્યાં સુધી. રમેશ પોતાની મસ્તીથી લખે છે. સોનલ એ મનને ગમતી પરિસ્થિતિ છે. એક સવાલનો જવાબ મૂકું છું, ‘ખાસ કોઈ જ નહીં. જીવવાનો શોખ છે. જીવું છું..’

આજે ચારેબાજુ માહિતીનો વિસ્ફોટ થઈ રહ્યો છે. એમાંથી કામની એક ટકા વાત છે, બાકી વાતનું વતેસર છે. વાતનું વતેસર અત્યાર સુધી તો કહેવત તરીકે પોંખાતી હતી હવે એ કોઈ ઘટના બને ત્યારે ખાંડની ઉપર કીડીઓ અને મંકોડા તૂટી પડે એવી તેની સ્થિતિ છે. રમેશ પારેખે શનિવારના રોજ 26-6-1976માં લખેલી અને કવિ શ્રી ચીનુ મોદીને અર્પણ કરેલી તેમની ગઝલ હાથને ચીરો તો ગંગા નીકળેનો પ્રથમ શેર આજે પણ એટલો જ પ્રસ્તુત છે. આપણે હાથની જેમ કોઈ વાતને ચીરીએ છીએ. જ્યાં ત્યાં ને જેવી તેવી વાતોનો ઉકરડો તેના સંલગ્ન ઠાલવીએ છીએ અને પછી ફેક્ટ ચેક થતાં આપણને ખ્યાલ આવે છે કે આ તો ફેક પોસ્ટ નીકળી. અફવા! પછી સુરેશ જોષીની વાર્તા થીગડુંના નાયક ચીરાયુની જેમ કપડું તૂટે છે અને આપણી વાસ્તવિકતા છતી થાય છે. તૂટી ગયાં પછી સંધાતું નથી. એ સંબંધ હોય કે હોય ફેસબુકિયા યુનિવર્સના અજ્ઞાનીઓનો એના માનીતા જ્ઞાનખળ પર વિશ્વાસ!  કવિ આધુનિક છે કે પછી કવિને પૂર્વેથી જ્ઞાન હતું કે આવું કંઈ થવાનું છે?

એનો બીજો શેર પણ હલબલાવી નાખતો છે. બોમ્બની માફક પડે કાયમ સવાર, એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે, હું સીધો ચોથા શેર ઉપર આવું છું. જ્યાં સર્જક આંખોને ખુલ્લી રાખીને ‘ખુલ્લી’ તપાસ કરવાનું કહે છે. એ કહેવા માગે છે કે એમ કંઈ થોડું આંખો મીંચી માની લેવાય. પ્રજ્ઞાચક્ષુ પણ બે વખત પૂછી લે છે કે તમે કોણ ? પણ આપણે સામે હોવા છતાં પૂછી નથી શકતા. ઈતિહાસને ફેરવી નાખવાની અને તોડી મરોડીને રજૂ કરવાની આપણી આ ઓનલાઈન આદત ભવિષ્યમાં ક્યાંક આપણને પાંગળા ન બનાવી દે તો સારું. આ બધું કેટલાયને આંખો હોવા છતાં અંધ બનાવી દે છે.

આવા ને આનાથી પણ ઉત્કૃષ્ટ કેટલાય શેરના કારણે જ કદાચ રમેશ પારેખ જ્યાં સુધી ગુજરાતી ભાષા રહેશે ત્યાં સુધી જીવંત રહેશે. રમેશ જેવા સર્જકો જ ભાષાને જીવાડી જાય છે. કોઈને ગુજરાતી વાંચતો કરી દે છે. એને ભલે ઈંગ્રેજી ભાષા ગમી જાય, પણ પ્રેમમાં પડ્યા પછી પેલી પાણી વગરની માછલીની જેમ તરફડતી લાગણીઓ જ્યાં શોધવાની હોય ત્યાં એને છ અક્ષરના નામની પાસે આવવું પડે. પોતાની પ્રેમિકામાં સોનલને જોવી પડે. ર.પાના શેર યાદ રાખવા પડે. પત્ર તો ખોવાયા પણ મેસેજમાં તેણીને મોકલવા પડે. ખમ્મા, મારા રમેશ પારેખને!

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments