ઝાલાવાડી જલજીરા : મેં 2016માં રિલીઝ થયેલી ગર્લ ઓન ધ ટ્રેન ફિલ્મ નથી જોઈ પણ પરિણીતી ચોપરાના અભિનયથી સજ્જ ગર્લ ઓન ધ ટ્રેન જોયા પછી હું ડંકાની ચોટ પર કહી શકું છું કે, ઓરિજનલ ન જોઈને મેં ઘણું ગુમાવ્યું છે અને આ ફિલ્મ જોઈને મેં મારા પગ પર કુહાડાનો ઘા કર્યો છે.
ગઈકાલ હું સારો અનુભવ કરી રહ્યો હતો અને વિચારતો હતો કે એકાદ ખરાબ અનુભવ થાય તો આપણને જીવનમાં કશુંક શીખવા મળી જાય. ત્યાં મેં ગર્લ ઓન ધ ટ્રેન જોઈ અને મને ખરાબ અનુભવ થયો. આમ તો ટ્રેનમાં આપણને લગલગાટ ખરાબ અનુભવો થતા જ હોય છે.
પરિણીતી ચોપરાના ચહેરા પરના હાવભાવ મોઁઘવારીના કારણે ગરીબ માણસનો ચહેરો થઈ જાય એવા છે. એ સતત રડે છે. જ્યારે જ્યારે રડે છે ત્યારે ત્યારે પૂર્વ પતિના કારણે રડે છે એવું તો મને લાગતું જ નથી. મને લાગે છે ગેસના બાટલાનો ભાવ વધી ગયો એટલે રડે છે. મને લાગે છે પેટ્રોલનો ભાવ વધી ગયો એટલે રડે છે. અને કદાચ આ માટે જ નાયિકા ટ્રેનની સતત મુસાફરી કરી રહી છે!! તેના રડવા પાછળનો ભાવ આપણા હ્રદયનેસ સ્પર્શ નથી કરી જતો.
એ દારૂ પીને જ્યાં ત્યાં રખડ્યા રાખે છે છતાં તેની પોલીસ ખૂનના ગુનામાં ધરપકડ કરે છે. આટલી મૂર્ખ પોલીસ ? જે તેના પર દારૂ પીવાનો એક પણ ગુનો દાખલ નથી કરતી. જો પરિણીતીની ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં ઉતર્યું હોત તો ચોખ્ખુ છે દિગ્દર્શક તેની ખૂનના ગુનામાં બાદમાં પણ પીવાના ગુનામાં પહેલા ધરપકડ કરાવેત.
ફિલ્મે તો શરૂઆતથી જ તેની પકડ ગુમાવી દીધી છે. મહિલા સેન્ટ્રીક ફિલ્મમાં જેટલા પુરુષો અભિનય કરી રહ્યા છે તેને દિગ્દર્શકે બજેટ ઓછું કરવા રાખ્યા કે પછી હીરોઈનો થોડી મજબૂત દેખાય આ માટે રાખ્યા ? એ સમજવું થોડું મુશ્કેલ છે.
ખૂન થાય મહિલાનું. ગુનેગાર ઠેરવાય મહિલા. પોલીસ પણ મહિલા જ છે. બાકીના તમામ પુરુષો શંકાના દાયરામાં છે. આનાથી મોટું મહિલા સશક્તિકરણ શું હોય શકે ? આ મહિનાની 8 માર્ચના રોજ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હોત તોય થોડી વખણાત. એવી રીતે પ્રમોશન પણ કરી શકેત કે મહિલાઓ માટેની ફિલ્મ છે અચૂક જોજો.
ટ્રેનમાં બેઠા બેઠા જ નાયિકાને ઘણા બધા અનુભવો થઈ જાય છે. પણ તેને યાદ તો કશું રહેતું જ નથી. પરિણીતી ચોપરાને ફિલ્મમાં જે બીમારી છે તે બીમારી આપણા નેતાઓને ચૂંટણી જીત્યા પછી લાગી જાય છે. નેતાને પુન:ચૂટણી આવે ત્યારે જનતા યાદ આવે છે તેમ પરિણીતીને પણ યાદ આવી જ જાય છે.
આ સાથે જ ઘરે બેઠા બેઠા મને વધુ એક અનુભવ થયો કે વિદેશમાં ચાલતી ટ્રેનોમાં ભીડ ઓછી હોય છે. એ સ્ટેશને ઓછા સમય માટે ઊભી રહે છે. ત્યાંથી તમે કોઈના ઘરમાં ડોકિયું પણ કરી શકો એટલે કે ઘર ટ્રેનની નજીક હોય છે. છતાં લોકો બહેરા નથી. બહેરા નથી, કારણ કે ટ્રેન ભારતમાં વાગે એટલો જોરથી તો પાવો વગાડતી જ નથી કે હું નિયત સ્થાન પર આવી ગઈ છું!!
મોટાભાગે જગ્યા પણ ખાલી જ હોય છે અને ખાલી જગ્યાઓ હોવા છતાં ઊભેલા લોકો ઝડપથી જઈ બેસી જતા નથી. મગજને થોડો ભાર આપશો તો કેસ એકાદ કલાકમાં તમે જ સોલ્વ કરી નાખશો. પણ તમે જે ધારણા કરી છે એ સાચી છે કે નહિ આ માટે આખી ફિલ્મ જોવી પડે છે અને અંતે તમે સાચા ઠરો છો, એટલે કે સમયનો વેડફાટ કર્યાનું દુ:ખ તમારા ચહેરા ઉપર હશે એવું મને અત્યારથી જ લાગે છે.
આ પ્રકારની ફિલ્મો ચાલતી એટલા માટે નથી કારણ કે આપણે મોટા ગજાનું સસ્પેન્સ થ્રીલર પહેલાથી જોઈને બેઠા છીએ. આપણે પ્રેસ્ટિજ જોઈ છે, આપણે અંધાધુન જોઈ છે, આપણે દૃશ્યમ જોઈ છે. એવામાં ગુજરાતીમાં હવે જેવી થ્રીલર અને સસ્પેન્સ નવલકથાઓ લખાય છે બસ તેવી જ છે ગર્લ ઓન ધ ટ્રેન. આ ફિલ્મ 1980માં બની હોત તો સારું હતું. 2021માં તેની સ્થિતિ કોરોના આવ્યા પછી મલેરિયાની થઈ એવી થઈ ગઈ છે. ફિલ્મ લેખકડે સ્ક્રિનપ્લે 2016ની ફિલ્મ જોતા જોતા લખ્યો છે. એણે નવલકથા વાંચવાની તસુભાર પણ તસ્દી નથી લીધી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત